Mumbai: કોસ્ટલ રોડ ટનલની અંદર ચાલુ કારમાં ભીષણ આગ ફાટી નીકળી, વાહનચાલકોમાં ગભરાટ અને દોડધામ, કારમાં આગ લાગવાની ઘટનાના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર થયા છે વાયરલ; આગની આ દુર્ઘટનામાં જાનહાનિ ન થઈ હોવાના અહેવાલ છે
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
મુંબઈ (Mumbai)માં બુધવારે બપોરે હાજી અલી (Haji Ali)થી વરલી (Worli) તરફ જતા માર્ગ પર કોસ્ટલ રોડ ટનલ (Coastal Road Tunnel)ની અંદર એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે ટનલની અંદર હાજર વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
કોસ્ટલ રોડ ટનલની અંદર કારમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો
ADVERTISEMENT
બુધવારે બપોરે હાજી અલીથી વરલી તરફ જતા માર્ગ પર કોસ્ટલ રોડ ટનલની અંદર એક ચાલુ કારમાં આગ ફાટી નીકળી હતી. વિવિધ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક આપત્તિ વ્યવસ્થાપન કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના અંગે બપોરે અંદાજે ૧૨:૨૫ વાગ્યે મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)ના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ (Mumbai Polcie) અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે આગ ઓલવી દેવામાં આવી છે અને વાહનવ્યવહાર (Mumbai Traffic) પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે. તેમણે ઉમેર્યું કે, ‘આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ છે અને ઉત્તર તરફ જતો વાહનવ્યવહાર શરૂ કરી દેવાયો છે. આગામી ૧૦ મિનિટમાં દક્ષિણ તરફ જતા માર્ગની એક લેન પણ ખોલી દેવામાં આવશે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ટૂંક સમયમાં ટ્રાફિક સામાન્ય થઈ જશે.’
View this post on Instagram
પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ગભરાટ અને દોડધામની સ્થિતિ
ટનલની અંદર લાગેલી આગને કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, જેથી ઘણા વાહનચાલકો પોતાના વાહનો ત્યાં જ છોડીને નજીકના બહાર નીકળવાના માર્ગ તરફ ભાગ્યા હતા. આ લોકોમાં ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન (Federation of Retail Traders Welfare Association - FRTWA)ના પ્રમુખ વિરેન શાહ (Viren Shah) પણ સામેલ હતા, જેમણે આ ઘટનાને તેમના જીવનના "સૌથી ભયાનક અનુભવોમાંનો એક" ગણાવ્યો હતો.
ઘટનાને યાદ કરતાં વિરેન શાહે જણાવ્યું હતું કે, તેઓ વરલીના એનએસસીઆઈ (NSCI)થી કોસ્ટલ રોડ ટનલ થઈને મરીન ડ્રાઈવ (Marine Drive) ખાતેની પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે થોડે દૂર આગળ એક વાહનને આગની લપેટમાં આવેલું જોયું. તેમણે કહ્યું કે, ‘મેં અચાનક ટનલની અંદર આગની જ્વાળાઓ ફેલાતી જોઈ અને સેકન્ડોમાં જ ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો. હું કંઈ પ્રતિક્રિયા આપું તે પહેલાં જ લોકો પોતાની કાર છોડીને ટનલના વરલી તરફના છેડા તરફ પાછા દોડવા લાગ્યા. ત્યાં બૂમાબૂમ, ચીસાચીસ અને સંપૂર્ણ અરાજકતાનો માહોલ હતો.’
પોતાના જીવના જોખમને ટાળવા માટે શાહ પણ પોતાની કાર રસ્તા પર જ છોડીને લગભગ એક કિલોમીટર સુધી દોડ્યા હતા અને ઈમરજન્સી એક્ઝિટ સુધી પહોંચીને આખરે સુરક્ષિત રીતે પોતાની ઓફિસે પહોંચ્યા હતા. તેમણે ઉમેર્યું કે, ‘આ આખો અનુભવ હોલીવુડની કોઈ આપત્તિ પર આધારિત ફિલ્મ જેવો લાગતો હતો. સામે આગની જ્વાળાઓ જોવી અને સેંકડો લોકોને ડરમાં ભાગતા જોવા એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં.’ જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાથી તેમણે રાહત વ્યક્ત કરી હતી.
ઘટના બાદ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી
આ ઘટના બાદ વિરેન શાહે રોડ ટનલની અંદર આવી કટોકટીની સ્થિતિ માટેની પૂર્વ-તૈયારીઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આશંકા વ્યક્ત કરી કે, શું મુસાફરો કટોકટીના નિકાસ માર્ગો (ઇમરજન્સી એક્ઝિટ)ની સ્થિતિથી પૂરતા પ્રમાણમાં વાકેફ છે, શું નિકાસ માર્ગો પર યોગ્ય સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે અને શું સામાન્ય લોકોને આગ કે ધુમાડા જેવી કટોકટીની સ્થિતિમાં કયા સુરક્ષા નિયમોનું પાલન કરવું તેની સાચી માહિતી છે? તેમણે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)ને ટનલની સુરક્ષા વધુ મજબૂત કરવા અપીલ કરી હતી, જેમાં ટનલની અંદર વધુ સ્પષ્ટ ઈમરજન્સી સંકેતો લગાવવા, લોકોને બહાર કાઢવાની વ્યવસ્થા સુધારવી, જાહેર જાગૃતિ વધારવી અને વાહનચાલકો આવી કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે જાણી શકે તે માટે સમયાંતરે આપત્તિ વ્યવસ્થાપન અભિયાન ચલાવવાની ભલામણ કરી હતી.
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
અત્યાર સુધી આ ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી, તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આગ લાગ્યા બાદ વાહનવ્યવહાર ખોરવાયો
ટનલની અંદર વાહનમાં લાગેલી આગને પગલે સત્તાવાળાઓએ મુંબઈ કોસ્ટલ રોડના અસરગ્રસ્ત ભાગને અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે, જેના કારણે દક્ષિણ મુંબઈમાં મોટા પાયે વાહનવ્યવહાર ખોરવાયો છે. આ માર્ગ બંધ થવાના કારણે કેટલાક મુખ્ય રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેના લીધે મરીન ડ્રાઈવ, નરીમાન પોઈન્ટ, ચર્ચગેટ, મરીન લાઈન્સ, પી ડી`મેલો રોડ, પેડર રોડ, હાજી અલી અને વરલીથી પસાર થતા મુસાફરોને ભારે વિલંબનો સામનો કરવો પડી શકે છે.
Traffic on Coastal Tunnel North Bound has been diverted to N.S. Road -Girgaon Chowpatty.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 15, 2026
વાહનચાલકોને ધીમી ગતિએ ચાલતા ટ્રાફિક માટે તૈયાર રહેવા અને જ્યાં સુધી ટનલમાં કામગીરી સામાન્ય ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.
