શ્રેય પત્ની પ્રીતિ કિશન, બાળકો અને મહાદેવના આશીર્વાદને આપ્યું
રવિ કિશનને પહેલી વખત ફિલ્મફેર અવૉર્ડ મળ્યો
ગોરખપુરના સંસદસભ્ય અને ઍક્ટર રવિ કિશનને ફિલ્મ ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો છે. શનિવારે યોજાયેલા ફંક્શનમાં વિજેતા તરીકે તેના નામની જાહેરાત થતાં રવિ કિશન ઇમોશનલ થઈ ગયો હતો અને સ્ટેજ પર અવૉર્ડ સ્વીકારતી વખતે તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં. આ અવૉર્ડ લેતી વખતે રવિ કિશને કહ્યું કે ‘મેં ૩૪ વર્ષથી આની રાહ જોઈ અને ૭૫૦ ફિલ્મો કરી છે, પરંતુ મને ક્યારેય ફિલ્મફેરના સ્ટેજ પર આવવાની તક નહોતી મળી. મેં વિચાર્યું હતું કે જે દિવસે મારું નામ આવશે ત્યારે હું ત્યાં જઈશ. મારી પત્ની પ્રીતિ અને મારાં બાળકોના સાથનો આભાર અને મહાદેવના આશીર્વાદને કારણે હું અહીં પહોંચી શક્યો છું. ફિલ્મફેરનો આભાર.’
રવિ કિશનને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર (મેલ) કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું હતું. આ કૅટેગરીમાં પરેશ રાવલ, પંકજ ત્રિપાઠી, આર. માધવન જેવા સ્ટાર્સને પણ નૉમિનેશન મળ્યું હતું, પરંતુ રવિ કિશને બાજી મારી લીધી હતી.


