આ મંદિરની સત્તાવાર સ્થાપના ૧૮૦૧માં થઈ હોવાનું કહે છે, પણ જો તમે એના ઇતિહાસમાં ઊંડા ઊતરો તો તમને ખબર પડે કે ના, એવું નથી.

મંદિરમાં ગયા પછી શાંતિનો અનુભવ કેમ થતો હોય છે
ગયા રવિવારે તમને કહ્યું એમ, મુંબઈનું જે સિદ્ધિવિનાયક મંદિર છે એ મંદિર પથ્થરનું નહીં, કૉન્ક્રીટનું છે, જેમાં ફ્લોરિંગ અને દીવાલોમાં માર્બલ જડવામાં આવ્યો છે. આ મંદિરની સત્તાવાર સ્થાપના ૧૮૦૧માં થઈ હોવાનું કહે છે, પણ જો તમે એના ઇતિહાસમાં ઊંડા ઊતરો તો તમને ખબર પડે કે ના, એવું નથી. આ મંદિર સત્તરમી સદીમાં બન્યું હતું અને એના અનેક પુરાવા ભૂતકાળમાં મળી ચૂક્યા છે એટલે મારું માનવું છે કે જ્યારે એ બન્યું હશે ત્યારે બહુ નાનું હશે અને એ પછી ૧૮૦૦ના અરસામાં એનો મોટે પાયે જીર્ણોદ્ધાર થયો હશે, જેને લીધે એ તારીખ સરકારી દસ્તાવેજમાં બોલે છે. એ પણ એટલું જ સાચું છે કે જીર્ણોદ્ધાર પછી પણ કંઈ મંદિર વિશાળ બનાવવામાં નહોતું આવ્યું, એ સમયે પણ મંદિર બહુ નાનું હતું. આજે આપણે જે મંદિર જોઈએ છીએ એ છેલ્લાં ૫૦ વર્ષનું પરિણામ છે. હા, છેલ્લા પાંચ દસકામાં આ મંદિરમાં વારંવાર નિર્માણ અને જીર્ણોદ્ધારનું કાર્ય થયું અને એના પરિણામસ્વરૂપે આજે આટલું વિશાળ મંદિર ઊભું થયું છે.
મંદિરમાં થયેલા છેલ્લા કામની વાત કરું તો એ ૧૯૯૧માં મહારાષ્ટ્ર સરકારે ૨૦,૦૦૦ સ્ક્વેર ફીટ જમીન આપી અને મંદિરનું ફરીથી કામ થયું. તમને કહ્યું હતું એમ, સિદ્ધિવિનાયક પાંચ માળનું છે, જેમાં દરેક માળ પર અલગ-અલગ કામ માટે ખંડ બનાવવામાં આવ્યા છે, પણ જ્યાં સિદ્ધિવિનાયક બેઠા છે એ સ્થાનની ઉપરના ખંડમાં લિંગ સ્થાપન કરવામાં આવ્યું છે, જેથી કોઈ મૂર્તિની ઉપર ચાલે નહીં. સૌથી ઉપરના સ્થાને શિખર છે. પહેલાંના સમયમાં શિખર પણ એવાં જ બનાવવામાં આવતાં હતાં જે જોઈને પક્ષીઓ પણ એના પર બેસવાની કે વિષ્ટા કરવાની હિંમત ન કરે.
આજના ડ્રોનના સમયમાં તો શિખર ઉપરથી જોવાની એટલે કે શિખરનો બર્ડ-વ્યુ કરવાની તક મળે છે, પણ પહેલાં એવું નહોતું. શિખરને તમે બર્ડ-વ્યુથી જુઓ તો એનો આકાર એવી અણિયાળી જાળી જેવો દેખાતો હોય છે જેના પર પક્ષીને બેસવામાં ડર લાગે. એક સમય હતો જ્યારે કોઈ પણ જાણીતા મંદિરના શિખર પરથી પ્લેન પણ પસાર થતાં નહોતાં. હવે આજના સમયમાં જ્યારે ઍર-ટ્રાફિક વધી ગયો છે ત્યારે એ પાળવું કેટલું સરળ છે એ તો ઍરપોર્ટ ઑથોરિટી જ કહી શકે, પણ હા, મુંબઈ જેવા દરિયાકિનારે આવેલાં શહેરોમાં હજી પણ એ સંભવ હોઈ શકે ખરું.
વાત કરીએ સિદ્ધિવિનાયક મંદિરની, તો મંદિરના બીજા માળે ચિકિત્સાલય બનાવવામાં આવ્યું છે. આ જ માળ પર રસોઈઘર પણ છે, જેમાં પ્રસાદનું નિર્માણ થાય છે. આ માળની જે લિફ્ટ છે એ સીધી ગર્ભગૃહમાં દાખલ થાય છે, જેનો ઉપયોગ પ્રસાદ અને ગણપતિબાપ્પા માટે બનાવવામાં આવેલા લાડુ લાવવા માટે થાય છે.
મંદિરના પહેલા માળે ગૅલરી બનાવવામાં આવી છે, જેથી મહત્તમ ભક્તો દર્શનનો લાભ લઈ શકે. મંદિરનું ગર્ભગૃહ પણ એવી રીતે બનાવવામાં આવ્યું છે જ્યાં મહત્તમ ભાવિકો ઊભા રહી શકે. આ જે ગર્ભગૃહ છે એની ઊંચાઈ ૧૩ ફુટ છે અને એમાં ચાંદીનો નક્શીકામ કરેલો મંડપ બનાવવામાં આવ્યો છે, જેમાં સિદ્ધિવિનાયક બિરાજમાન છે. આ ગર્ભગૃહમાં પ્રવેશના ત્રણ દરવાજા છે. આ દરવાજાને જો તમે ધ્યાનથી જોયા ન હોય તો એક વાર જોઈ લેજો. એ ત્રણ દરવાજા પૈકીના એક પર અષ્ટવિનાયક, બીજા પર અષ્ટલક્ષ્મી અને ત્રીજા દરવાજા પર દશાવતારની કોતરણી કરવામાં આવી છે.
મંદિર સરસ હોય એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે મંદિરમાં દાખલ થતાં જ તમને મનમાં શાંતિ થવી જોઈએ. મંગળવારે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટે ચારથી પાંચ કલાક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હોય એવો અનુભવ હજારો લોકોને થયો છે. આ ચાર-પાંચ કલાક ઊભા રહેવાની જે માનસિક તૈયારી છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક મંદિરની જગ્યા બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જગ્યાનો જે પ્રભાવ છે એ અદ્ભુત છે. મુંબઈ હંમેશાં ભાગતું-દોડતું શહેર રહ્યું છે, પણ તમે સિદ્ધિવિનાયક મંદિરમાં દાખલ થાઓ કે તરત જ તમને શાંતિની લાગણીનો અનુભવ થાય. આ જે લાગણી છે એવી જ લાગણી તમને અક્ષરધામમાં પણ થશે.
જાણે કે દુનિયા ભાગતી હોય, દોડતી હોય તો પણ એણે જે કરવું હોય એ કરે. તમને એવું જ લાગે કે આ સાંનિધ્ય છોડવું નથી. આ જે ખાસિયત છે એ જ મંદિર તરફ ભાવિકોને આકર્ષિત કરે છે. આ જ કારણે મંદિર કોઈ પણ જગ્યાએ નથી બનતું. એનું વાસ્તુ પણ જોવામાં આવે છે અને એ ભૂમિ પર કામ શરૂ થાય એ પહેલાં એને વધારે પવિત્ર બનાવવાના હેતુથી પૂજાવિધિ અને હોમ-હવન કરવામાં આવે છે. હોમ-હવન થયા પછી જ મંદિરનું કામ શરૂ થાય છે, તો પૂજાવિધિ પછી જ પથ્થરોની કોતરણી શરૂ થાય છે.