સરવાળે નુકસાન આપણને જ થાય છે. કમનસીબી એ છે કે આપણી પાસે નજર હોય છે, દૃષ્ટિ નહીં. પ્રવીણ શાહ આ દૃષ્ટિની મહત્તા કરે છે...
પ્રતીકાત્મક તસવીર
જરૂરી અને બિનજરૂરી બાબતો વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. કેટલીક વાર ક્ષુલ્લક કામોને કારણે જરૂરી કામો બાકી રહી જાય. સરવાળે નુકસાન આપણને જ થાય છે. કમનસીબી એ છે કે આપણી પાસે નજર હોય છે, દૃષ્ટિ નહીં. પ્રવીણ શાહ આ દૃષ્ટિની મહત્તા કરે છે...
હું ભલે શંકર સમો ના થઈ શકું
ADVERTISEMENT
એક ત્રીજી આંખ હોવી જોઈએ
જાતની ઓળખ જરૂરી છે અહીં
આયના શી આંખ હોવી જોઈએ
આપણે બે આંખનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ હિસાબે એની સાર્થકતા ગણાય. કાયમ બીજાની વાતમાં ખોડખાંપણ જ શોધ્યા કરીએ તો આ જગત જીવવા જેવું નહીં રહે. દરેકમાં ખૂબીઓ હોવાની ને ખામીઓ હોવાની. અરે ખુદ કુદરત પણ ખામીથી પર નથી. ભૂકંપ, પૂર જેવી આફતો આ અસંતુલનને કારણે થાય છે. ડૉ. કિશોર મોદી પરમમાં વિશ્વાસ ટકાવી રાખવાનું કહે છે...
બે જ વાતો છે જરૂરી રોજની
જોઈએ શ્રદ્ધા, સબૂરી રોજની
મળતી અવઢવની મજૂરી રોજની
છોડ એની જી હજૂરી રોજની
સબૂરી શબ્દ હવે આપણી જીવનશૈલીમાંથી નૉક આઉટ થઈ ગયો છે. જીવનની ગતિ ઘડિયાળના કાંટાને અતિક્રમી ગઈ છે. ઇન્ટરનેટની સ્પીડ કોઈ વાર ઓછી થઈ જાય તો રઘવાયા થઈ જઈએ. ઓટીટી પ્લૅટફૉર્મ પર ફિલ્મ કે શ્રેણી જોતી વખતે જો ચકરડું ફરવા લાગે તો આપણો ગરાસ લૂંટાઈ જાય. સબૂરી શબ્દ કદાચ ડિક્શનરીમાંથી પણ નીકળી જશે એવો ભય લાગવા માંડ્યો છે. અશોક જાની ‘આનંદ’ જીવનશૈલીની વિષમતા વ્યક્ત કરે છે...
આ રહી મંઝિલ જુઓ આંખો સમક્ષ દેખાય છે
કોણ જાણે તોય શેં રઘવાટ લઈ દોડ્યા કરે
છે જરૂરી આપણું ‘આનંદ’ વનમાં રાચવું
ને બધાં શું કામ આ ઉચાટ લઈ દોડ્યા કરે?
મંઝિલ સુધી પહોંચવા માટેની સફર જરૂરી છે. આ સફરમાં કંઈ બધે રાજમાર્ગ નથી મળવાનો. ક્યાંક ઊબડખાબડ રસ્તો હોય તો ક્યાંક કેડી હોય. અરે ક્યાંક તો કેડી પણ ન હોય ને સમસ્યાઓના ઝાડીઝાંખરામાંથી આપણે માર્ગ કાઢવો પડે. એના માટે પુરુષાર્થ કે સ્ત્રીઆર્થ જોઈએ. મનોજ ખંડેરિયા જે ગઝલ સંદર્ભે કહે છે એ જીવન સંદર્ભે પણ જરૂરી છે...
બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી
પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી
મહેનતનો વિકલ્પ ન હોઈ શકે. નિષ્ઠાનો વિકલ્પ ન હોઈ શકે. તમે તમારું કામ સચ્ચાઈથી કરો એ પણ એક જાતની પૂજા જ છે. પૂજાભાવને આપણે ધર્મસ્થાનક પૂરતો સીમિત કરી નાખ્યો છે, એને કાર્ય કે કર્મ સુધી વિસ્તારતા નથી. એક તરફ આપણે અતિશયતાથી પીડિત છીએ તો બીજી તરફ અભાવથી. દક્ષેશ કૉન્ટ્રૅક્ટર ‘ચાતક’ જીવવા માટે શું જરૂરી છે એ સમજાવે છે...
પંથને કાયમ ચરણની ખોજ હોવી જોઈએ
મંઝિલો પણ રાહબર હો, તો જ હોવી જોઈએ
એક-બે સપનાં ઝઝૂમે કેટલું ચાતક અહીં
જીવવા માટે જરૂરી, ફોજ હોવી જોઈએ
ફોજનો ઉપયોગ કરવાનો સમય હવે આવી ગયો છે એ માન્યતા દૃઢ કરે એવા બનાવો અવારનવાર બનતા રહે છે. દેશનો આંતરિક સઘર્ષ કદાચ ઓછોવત્તો સહન કરી લેવાય પણ દુશ્મન દેશ જ્યારે આપણી ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ હુમલાઓ કરે ત્યારે સહનશક્તિની હદ આવી જાય. કાશ્મીરના પહલગામમાં ખોફનાક આતંકી હુમલો દેશને હચમચાવી ગયો. પ્રવાસીઓ મોજ માણી રહ્યા હતા એવા સમયે બંદૂકની ગોળીઓ શોક સર્જી ગઈ. ધર્મપ્રેરિત આ ઝનૂન દેશને બહુ મોંઘું પડી રહ્યું છે. રઈશ મનીઆર અંતિમ સત્ય ઉચ્ચારે છે...
નભને જરૂરી ટેકો, દેવાનો લઈને ઠેકો
ઊભા છે કંઈક લોકો, જોને! મિનાર થઈને
જીવે સતત મનુષ્યો, લઈ બાણ ને ધનુષ્યો
ચાલ્યા જવાના અંતે, પળમાં શિકાર થઈન
લાસ્ટ લાઇન
ક્યાં કહું છું મન ખુદનું મારવું જરૂરી છે
પણ કદી બીજાનું મન રાખવું જરૂરી છે
ચાહવાને માટે પણ જીવવું જરૂરી છે
જીવવાને માટે પણ ચાહવું જરૂરી છે
જ્યાં નથી વરસવું ત્યાં ગાજવું નકામું છે
ક્યાં નથી વરસવાનું જાણવું જરૂરી છે
સુખ નહીં તો સુખની બસ, કલ્પના જિવાડી દે
જ્યાં ન હોય પાણી ત્યાં ઝાંઝવું જરૂરી છે
આંખ આંજી નાખે છે જ્યારે જ્યારે અજવાળું
જોવું હો કશુંક ચોખ્ખું, નેજવું જરૂરી છે
દર્દ એક જૂનું છે, એ બની ગયું આદત
એટલે તો લાગે છે કે નવું જરૂરી છે
હર્ષવી પટેલ
ગઝલસંગ્રહઃ તારી ન હો એ વાતો

