થોડા સમય પહેલાં ગુરુ દત્તની ક્લાસિક ‘સાહિબ બીબી ઔર ગુલામ’ ફરી વાર જોઈ. આજે આ ગમતી ફિલ્મની પડદા પાછળની રોમાંચક વાતો શૅર કરવી છે.
ગુરુ દત્ત, મીના કુમારી
જેને પ્રેમ કરતાં હોઈએ તેના વિશે વાતો કરવી, વારંવાર વાતો કરવી ગમે. એટલે જ કહેવાય છે કે પ્રેમીઓને પુન:રુક્તિનો દોષ લાગતો નથી. વાત ગમતી વ્યક્તિની હોય, ગમતા વિષયની હોય કે પછી કોઈ ગમતી ફિલ્મની હોય; એ વારંવાર કરવી ગમે. થોડા સમય પહેલાં ગુરુ દત્તની ક્લાસિક ‘સાહિબ બીબી ઔર ગુલામ’ ફરી વાર જોઈ. આજે આ ગમતી ફિલ્મની પડદા પાછળની રોમાંચક વાતો શૅર કરવી છે.
ગુરુ દત્તની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ બૉક્સ-ઑફિસ પર સદંતર નિષ્ફળ રહી અને તેમને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો. આથી તેમનો કલાત્મક ફિલ્મો પ્રત્યેનો મોહ ઓછો થયો. પરિણામે ગુરુ દત્ત ફિલ્મ્સની આર્થિક સધ્ધરતા માટે તેમણે ફૉર્મ્યુલા ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આમ ‘ચૌદહવીં કા ચાંદ’ બની. આ ફિલ્મે બેસુમાર લોકપ્રિયતા મેળવી. પૈસાની હૂંફ મળતાં જ ગુરુ દત્તની કલાત્મક ફિલ્મોની ઇચ્છા ફરી જાગૃત થઈ. એ સમયે તેમને વર્ષો પહેલાં વાંચેલી બંગાળી નવલકથા ‘સાહિબ બીબી ઔર ગુલામ’ યાદ આવી.
ADVERTISEMENT
એ દિવસોમાં કલકત્તામાં બિમલ મિત્ર લિખિત આ નવલકથા પર આધારિત નાટક ભજવાતું હતું. તેમણે વિચાર કર્યો કે આ વિષય પરથી હિન્દી ફિલ્મ બનાવવી જોઈએ. લગભગ હજાર પાનાંની નવલકથા પરથી ફિલ્મ બનાવવી એ આસાન કામ નહોતું. ગુરુ દત્તે રાઇટર અબ્રાર અલવીને કલકત્તા બિમલ મિત્ર પાસે મોકલ્યા જેથી બન્ને સાથે બેસીને સ્ક્રિપ્ટ તૈયાર કરી શકે.
પહેલાં તો ગુરુ દત્ત જ આ ફિલ્મનું ડિરેક્શન કરવાના હતા પરંતુ અંગત જીવનમાં ગીતા દત્ત સાથેના તનાવને કારણે તે દ્વિધામાં હતા. તેમણે અબ્રાર અલવીને કહ્યું, ‘આ ફિલ્મનો સબ્જેક્ટ હેવી છે. એને હાથમાં લેતી વખતે મગજ ઠેકાણે હોવું જોઈએ. આ સંજોગોમાં હું ફિલ્મને પૂરતો ન્યાય નહીં આપી શકું.’
એટલે તેમણે પહેલાં સત્યેન બોઝ અને ત્યાર બાદ નીતિન બોઝને ડિરેક્શન માટે વાત કરી. જોકે એ બન્ને સાથે વાત જામી નહીં. છેવટે ગુરુ દત્તે નક્કી કર્યું કે અબ્રાર અલવી ડિરેક્શનની જવાબદારી સંભાળશે.
ફિલ્મનાં મુખ્ય પાત્રો હતાં ‘છોટી બહૂ’ અને ‘ભૂતનાથ’. છોટી બહૂના પાત્ર માટે ગુરુ દત્તે છાયા આર્ય નામની એક નવી યુવતી પસંદ કરી. છાયા તેના પતિ જિતેન્દ્ર આર્ય સાથે લંડન રહેતી હતી. એ બન્નેને લોનવલામાં એક ખાસ બંગલામાં રાખવામાં આવ્યાં હતાં. અબ્રાર અલવી આ બંગલામાં છાયા આર્યને રિહર્સલ કરાવતા. થોડાં રિહર્સલ અને છાયા આર્યના ક્લોઝ અપ જોઈને ગુરુ દત્તે ધડાકો કર્યો, ‘છોટી બહૂ માટે છાયા આર્ય નહીં ચાલે.’
અબ્રાર અલવી કહે, ‘આને ખાસ લંડનથી બોલાવી અને હવે ના પાડો છો?’
ગુરુ દત્ત કહે, ‘તેનો ચહેરો એકદમ સખત લાગે છે. રિહર્સલમાં પણ આ ભૂમિકામાં તે ચાલે એવું લાગતું નથી.’
અલવીએ દલીલ કરી, ‘તમારી બદનામી થશે. આમ પણ તમે નવા કલાકારોને લઈને ફિલ્મ શરૂ કરીને બેચાર રીલ પછી બંધ કરવા માટે જાણીતા છો.’
અલવીની વાત સાચી હતી. ઉત્સાહના આવેશમાં ‘રાઝ’, ‘ગૌરી’, ‘ઢંઢેરા’ જેવી ફિલ્મો શરૂ કર્યા બાદ ગુરુ દતે બંધ કરી દીધી. બેત્રણ રીલ શૂટિંગ થયા બાદ તેમને લાગે કે મરજી મુજબ ફિલ્મ આકાર નથી લેતી તો પૈસા કે આબરૂની પરવા કર્યા વિના તે પ્રોજેક્ટ બંધ કરી દેતા.
‘તો શું ‘સાહિબ બીબી ઔર ગુલામ’ પણ પડતી મૂકવી છે?’ અલવીના પ્રશ્નના જવાબમાં ગુરુ દત્તે બીજો ધડાકો કર્યો. ‘ના, ફિલ્મ તો બનશે જ. આ ભૂમિકા માટે મારે મીનાકુમારી સિવાય બીજું કોઈ નહીં ચાલે.’
ત્યાં સુધી ગુરુ દત્ત કોઈ ફિલ્મ માટે મીનાકુમારી સાથે સંપર્કમાં નહોતા આવ્યા. અબ્રાર અલવી લિખિત બે ફિલ્મો ‘ફરિશ્તા’ અને ‘શરારત’માં મીનાકુમારીએ અભિનય કર્યો હતો. તેમણે મીનાકુમારીનો સંપર્ક કરીને ફિલ્મમાં છોટી બહૂની ભૂમિકા સંભળાવી. સાંભળતાં જ મીનાકુમારી એ ભૂમિકાના પ્રેમમાં પડી ગયાં અને હા પાડી. પછી પ્રશ્ન આવ્યો પૈસાનો.
એ સમયે મીનાકુમારી કમાલ અમરોહીના ઘરે રહેતાં હતાં. તેમની ફિલ્મોને લગતો સઘળો કારોબાર કમાલ અમરોહી સંભાળતા હતા એટલે પૈસાની વાત તેમની સાથે કરવી પડે. આ વાત અબ્રાર અલવી ન કરી શકે. એ માટે ગુરુ દત્તે કમાલ અમરોહી સાથે વાત કરવી પડે. પરંતુ એમાં એક મુશ્કેલી હતી. તેમની વચ્ચે એક ક્ષુલ્લક કારણસર મનદુઃખ થયું હતું. મૉડર્ન સ્ટુડિયોના અમુક ફ્લોર બન્ને પાસે હતા. ગુરુ દત્ત પાસે મોટા અને કમાલ અમરોહી પાસે નાના ફ્લોર્સ હતા. ‘પાકીઝા’ના શૂટિંગ સમયે ગુલાબી મહેલનો સેટ લગાડવા કમાલ અમરોહીને સૌથી મોટો ફ્લોર જોઈતો હતો. તેમણે આ બાબત ગુરુ દત્તને વાત કરી. ગુરુ દત્તને ડર હતો કે એક વાર પોતાના ફ્લોર પર કમાલ અમરોહી સેટ ઊભો કરશે પછી વર્ષ-દોઢ વર્ષ સુધી શૂટિંગ ચાલશે. એ દરમ્યાન જો પોતાને શૂટ કરવું હશે તો ફ્લોર નહીં મળે એટલે તેમણે ના પાડી. આમ બન્ને વચ્ચે મનદુઃખ થયું.
ગુરુ દત્તે કમાલ અમરોહીના સેક્રેટરી બાકર મારફત કમાલ અમરોહી સાથે વાતચીત કરી. કમાલ અમરોહીએ મીનકુમારીની માર્કેટ પ્રાઇસ કરતાં ડબલ ભાવ કહ્યો. ગુરુ દત્તે એ કિંમત મંજૂર કરી. આમ છોટી બહૂની ભૂમિકા માટે મીનાકુમારી ફાઇનલ થયાં.
ભૂતનાથની ભૂમિકા માટે સૌપ્રથમ ગુરુ દત્તે વિશ્વજિતનો સંપર્ક કર્યો હતો. ૨૦૧૮માં અમે અભિનેતા વિશ્વજિતના અભિવાદન નિમિતે એક કાર્યક્રમ ‘પુકારતા ચલા હૂં મૈં’નું આયોજન કર્યું હતું. એ નિમિત્તે તેમની સાથે અનેક મુલાકાતો થઈ અને ઘરોબો બંધાયો. તેમણે અંગત જીવન અને ફિલ્મી સફરના અનેક યાદગાર પ્રસંગો મારી સાથે શૅર કર્યા છે. ગુરુ દત્ત વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, ‘સાહિબ બીબી ઔર ગુલામ’ નાટકના ભૂતનાથના પાત્રે મને ખૂબ લોકપ્રિયતા આપી. એક દિવસ નાટક પૂરું થયા બાદ બૅકસ્ટેજમાં ગુરુ દત્ત અને અબ્રાર અલવી આવ્યા અને મને અભિનંદન આપ્યાં. મને ખબર નહોતી કે તેઓ પ્રેક્ષકગણમાં બેઠા હતા. બીજા દિવસે તેમણે મને હોટેલમાં ડિનર પર બોલાવ્યો. મને કહે, ‘તમારે મારી ફિલ્મમાં કામ કરવાનું છે.’ હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. ગુરુ દત્ત જેવા મહાન કલાકાર મને હિન્દી ફિલ્મમાં મોકો આપે એ ઘટના મારા માટે એક મોટો પુરસ્કાર હતી. હું બંગાળી ફિલ્મોમાં નવોદિત કલાકાર હતો. આટલી જલદી મને આવો મોકો મળશે એની કલ્પના જ નહોતી. તેમણે કહ્યું, ‘જેમ બને તેમ જલદી મુંબઈ આવો.’ મારાં જૂનાં કમિટમેન્ટ પૂરાં કરી હું મુંબઈ ગયો. મુંબઈ હું હેમંત કુમારના ઘરે ઊતર્યો હતો.
મુંબઈમાં તેમણે ખાસ મિત્રોની એક પાર્ટીનું આયોજન કર્યું અને જાહેર કર્યું કે વિશ્વજિત ભૂતનાથની ભૂમિકા ભજવશે. હું આ ભૂમિકા કરવા ઉત્સુક હતો પરંતુ તેમણે કહ્યું કે મારે ગુરુ દત્ત ફિલ્મ્સ સાથે પાંચ વર્ષનો કૉન્ટ્રૅક્ટ કરવો પડશે. એ દરમ્યાન હું તેમની રજા વિના બહારની ફિલ્મોમાં કામ ન કરી શકું. મારા મિત્રોએ આ બાબત મને સચેત કર્યો. તેમનું કહેવું હતું કે ગુરુ દત્ત નવા કલાકારોને લઈને ફિલ્મ શરૂ કર્યા બાદ બંધ કરી દેવા માટે જાણીતા છે. હું વિચારમાં પડ્યો. બધું છોડીને હું મુંબઈ આવું અને જો મારી સાથે આવું બને તો હું ક્યાંયનો ન રહું. એટલે નાછૂટકે મારે ના પાડવી પડી. મને જીવનભર અફસોસ રહ્યો કે ગુરુ દત્ત જેવા મહાન કલાકાર સાથે કામ કરવાનો મોકો ન મળ્યો.’
વિશ્વજિતની ના બાદ ગુરુ દત્તે આ ભૂમિકા માટે શશી કપૂર સાથે વાત કરી તેની સાથે મીટિંગ નક્કી કરી. બપોરના ચારનો સમય નક્કી થયો, પણ શશી કપૂરનો પત્તો નહોતો. છ વાગ્યે તેનો મેસેજ આવ્યો કે શૂટિંગમાં ફસાયો છું એટલે મોડું થયું. રાહ જોવડાવ્યા બાદ સાડાઆઠે શશી કપૂરનું આગમન થયું. તેની ભૂમિકા વિશેની વાત થઈ. કાલે જણાવું છું કહી શશી કપૂરે વિદાય લીધી, પણ ગુરુ દત્તે નિર્ણય લઈ લીધો હતો. જે કલાકાર પોતાની ભૂમિકા સાંભળવા માટે સમયસર ન આવી શકે એ શૂટિંગમાં સમયસર કેવી રીતે આવશે? આમ શશી કપૂરનું પત્તું પણ કપાઈ ગયું. અંતે ગુરુ દત્તે પોતે જ આ ભૂમિકા કરવાનું નક્કી કર્યું.
ફિલ્મના મુડને અનુસરીને ગુરુ દત્તની ઇચ્છા હતી કે સાહિર લુધિયાનવીનાં ગીતોને સચિન દેવ બર્મન સ્વરબદ્ધ કરે. પરંતુ ‘પ્યાસા’ના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે મનદુખ થયું હોવાથી બન્ને એકમેક સાથે કામ કરવા રાજી નહોતા. ગુરુ દત્તે બન્નેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. ગુરુ દત્ત સામે પ્રશ્ન એ હતો કે સચિન દેવ બર્મનના સંગીત વિના કામ ચલાવવું કે સાહિરની શાયરી વિના? તેમણે સાહિર પર પસંદ ઉતારી. સંગીતકાર તરીકે બંગાળી સંગીતના જાણકાર હેમંત કુમાર પર તેમણે મહોર મારી.
જેના માટે ગુરુ દત્તે સચિન દેવ બર્મનને જતા કર્યા તે સાહિર લુધિયાનવી ગુરુ દત્ત માટે માથાનો દુખાવો બની ગયા. અનેક સિટિંગ્સ થયા બાદ સાહિર ગુરુ દત્તની ડિમાન્ડ પ્રમાણે ગીત લખી આપવા માટે અશક્ત હતા. તેમની પાસે કામનું એટલું દબાણ હતું કે આવા સિરિયસ સબ્જેક્ટ માટે તે જોઈતો સમય ફાળવી નહોતા શકતા. કંટાળીને ગુરુ દત્તે ‘ચૌદહવીં કા ચાંદ’ના સફળ ગીતકાર શકીલ બદાયૂંનીને ગીતકારની જવાબદારી આપી.
‘સાહિબ બીબી ઔર ગુલામ’માં વહીદા રહેમાનનો પ્રમાણમાં નાનો પણ અગત્યનો રોલ હતો. આ તેમની ગુરુ દત્ત સાથેની અંતિમ ફિલ્મ બની રહી. ફિલ્મની શરૂઆત થઈ ત્યારે બન્નેના સંબંધોનો સૂર્ય મધ્યાહને હતો પરંતુ ફિલ્મ પૂરી થતાં-થતાં એનો અસ્ત આવી ગયો. એ વાત આવતા રવિવારે.

