ગુરુને ઈશ્વરની ઉપમા અમસ્તી નથી આપવામાં આવી. જીવનની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ માતા-પિતા ઉપરાંત શિક્ષક પાસે હોય છે. નાનપણમાં હાથ પકડીને પાટી પર કમળનો ‘ક’ ઘૂંટાવનારા શિક્ષકની આપણા જીવનઘડતર પર અસર હોય છે.
નયના પંડ્યા
ગુરુને ઈશ્વરની ઉપમા અમસ્તી નથી આપવામાં આવી. જીવનની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ માતા-પિતા ઉપરાંત શિક્ષક પાસે હોય છે. નાનપણમાં હાથ પકડીને પાટી પર કમળનો ‘ક’ ઘૂંટાવનારા શિક્ષકની આપણા જીવનઘડતર પર અસર હોય છે. બાળપણમાં જે સંસ્કારો આપવામાં આવે છે એ જીવનભર ટકી રહે છે. એટલે જ આજે પણ માતૃભાષામાં આપવામાં આવતું શિક્ષણ શ્રેષ્ઠ છે. આપણી આસપાસ પશ્ચિમી સંસ્કૃતિ અને અંગ્રેજી માધ્યમનું આંધળું અનુકરણ વધી રહ્યું છે. ઘણાં માતા-પિતા એવું માને છે કે હાઇ-ફાઇ અંગ્રેજી સ્કૂલોમાં ભણવાથી જ બાળક સ્માર્ટ બનશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પોતાની માતૃભાષા અને ભારતીય સંસ્કૃતિના વાતાવરણમાં ભણેલાં બાળકો વધુ સંસ્કારી, સંવેદનશીલ અને જમીન સાથે જોડાયેલાં રહે છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકનો બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ સહજ રીતે થાય છે.
બાળપણ છોડ જેવું નાજુક હોય છે, ખાતર અને પાણી આપીશું એ રીતે ઊછરશે. બાળપણમાં હૃદય અને મન પર જે સંસ્કારો અંકિત થાય છે એ જીવનભર ટકી રહે છે. માતા-પિતા અને શિક્ષકો પાસેથી શીખેલી નાની-નાની વાતો, નૈતિક મૂલ્યો અને શિસ્ત બાળકો ક્યારેય ભૂલતાં નથી. એ તેમના અર્ધજાગ્રત મનમાં આજીવન જીવંત રહે છે. ભૌતિક સુખ-સુવિધાઓ વચ્ચે ઊછરી રહેલાં કેટલાંક બાળકોમાં વડીલો પ્રત્યેનો આદર ઓછો થતો દેખાય છે. ઘરમાં માતા-પિતાને માન ન આપવું, સવારે વડીલોને પ્રણામ ન કરવા કે ઘરમાં આવતા અતિથિઓનું સન્માન ન કરવું – આ બાબતો કોઈ પણ સંસ્કારી સમાજ માટે ચિંતાજનક છે. માત્ર ડિગ્રીઓ મેળવી લેવાથી સંસ્કાર નથી આવતા. શિક્ષણની પ્રણાલિકામાં ઘણાં પરિવર્તન આવ્યાં છે અને શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેમ છતાં જે શિક્ષણ મેળવવું જોઈએ એ આપણે મેળવી શક્યા નથી. પાયાની જરૂરિયાતમાં અંગ્રેજી ભાષા મહત્ત્વની છે એવું અંગ્રેજો આપણા મગજમાં ઠસાવીને ગયા છે અને હજી એ જ પ્રથાને આપણે વળગી રહ્યા છીએ. પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરીને ડૉક્ટર કે એન્જિનિયર થયેલા વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં સફળ થયા છે. હું પોતે શિક્ષણ પ્રત્યે સજાગ અને સભાન હોવાથી અમારા મંડળમાં સ્કૉલરશિપ વિભાગ પર સતત દેખરેખ રાખું છું. અમારી સંસ્થા ઔદીચ્ય ટોળક મહિલામંડળના આ વિભાગ દ્વારા અમે માતૃભાષામાં ભણી રહેલા અથવા માતૃભાષામાં ભણવા માગતા વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન આપીએ છીએ. અમારો હેતુ જ એ છે કે આર્થિક મુશ્કેલીને કારણે કોઈ પણ બાળક પોતાની સંસ્કૃતિ અને માતૃભાષાના શિક્ષણથી વંચિત ન રહી જાય. આવો, આપણે સૌ સાથે મળીને બાળકોને પશ્ચિમી ચળકાટથી બચાવી સંસ્કારોનું અમૃત પાઈએ અને માતૃભાષાનું ગૌરવ વધારીએ.
