મુખ્ય કારણ જો કોઈ હોય તો એ સરેરાશ ભારતીય અર્બન નાગરિક પોતાની આવશ્યકતા કરતાં, પોતાની જરૂરિયાત કરતાં પાંચગણું વધારે પાણી વાપરે છે
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરમાં ચાલતી વૉટર ક્રાઇસિસની વાતને સત્તાવાર રીતે સ્વીકાર કરાતો હોય એમ બૅન્ગલોર વૉટર સપ્લાય બોર્ડે ગુરુવારથી શહેરમાં ૨૦ ટકા પાણીકાપ લાગુ કરી દીધો છે. એવું માનવામાં આવે છે કે જાહેર કરવામાં આવેલો આ ૨૦ ટકા પાણીકાપ હકીકતમાં ૪૦થી ૫૦ ટકા જેટલો હોઈ શકે છે. કહેલા સમય મુજબનું પાણી આપવું, પણ એ પાણીમાં ફોર્સ કેટલો હશે એ વિશે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ, જે આગળ કહેલી વાતને બળ આપવાનું કામ કરે છે. મુદ્દો બૅન્ગલોરના પાણીપ્રશ્નનો નથી, મુદ્દો દેશના પ્રાણપ્રશ્નનો છે અને એમાં બૅન્ગલોરે પ્રતિનિધિત્વ કર્યું છે. અગાઉ ગુજરાતમાં પાણીના મુદ્દે જબરદસ્ત કટોકટી સર્જાયેલી રહેતી. લોકોની હેરાનગતિનો પાર નહોતો અને રીતસર પાણીનાં ટૅન્કર સોસાયટીમાં આવતાં, જેમાંથી લોકોએ પીવાનું જ નહીં, વપરાશનું પાણી પણ ભરી લેવાનું અને પાણીને ઘરમાં સાચવવાનું. ૮૦-૯૦ના તબક્કાની આ વાત છે, તો અગાઉનાં વર્ષોમાં ઉનાળાના દિવસોમાં કુલુ અને મનાલીમાં ટૂરિસ્ટ પ્રવાસીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધનું કારણ હતું પાણીની અછત. સ્થાનિક પાણી વિભાગ પાસે બધાને પાણી આપવું શક્ય નહોતું એટલે ટૂરિસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આવું જ અન્ય શહેરોમાં પણ બન્યું છે અને આવતા સમયમાં આવું જ, આ જ પ્રકારનું ભારતનાં અન્ય શહેરો સાથે પણ બની શકે છે. હા, આપણાં બીજાં શહેરો પણ બૅન્ગલોરની પાછળ લાઇનમાં ઊભાં છે. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ સરેરાશ ભારતીય અર્બન નાગરિક પોતાની આવશ્યકતા કરતાં, પોતાની જરૂરિયાત કરતાં પાંચગણું વધારે પાણી વાપરે છે. વાપરે છે એવું કહેવું ગેરવાજબી છે, વેડફાટ કરે છે એ જ સાચો શબ્દપ્રયોગ કહેવાય. સોશ્યલ મીડિયા પર જે જોવા મળે છે એ જો સાચું હોય તો બૅન્ગલોરના પૉશ વિસ્તારમાં રહેતા લોકો અંતરિયાળ વિસ્તારમાં આવેલા તેમના ફાર્મહાઉસ પર રહેવા ચાલ્યા ગયા છે અને કાં તો વર્ક ફ્રૉમ હોમ કરે છે અને કાં તો અપડાઉન કરીને કામને ન્યાય આપે છે. સ્ટૉક માર્કેટ અને ગોલ્ડ કરતાં પણ બૅન્ગલોરમાં વેચાતા મળતા પાણીનો ભાવ આસમાને પહોંચ્યો છે. ૩૦૦ રૂપિયામાં મળતાં પાણીનાં નાનાં ટૅન્કર માટે હવે લોકો ૨૦૦૦ રૂપિયા ખર્ચે છે અને એ પછી પણ પાણીની ડિલિવરીમાં ૬થી ૮ કલાક લાગે છે.
અત્યારે, આ સમયે એકસાથે બે અનુભવ કરવાનો સમય આવ્યો છે. ખુશ થાઓ અને ચિંતિત બનો. ખુશ એ વાતથી થાઓ કે મારે-તમારે પાણી માટે વલખાં નથી મારવાં પડતાં. હાઇટેક-આઇટી સિટીનું બિરુદ મેળવી ગયેલું બૅન્ગલોર પુરવાર કરે છે કે ટેક્નૉલૉજી કે સુવિધા તમને જીવન નથી આપી શકતાં, એ કામ તો કુદરત જ કરે છે. ચિંતા એ વાતની કરવાની છે કે હૈયાહોળી કરીને ભાગદોડ કરતા આપણે સૌએ સૃષ્ટિ બચાવવા માટે પણ જાગ્રત થવાનું છે. ‘જળ વિના જીવન નહીં...’ આવું વાક્ય બોલવા કે લખવાથી સાકાર નથી થવાનું, એ માટે કામ કરવાનું છે અને એવું કામ કરવાનું છે કે બૅન્ગલોરથી શરૂ થયેલી સમસ્યાનો અંત પણ આ જ શહેરના પ્રશ્ન સાથે આવી જાય છે. જો આજે નહીં જાગીએ તો આવતા સમયમાં આપણે અને આપણો દેશ વધારે કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જઈશું એ વાતમાં કોઈ શંકા નથી અને એટલે જ કહું છું કે શહેરીજનોએ પાણી બાબતમાં વધારે સજાગ થવાની જરૂર છે. કારણ કે વેડફાટમાં એ જ અવ્વલ છે.


