Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદભયો

અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદભયો

Published : 06 June, 2021 01:19 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અહીં થઈ રહેલા ગ્રેનાઇટના ખનનને રોકીને ગઢ બચાવવા માટે ઇડરવાસીઓએ કમર કસી છે ત્યારે જાણીએ કે કેમ ગઢ બચાવો અભિયાન શરૂ કરવું પડ્યું છે અને આ શહેર તેમ જ ગઢની આસપાસ કેવી ઐતિહાસિક ધરોહર સમાયેલી છે

અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદભયો

અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદભયો


પૌરાણિક આશ્રમ, મંદિર, દેરાસર અને પ્રતાપી રાજાઓનો ઇતિહાસ જ્યાં સમાયેલાં છે એ સાબરકાંઠાની શાન સમો ઇડર ગઢ આજકાલ સમાચારોમાં ગૂંજી રહ્યો છે. અહીં થઈ રહેલા ગ્રેનાઇટના ખનનને રોકીને ગઢ બચાવવા માટે ઇડરવાસીઓએ કમર કસી છે ત્યારે જાણીએ કે કેમ ગઢ બચાવો અભિયાન શરૂ કરવું પડ્યું છે અને આ શહેર તેમ જ ગઢની આસપાસ કેવી ઐતિહાસિક ધરોહર સમાયેલી છે

‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, 
જંગલની કુંજ કુંજ જોવી હતી...’
સાહિત્યરસિકોને આ બે પંક્તિ વાંચીને ગુજરાતના ગૌરવસમા શિરમોર સાહિત્યકાર મુરબ્બી ઉમાશંકર જોષીની યાદ આવ્યા વગર રહે જ નહીં. ઇડરની શાળામાં અભ્યાસ કરીને સારસ્વત થયેલા ઉમાશંકર જોષી માટે એવું કહેવાય છે કે તેમણે ઇડરિયા ગઢના ડુંગરોમાં બેસીને જાતઅનુભવથી આ કવિતા લખી હતી. જે ગઢના ડુંગરાઓને ઉમાશંકર જોષી સહિતના પ્રકૃતિપ્રેમીઓ ખૂંદતા એ ઇડરિયો ગઢ આજકાલ ચર્ચાની એરણે ચડ્યો છે.
વાત જાણે એમ છે કે ગ્રેનાઇટ માટે ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો મશહૂર છે. આ જિલ્લાના ગ્રેનાઇટ પથ્થર વખણાય છે ત્યારે હમણાં ઇડર ગઢ પાસે લીઝધારકોએ ખનન પ્રવૃત્તિ શરૂ કરી છે. ડુંગરાઓ પર ખનન પ્રવૃત્તિ શરૂ થતાં ઇડર ગઢ બચાવો સમિતિના સભ્યો અને પ્રકૃતિપ્રેમીઓ એવી લાગણી સાથે દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે આ ખનન પ્રવૃત્તિને કારણે ઇડર ગઢ અને એના પર આવેલા ઐતિહાસિક વારસાને અસર થશે, એ નુકસાન પામશે અને વારસો કદાચ નાશ પામશે. એટલે સાબરકાંઠાની શાન સમાન ઇડરિયા ગઢને બચાવવા માટે ઇડરવાસીઓએ બીડું ઝડપીને જનજાગૃતિ અભિયાન આંદોલન શરૂ કર્યું છે.
એવું તે શું છે ઇડરના ગઢમાં?
ગુજરાતની શાન સમો ઇડરિયો ગઢ સંતો–મહંતોની આધ્યાત્મિક ભૂમિ છે. ગઢ પર અને તળેટીમાં આવેલાં કંઈકેટલાંય પૌરાણિક આશ્રમ, મંદિરો–દેરાસરોમાં જઈને ઈશ્વરમાં એકાકાર થવાની આસ્થાનું પ્રતીક છે. એક પછી એક અનેક પ્રતાપી રાજા–મહારાજાઓની આ ઐતિહાસિક ધરોહર છે જ્યાં ઇતિહાસ ધરબાયો છે અને ગઢ પરની જીર્ણ–શીર્ણ ઇમારતો-ગુફાઓમાં આજે પણ ઇતિહાસ ધબકી રહ્યો છે. જ્યાં ઋષિમુનિઓએ તપ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, અનેક દંતકથાઓ જેની સાથે વણાયેલી છે અને ગવાઈ રહી છે એવી આ પૌરાણિક અને પ્રકૃતિના સંગમસમી પાવન ભૂમિ છે.
ઇડર ગઢની આગવી ઐતિહાસિક વિરાસત રહી છે એને યાદ કરતાં ઇડરિયો ગઢ બચાવો સમિતિના આગેવાન અને એક સમયે મુંબઈના ડાયમન્ડ બજારમાં ઘણાં વર્ષ સુધી કાર્યરત રહેલા નટુભાઈ પંડ્યા કહે છે, ‘ઇડરિયા ગઢ પર ૧૬૦૦થી ૧૭૦૦ વર્ષ જૂનાં મંદિરો – જૈન દેરાસરો આવેલાં છે. અહીં કણ્વ ઋષિનો આશ્રમ હતો. આ ઋષિના નામ પરથી આજે પણ કણ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ઇડરિયા ગઢ પર વ્રજેશ્વરી માતાજીનું મંદિર આવ્યું છે જ્યાં લગ્ન પછી ઘણા સમાજના વરઘોડિયા મીંઢળ છોડાવવા આવે છે. ગઢ પર રાણા રણમલની ચોકડી છે. આ રાણાની હાક એક જમાનામાં અફઘાનિસ્તાન સુધી વાગતી હોવાનું કહેવાય છે. તે રાણા રણમલ રાવ તરીકે ઓળખાતા હતા અને કહેવાય છે કે અફઘાનિસ્તાન સુધીનો વિસ્તાર તેમણે જીત્યો હતો.’ 
અહીં વેણી વચ્છરાજનો કુંડ છે. આ કુંડમાં ઊગતી એક લીલ જેને ટાઢોડી લીલ તરીકે ઓળખવામાં આવે છે એ એવી છે કે કોઈને ગરમી ચડી હોય કે તાવ આવ્યો હોય તો તે વ્યક્તિના માથે આ લીલ મૂકી દો તો તાવ–ગરમી ઊતરી જાય. અહીં નાનું તળાવ પણ આવેલું છે, પ્રતાપસિંહ રાજાનો કિલ્લો પણ છે અને તેમના નામ પરથી ઇડરમાં સ્કૂલ પણ છે. આ જ સર પ્રતાપસિંહ હાઈ સ્કૂલમાં જાણીતા સાહિત્યકાર ઉમાશંકર જોષી અને  પન્નાલાલ પટેલ અભ્યાસ કરતા હતા. કહેવાય છે કે આ મહારાણા પ્રતાપની સાસરી છે. એક સમયે ઇડર ગઢ ઇલ્વ દુર્ગ તરીકે ઓળખાતો હતો. ઇડર ગઢ આપણી ઐતિહાસિક ધરોહર છે, પુરાતન સિટી છે. એક જમાનામાં ઇડર સ્ટેટ અલગ હતું. આ સ્ટેટમાં ૧૪૦૦ જેટલાં ગામડાંઓ હતાં અને ઇડર સ્ટેટની અલગ કરન્સી પણ હતી. ઇડરનાં લાકડાનાં રમકડાં આજે પણ પ્રખ્યાત છે.
ગઢ બચાવવા ઊતરવું કેમ પડ્યું?
કેમ આંદોલન છેડવુ પડ્યું એ મુદ્દે વાત કરતાં નટુભાઈ પંડ્યા કહે છે, ‘ઇડરના ગઢમાંથી ગ્રેનાઇટ પથ્થર નીકળે છે. એટલે માઇનિંગવાળા ગઢ તોડવા લાગ્યા છે. એની સામે અમારા બધાનો વિરોધ છે. આ ગઢ ન તૂટવો જોઈએ એવી ઇડરવાસીઓની લાગણી અને માગણી છે. આ અમારી ધરોહર છે. આમ થશે તો પર્યાવરણ નષ્ટ થશે. દીપડા, વાંદરા, નોળિયા, મોર સહિત નાના-મોટા અસંખ્ય જીવોનું આ આશ્રયસ્થાન છે. એમનું આશ્રયસ્થાન તૂટશે તો આ જીવો ક્યાં જશે? હમણાં જ થોડા દિવસ પહેલાં માનવવસ્તીમાં દીપડો દેખાયો હતો. ૨૦૧૭માં અમે ઇડર બંધ રાખીને આંદોલન કર્યું હતું એટલે ખનન પ્રવૃત્તિ અટકેલી. જોકે ફરી પાછી એ જ પ્રવૃત્તિ ચાલુ થઈ છે એટલે એની સામે પ્રતીક ઉપવાસ કરવાની પરમિશન માગી હતી, પરંતુ પ્રાંત અધિકારીએ કોવિડના કારણે પરમિશન આપી નહોતી. આ ખનન પ્રવૃત્તિ અટકાવી ઇડર ગઢ બચાવવા માટે જિલ્લા કલેક્ટરથી લઈને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પણ આવેદનપત્ર મોકલીને રજૂઆત કરી છે.’
ઇડરિયા ગઢ પર આદિકાળમાં આદિમાનવની વસ્તી હયાત હોવાના પુરાવા પણ અહીંની ગુફાઓમાંથી મળી આવ્યા હોવાની અચરજ પમાડે એવી વાત માંડતાં પ્રકૃતિપ્રેમી યોગેશ સથવારા કહે છે, ‘ઇડરિયા ગઢ પર આવેલી ગુફાઓમાંથી ૭૦ જેટલાં ગુફાચિત્રો મળી આવ્યાં છે. એવું મનાય છે કે ઇડરિયા ગઢની આ ગુફાઓમાં હજારો વર્ષ જૂનાં આ ગુફાચિત્રો છે. માણસ જ્યારે ચિત્રોની ભાષા સમજતો હતો અને પથ્થર પર ચિત્રો દોરતો હતો એ સમયનાં ગુફાચિત્રો અહીં છે. આફ્રિકાની ગુફાઓમાં જે ચિત્રો છે એવાં ચિત્રો આ ગઢમાં છે. એટલે એવું અનુમાન છે કે આદિમાનવની વસ્તી અહીં હતી. આ ગઢ પરથી તો આવાં અનેક રહસ્યો મળી શકે છે. કણ્વ ઋષિનો આશ્રમ અહીં હતો જ્યાં શકુંતલાનો ઉછેર થયો હતો. તેમના પુત્ર ભરત પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હતું. અહીં રણમલ ચોકી, રાણી તળાવ, દોલત વિલાસ પૅલેસ, રૂઠીરાણીનું માળિયું, ટોપ હિલ સહિતની ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે.’ 
ઇડરિયા ગઢ પર રૉક ક્લાઇમ્બિંગ કરી શકાય એ રીતનો ગઢ છે અને ઍડ્વેન્ચરસ ગેમ્સનો અહીં મોટો સ્કોપ પણ રહેલો છે એની વાત કરતાં યોગેશ સથવારા કહે છે, ‘થોડા સમય પહેલાં સરકારે અહીં રૉક ક્લાઇમ્બિંગનું કોચિંગ શરૂ કર્યું હતું. જોકે હમણાં એ બંધ છે. અહીં ફરી ખનન પ્રવૃત્તિ શરૂ થઈ છે ત્યારે ધર્મ, સંસ્કૃતિ અને વારસાની રક્ષા માટે બધા એક થઈને આગળ આવ્યા છે. હવે જો ઇચ્છાશક્તિ હોય તો જ વારસો બચાવી શકાય છે.’ 
અજયનું પ્રતીક રહેલા ગઢ માટે આજે પણ જેના પરથી લગ્નગીત ઉત્સાહપૂર્વક ગવાય છે કે ‘અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો....’ કે પછી કોઈક વ્યક્તિ કંઈક એવું કામ કરે તો ગુજરાતીઓમાં એવું કહેવાતું આવ્યું છે કે ‘તેં તો ઇડરિયો ગઢ જીત્યો’ ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો ગુજરાતનું ઘરેણું સમાન ઇડરિયો ગઢ આજે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. આટલો સમૃદ્ધ વારસો ગુજરાતની શાન છે. એ વારસો વેડફાય નહીં અને એનું જતન થાય એવું સ્વાભાવિક રીતે જ ગુજરાતીઓ ઇચ્છે અને એમાં રાજી થાય.



ગઢના સંરક્ષણ માટે પોસ્ટકાર્ડ અભિયાન


પર્યાવરણપ્રેમી એવા ૬૩ વર્ષના રિટાયર્ડ ટીચર રામભાઈ ચારણ ઇડરિયા ગઢ માટે અનોખું અભિયાન હાથ ધરીને ગઢના સંરક્ષણ માટે લોકજાગૃતિ ફેલાવવા પોસ્ટકાર્ડ લખી રહ્યા છે.
ગુજરાત સરકાર અને રાષ્ટ્રપતિ દ્વારા અવૉર્ડથી સન્માનિત આ રિટાયર્ડ ટીચર રામભાઈ ચારણ  પોસ્ટકાર્ડ લખવાનું કારણ કહે છે, ‘મેં નક્કી કર્યું છે કે ગઢના સંરક્ષણ માટે હું પોસ્ટકાર્ડ લખું અને એ દ્વારા ઇડરિયો ગઢ બચાવવા લોકજાગૃતિ ફેલાવું. છેલ્લા એક મહિનાથી હું રોજ ૧૦થી ૧૫ પોસ્ટકાર્ડ લખી રહ્યો છું. મારો ટાર્ગેટ ૧૦ હજાર પોસ્ટકાર્ડ લખવાનો છે. ઇડરિયો ગઢ આપણી ધરોહર છે, સંસ્કૃતિ છે અને એના માટે ખનન રોકવું જોઈએ. આ પોસ્ટકાર્ડ આસપાસનાં ગામોના સરપંચો, તાલુકાના સભ્યો, પ્રધાનો, કલેક્ટર, તાલુકા મામલતદારથી લઈને રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને આગેવાનોને પોસ્ટ કરી રહ્યો છું.’ 

ખનન માટેની લીઝ ખાનગી માલિકીની જમીનમાં છે


ઇડર ગઢ પર આવેલા ડુંગરાઓમાં શરૂ થયેલા ખનન અંગે સાબરકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુભાષ દવે કહે છે, ‘ઇડર ગઢ ૩૩ ગુંઠામાં આવેલો છે. ૨૦૦૭થી ૨૦૧૬ સુધીમાં સર્વે ૨૬માં રાજ્ય સરકારે ગ્રેનાઇટની ૧૭ લીઝ મંજૂર કરી છે. આ બધી લીઝ ખાનગી માલીકીની જમીનમાં છે. રાજ્ય સરકારના ગુજરાત ગૌણ ખનિજ નિયમ મુજબ ઉદ્યોગ-ખાણ વિભાગે ધાર્મિક સ્થળો અને આર્કિયોલૉજિકલ સાઇટથી સલામત અંતર છોડીને ખાણકામ કરવા ડિસેમ્બર ૨૦૨૦૨માં મંજૂરી આપી હતી, પરંતુ કોવિડને કારણે કામ થઈ શકયું નહીં. જૈન દેરાસર, રૂઠીરાણીનું માળિયું સહિતનાં તમામ સ્થળોએ કમિટીએ માપણી કરીને પ્લૉટિંગ કરી સલામત અંતર નક્કી કર્યાં છે. ઇડર ગઢથી ઘણા અંતરે આ લીઝો આવેલી છે. અહીં કામ શરૂ થતાં એનાથી નારાજ થઈને આંદોલન શરૂ કર્યું છે.’

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2021 01:19 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK