ઇન્ડિયન ઍન્ટિક્વરીનાં બારણાં એક વાર ખૂલી ગયાં એટલે પૂતળીબાઈની કલમ અંગ્રેજીમાં દોડવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી ઍન્ડ ગુજરાતી હિન્દુ ન્યુપિટલ સૉન્ગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયા.
પૂતળીબાઈ કાબરાજી, પ્રેમાનંદના આખ્યાન ‘મામેરું’નો પૂતળીબાઈએ કરેલો અંગ્રેજી અનુવાદ
સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની લાખ-લાખ વધાઈ. અને એ દિવસના ઉજવણાના ભાગરૂપે આજે વાત માંડીએ આપણી ભાષાનાં સૌથી પહેલાં સ્ત્રી પત્રકાર, તંત્રી, અનુવાદક એવાં પૂતળીબાઈની. અસલ નામ તે પૂતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડિયા. અદરાયા પછી બન્યાં પૂતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પુણેમાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની માઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે એમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પુણેમાં પૂતળીબાઈનો જન્મ.
જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણીજોઈને ગેરહાજર. કેમ? કારણ અંગ્રેજીની આવડત વિશે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિશે નહીં! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’ માસિકમાં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. ત્યાં સુધી નામ ભલે ‘સ્ત્રીબોધ’ હતું, પણ એમાં લખનારા હતા બધા પુરુષો. પછી ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’ પુસ્તકનો બીજો ભાગ. મહીપતરામ રૂપરામ નીલકંઠ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ મળ્યું. એ જમાનામાં એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મૅગેઝિન’માં છપાયા. સર રિચર્ડ કર્નાક ટેમ્પલ, બીજા બૅરોનેટે (૧૮૫૦-૧૯૩૧) વાંચ્યા. ડૉ. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલા ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’નામના પ્રતિષ્ઠિત સામયિકના ડૉ. જે. એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી.
ADVERTISEMENT
ટેમ્પલને પૂતળીબાઈને મળવાની ઇચ્છા થઈ. સર જ્યૉર્જ કૉટન (૧૮૪૨-૧૯૦૫)ની મદદથી ધનજીભાઈના બંગલે જઈ મળ્યા. આ કૉટનસાહેબ ૧૮૬૩માં ઈસ્ટ ઇન્ડિયા કૉટન એજન્સીના મૅનેજર તરીકે મુંબઈ આવેલા. પછી મિત્ર જેમ્સ ગ્રીવ્ઝ સાથે મળીને પોતાની કંપની શરૂ કરી, ગ્રીવ્ઝ કૉટન ઍન્ડ કંપની. ઉપરાંત તેઓ યુનિવર્સિટી ઑફ બૉમ્બેના ફેલો, બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૅરમૅન અને બૉમ્બેના શેરિફ પણ નિમાયા હતા. ટેમ્પલ અને પૂતળીબાઈ મળ્યાં. એ વખતે ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. આવી તક કાંઈ જતી ન કરાય એટલે તરત હા તો પાડી દીધી પૂતળીબાઈએ. પણ પછી વિમાસણ : લખવું તો લખવું શું? બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પૂતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી એ ઇન્ડિયન ઍન્ટિક્વરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત સામયિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પૂતળીબાઈ એટલું જ નહીં, ૧૯૨૨ સુધીનાં પહેલાં પચાસ વર્ષમાં હિન્દુસ્તાનની બીજી કોઈ સ્ત્રીનું લખાણ આ માસિકમાં છપાયું નહોતું. પૂતળીબાઈની આ બધી જ વાર્તાઓ પછીથી ‘બેસ્ટ શૉર્ટ સ્ટોરીઝ ઑફ ઇન્ડિયા’ નામના પુસ્તકમાં છપાઈ હતી.
ઇન્ડિયન ઍન્ટિક્વરીનાં બારણાં એક વાર ખૂલી ગયાં એટલે પૂતળીબાઈની કલમ અંગ્રેજીમાં દોડવા લાગી. પારસીઓ અને હિન્દુઓનાં ગુજરાતી લગ્નગીતોના અંગ્રેજી અનુવાદ કર્યા જે ‘પારસી ઍન્ડ ગુજરાતી હિન્દુ ન્યુપિટલ સૉન્ગ્સ’ નામથી હપ્તાવાર પ્રગટ થયા. એની સાથે ગીતોનો ગુજરાતી પાઠ પણ દેવનાગરીમાં છાપ્યો હતો. ગુજરાતી લગ્નગીતોનો આ પહેલવહેલો અંગ્રેજી અનુવાદ. જાણીતા ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો ઍન્ટોનિયોના જોવામાં આ અનુવાદો આવ્યા અને તેમણે હિન્દુસ્તાનની જુદી-જુદી ભાષાનાં લગ્નગીતો અને પ્રેમગીતોના અનુવાદ માટે પૂતળીબાઈને આમંત્રણ આપ્યું. ઍન્ટોનિયોએ આ અનુવાદોને ૧૪૦ ભાષાઓનાં ત્રણ હજાર જેટલાં ગીતો સમાવતા પોતાના પુસ્તકના પાંચ ભાગમાં સમાવ્યા એટલું જ નહીં, એને આખા સંગ્રહના ‘સૌથી સુંદર આભૂષણ’ તરીકે ઓળખાવ્યા.
પણ પૂતળીબાઈનો સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અનુવાદ એ તો કવિ પ્રેમાનંદના ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનનો અંગ્રેજી અનુવાદ. એ પણ આ જ માસિકમાં ૧૮૯૫ અને ૧૮૯૬ દરમ્યાન ચાર અંકોમાં હપ્તાવાર છપાયો હતો અને એ અનુવાદની સાથે આખ્યાનનો ગુજરાતી પાઠ દેવનાગરીમાં છાપ્યો હતો. પ્રાસ્તાવિક લખાણમાં પૂતળીબાઈએ નરસિંહ મહેતાના જીવન અને કવનનો પરિચય આપ્યો છે. અનુવાદમાં પણ અનેક સ્થળે જરૂરી પાદટીપો ઉમેરી છે. મધ્યકાલીન ગુજરાતી કવિતાના કોઈ પણ અભ્યાસી-સંશોધકને છાજે એવો આ અનુવાદ છે. ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રેમાનંદના એક મહત્ત્વના આખ્યાનનો અનુવાદ અંગ્રેજીમાં થાય અને એ પણ એક પારસી સ્ત્રીને હાથે થાય એ એક અસાધારણ ઘટના ગણાય. ઇન્ડિયન ઍન્ટિક્વરી જેવા પ્રતિષ્ઠિત સામયિકમાં એ છપાય એ પણ મહત્ત્વની ઘટના ગણાય. પણ આજ સુધી એના તરફ આપણા અભ્યાસીઓનું ભાગ્યે જ ધ્યાન ગયું છે. એક કારણ એ કે પૂતળીબાઈએ પોતાના અનુવાદો ક્યારેય ગ્રંથસ્થ કર્યા નહીં. છેક ૨૦૨૨માં મામેરુંનો અંગ્રેજી અનુવાદ જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ પુસ્તકરૂપે પ્રગટ કર્યો છે પણ આપણા જાણકાર અભ્યાસીઓનું પણ એના તરફ ભાગ્યે જ ધ્યાન ગયું છે.
ટૂંકી કહાણીઓ માટે પૂતળીબાઈને મળેલા ઇનામની નોંધ પરદેશમાં લેવાય તો ‘સ્ત્રીબોધ’ માસિકમાં ન લેવાય એવું તો ન જ બને. વળી પૂતળીબાઈ તો આ માસિકનાં લેખિકા હતાં. ૧૮૮૩ના મે અંકમાં નોંધ લેતાં સ્ત્રીબોધે લખ્યું : ‘પૂતળીબાઈની સહી હેઠળ સ્ત્રીબોધના વાંચનારાઓનું મનરંજન કરનારી અમારી ચંચળ લખનારી બાઈને વાંચનારી બાનુઓ સારી પેઠે પિછાને છે.’ મહીપતરામ રૂપરામે જાહેર કરેલું ૬૦ રૂપિયાનું ઇનામ ‘અમારી એ ચંચળ મદદગાર બહેનીને મળ્યું છે તેથી અમે મગરૂરી માની લઈએ છીએ અને અમારી મગરૂરીમાં વાંચનારી બાનુઓ ભાગ લેશે એવી આશા રાખીયે છીએ.’ (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) નોંધ સાથે પૂતળીબાઈના પુસ્તકમાંથી એક વાર્તા ‘ભોળાનો ભરમ ભાંગ્યો’ પણ સ્ત્રીબોધે છાપી હતી. જેને સ્ત્રીબોધે ‘એક મદદગાર બહેની’ તરીકે ઓળખાવ્યાં હતાં તે પૂતળીબાઈ ૧૮૯૪ના ડિસેમ્બરની ૧૬મી તારીખે જાંગીરજી કાબરાજી સાથે અદરાયાં અને સ્ત્રીબોધના તંત્રી કેખુશરૂ કાબરાજીનાં પુત્રવધૂ બન્યાં. જાંગીરજી મુંબઈ સરકારના સ્ટેટ્યુટરી સિવિસ સર્વન્ટ હતા અને અમદાવાદ, સુરત, નાશિક, મુંબઈ, બીજાપુર, ખંભાત, ખાનદેશ વગેરે જગ્યાએ તેમની બદલી થતી રહી. તેઓ જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં પૂતળીબાઈએ સમાજસેવાનાં કામો ઊલટભેર શરૂ કર્યાં. સતત થતી બદલીઓને કારણે કે પછી સમાજસેવામાં મન પરોવાયું તેથી પણ પૂતળીબાઈનું અનુવાદનું કામ લગભગ થંભી ગયું. કેખુશરુ કાબરાજીના અવસાન પછી સ્ત્રીબોધના સંપાદનની જવાબદારી તેમનાં દીકરી શીરીનબાનુએ ઉપાડી લીધી, પણ ૧૯૧૨માં તેમણે એ જવાબદારી પૂતળીબાઈને સોંપી દીધી. ત્યારથી પૂતળીબાઈ સ્ત્રીબોધમાં લગભગ નિયમિત રીતે લખતાં રહ્યાં. જોકે છેવટનાં વર્ષોમાં કથળતી જતી તબિયતને કારણે સંપાદનનો ઘણો ભાર તેમણે જોડિયા તંત્રી કેશવપ્રસાદ સી. દેસાઈ પર નાખ્યો હતો.
મન થાક્યું નહોતું, પણ હવે શરીર સાથ આપતાં આનાકાની કરતું હતું. પતિ જાંગીરજી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા એ પછી તેઓ અને પૂતળીબાઈ અમદાવાદ રહેતાં થયાં. ત્યાં પણ લોકોનું ભલું થાય એવાં કાર્યોમાં બન્નેનો બને તેટલો સાથ રહેતો. બન્ને હવાફેર માટે પંચગની ગયાં હતાં ત્યાં જ ત્રણ દિવસની ટૂંકી માંદગી પછી ૧૯૪૨ના જુલાઈની ૧૯મી તારીખે પૂતળીબાઈ બેહસ્તનશીન થયાં.
પૂતળીબાઈનું પહેલું પુસ્તક, ફક્ત પારસી બાનુઓનાં લખાણો પ્રગટ કરતું માસિક સ્ત્રી મિત્ર.
હવે બીજી એક વાત. ‘સ્ત્રીબોધ’ આપણા દેશની બધી ભાષામાં પહેલવહેલું સ્ત્રીઓ માટેનું સામયિક ખરું, પણ એમાં ફક્ત સ્ત્રીઓનાં જ લખાણો છપાય એવું નહોતું. પહેલેથી છેવટ સુધી પુરુષોનાં લખાણ પણ છપાતાં. પણ માત્ર સ્ત્રીઓ અને એમાંય પારસી સ્ત્રીઓનાં જ લખાણો છાપતું એક સામયિક પણ મુંબઈથી જ શરૂ થયું હતું, છેક ૧૮૮૯માં. એનું નામ સ્ત્રી મિત્ર. એના દરેક અંકના ટાઇટલ પેજ પર છપાતું : ‘લખનારાં: પારસી બાનુઓ.’ મુંબઈના કૈસરે હિન્દ સ્ટીમ પ્રેસમાં છપાતું. વાર્ષિક લવાજમ તો સ્ત્રીબોધની જેમ વરસનો એક રૂપિયો! હા. અહીં ‘લખનારા’માં અનુવાદ, રૂપાંતર, સારલેખન કરનારાં બાનુઓ પણ આવી જાય. અંકો ઊથલાવવાથી છાપ એવી પડે કે એમાં મૌલિક લખાણો પ્રમાણમાં ઓછાં. અનુવાદ-રૂપાંતર વધારે. અનુવાદ મોટે ભાગે અંગ્રેજીમાંથી. આ સ્ત્રી મિત્રના ૧૮૮૯થી ૧૮૯૪ સુધીના અંકો જોવા મળ્યા છે. એટલે ઓછામાં ઓછાં છ વર્ષ તો એ ચાલેલું. જેમાં માત્ર સ્ત્રીઓનાં જ લખાણો છપાતાં હોય એવાં આજે આપણી પાસે બે ત્રૈમાસિક છે : મુંબઈથી પ્રગટ થતું ‘લેખિની’ (શરૂઆત સપ્ટેમ્બર, ૧૯૯૯) અને અમદાવાદથી પ્રગટ થતું ‘વિશ્વા’ (શરૂઆત ૨૦૨૩). બન્નેની પાછળ મુખ્ય પ્રેરણા સન્માન્ય લેખક ધીરુબહેન પટેલની. પણ છેક ૧૮૮૯માં સ્ત્રી મિત્ર અને એ પણ માસિક!
ગુજરાતી સ્ત્રીશક્તિને સલામ!

