કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટમાં આવેલી બનાજી લીમજી અગિયારી
જ્યારે આખા મુંબઈની વસ્તી હતી ૫૦૦૦ અને વાર્ષિક ઊપજ હતી ૭૦૦ રૂપિયા
સ્થળ ઃ કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટમાં આવેલી બનાજી લીમજી અગિયારી.
પાત્રો ઃ રતનજી ફરામજી વાચ્છા (૭૮ વર્ષની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઑગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી. મ.
વાચ્છા શેઠ ઃ મહેતાજી, તમોને ફરી મળીને ઘન્ની ખુશી ઊપજી.
દી.મ. ઃ હા જી, મને બી આનંદ થયો કે આપ વાતો કરવા માટે બીજી વાર અહીં પધાર્યા, પણ આપને ‘મુંબઈનો બહાર’ પુસ્તક વિશે વાત કરતાં પહેલાં બીજી એક વાત પૂછવી છે.
વાચ્છા શેઠ ઃ તે પૂછોની! માલૂમ હોસે તો જનાવિસું.
દી.મ. ઃ આ બનાજી લીમજી અગિયારી એ મુંબઈની પહેલવહેલી અગિયારી એ વાત તો જાણે બરાબર, પણ એ જમાનામાં એ બંધાવનાર બનાજી લીમજી હતા કોણ?
વાચ્છા શેઠ ઃ આય મુંબઈમાં બનાજી ખાનદાનનો પાયો એવણે નાખેલો. તેમનું ખાનદાન મૂળ સુરત પાસેના ભગવાદાંડી નામના ગામનું. ઈ. સ. ૧૬૯૦ના અરસામાં એવન વતન છોડી મુંબઈ આયા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપાર ખાતામાં નોકરીએ લાગ્યા. પછી બનાજી લીમજી નામની પેઢી શરુ કીધી અને દેશાવરો સાથે, ખાસ કરીને ચીન સાથે વેપાર શરુ કીધો. વેપાર માટે બર્માના પેગુ શહેર સુધી જઈ આવેલા.
દી.મ. ઃ આ બર્મા તે આજનું મ્યાનમાર, અને પેગુનું આજનું નામ છે બાગો.
વાચ્છા શેઠ ઃ હોસે, બાવા, પણ અમુને તો અમારા જમાનાનું નામ જ માલૂમ હોયને! પન અમારા સાંભલવામાં આવ્યુંચ કે રસ્તાઓ અને મકાનોનાં નામ બદલ્યા પછી હવે તો તમે લોગ આય દેશનું નામ બી બદલવાના છો!
દી.મ. ઃ જવા દોને શેઠ એ બધી વાત. બનાજી શેઠ વિશે થોડી વાત કરોને!
વાચ્છા શેઠ ઃ અમારી પારસી પંચાયત એવનની હયાતીમાં શરુ થઈ હુતી અને બનાજી શેઠ તેના વડા અકાબર, એટલે કે મુખિયા નિમાયા હુતા અને એથી એવનને ‘દાવર’નો ઇલકાબ એનાયત થિયો હૂતો. ૮૦ વર્ષની ઉંમરે ૧૭૩૪ના જુલાઈ મહિનાની ૩૦મી તારીખે એવન ખોદાયજીને પ્યારા થઈ ગયા હુતા.
દી.મ. ઃ વાચ્છા શેઠ, એક વાત પૂછું?
વાચ્છા શેઠ ઃ એમાં વલી પૂછવાનું સું? માલૂમ હોસે તો જરૂર જવાબ આપીસું.
દી.મ. ઃ આય પુસ્તકનું નામ આપે ‘મુંબઈનો બહાર’ એવું કેમ રાખ્યું?
વાચ્છા શેઠ ઃ તમે બંજર, ઉજ્જડ, વગડાઉ જમીન જોઈ છે? આય મુંબઈ બી પહેલાં એવું જ હુતું. જાતમહેનત કરીને, ખાતર-પાણી નાખીને, પસીનો રેડીને, બાગબાન જેમ એક ગુલજાર બગીચો બનાવે છે એમ આય મુંબઈને ઝીરોમાંથી હીરો બનાવનાર લોકોનાં ખાનદાનોની તવારીખ આય ચોપરીમાં આપવાની કોશિશ કીધી છે એટલે એને નામ આયપું ‘મુંબઈનો બહાર.’
દી.મ. ઃ પણ આ ગ્રંથમાં ફક્ત પારસી ખાનદાનોની જ વાત છે?
વાચ્છા શેઠ ઃ ના જી, એમાં પોર્ટુગીઝ, મરાઠી અને ગુજરાતી બોલનારા હિન્દુ અને પારસી ખાનદાનોની મળી એટલી માહિતી મેં આપી છે.
દી.મ. ઃ આજે તો માગો એ આપે એવા ગૂગલદેવાના અમારા પર ચાર હાથ છે, પણ એ જમાનામાં તો એ હતા જ નહીં. તો આપે આટલી બધી માહિતી ભેગી કઈ રીતે કરી?
વાચ્છા શેઠ ઃ હા, અમારા વખતમાં અખબાર સિવાય બીજું કોઈ બી સાધન હુતું નૈં. એટલે પહેલું કામ કર્યું એ મુંબઈનાં અખબારોમાં લાંબીલચક જાહેરાત છપાવી. તમારે એ વાંચવી છે? તો આપું નકલ.
દી.મ. ઃ હા જી, પણ હું મોટેથી વાંચીશ અને વાંચતી વખતે ઘણા પારસી બોલીના શબ્દો બદલી નાખીશ.
વાચ્છા શેઠ ઃ જેવી તમારી મરજી. લો, વાંચો.
દી.મ. ઃ (વાંચે છે) ‘મુંબઈ મધે વસનારા સઘળી જ્ઞાતિના હિન્દુઓ તથા મુસ્લિમો, ઉપરાંત પારસીઓ, યહૂદીઓ તથા ઈસાઈ કોમના શેઠ-શાહુકારો, સોદાગરો, શાસ્ત્રીઓ તથા બીજા ધંધાદારીઓની સેવામાં અરજ છે કે આ આબાદ શહેર જ્યારથી નેકનામદાર અંગ્રેજી રાજમાં પહેલવહેલું જોડાયું ત્યારથી તે હમણાંના વખત સુધીની હકીકત એકઠી કરીને એક પુસ્તકના આકારમાં બહાર પાડવાની ખ્વાહિશ એક ગૃહસ્થે રાખીને કેટલીક બાબતો મહેનત લઈ મેળવી છે અને બીજીની શોધમાં પણ તે મશગૂલ રહેલો છે માટે ઉપર જણાવેલી વર્ણોના સાહેબોના વડવાઓ જે ઠેકાણેથી આવીને પહેલવહેલા મુંબઈમાં વસ્યા તેમનાં નેકીભર્યાં કામોની યાદી તથા બીજી વિગતો જેમ બને તેમ તાકીદે લખીને આજથી માસ એકની મુદત સુધીમાં જેકોઈ સાહેબ મોકલી આપશે તો તેમનો ઘણો અહેસાન માનીને નોંધવામાં આવશે.’
વાચ્છા શેઠ ઃ અરે બાવા, આય તો તમે મારી પારસી બોલીને ‘શુદ્ધ’ ભાષાની અંગરખી પહેરાવી દીધી.
દી.મ. ઃ પણ એ કહોને વાચ્છાશેઠ કે તમારી આ જાહેરાતનો રિસ્પૉન્સ કેવો રહ્યો?
વાચ્છા શેઠ ઃ રૂપિયે બે આની બી નહીં. આ જાહેરાત છપાવેલી ૧૮૭૦ના ડિસેમ્બરની ૨૦મી તારીખે. દોઢ-બે મહિના રાહ જોઈ. પછી પેલી કહેતી યાદ આવી ઃ ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’ પહેલાં થોડા મિત્રોને મળિયો, થોડી વાતો મળી. પછી તેમના મિત્રો, પછી... એમ સાંકળ થતી ગઈ. પૂરાં તન વરસ આ રીતે ખબરો મલતી ગઈ. સાથોસાથ એ બધીને ગોઠવતો ગયો. પછી લખવાનું કામ. જે વારે હું લખતો હૂતો તે વારે એક દોહરો મારા મનમાં રમતો હૂતો ઃ
‘ઊજડેલું ફરી વસે, ને મુફલિસ ઘર ધન જાયે,
ગયું જોબન નહીં આવે પાછું, મૂવો ન જીવતો થાયે...’
આય આપરું મુંબઈ શહેર બી એક વેલા ઉજ્જડ જેવા સાત ટાપુનું બનેલું હુતું. બધી કોમના નબીરાઓએ પસીનો પાડીને, બુદ્ધિ લડાવીને, પૈસો બનાવીને અને એને સારી અને સાચી રીતે વાપરીને એ ઉજ્જડ જગ્યાને એક સુંદર બગીચા જેવી બનાવી.
દી.મ. ઃ વાચ્છા શેઠ, અલગ-અલગ ખાનદાનોની વાત કરતાં પહેલાં આપે પુસ્તકમાં મુંબઈના ઇતિહાસ અને વિકાસની આછી ઝલક પણ આપેલી છે, એની થોડી વાત કરોને!
વાચ્છા શેઠ ઃ એ વાત કરું એ પહેલાં એક કવિતાની થોડી લીટી સંભળાવું,
‘મુંબઈ છે રળિયામણી,
અસલથી સદા હસતી,
સઘળી વરણના લોકે આવી,
કીધી એમાં વસતી.
એ ધરતીનું પેટ જ મોટું,
રહે છે ખીલંત અપાર,
ચોમેરથી આવતાઓને,
મળે છે સુખ-સંસાર...’
જુઓ, સમજો, છેક ઈ. સ. ૧૭૧માં ટોલમી નામના મુસાફરે મુંબઈની વાત કીધી છે. એ જમાનામાં મુંબઈની પેદાસ એક જ હુતી, માછલી, અને વસતી હતી ફક્ત માછીમારોની. તેમના સાત ટાપુ ધીરે-ધીરે જોડાતા ગયા અને બન્યું આ મુંબઈ. પોર્ટુગીઝ અમલ શરુ થિયો એ અગાઉ અહીં ફક્ત પાંચ જાતિના લોક વસતા હુતા; માછીમાર કોળીઓ, ભોંગલા ભંડારીઓ, પલસિયા જોશીઓ, પાટાણે (પાઠારે) પ્રભુઓ અને પાંચકળશી. આ બધા ઈ. સ.ની ૧૪મી સદી પહેલાં અહીં આવી વસ્યા હુતા. એ પછી ઘને વખતે કોંકણથી કેટલાક ઇસ્લામ ધરમ પાળતા લોકો અહીં આવિયા.
દી.મ. ઃ પોર્ટુગીઝો અને અંગ્રેજો અહીં આવ્યા એ પછી મોટો ફરક કઈ રીતે પડ્યો?
વાચ્છા શેઠ ઃ જુઓ, તમુને એક બાબત કહું. પોર્ટુગીઝો આવિયા એ પહેલાં મુંબઈમાં મેરાઈ કહેતાં દરજી જોવા મળતા નહીં. કેમ? કારણ એ વેલા અહીંના બધા મરદ અને બૈરાં વટીક સીવ્યા વગરનું કપડું જ શરીરે વીટાલતા, પણ પોર્ટુગીઝો આવિયા એ સાથે તેમના સૈનિકો બી આવિયા. તેઓ તો સીવેલાં કપડાં પહેરે. એટલે અહીં ધીમે-ધીમે દરજીનો ધંધો ફેલાયો. એમાં છીપી આત્મારામ બાલાજી તો એ જમાનામાં ઘન્નો મશહૂર અને પૈસાવાળો થિયો હૂતો. તે એવો કુશળ કારીગર હૂતો કે અંગ્રેજોના લશ્કરના બધા સૈનિકોના યુનિફૉર્મ સીવવાનો ઇજારો કંપની સરકારે એવનને આપિયો હૂતો. પોતાના હાથ નીચે ઘના બધા દરજીને રાખીને તેણે તો જાણે એકુ ફૅક્ટરી જ ચલાવી. તેની જાતિમાં તે મોટો શેઠિયો ગણાવા લાગ્યો. મોટી રકમ ખરચીને ભુલેશ્વરમાં સભા મંડપવાળું એક મોત્તું મંદિર બંધાવ્યું અને વારસદારો માટે સારી એવી દોલત મૂકીને ૮૦ વરસની વયે ગુજરી ગયો, પણ પછી વિશ્વનાથ નામના તેના પોરિયાએ એશોઆરામ અને લંપટપનમાં સઘળ પૈસો ઉડાડી દીધો અને છેક જ મુફલિસ હાલતમાં ગુજરી ગયો. પેલું તમે લોક કેવ છોને કે ‘દીવા તલે અંધારું’ એવું જ થિયું.
દી.મ. ઃ પણ પોર્ટુગીઝો અહીં આવ્યા ત્યારે મુંબઈની હાલત કેવી હતી?
વાચ્છા શેઠ ઃ બિલકુલ મુફલિસ જેવી. એ વખતે આય મુંબઈ એ ઠાણેના એક સરદારની હુકૂમત નીચે હૂતી. ઈ. સ. ૧૫૩૦માં પોર્ટુગીઝો આવિયા ત્યારે રહેવા માટેની જગ્યા એ સરદાર પાસે માગી. પેલા સરદારે એ હસીખુશી આપી દીધી. એ વખતે આય મુંબઈમાં ૪૦૦ ખોરડાંમાં ૫૦૦૦ જેટલા લોકો રહેતા હુતા. પોર્ટુગીઝ સરકારે પોતાના કરવેરા ઉઘરાવવાનું શરૂ કર્યું ત્યારે ઘના વખત સુધી આખા મુંબઈની એકુ વરસની ઊપજ હુતી આજના (એટલે કે વાચ્છા શેઠના) ૭૦૦ રૂપિયા જેટલી! પણ પછી ગોવા, કોંકણ વગેરે જગ્યાએથી આવીને લોક અહીં વસવા લાગ્યા. એ પછી સન ૧૬૪૦માં સુરત જિલ્લાના મોરા સુમારી ગામથી દોરાબજી નાનાભાઈ નામના પારસી પોતાના ગરીબ કબીલા સાથે આવીને મુંબઈમાં વસ્યા. મુંબઈ આવનારા એવન પહેલા પારસી, પહેલા ગુજરાતી.
દી.મ. ઃ વાચ્છા શેઠ, કહે છે કે અહીં આવીને પોર્ટુગીઝોએ કિલ્લા બી બાંધ્યા.
વાચ્છા શેઠ ઃ હા, કારણ ત્યારે ચારે બાજુથી દુશ્મનોની બીક હુતી. દરિયાઈ રસ્તે અને જમીન રસ્તે દુશ્મનો અહીં આવી શકતા. પોર્ટુગીઝોએ પહેલો કિલ્લો બનાવિયો એ ડુંગરી કે ડોંગરીનો કિલ્લો. એની અંદર તેમનું લશ્કર, દારૂગોળો અને બીજો સરંજામ રહેતો. કિલ્લાની આસપાસ બેઠા ઘાટના બંગલા બી બાંધ્યા, જેમાં પોર્ટુગીઝ અમલદારો રહેતા હુતા. અને બે પાંદડે સુખી હોય એવા ‘દેશીઓ’ને રહેવા માટે હાલના પાલવા બંદરથી મસ્જિદ બંદર સુધીની જગ્યા તેમણે મુકરર કીધી. એ વખતે દેશાવર સાથેનો બધો વ્યવહાર લાકડાનાં બારકસ (વહાણ) મારફત થતો. એ વહાણોની મરામત અને દેખભાળ રાખવા સારુ હાલના કોટ વિસ્તારની નજીક ગોદી બનાવી હુતી. વેપારી વહાણો બી આવતાં. તેમની પાસેથી મહેસૂલ ઉઘરાવવા માટે માહિમ તરફ એક માંડવી બી ઊભી કરેલી હુતી. આય પોર્ટુગીઝોએ ૧૩૨ વરસ સુધી આપરી આ મુંબઈ પર રાજ કીધું.
દી.મ. ઃ અને પછી આવ્યા અંગ્રેજો. પણ વાચ્છા શેઠ, તેમના વિશેની અને બીજી ઘણી વાતો આપણે હવે આવતા શનિવારે કરીશું.
વાચ્છા શેઠ ઃ ભલે, ભલે. ખોદાયજી તમુને સાજાસારા રાખે એ જ દુઆ.
deepakbmehta@gmail.com


