Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે

તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે

05 February, 2023 02:34 PM IST | Mumbai
Hiten Anandpara

લિન્ક રોડ અને વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર ટ્રાફિકમાં ફસાઈએ ત્યારે આવું મોઢામાંથી નીકળી જાય.

તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે

તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે


આતા માઝી સટકલી. લિન્ક રોડ અને વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર ટ્રાફિકમાં ફસાઈએ ત્યારે આવું મોઢામાંથી નીકળી જાય. આ ક્રોધાવેશ ટાળવા અને નિસાસાઓ ખાળવા મેટ્રો મહારાણી આવી પહોંચી છે. દહિસર-પૂર્વથી અંધેરી-પૂર્વ અને અંધેરી-પશ્ચિમને જોડતી મેટ્રો ૨-એ અને મેટ્રો-૭ મોદીસાહેબે ૧૯ જાન્યુઆરીએ વહેતી મૂકી પછીનાં માત્ર બે અઠવાડિયાંમાં એનાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યાં છે. કિલ્લોલ પંડ્યા આપણને મેટ્રો-પ્રવાસ કરવા ઉકસાવે છે...
સુવિધા આ મેટ્રોમાં રાખી તમામ છે
ન કોઈ ઊભું ન ઉભડક, ના ભીડભાડ છે
વાતાનુકૂલિત છે સૌ જાતને અનુકૂળ
પછી દૂર ક્યાં, આ દહિસર તો પાસ છે
તાજેતરમાં આપણું આંગણું બ્લૉગ દ્વારા દહિસરના દેસાઈજી બંગલોમાં મેટ્રો-મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભાગ લેવા અંધેરી-પશ્ચિમ મેટ્રો સ્ટેશનથી આનંદનગર મેટ્રો સ્ટેશને અંદાજે ૨૫ મિનિટમાં પહોંચીને ઉપરની પંક્તિઓ અનુભવી. એક અઠવાડિયામાં એક મિલ્યન મુસાફરો મેળવનાર આ રૂટ મુંબઈગરાઓ માટે આલીશાન આશીર્વાદ નીવડશે. લોકલની ભીડભાડમાં જેની અડધી-પોણી જિંદગી વીતી જતી હોય એ મુંબઈગરો કમલેશ શુક્લની આ વાત સમજી શકશે...
વહે છે જિંદગી સારી સતત આ રેલના પાટે
ખબર પડતી નથી સ્હેજે, બધી આ દોડ શા માટે
પરોઢે રોજ જાગીને, અહીં આ વેઠ કરવાની
જવાની ગઈ, બુઢાપો પણ જશે, આખર અહીં વાટે
ચોથી સીટ પર ઉભડક બેસીને કે દરવાજા પાસે લટકતા રહીને પ્રવાસ કરનારાઓ માટે એક આશાનું કિરણ જાગ્યું છે. બે-ત્રણ વર્ષમાં લગભગ ૩૦૦ કિલોમીટરના રૂટ સક્રિય થવાની ધારણા છે. એ પછી તો આમ આદમીને રફીસાહેબે ગાયેલું ગીત ફેરબદલ કરીને ગાવાનું મન થશે : લોકલ-બસ મેરા દામન, મેટ્રો ટ્રેન મેરી બાંહે, જાઓ મેરે સિવા, તુમ કહાં જાઓગે. સપનાં હકીકત થવાની દિશામાં જઈ રહ્યાં છે ત્યારે જય સુરેશભાઈ દાવડાની પંક્તિ સાથે બેફામ બાઇકધારકોને એક ચલણ પકડાવીએ... 
સરસર હવાને ચીરી પહોંચે છે ઊંઘમાં
સપનાંઓ પાસે એવું લેટેસ્ટ બાઇક છે
લક્ષણ તમારાં ખોટાં સોબત નઠારી છે
વાહન છે ફૉલ્ટવાળું ને રૉન્ગ સાઇડ છે
મોદી સરકાર દ્વારા દાયકાઓનું રૉન્ગ ધીરે-ધીરે રાઇટ કરવામાં આવી રહ્યું છે. સવારે રેંકડી પર વીસ રૂપિયાના ગરમાગરમ પૌંઆ ખાઈ, પાંચ રૂપિયાની કટિંગ ચા પી, ત્રીસ રૂપિયાની ટિકિટ ખરીદી વૈભવી મેટ્રો પકડવાનો અનુભવ રૂટીનને રોમાંચમાં પરિવર્તિત કરશે. દેશનાં વિવિધ શહેરોમાં મેટ્રો-કાર્ય પ્રગતિમાન છે ત્યારે રક્ષા શાહની પંક્તિઓ સાથે મુસાફરીનો મર્મ સમજીએ... 
વાત જો ભગવાનને પહોંચાડવાની હોય તો
વાતને બેસાડવાની ‘માવડી’ની રેલમાં
સત્યના પાટે જવાનું છે સમયસર એટલે
સાચવીને બેસશું સાબરમતીની રેલમાં
થર્ડ ક્લાસમાં પ્રવાસ કરીને જનમાનસને સમજનાર ગાંધીજી આજે હોત તો જરૂર રેંટિયો કાંતીને સૂતરની આંટીથી મેટ્રોને વધાવત. ગાંધીજી મશીનના વિરોધી નહોતા, મશીની માનસિકતા તેમને કઠતી હતી. બુલેટ ટ્રેન માટે અમદાવાદમાં સાબરમતી સ્ટેશન બની રહ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન ૨૦૨૭માં શરૂ થવાની શક્યતા છે. પછી મુંબઈ-અમદાવાદનો પ્રવાસ વધારે સુવિધાજનક અને ગતિમાન બનશે. કેતન ભટ્ટની પંક્તિઓમાં નિરૂપાયેલો થાક મુસાફરને આવું કહેવા પ્રેરે એ સ્વાભાવિક છે...
છે રસ્તાઓ કેવા ને કેવા વળાંકો
ને કરવા પડે રોજ લાંબા પ્રવાસો
નથી ગમતાં કાંપે જે બારીનાં દૃશ્યો
હવે કોઈ ગાડીની બદલો દિશાઓ
દેશની દિશા બદલાઈ રહી છે. ૨૦૨૩માં મંદીની આશંકા વચ્ચે પણ ભારતની ગાડી ચાલતી રહેશે એવું આર્થિક સર્વેક્ષણમાં દર્શાવાયું છે. એક સમય હતો જ્યારે આપણે ટ્રેનમાં પંખા બરાબર ચાલે તો સારું 
એવી કામના કરતા હતા. આજે આપણા શહેરમાં મેટ્રો ટ્રેન આવે કે આપણા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થાય એવું વિચારતા થયા છીએ. પ્રવાસ સ્થળનો હોય કે વિચારનો, સંજય રાવ કહે છે એ સત્ય તો આપણાં શાસ્ત્રોમાં ક્યારનું નિરૂપાઈને પડ્યું છે...     
સફર બસમાં કે બાઇક પર, ચરૈવેતિ ચરૈવેતિ
વગર થાકે ને નિરંતર, ચરૈવેતિ ચરૈવેતિ
ગતિ હો તો જીવન છે ને અટકવું એટલે મૃત્યુ
હો એ વાહન કે હો જીવતર, ચરૈવેતિ ચરૈવેતિ

લાસ્ટ લાઇન
તું જો મેટ્રો ટ્રેન થઈને ગુજરે છે,
મારી પંખી જેમ પાંખો ફફડે છે



રાહ જોઉં છું વર્ષોથી રેલની
આવશે એ, આંખ આજે ફરકે છે


સાઇકલમાં બેસનારી આવશે,
દિલ હવે તો ઘંટડી થઈ રણકે છે

ઊડો ઊંચે, આવવાનું નીચે છે,
આ વિમાનો અમથાં નભને ગજવે છે


બાપ માને ‘આવજો’ ક્યાંથી કહે? 
લાશ સૂતી પાટા નીચે બરકે છે

ભારતી વોરા

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 02:34 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK