પાકિસ્તાનની આવી શરતને લીધે આમિર ખાને ત્યાં દંગલને રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો હતો
આમિર ખાન
આમિર ખાન ૨૦ જૂને રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં ત્રણ વર્ષ બાદ અભિનયમાં પાછો ફરી રહ્યો છે અને એટલે તેના ફૅન્સ પણ ખૂબ ઉત્સાહિત છે. આમિરની છેલ્લી હિટ ફિલ્મ ૨૦૧૬માં આવેલી ‘દંગલ’ હતી. આ બ્લૉકબસ્ટર ફિલ્મે કમાણીના ઘણા રેકૉર્ડ બનાવ્યા હતા, જેમાંથી કેટલાક હજી સુધી તૂટ્યા નથી. આ ફિલ્મ ચીનમાં પણ રિલીઝ થઈ હતી. વિશ્વભરમાં એની પ્રશંસા થઈ, પરંતુ એ ક્યારેય પાકિસ્તાનમાં રિલીઝ ન થઈ અને એ પાછળનું કારણ હવે આમિર ખાને જણાવ્યું છે.
પાકિસ્તાનના સેન્સર બોર્ડે તેને ‘દંગલ’માંથી ભારતનો રાષ્ટ્રધ્વજ-તિરંગો અને ભારતનું રાષ્ટ્રગીત હટાવવા કહ્યું હતું. ‘જ્યારે ‘દંગલ’ રિલીઝ થઈ ત્યારે પ્રોડ્યુસર ડિઝનીએ આમિરને કહ્યું કે ‘પાકિસ્તાનના સેન્સર બોર્ડ તરફથી પ્રતિક્રિયા મળી છે. તેમણે કહ્યું છે કે ફિલ્મના અંતમાં જ્યારે ગીતા ફોગાટ જીતે છે ત્યારે આપણો તિરંગો ઊંચો થાય છે અને આપણું રાષ્ટ્રગીત વાગે છે. જો ફિલ્મમાં આ બે વસ્તુઓ હટાવી દેવામાં આવશે તો જ પાકિસ્તાન એને પાસ કરશે.’
ADVERTISEMENT
આ સાંભળીને આમિરે એક સેકન્ડમાં જ ડિઝનીવાળાને કહ્યું કે આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ડિઝનીએ કહ્યું કે આનાથી ઘણું નુકસાન થશે અને બિઝનેસ પર અસર પડશે. આમિરે જવાબમાં કહ્યું કે રાષ્ટ્રધ્વજ અને
રાષ્ટ્રગીત હટાવીને મને ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં રસ નથી, એ ધંધો મને જોઈએ જ નહીં.

