લેટેસ્ટ ફિલ્મની સફળતા પછી રણવીર સિંહે ડૉન 3માં કામ કરવાની ના પાડી દીધી
રણવીર સિંહ ‘ધુરંધર’માં
‘ધુરંધર’ની ધમાકેદાર સફળતા વચ્ચે રણવીર સિંહે હવે ‘ડૉન 3’માં કામ કરવાની ના પાડી દીધી હોવાના રિપોર્ટ છે. હકીકતમાં ‘ધુરંધર’ રિલીઝ થયા બાદ તરત જ રણવીર ‘ડૉન 3’ની તૈયારી શરૂ કરવાનો હતો, પણ હવે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે અને હવે તે ‘પ્રલય’ નામની ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આ સ્થિતિમાં ફરહાને હવે ‘ડૉન 3’ માટે નવા લીડ ઍક્ટરની શોધ કરવી પડશે.
મળતી માહિતી પ્રમાણે ‘ધુરંધર’ની સફળતા બાદ રણવીર હવે તેણે આગળ કઈ ફિલ્મો કરવી છે એ મામલે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. તે હવે સંજય લીલા ભણસાલી, લોકેશ કનગરાજ અને ઍટલી જેવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવા ઇચ્છે છે. રણવીરની નજીકની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘રણવીર સતત ગૅન્ગસ્ટર ફિલ્મોમાં સ્ક્રીન પર દેખાવા નથી માગતો. હવે જ્યારે ‘ધુરંધર’ પહેલેથી જ આ જૉન્રમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે ત્યારે હવે રણવીર અલગ પ્રકારની ફિલ્મ કરવા માગે છે. આ કારણે જ રણવીરે હવે જય મહેતાની ફિલ્મ ‘પ્રલય’નું શૂટિંગ પહેલાં શરૂ કરવા માટે કહ્યું છે. રણવીર આ પ્રોજેક્ટને શક્ય એટલો વહેલો પૂરો કરવા માગે છે.’


