ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > કૉલમ > > > કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન

10 July, 2022 12:18 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આપણે ફળની આશા રાખીએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે ફળ તેને જ મળે જેણે કૅલિબર કરતાં પણ બેસ્ટ રીતે કામ કર્યું હોય

પ્રતીકાત્મક તસવીર આરંભ હૈ પ્રચંડ

પ્રતીકાત્મક તસવીર

કામ કરવું એ આપણા હાથમાં છે એટલે પરિણામની દિશામાં જવાને બદલે કામની દિશામાં આગળ વધવું જોઈએ. ફળની આશાએ કામ કરનારાઓને હંમેશાં ફળ ઓછું કે મોડું મળ્યું એવું જ લાગતું રહે છે, પણ જો ફળની આશા રાખવામાં ન આવી હોય અને ફળ મળે તો એનો આનંદ બેવડાઈ જાય છે.

કેટલી સરસ વાત અને કેટલો ઉમદા મેસેજ. 
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।
તારે માત્ર કર્મ કરવાનું છે, એનાં ફળની અપેક્ષા તારે નથી રાખવાની.

અપેક્ષા પણ નથી રાખવાની અને ફળ મળશે કે નહીં એની ચિંતા પણ તારે નથી કરવાની. કર્મ તારું કામ છે, તારી ફરજ છે, તારી ડ્યુટી છે. તું એ કર. ફળ આપવું, કેવું અને શું ફળ આપવું એ જોવાની જવાબદારી મારી છે. હું એ કરીશ, તું તારું કર્મ કર. કર્મ કરતી વખતે તું ફળની અપેક્ષા સાથે એ કર્મ કરતો હશે તો કદાચ તારું ધાર્યું ફળ તને નહીં મળે.


શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને આ વાત કહી છે અને આ વાત મને સૌથી વિશેષ ગમે છે. માણસને પોતાનું કામ હંમેશાં શ્રેષ્ઠ જ લાગતું હોય, પણ જો તે અપેક્ષા વિના જ પોતાનું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરે તો ધારણા કરતાં શ્રેષ્ઠ અને ઉત્તમ પરિણામ તેને મળે. શું કામ? એટલા માટે કે આપવાની એ જવાબદારી ઉપરવાળાની છે. ભગવાન કહે છે કે એ મારે આપવાનું છે એટલે તું એક જ કામ કર, તારું કામ કર અને તારા કામને તું વળગી રહે. તું તારી ફરજમાં જો નિષ્ઠાવાન હશે તો હું મારી જવાબદારીમાં એટલો જ પ્રામાણિક રહીશ.

મને શ્રીમદ ભગવદ્ગીતા અને મહાદેવનું હંમેશાં આકર્ષણ રહ્યું છે. મહાદેવ વિશે ફરી ક્યારેક વાત કરીશું, પણ અત્યારે શ્રીમદ ભગવદ્ગીતાની વાત કરીએ. એના આકર્ષણ માટે ચોક્કસ કારણો છે. જગતનું સૌથી પહેલું મોટિવેશન જો કોઈએ આપ્યું હોય તો એ કૃષ્ણ હતા. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન નાસીપાસ થઈને હથિયાર મૂકી દે છે ત્યારે કૃષ્ણ તેને સમજાવે છે અને હથિયાર સાથે ફરીથી મેદાનમાં ઉતારે છે. આ શું હતું? આજે જ્યારે તમે લોકો નાસીપાસ થઈને કામ કરવાનું પડતું મૂકી દો છો અને એ પછી મોટિવેશનલ ગુરુ તમને નવેસરથી જોમ અને જુસ્સો આપે છે એ આ જ તો છે. કૃષ્ણ ભગવાન હતા અને તેમનું મોટિવેશન જગતઆખાને કામ લાગે એવું હતું એટલે એનો ગ્રંથ બન્યો. દુનિયાનો પહેલો મોટિવેશનલ પ્રોગ્રામ હતો એટલે એની નોંધ સૌકોઈએ લીધી અને સૌથી મોટી વાત, જગતનું શ્રેષ્ઠ મોટિવેશન હતું એટલે એ કાયમ યાદ રહી ગયું. હું આજે પણ શ્રીમદ ભગવદ્ગીતા વાંચું છું અને એનું કારણ પણ છે.


એ આજે પણ એટલી રિલેટિવ છે. એટલી જ રિલેટિવ જેટલી હજારો વર્ષો પહેલાં હતી. આજે પણ ભગવદ્ગીતા તમે વાંચો તો એમાંથી તમને તમારી તકલીફોનો હલ મળી જાય. તમારો જ શું કામ, દુનિયાની મોટામાં મોટી કોઈ પણ તકલીફનો, પ્રશ્નનો જવાબ પણ તમને આ મહાન ગ્રંથમાંથી મળી જાય. આજે આપણે કોઈ ફિલોસૉફિકલ વાત નથી કરવાની. લેખની શરૂઆતમાં જે શ્લોક કહ્યો એ મને ઘણું બધું શીખવી ગયો છે. આજે એની જ વાતો કરવાની છે, પણ એ વાતો કરીશું મારી સ્ટાઇલથી.

આપણે દરેક કામને હાથમાં લઈએ ત્યારે એક ગોલ નક્કી કરીએ કે આ વખતે હું આ કામ કરું છું અને એનું રિઝલ્ટ મને આટલા સમયમાં આ પ્રકારનું મળવું જોઈએ. બરાબરને? જવાબ હા જ છે એની મને ખબર છે એટલે આપણે હવે આગળ વધીએ.

આવી વિચારધારા સાથે તમે કામની શરૂઆત કરો છો અને સમય જતાં તમે જે ધાર્યું હોય એ પરિણામ મેળવી શકતા નથી કે એ પરિણામ આવતું નથી એટલે તમે હતાશ થઈ જાઓ છો. હવે આ વાત સાથે બીજી કન્ડિશન પણ ચેક કરીએ. ધારો કે એક મહિનો તમે જે કામ કર્યું એ કોઈ પણ જાતના આઉટપુટની ઇચ્છા રાખ્યા વગર પૂરી મહેનત અને ધગશથી કર્યું અને સાથોસાથ જ્યારે એનું ફળ મળ્યું એટલે કે આઉટપુટ આવ્યું એ તમે ધાર્યું હતું એના કરતાં હજાર ગણું સારું આવ્યું. આવું પણ બન્યું જ હોય જીવનમાં. મતલબ કે કોઈ પણ કામ તમે કરતા હો ત્યારે આઉટપુટ શું આવશે એ ક્યારેય તમારા હાથમાં નથી હોતું. તમારા હાથમાં બધી તૈયારી છે, તમારા હાથમાં બધી મહેનત છે અને તમારા હાથમાં કામ કરવાનું છે, પણ એ કામમાંથી શું બહાર આવશે એ તો નક્કી નથી, નથી અને નથી જ. તમે દરેક વખતે તૈયારી કરો ત્યારે એ નક્કી હોય છે કે એનું પરિણામ આવશે, પણ તમારા ધાર્યા પ્રમાણેનું આવશે એ નક્કી નથી. જે વિષયની એક્ઝામ તૈયારી કર્યા વગર જ આપી હોય એમાં ડિસ્ટિંક્શન આવે અને જેની તૈયારી આખું વર્ષ કરી હોય એમાં ૩૫ જ માર્ક આવે એવું પણ બને. આ જ વાત કામના દૃષ્ટિકોણ સાથે પણ લાગુ પડે. જે કામ કરવા માટે તમે હંમેશ માટે તૈયાર હો અને કરવા જાઓ ત્યારે જ કંઈક એવું બને કે તમે એ કામ ન કરી શકો. આવું બધાના જીવનમાં બને છે, જેનો જવાબ આ શ્લોકમાં ભગવાન

શ્રીકૃષ્ણએ આપ્યો છે...
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।
કામ કરવું એ આપણા હાથમાં છે અને એ જ માત્ર આપણા હાથમાં છે એટલે પરિણામની દિશામાં જવાને બદલે કામની દિશામાં આગળ વધવું જોઈએ. ફળની આશાએ કામ કરનારાઓને હંમેશાં ફળ ઓછું કે મોડું મળ્યું એવું જ લાગતું રહે છે, પણ જો ફળની આશા રાખવામાં ન આવી હોય અને ફળ મળે તો એનો આનંદ બેવડાઈ જાય. સીધી વાત છે, તમે નોકરીએ જઈને પહેલા જ દિવસે એવું કહો કે મને સૅલેરી આપો, તો કોઈ આપે?

ના. ન આપે. ઊલટું કંપની કાઢી મૂકે. 
એનો સીધો અર્થ એટલો જ કે મહેનત કરવાનું તમારા હાથમાં છે એટલે મહેનત કરો અને એ કર્યા પછી જે ફળ મળે એનો સ્વીકાર કરો. ફળ ક્યારેય નાનું નથી હોતું, પણ ફળની અપેક્ષા તેને મળતા ફળને નાનું બનાવી દે છે જેને લીધે અપેક્ષા સાથે કામ થાય ત્યારે જેકોઈ રિઝલ્ટ મળે એ ઓછું જ લાગે. મેં અનેક એવા લોકો જોયા છે જેઓ કામ કરે છે અને પછી ધાર્યું પરિણામ ન મળે એટલે કામ છોડી દે. અરે યાર, પરિણામ તમે કેવી રીતે નક્કી કરી શકો. તમારા કામના જજ તમે નથી. બીજાના કામના તમે જજ હોઈ શકો, પણ તમે તમારા કામના જજ બનો તો એ નહીં ચાલે. તમારે પરિણામની અપેક્ષા છોડીને જ વિચારવું પડશે અને સામેની વ્યક્તિ પર પૂરો ભરોસો રાખવો પડશે.

આ જ વાત ભગવદ્ગીતાના શ્લોકમાં કહી છે. જો નિષ્ઠા, ધગશ અને મહેનતથી કામ કરશો તો એનું ફળ તમને મળશે અને જે મળશે એ તમારી ધારણા કરતાં સારું જ હોવાનું, પણ તમે કામની શરૂઆતથી જ જો માત્ર ધાર્યું ફળ મેળવવાની અપેક્ષા રાખશો તો ક્યારેય એ ધાર્યું ફળ તમને મળવાનું નથી. મળશે, પણ એ ફળ તમને નાનું કે ઓછું જ લાગશે. કામ કરો અને જે કામ કરો એ પ્રામાણિકતાથી કરો. પ્લાનિંગ, પ્રોપર હોમવર્ક અને ડેડિકેશન એમાં હોવાં જોઈએ. પર્ફેક્શન સાથેના કામ પહેલાં જો તમને બૉસ સૅલેરી પણ ન આપતા હોય તો ઉપર બેઠો છે એ હજાર હાથવાળો બૉસ તમને સૅલેરી કેવી રીતે આપે? માર્કેટિંગ સાથે જોડાયેલા સૌને ખબર છે કે આપવામાં આવેલા ટાર્ગેટ કરતાં તમારે દસ ગણું વધારે અચીવ કરવું પડે તો જ સૅલેરી અને ઇન્સેન્ટિવ આવે. જો એ બધું જોઈતું હોય તો જાતને સક્ષમ બનાવવી પડે. ઈશ્વર તો તમને અમૃત જ આપવા માગે છે, પણ તમારે તમારી પાત્રતા એ અમૃતલાયક બનાવવાની છે અને જો એ બનશે તો જ તમે તમારી જાતની સાચી મુલવણી કરી એવું કહી શકશો.

તો અપેક્ષા પડતી મૂકો અને પૂરા ખંતથી કામમાં મચી પડો. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

10 July, 2022 12:18 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK