શાહરુખ ખાન, જુહી ચાવલા અને આદિત્ય પંચોલીને ચમકાવતી આ ફિલ્મનું ગીત મુંબઈમાં શૂટ થયું હતું.
ગીત ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ સીન અને અહમદ ખાન
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર અને કોરિયોગ્રાફર અહમદ ખાને શાહરુખ ખાનની ૧૯૯૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યસ બૉસ’ના ગીત ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ના શૂટિંગ સાથે જોડાયેલો એક મજેદાર કિસ્સો શૅર કર્યો છે. આ કિસ્સાને કારણે આ ગીતનું ‘મન્નત’-કનેક્શન સામે આવ્યું છે.
શાહરુખ ખાન, જુહી ચાવલા અને આદિત્ય પંચોલીને ચમકાવતી આ ફિલ્મનું ગીત મુંબઈમાં શૂટ થયું હતું. આ ફિલ્મના શૂટ સાથે સંકળાયેલો એક કિસ્સો શૅર કરતાં અહમદ ખાને કહ્યું હતું કે ‘હું ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’નું શૂટિંગ કરી રહ્યો હતો. આ ગીત મારી સાથે-સાથે શાહરુખ ખાન, જતિન-લલિત અને તેમની સાથે સંકળાયેલા યુવાનો માટે બહુ મહત્ત્વનું હતું, કારણ કે અમે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અમારી જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાવેદજીએ આ ગીત એક એવા યુવાન માટે લખ્યું છે જે જીવનમાં ઘણું હાંસલ કરવા માગે છે અને પછી કહે છે, બસ ઇતના સા ખ્વાબ હૈ. આ ગીત માટે અમે બૅન્ડ-સ્ટૅન્ડ પર શૂટિંગ કરી રહ્યા હતા અને શાહરુખના અત્યારના ઘર ‘મન્નત’ની બહાર ઊભા હતા. ત્યારે એ ‘મન્નત’ નહોતું. મને હજી યાદ છે કે મેં શાહરુખને શૂટિંગ માટે એક પારસી માણસની ગાડી પર ચડાવી દીધો હતો અને પછી કંઈક ગરબડ થઈ હતી અને એ ઘરના ગાર્ડે અમને આગળ વધવાનું કહ્યું હતું. ત્યારે શાહરુખે મને કહ્યું, શૉટ લેવા માટે આ ઘર ખરીદી લઉં? મેં શાહરુખને કહ્યું હતું કે હા ખરીદી લો... પછી આપણે અહીં સારી રીતે શૂટિંગ કરીશું. આ ઘટનાએ મને સમજાવ્યું કે જ્યારે પણ તમે કંઈ કહો ત્યારે શ્રેષ્ઠ વાત જ કહો, કારણ કે એ વાત ગમે ત્યારે સાચી પડી શકે છે. તમે આ ગીત જુઓ તો એમાં ‘મન્નત’ પણ છે. શાહરુખે ૨૦૦૧માં એ બંગલો ખરીદી લીધો હતો અને એનું નામ ‘મન્નત’ રાખ્યું હતું.’

