ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન બાદ લવ જેહાદના આરોપોને લઈને આમિર ખાને પ્રથમ વખત મૌન તોડ્યું.. તેમણે કહ્યું કે તેમના પરિવારમાં અલગ-અલગ ધર્મમાં લગ્ન થયા છે, પરંતુ ક્યારેય ધર્મ પરિવર્તનની વાત થઈ નથી. સાથે જ તેમણે પોતાના પરિવાર વિશે પણ વાત કરી.
બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને તેની પત્ની ગૌરી સ્પ્રેટ
બોલિવૂડ અભિનેતા આમિર ખાન ફરી એક વાર પોતાના જીવનને લઈને વિવાદોમાં ફસાઈ ગયા છે. તેમણે 5 જુલાઈએ પોતાની પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા હતો. લગ્ન બાદ કેટલાક નેતાઓએ અને ધાર્મિક સંગઠનના સભ્યોએ એનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ આ લગ્નને “લવ જેહાદ” સાથે પણ જોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મંગળવારે મુસ્લિમ પર્સનલ દારુલ ઇફ્તાના શાહી ચીફ મુફ્તિ મૌલાના ઇબ્રાહિમ હુસૈને પણ આમિરના લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આમિર ખાન સામે ફતવો જાહેર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે આમિર ખાને પણ આ મુદ્દે પ્રથમ વખત પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
અમારા પરિવારમાં ક્યારેય ધર્મ બદલવાનો પ્રશ્ન આવ્યો નથી: આમિર ખાન
ADVERTISEMENT
એક ઇન્ટરવ્યૂ દરમિયાન આમિર ખાને આ સમગ્ર વિવાદ પર ખુલ્લેઆમ પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવારમાં અલગ-અલગ ધર્મમાં લગ્ન થયા છે. પરંતુ આવા કોઈપણ લગ્નમાં ક્યારેય ધર્મ પરિવર્તનની વાત થઈ નથી. આ ઇન્ટરવ્યૂમાં આમિરે `લવ જેહાદ`ના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું કે તેમનો પરિવાર હંમેશાં ખુલ્લા વિચારો ધરાવતો રહ્યો છે. તેમણે જણાવ્યું કે તેમની બંને બહેનોએ હિન્દુ પરિવારમાં લગ્ન કર્યા છે. તેમની દીકરીના લગ્ન પણ હિન્દુ યુવક સાથે થયા છે. આ ઉપરાંત તેમના કઝિન મન્સૂરે પણ એક ખ્રિસ્તી યુવતી સાથે લગ્ન કર્યા છે. આમિરે કહ્યું કે, તેમના પરિવારમાં હંમેશાં એકબીજાના ધર્મ અને માન્યતાઓનું સન્માન કરવામાં આવ્યો છે અને ક્યારેય કોઈ પર ધર્મ બદલવાનું દબાણ કરવામાં આવ્યું નથી.
આમિર ખાને આગળ જણાવ્યું કે, તેમની કોઈપણ પત્નીએ લગ્ન માટે પોતાનો ધર્મ બદલ્યો નથી. તેમણે કહ્યું કે ગૌરી સ્પ્રેટ, કિરણ રાવ અને રીના દત્તામાંથી કોઈએ પણ ધર્મ પરિવર્તન કર્યું નથી. આમિરના જણાવ્યા મુજબ, તેમના તમામ લગ્ન સિવિલ મેરેજ હેઠળ થયા હતા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ગૌરી સ્પ્રેટ હિન્દુ નથી, પરંતુ ખ્રિસ્તી છે. જોકે તેમણે ઉમેર્યું કે ગૌરી ધાર્મિક રીતે ખાસ પ્રેક્ટિસ કરતી ખ્રિસ્તી નથી. આમિરે અંતમાં કહ્યું કે સમય સાથે તેમનું જીવન વધુ રસપ્રદ અને ખુશહાલ બનતું જઈ રહ્યું છે.
આમિર ખાનનું અંગત અને લગ્ન જીવન
આમિર ખાને પોતાના જીવનમાં અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે. સૌપ્રથમ તેમણે વર્ષ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. બંનેને જુનૈદ ખાન અને ઈરા ખાન એમ બે સંતાનો છે. વર્ષ 2002માં આમિર અને રીના અલગ થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2005માં આમિરે ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા. આ દંપતીને સરોગસી દ્વારા આઝાદ રાવ ખાન નામનો પુત્ર થયો. વર્ષ 2021માં આમિર અને કિરણ રાવે પરસ્પર સહમતીથી અલગ થવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે પણ બંને પોતાના પુત્રના ઉછેર માટે સાથે કામ કરે છે અને સારા મિત્રો છે. ત્યારબાદ વર્ષ 2026માં આમિરે ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા. ગૌરી સ્પ્રેટ બેંગલુરુની રહેવાસી છે અને લાંબા સમયથી આમિરની મિત્ર રહી ચૂકી છે.
