ગુરુ દત્ત મને સ્ટુડિયોમાં લઈ જતાં જ્યાં ‘ચૌદહવીં કા ચાંદ’નાં અંતિમ દૃશ્યોનું શૂટિંગ થતું હતું. ફુરસદના સમયમાં અમે સ્ક્રિપ્ટ વિશે ચર્ચાવિચારણા કરતા
મુઝે જીને દોના શૂટિંગ સમયની તસવીર
બે વ્યક્તિ વચ્ચેના સંબંધોનું કોઈ શાસ્ત્ર નથી હોતું. જ્યારે એમાં અભિવ્યક્તિ ઓછી અને અપેક્ષા વધુ હોય ત્યારે સમય જતાં ગેરસમજ ઊભી થાય છે. પરિણામે માલિકીભાવ અને અપેક્ષાના ભાર હેઠળ સંબંધ વણસી જાય છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાન વચ્ચેના સંબંધોને તમે ફિલ્મી દુનિયાની ભાષામાં અફેર ન કહી શકો. એ વનવે ટ્રાફિક હતો કે પછી ઓછે-વત્તે અંશે બન્નેની મરજી એ કહેવું મુશ્કેલ છે. એક વાત નિશ્ચિત હતી, વહેલો-મોડો એનો કરુણ અંજામ આવવાનો હતો.
‘સાહિબ બીબી ઔર ગુલામ’ની ફાઇનલ સ્ક્રિપ્ટ તૈયાર કરવા ગુરુ દત્તે નવલકથાના લેખક બિમલ મિત્રાને મુંબઈ બોલાવ્યા. તેમનો ઉતારો ગુરુ દત્તના પાલી હિલના આલીશાન બંગલોમાં હતો. ગીતા દત્ત બંગાળી હતા એટલે પહેલી મુલાકાતમાં જ બન્ને વચ્ચે સારો રૅપો બંધાઈ ગયો.
ADVERTISEMENT
પોતાની આત્મકથામાં બિમલ મિત્રા લખે છે, ‘એક દિવસ અમે સૌ ચા-નાસ્તો કરતા હતા ત્યારે ગુરુ દત્તે સહજ પૂછ્યું, ‘જબાના રોલ માટે તમારા મનમાં કોઈ અભિનેત્રીનું નામ છે?’ મેં કહ્યું, ‘હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી હું બહુ પરિચિત નથી. તમે જ નક્કી કરો.’ ગુરુ દત્તે કહ્યું, ‘હું વિચારું છું કે આ રોલ વહીદા રહેમાનને આપું. તે સારી રીતે ભૂમિકા નિભાવશે.’
આ સાંભળતાં જ ગીતાના ચહેરાનો રંગ ઊડી ગયો. ત્યારે મને ખબર નહોતી કે બન્નેના અંગત જીવનમાં શું ચાલી રહ્યું હતું.
ગુરુ દત્ત મને સ્ટુડિયોમાં લઈ જતાં જ્યાં ‘ચૌદહવીં કા ચાંદ’નાં અંતિમ દૃશ્યોનું શૂટિંગ થતું હતું. ફુરસદના સમયમાં અમે સ્ક્રિપ્ટ વિશે ચર્ચાવિચારણા કરતા. એક દિવસ ચા-નાસ્તો કર્યા બાદ ગુરુ દત્ત તૈયાર થવા પોતાના રૂમમાં ગયા ત્યારે ગીતાએ મને પૂછ્યું, ‘જબાના રોલ માટે કોઈ અભિનેત્રીનું નામ ફાઇનલ થયું કે નહીં?’ મેં કહ્યું, ‘ હા, ગુરુ કહેતા હતા કે વહીદા રહેમાન જ આ રોલ માટે ફિટ છે.’ થોડા આક્રોશ સાથે ગીતા બોલી, ‘શું એ સિવાય ઇન્ડસ્ટ્રીમાં બીજી કોઈ અભિનેત્રી તમને ન મળી?’ મેં કહ્યું, ‘કેમ એવી વાત કરો છો? ગુરુ દત્તે મને તેની સાથે ઓળખાણ કરાવી. તે મને તેમના બરાબર લાગી. ગુરુ દત્ત કહેતા હતા કે...’
મારી વાતને કાપતાં ગીતાએ કહ્યું, ‘તમને ખબર નથી. વહીદા રહેમાનને કારણે જ મારા ઘરમાં ખૂબ તનાવ રહે છે.’
મને ત્યારે નવાઈ લાગી.
‘સાહિબ બીબી ઔર ગુલામ’ના શૂટિંગના પહેલા દિવસે ગુરુ દત્ત ખૂબ એક્સાઇટેડ હતા. લંચટાઇમે ગીતા સ્ટુડિયોમાં આવી. મેં ગીતાને કહ્યું, ‘તમને જોઈને આનંદ થયો. આ પહેલાં મેં તમને સ્ટુડિયોમાં કદી જોયા નહોતા.’ જવાબ મળ્યો, ‘આજે ફિલ્મ લૉન્ચ થઈ એટલે હું સૌને મળવા આવી.’ ગુરુ દત્તે કહ્યું, ‘ના, મેં જ ગીતાને આવવાનું કહ્યું હતું. વહીદાને બંગાળી સ્ટાઇલમાં સાડી કેમ પહેરવી એની ફાવટ નહોતી એટલે મેં ગીતાને બોલાવી.’
અમે સૌ સાથે બેસીને લંચ લેતા હતા. બન્ને એકમેકને ગીતાજી અને વહીદાજી કહીને માનથી બોલાવતાં હતાં. લંચ બાદ શૂટિંગ શરૂ થયું. હું અને ગીતા દત્ત બેઠાં હતાં. મેં સહજ પૂછ્યું, ‘શૂટિંગ કેવું લાગે છે? જવાબ મળ્યો, ‘સારું ચાલે છે. પણ એક સમયે મેં તેને (ગુરુ દત્તને) કહ્યું હતું કે આ ફિલ્મ બનાવવાની જરૂર નથી.’ મેં કારણ પૂછ્યું તો કહે, ‘તમને ખબર નથી? ‘સાહિબ બીબી ઔર ગુલામ’ અમારા જીવનની જ વાત છે.’
ફિલ્મના શૂટિંગ દરમ્યાન બિમલ મિત્રા મોટા ભાગે મુંબઈ હતા. તે જાણે-અજાણે ગુરુ અને ગીતા દત્તના જીવનના ભંગાણના સાક્ષી બની રહ્યા. એ સમય દરમ્યાન બન્ને વચ્ચે એટલી દૂરી વધી ગઈ કે ગીતા દત્તે પણ મોટી માત્રામાં શરાબ પીવાનું શરૂ કરી દીધું. આજ સુધી વહીદા રહેમાનનાં ગીતોને પ્લેબૅક આપનાર ગીતાને બદલે આ ફિલ્મમાં આશા ભોસલેએ પ્લેબૅક આપ્યું. પતિ-પત્ની વચ્ચે ઔપચારિક વાતો સિવાય બોલવાનો વ્યવહાર નહોતો. એક દિવસ ગીતાએ બાળકો સાથે બંગલો છોડી દીધો અને માતા સાથે રહેવા ચાલી ગઈ.
આ તરફ ફિલ્મી દુનિયામાં ગુરુ દત અને વહીદા રહેમાનના સંબંધો વિશેની મસાલેદાર સ્ટોરીઓની ચર્ચા થવા લાગી. પરિસ્થિતિઓથી ઘેરાયેલા ગુરુ દત્તે શરાબ અને સ્લીપિંગ પિલ્સની માત્રા વધારી દીધી અને શૂટિંગ અનિયમિત ચાલવા લાગ્યું.
બળતામાં ઘી ઉમેર્યું વહીદા રહેમાનની મોટી બહેન સઈદાના પતિ રૌફ અહમદે. તેણે મિત્રોને કહ્યું, ‘એક ખુશ ખબર છે. વિખ્યાત પ્રોડ્યુસર-ડિરેક્ટર ગુરુ દત્તે મુસ્લિમ બનવાનું નક્કી કર્યું છે અને તે વહીદા સાથે લગ્ન કરવાનો છે.’
ગુરુ દત્તને આ વાતની ખબર પડી અને તે ગભરાઈ ગયા. તેમણે જૉની વોકર, રહેમાન અને અબ્રાર અલવીને વિનંતી કરી. ‘રૌફને સમજાવો કે આવી અફવા ન ફેલાવે.’ જૉની વોકરે ગુરુ દત્તને કહ્યું, ‘સ્ટુડિયો ઔર ઘર કે દરવાઝોં મેં ફર્ક રખોગે તો સુખી રહોગે. નહીં તો ઘર મેં કામ કી બાતેં હોંગી ઔર સ્ટુડિયો મેં ઘર કી. તુમ કન્ફ્યુઝ હો જાઓગે કિ તુમ આ રહે હો કિ જા રહે હો. ઐસે હાલાત કી એક કીમત ચુકાની પડતી હૈ જો બહુત મહેંગી હોતી હૈ.’
આવી તંગ હાલતમાં ગુરુ દત્તે શરાબ અને સ્લીપિંગ પિલ્સનો ઓવરડોઝ લઈને બીજી વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વહીદા રહેમાનની માતાએ અબ્રાર અલવીને કહ્યું, ‘મને મારી દીકરીની ખૂબ ચિંતા થાય છે. તે કોઈનું ઘર ભાંગે એવી નથી. તે મને કહે છે કે ગુરુ દત્ત મારા માટે જાન આપી દેશે. હું શું કરું?’
વહીદા રહેમાને કદી જાહેરમાં એવો એકરાર કર્યો નથી કે તેમના દિલમાં ગુરુ દત્ત માટે કોઈ સૉફ્ટ કૉર્નર હતો. શક્ય છે તેમને આ સબંધમાં કોઈ ભવિષ્ય ન દેખાતું હોય. શક્ય છે કે ગુરુ દત્તનો પ્રેમ એકતરફી હોય. સંબંધને કોઈ નામ આપી શકાય એવી પરિસ્થિતિમાં સંબંધિત વ્યક્તિઓને એમ લાગતું હોય છે કે મરજી મુજબ અંજામ ન આવે એવા નામ વિનાના સંબંધોને ‘જેમ ચાલે છે એમ ચાલવા દઈએ’ જેવી હાલતમાં રહેવા દેવાનું ઉચિત છે. ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનોં’ જેવી કાલ્પનિક પરિસ્થિતિ વાસ્તવિક જીવનમાં નિર્માણ નથી થતી, હકીકતમાં જ્યારે સંબંધો તૂટે છે ત્યારે જીવનમાં કડવાશ અને હતાશા જ મળતી હોય છે.
‘CID’થી વહીદા રહેમાનની કારકિર્દી શરૂ થઈ. એ સમયે ગુરુ દત્ત ફિલ્મ્સ માટે તેમનો પાંચ વર્ષનો કૉન્ટ્રૅક્ટ થયો હતો. શૂટિંગ દરમ્યાન કોઈએ ગુરુ દત્તને યાદ કરાવ્યું કે એ કૉન્ટ્રૅક્ટ પૂરો થાય એ પહેલાં આપણે નવો કૉન્ટ્રૅક્ટ કરવો જોઈએ. ગુરુ દત્તે કહ્યું, ‘હવે એની જરૂર નથી. પાંચ વર્ષ આપણી સાથે કામ કરતાં-કરતાં તે હવે આપણામાંની એક બની ગઈ છે. તેથી આપણે કૉન્ટ્રૅક્ટ નહીં પણ કરીએ તો પણ તે આપણને છોડીને જશે નહીં.’
ગુરુ દત્તને આટલો આત્મવિશ્વાસ હતો કારણ કે કૉન્ટ્રૅક્ટ હતો ત્યારે પણ વહીદા રહેમાન બહારની ફિલ્મોમાં કામ કરતાં. પણ એ બધું ગુરુ દત્તની રજા, સલાહ અને જાણ મુજબ થતું. ‘સાહિબ બીબી ઔર ગુલામ’ શૂટિંગ દરમ્યાન કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હતો. પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી એટલે તેમણે ગુરુ દત્તની જાણ બહાર ‘મુઝે જીને દો’ સાઇન કરી લીધી. જેવો કૉન્ટ્રૅક્ટ પૂરો થયો એટલે ‘મુઝે જીને દો’નું શૂટિંગ શરૂ થયું. ગુરુ દત્તને આ વાતની ખબર પડી એટલે તે રણજિત સ્ટુડિયો પહોંચ્યા. પુષ્કળ શરાબ પીધા પછી તેમનાં વાણી અને વર્તનમાં સમતુલા નહોતી. ક્રોધના આવેશમાં તેમણે સૌની સામે વહીદા રહેમાનને ખખડાવી નાખતાં કહ્યું, ‘મેં તારા પર આટલો વિશ્વાસ રાખ્યો તેમ છતાં તેં છેતરપિંડી કરી? મને પૂછ્યા વિના આ રોલ કેમ સ્વીકાર્યો? તને એવું કેમ લાગ્યું કે મેં ના પાડી હોત? બોલ, ચૂપ કેમ છે? જવાબ દે?’
અચાનક આવા આક્રમક વ્યવહારથી વહીદા રહેમાન ડરી ગયાં. તેની ચુપકીદીથી અકળાયેલા ગુરુ દત્ત તેનો હાથ પકડીને ‘બોલ જવાબ આપ, જવાબ આપ’ કહેતા હતા. અંતે થપ્પડ મારવા હાથ ઊંચો થયો ત્યારે પાસે ઊભેલા સૂનીલ દત્તે તેમનો હાથ પકડી દૂર કરતાં કહ્યું, ‘મિસ્ટર ગુરુ દત્ત, આ તમારી નહીં, મારી ફિલ્મનો સેટ છે. મારી રજા વિના બહારના કોઈ પણ માણસને અહીં આવવાની મનાઈ છે. મેં તમને આવવા દીધા એનો એવો અર્થ નથી કે તમે અહીં આવીને ધમાલ કરો. આવ્યા છો તો ચૂપચાપ બેસો નહીંતર ચાલ્યા જાઓ.’
નશામાં ચૂર ગુરુ દત્ત ત્યાંથી બહાર નીકળી ગયા. ‘સાહિબ બીબી ઔર ગુલામ’ લગભગ પૂરી થવા આવી હતી પરંતુ વહીદા રહેમાને નિર્ણય કરી લીધો હતો. તેમણે બાકીનાં દૃશ્યો માટે શૂટિંગમાં આવવાની ના પાડી. ગુરુ દત્તે વકીલ મારફત નોટિસ મોકલાવી અને કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી. એવું થયું હોત તો ફિલ્મનું શૂટિંગ રખડી જાત. અંતે અબ્રાર અલવીએ વહીદા રહેમાનને સમજાવ્યાં અને શૂટિંગ પૂરું થયું.
ગુરુ દત્તનાં બહેન વિખ્યાત ચિત્રકાર લલિતા લાજમી સાથે મારી મુલાકાતો થઈ ત્યારે તેમણે કહ્યું હતું, ‘સાહિબ બીબી ઔર ગુલામ’નાં બાકી રહેલાં થોડાં દૃશ્યોના શૂટિંગ માટે વહીદા રહેમાને શરતો મૂકી હતી. ‘હું તેની સાથે કોઈ વાત નહીં કરું. તે મને સ્પર્શ નહીં કરે. બન્ને વચ્ચે ફિલ્મમાં સીધો કોઈ સંવાદ પણ ન હોવો જોઈએ.’ ફિલ્મ પૂરી થઈ ત્યારે ગુરુ દત્તે મને કહ્યું, ‘લલ્લી, પ્લીઝ, તેની સાથે હવે કોઈ સંબંધ ન રાખતી.’
સંબંધ વણસે છે ત્યારે સ્મૃતિઓ બોજ બની જાય છે. થાક સંબંધનો નહીં, એની સાથે જોડાયેલી અપેક્ષાઓનો લાગતો હોય છે. સુરેશ દલાલ કહેતા, ‘સાચવવા પડે એ નહીં, સચવાઈ જાય એ જ સાચા સંબંધ છે.’ દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાન એકમેકથી છૂટાં પડ્યાં પણ આ જોડીએ હિન્દી ફિલ્મના ઇતિહાસમાં અમર ફિલ્મો આપી એ કદી નહીં ભુલાય.

