અત્યારે એકદમ અનફિટ હોવા છતાં આમિર ખાન કહે છે...
આમિર ખાન, અલી ફઝલ
આમિર ખાનની ૧૪ માર્ચે ૬૦મી વર્ષગાંઠ છે. આ વયે પણ આમિરે હાલમાં ઍક્ટર અલી ફઝલ સાથે પિકલબૉલની રમત પર હાથ અજમાવ્યો હતો. લીગ મૅચમાં ભાગ લીધો હતો. આ ગેમ પછી આમિરે મીડિયા સાથે વાત કરી હતી. એ વાતચીત દરમ્યાન તેણે પોતાની ફિટનેસની ચર્ચા કરી હતી. એ પહેલાં દીકરા જુનૈદની ફિલ્મ ‘લવયાપા’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં આમિરે મજાકમાં કહ્યું હતું કે ‘માર્ચ મે મૈં સઠિયાનેવાલા હૂં.’
આમિરે આ મૅચમાં સારો પર્ફોર્મન્સ કર્યો હતો. એ સમયે આમિરને સવાલ કરવામાં આવ્યો કે તું આટલી વયે પણ ફિટનેસ કઈ રીતે જાળવી શક્યો છે? આમિરે આ સવાલને હસી નાખ્યો હતો, પણ જવાબ આપતાં કહ્યું હતું કે અત્યારે તો હું એકદમ અનફિટ છું અને તમે ઇચ્છો તો એનું રહસ્ય હું તમને કહી શકું છું. એ પછી તેણે આ ગેમ રમવાનો પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘અમને આ મૅચમાં દુનિયાના જાણીતા ખેલાડીઓ સાથે રમવાની બહુ મજા પડી. અમે ગેમનો પૂરેપૂરો આનંદ માણ્યો.’
ADVERTISEMENT
આ વાતચીત દરમ્યાન આમિરને સવાલ કરવામાં આવ્યો હતો કે જે ઉંમરે બધા આરામ કરવાનું પસંદ કરે છે ત્યારે તું શું કામ સ્પોર્ટ્સમાં રસ લઈ રહ્યો છે? એ સવાલનો જવાબ આપતાં આમિરે કહ્યું કે ‘હું તો મારી ઉંમર ભૂલી ગયો હતો અને તમે મને યાદ અપાવી દીધું. હું તો મારી જાતને ૧૮ વર્ષનો જ સમજું છું. ઉંમર એ માત્ર એક નંબર છે અને મારા માટે એ નંબર ૧૮ છે. મને જીતવાનું બહુ ગમે છે.’
આમિરે વચ્ચે થોડા સમય ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને હવે તે પોતાની નેક્સ્ટ મૂવી ‘સિતારે ઝમીન પર’માં કામ કરી રહ્યો છે. એ સિવાય તેના બૅનર આમિર ખાન પ્રોડક્શન્સના નેજા હેઠળ ઘણી ફિલ્મો બની રહી છે.

