ડિરેક્ટર વિપુલ મહેતાના મનમાં જે વાત આવી એ વાત સ્ટોરી સાંભળતી વખતે મારા મનમાં આવી હતી, પણ પ્રશ્નની સાથોસાથ તરત જ મને જવાબ પણ મળી ગયો હતો કે આ રોલ દ્રુમા મહેતા સિવાય બીજું કોઈ કરી ન શકે
દિવ્યાંગ છોકરી જીવનના તમામ પડકારો વચ્ચે પણ કેવી રીતે ડાન્સના ક્ષેત્રમાં અવ્વલ પુરવાર થાય છે એ વાત એટલે અમારું નાટક ‘ગરવી ગુજરાતણે રંગ રાખ્યો’.
કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં જેટલું મહત્ત્વ ગીતોનું છે એટલું જ મહત્ત્વ ગુજરાતી રંગભૂમિ પર કૉમેડીનું છે. જેમ આપણી હિન્દી ફિલ્મોમાં ગીતને અવગણી ન શકાય એમ ગુજરાતી રંગભૂમિ પર તમે કૉમેડીને અવગણી ન શકો.
‘આ ન.મો. બહુ નડે છે’ નાટક દરમ્યાન જ લેખક વિનોદ સરવૈયાએ મને એક વાર્તા કહી હતી, જેમાં દિવ્યાંગ છોકરીની વાત હતી. આંખ નહીં હોવા છતાં એ છોકરી અદ્ભુત ડાન્સર હતી. મને વાર્તા બહુ ગમી એટલે મેં વિપુલ મહેતાને કહ્યું કે વિનોદ પાસે જે વાર્તા છે એના પર બહુ સરસ નાટક બની શકે છે. મેં વિપુલને વાર્તા કહી અને વિપુલને પણ વાર્તા સાંભળીને મજા આવી ગઈ. તેણે તરત જ કહ્યું કે ચાલો સંજયભાઈ, આપણે આ નાટક કરીએ અને આમ અમારા પ્રોડક્શનના ૭૧મા નાટકનાં મંડાણ થયાં.
ADVERTISEMENT
એ નાટક એટલે ‘ગરવી ગુજરાતણે રંગ રાખ્યો’. નાટકની વાર્તા જ્યારે મેં વિપુલને કહી ત્યારે જ વિપુલે મને કહ્યું કે આ આખી વાત ડાન્સ પર આધારિત છે એટલે આપણે લીડ રોલમાં એવું કોઈ લેવું પડે જે બહુ સરસ ડાન્સર પણ હોય, પણ એવું કોણ છે જેને આપણે લઈ શકીએ. મિત્રો, નાટકની સ્ટોરી હું જ્યારે સાંભળતો હતો ત્યારે જ એક નામ મારા મનમાં ચાલુ થઈ ગયું હતું, જે નામ હતું દ્રુમા મહેતાનું. દ્રુમાએ અગાઉ અમારાં નાટકોમાં કામ કર્યું હતું એટલે મને ખબર હતી કે એ ઍક્ટ્રેસ તો સારી છે જ, પણ સાથોસાથ બહુ સારી ડાન્સર પણ છે અને તબલાં પણ ખૂબ સરસ વગાડે છે. દ્રુમાના પપ્પા પણ બહુ સારા તબલાવાદક એટલે તબલાવાદન તો દ્રુમાને ગળથૂથીમાં મળ્યું છે. અમદાવાદમાં તેના પપ્પા મ્યુઝિક સ્કૂલ ચલાવે છે.
‘લીડ રોલમાં આપણે કોને લઈ શકીએ?’
‘દ્રુમા મહેતા...’
એકઝાટકે મારા મોઢામાં નામ આવી ગયું અને વિપુલે હા પાડી દીધી. એ દિવસે અમે રાતે મોડે સુધી બેઠા હતા. મીટિંગ પૂરી કરીને હું ૧૨ વાગ્યે ઘરે આવ્યો અને ઘરે આવીને મેં પહેલો ફોન દ્રુમાને કર્યો. દ્રુમાએ જેવો ફોન રિસીવ કર્યો કે મેં તરત જ તેને કહી દીધું કે તારા માટે એક બહુ સરસ નાટક લઈને હું આવું છું એટલે હમણાં તું કોઈ નાટક લેતી નહીં. આઇ વિલ કમ ટુ યુ વિધ-ઇન અ વીક.
દ્રુમા પણ ખુશ થઈ ગઈ અને તેણે હા પાડી એટલે મને પણ થઈ નિરાંત.
આ એક વીક દરમ્યાન વિનોદ અને વિપુલ સ્ક્રિપ્ટ પર લાગ્યા અને હું બીજા કાસ્ટિંગની દિશામાં કામે લાગ્યો. અમારી પાસે બીજું કોઈ નાટક હતું નહીં અને આ નાટકની સ્ટોરી તૈયાર જ હતી એટલે મને એમ પણ વિશ્વાસ હતો કે નાટક ફટાફટ ઊભું થઈ જશે. અઠવાડિયામાં વિનોદ અને વિપુલે ઘણુંબધું ઊભું કરી લીધું એટલે અમે જઈને દ્રુમાને સબ્જેક્ટ નૅરેટ કર્યો. નાટક આખું દ્રુમાની ફરતે ફરતું હતું એટલે ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો. દ્રુમાએ હા પાડી એટલે એક વીકમાં અમે નાટકનું મુરત પણ કરી લીધું. નાટકના કાસ્ટિંગની વાત કરું તો દ્રુમા પછી મેં પરેશ ભટ્ટ સાથે વાત કરી. નાટકમાં દ્રુમા પછી જો કોઈ મહત્ત્વનો રોલ હોય તો એ પરેશ ભટ્ટનો હતો અને મેં તમને અગાઉ કહ્યું છે એમ, પરેશ મારો ફેવરિટ ઍક્ટર. તમે તેને કોઈ પણ રોલ આપો, તે તમને નિરાશ નહીં કરે. તે પોતાનું બેસ્ટ આપીને રોલને નવા આયામ પર પહોંચાડે જ પહોંચાડે. પરેશ ભટ્ટ પણ નાટક માટે તૈયાર થઈ ગયો એટલે અમે વળ્યા બીજા કાસ્ટિંગ તરફ.
નાટકમાં એક પાડોશીનું પાત્ર હતું, જે કૉમેડી કૅરૅક્ટર હતું. વાત આગળ વધારતાં પહેલાં મિત્રો, મારે તમને એક વાત કહેવાની કે આપણાં ગુજરાતી નાટક ક્યારેય પણ કૉમેડી વગર ચાલી ન શકે. નાટક જરા પણ હેવી હોય તો ઑડિયન્સને વચ્ચે રિલીફ માટે પણ કૉમેડી આપવી પડે. અમે કોઈ પણ નાટક પર કામ શરૂ કરીએ ત્યારે રીતસર જોતા હોઈએ કે નાટકમાં કૉમિક રિલીફનો સોર્સ શું છે. નાટકની વાર્તા પર કામ ચાલતું હોય એ દરમ્યાન જ અમે એકાદ એવું પાત્ર પકડી લઈએ કે પછી વાર્તામાં જ એકાદ પાત્ર એવું વણી લઈએ જે કૉમેડી રિલીફ આપવાનું કામ કરે. અમારો આ પ્રકારનો અભિગમ રહ્યો છે અને હું કહીશ કે અમારો આ અભિગમ અત્યાર સુધી સફળ રહ્યો છે. વધુ સરળતા સાથે સમજાવું તો કમર્શિયલ હિન્દી ફિલ્મોમાં જેટલું મહત્ત્વ ગીતોનું છે એટલું જ મહત્ત્વ ગુજરાતી રંગભૂમિ પર કૉમેડીનું છે. જેમ આપણી હિન્દી ફિલ્મોમાં ગીતને અવગણી ન શકાય એમ ગુજરાતી રંગભૂમિ પર તમે કૉમેડીને અવગણી ન શકો.
પાડોશીનું એ જે કૉમેડી પાત્ર હતું એને માટે અમે પ્રણવ ત્રિપાઠીને લીધો. પ્રણવની કૉમેડીમાં સારી હથોટી છે. નાટકમાં એક ડૉક્ટરનું કૅરૅક્ટર હતું, જેને માટે અમે અજિંક્ય સંપતને કાસ્ટ કર્યો તો દ્રુમાની માના રોલમાં અમે ભાવિશા ઉપાધ્યાયને કાસ્ટ કરી. ભાવિશા મૂળ ભાવનગરની, પણ નાટક માટે તે મુંબઈ સેટલ થઈ અને હવે તે પરણીને અહીં જ ઠરીઠામ થઈ ગઈ. ભાવિશાએ અગાઉ પણ અમારાં નાટકમાં રોલ કર્યા હતા. તેજરાજ પ્રોડક્શન્સના તેજસ ગોહિલ સાથે મૅરેજ કરીને હવે તે પોતે નિર્માત્રી બની ગઈ છે અને એ પછી જ્યારે પણ મળે ત્યારે વિનાસંકોચ કહે કે મારે લાયક રોલ હોય તો કહેજો. આ તેનો મારા પ્રત્યેનો પ્રેમ-આદર છે. ઍનીવેઝ, આગળના કાસ્ટિંગની વાત કરીએ.
નાટકમાં દ્રુમાનો બૉયફ્રેન્ડ પણ હતો. દ્રુમાની આંખો જતી રહે એ પછી બૉયફ્રેન્ડ તેને છોડી દે છે, પણ દ્રુમા સેલિબ્રિટી બની જાય છે અને તેની આંખો પાછી આવી જાય છે એ પછી આ બૉયફ્રેન્ડ પાછો તેની પાસે આવે છે, પણ એ સમયે દ્રુમા તેને ધુત્કારી કાઢે છે. આ રોલમાં અમે વિક્રમ મહેતાને કાસ્ટ કર્યો. આ વિક્રમે પણ મારી ટીવી-સિરિયલ અને મારાં નાટકોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે તો નાના-મોટા રોલ પણ કર્યા છે. વિક્રમ સાથે પણ મારે ઘણું સારું બને. આ સિવાયના નાના રોલમાં અમે કેજસ, શ્યામલ, નયન, અતુલને કાસ્ટ કર્યા, જે બૅકસ્ટેજનું કામ પણ કરે અને નાનો રોલ પણ નિભાવી લે. આ પ્રક્રિયા અમે કરતા રહેતા હોઈએ છીએ. કારણ કે બૅકસ્ટેજ કરવા માટે કોઈ આવતું નથી, પણ નાટકની પ્રક્રિયા શીખવા મળે એવા હેતુથી આ છોકરાઓ એ કામ કરતા હોય તો તેમને પણ તેમની ઇચ્છા મુજબ તક મળવી જ રહી.
નાટકની ટેક્નિકલ ટીમની વાત કરું તો કલા છેલ-પરેશની હતી, તો મ્યુઝિક લાલુ સાંગો, પ્રકાશ રોહિત ચિપલૂણકર, કૉસ્ચ્યુમ સ્મિતા મદલાની, પ્રચાર દીપક સોમૈયા અને કોરિયોગ્રાફી શ્રીકાંત આહિરેની હતી. નાટક આખું ડાન્સ પર આધારિત હતું એટલે કોરિયોગ્રાફર પર પણ ખાસ્સી જવાબદારી હતી. નાટકની અન્ય વાતો વિશે આપણે ચર્ચા કરીશું હવે આવતા સોમવારે. બાય ધ વે, ગઈ કાલે ‘મિડ-ડે’ના ટૉપર્સ અવૉર્ડમાં જઈને બહુ મજા આવી. એને માટે ‘મિડ-ડે’ અને ‘મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યાનો ખૂબ-ખૂબ આભાર. આજના છોકરાઓ ૯૦ અને ૯૫ ટકા માર્ક્સ એવી રીતે લઈ આવે છે જે રીતે અમે ખેતવાડીની ગલીમાં જઈને ગોટી જીતી આવતા!
કાશ, એ સમયે ગોટી જીતવા પર ધ્યાન આપવાને બદલે માર્ક્સ લાવવા પર ધ્યાન આપ્યું હોત...
મળીએ આવતા સોમવારે...
જોક સમ્રાટ
લેટેસ્ટ અપડેટ
જેનો ચંદ્ર નબળો હોય તેણે કુંડળી અને આધાર કાર્ડ લઈને ઇસરોની ઑફિસે તાત્કાલિક સંપર્ક કરવો. પુરવાર થઈ ગયું છે કે ચંદ્રને કાબૂમાં લેવાનું કામ જ્યોતિષી નહીં, પણ ઇસરો સારી રીતે કરી શકે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

