ઍક્ટર સયાજી શિંદેના મહત્ત્વાકાંક્ષી વૃક્ષારોપણ પ્રોજેક્ટને ફટકો : વર્ષોની મહેનતથી ઉજ્જડ પર્વતને લીલોછમ કર્યો હતો
આ વિસ્તારમાં દુર્લભ જાતિની વનસ્પતિ અને ઔષધીય છોડ પણ હતાં જે બળીને ખાખ થઈ ગયાં હોવાનો પણ ડર છે
બીડ શહેર નજીક ઍક્ટર સયાજી શિંદેના સહ્યાદ્રિ દેવરાઈ પ્રોજેક્ટમાં ગઈ કાલે રાતે ૯ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આ આગમાં પર્વત પરનાં હજારો નાનાં-મોટાં વૃક્ષો બળીને ખાખ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું.
આગના કારણની તપાસ શરૂ
આગની માહિતી મળતાં જ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. વ્યાપક થઈ રહેલી આગને ઓલવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પણ આગ ઓલવવાની કામગીરીમાં ફાયર-બ્રિગેડ સાથે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી અને સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યો છે કે આ આગ કુદરતી કારણોસર લાગી હતી કે કોઈએ જાણીજોઈને લગાડી હતી.
ADVERTISEMENT
વર્ષોની મહેનત બળીને ખાખ
૨૦૧૬-’૧૭માં સયાજી શિંદેએ બીડના આ ઉજ્જડ પર્વત પર વૃક્ષારોપણ માટેનો પ્રોજેક્ટ સહ્યાદ્રિ દેવરાઈ અમલમાં મૂક્યો હતો. અહીં હજારો વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં અને એનું જતન કરવામાં આવ્યું હતું. ધીમે-ધીમે આ પર્વત લીલોછમ બની ગયો હતો. આ વિસ્તારમાં દુર્લભ જાતિની વનસ્પતિ અને ઔષધીય છોડ પણ હતાં જે બળીને ખાખ થઈ ગયાં હોવાનો પણ ડર છે. જોકે અચાનક લાગેલી આગને કારણે એ મહેનત વ્યર્થ જવાની આશંકા છે.


