ચાલો જાણીએ જળ બચત માટે બૅક ટુ બેઝિક્સને ફૉલો કરનાર વ્યક્તિઓ, ગામો અને સંસ્થાઓના અનુભવો...
સુખપર ગામમાં ઘરમાં રહેલા વરસાદના પાણીના ભૂગર્ભ ટાંકામાં ભરાયેલા પાણીને તપાસી રહેલાં દેવુબહેન વેલાણી.
કચ્છ જેવા રણપ્રદેશમાં પીવાના પાણીની તંગી વર્ષોથી રહી છે એવામાં કોઈ ગામને છેલ્લાં બાવીસ વર્ષમાં ક્યારેય એની અછત ન સર્જાઈ હોય એવું બને? હા, હજારો વર્ષ જૂની ધરતીમાં ધરબાયેલી સંસ્કૃતિઓમાં પણ એનો ઉકેલ હતો જ. ભૂગર્ભમાં જ કુદરતી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની આ પદ્ધતિઓ જે ઘર, ગામ, શહેર, સંસ્થાએ અપનાવી છે એને કદી પાણીની તંગી નડી નથી. તો ચાલો જાણીએ જળ બચત માટે બૅક ટુ બેઝિક્સને ફૉલો કરનાર વ્યક્તિઓ, ગામો અને સંસ્થાઓના અનુભવો...
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. નાની-મોટી નદીઓમાં પૂર આવ્યાં છે અને પૂરનાં ધસમસતાં પાણી આગળ વધીને સાગરમાં સમાઈ રહ્યાં છે. વરસાદને પગલે કેટલાંય નાનાં-મોટાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં પાણી વહી જઈ રહ્યાં છે. બીજી તરફ ઉનાળાના સમયમાં ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતી જોવા મળે છે. જ્યારે પાણી મળવું દોહ્યલું બને છે ત્યારે પાણીનું મહત્ત્વ શું છે એની કિંમત માણસને સમજાય છે, પણ એ વખતે પાણીની સવલત હોય કે ન હોય એવું પણ બનતું હોય છે ત્યારે ગુજરાતનાં નાનાં-મોટાં ગામડાંઓ અને શહેરોમાં ઘણા સમજુ લોકો પાણીનો બગાડ અટકાવવા અને પાણીની કિંમત સમજીને વહી જતાં વરસાદનાં પાણીનો સદુપયોગ કરી રહ્યા છે. હવે તો માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ શાળાઓ, વિદ્યાપીઠ, સમાજની વાડી, મંદિર કે અપાર્ટમેન્ટમાં પણ લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને એને જમીનમાં ઉતારતા થયા છે.
પાણીનું મહત્ત્વ સમજતા ગુજરાતમાં જળ સંચયનો મહિમા પહેલાંથી રહેલો છે અને એટલે જ અત્યારે ચોમાસાની આ ઋતુમાં વરસાદી પાણીના સંગ્રહની સીઝન આવી છે ત્યારે કચ્છના સુખપર ગામની શાળા હોય કે કુનારિયા ગામ હોય, ગાંધીબાપુએ સ્થાપેલી અમદાવાદસ્થિત ગુજરાત વિદ્યાપીઠ હોય કે પછી અમદાવાદના ફ્લૅટ હોય કે કોબા જેવું ગામ હોય જ્યાં ક્યાંક ભૂગર્ભ ટાંકા બનાવીને તો ક્યાંક ખંભાતી કૂવા બનાવીને વહી જતા વરસાદી પાણીનો સમજણપૂર્વક ઉપયોગ કરીને જળ સંચયનો સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યો છે.
ઓણ સાલ કચ્છ પર મેઘરાજા ઓળઘોળ થયા છે અને કચ્છને એવું તો પલાળી નાખ્યું છે કે કચ્છીઓને ભીતર સુધી ટાઢક થઈ ગઈ છે. જોકે કચ્છ જિલ્લામાં આમ પાણીની ખેંચ વર્તાય છે એ સૌકોઈ જાણે છે. કોઈક વખત એવું બને કે વરસાદ સારો પડે ન પડે ત્યારે પાણીની મુશ્કેલી સર્જાય, પણ આવી મુશ્કેલીઓનો વ્યાવહારિક ઉકેલ પણ કચ્છના ખમીરવંતા લોકો પાસે છે. કચ્છના સુખપર ગામમાં આવેલી શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરમાં આવતા વિદ્યાર્થીઓ વૉટર બૉટલ લઈને આવતા નથી, પણ શાળાએ સંગ્રહ કરેલું મીઠું એવું વરસાદી પાણી હોંશે-હોંશે પીએ છે. આ શાળાનાં આચાર્યા કાન્તાબહેન ખેતાણી કહે છે કે ‘અમારી શાળામાં ૧થી ૮મા ધોરણમાં અભ્યાસ કરતાં ૪૦૦ જેટલાં બાળકો ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરેલું વરસાદી પાણી જ પીએ છે. આખું વર્ષ છોકરાઓ પાણી પીએ તો પણ ખૂટતું નથી. સ્કૂલમાં ૨૦૧૪ના વર્ષમાં બે મોટા ભૂગર્ભ ટાંકાં બનાવ્યાં છે, જેમાંથી એક ટાંકામાં વરસાદનાં પાણીનો સંગ્રહ કરીએ છીએ. સ્કૂલના ધાબા પરથી વરસાદનું પાણી નીચે પડે અને વહી જાય એને બદલે એનો ઉપયોગ કરતાં ધાબા પરથી પાઇપ દ્વારા વરસાદી પાણી કૂંડીમાં લાવીએ છીએ, જ્યાં કાંકરા, રેતી અને સ્પંજ મૂક્યાં છે જેના દ્વારા વરસાદી પાણી ફિલ્ટર થઈ જાય છે અને ભૂગર્ભ ટાંકામાં જાય છે. ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હતો એટલે ટાંકું પૂરો ભરાયું નહોતું, પણ આ વખતે હજી તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં જ ૯૦ ટકા ટાંકું ભરાઈ ગયું છે. અમે બધા શિક્ષકો ઘરેથી પાણીની બૉટલ લઈને સ્કૂલ નથી આવતા, સંગ્રહ કરેલા વરસાદી પાણી જ પીએ છીએ. વરસાદી પાણીનો અમારી સ્કૂલમાં ઉપયોગ થઈ રહ્યો છે, પણ એને કારણે વિદ્યાર્થીઓ માંદા પડ્યા હોય એવું હજી સુધી બન્યું નથી. એવું પણ કહેવાય છે કે વરસાદી પાણીમાં બધાં જ તત્ત્વો મળી રહે છે એટલે વરસાદી પાણી સ્વાસ્થ્ય માટે સારું છે. મારા ઘરે પણ અમે વરસાદી પાણીનું ટાંકું બનાવ્યું છે અને એ પાણીથી જ અમે રસોઈ બનાવીએ છીએ.’
કચ્છના સુખપર ગામના રહેવાસીઓ ગામના નામ પ્રમાણે જ પાણી માટે સુખિયા જ છે એમ કહેવામાં જરા પણ વધુ પડતું એટલા માટે નહીં લાગે, કેમ કે આ ગામમાં ઘણાં બધાં ઘરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને એનો રસોઈ અને પીવાના પાણીમાં ઉપયોગ થાય છે. આ ગામ આજથી નહીં, છેલ્લાં ૬૦–૭૦ વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરતું આવ્યું છે એની અને આ વર્ષે પડેલા સારા વરસાદની ખુશી વ્યક્ત કરતા સુખપર ગામના અગ્રણી રામજી વેલાણી કહે છે, ‘આ વર્ષે બે-ત્રણ દિવસ વરસાદ પડ્યો એમાં જ અમારાં ભૂગર્ભ ટાંકાં ભરાઈ ગયાં. ૧૫થી ૧૭ હજાર લિટર પાણીનો સંગ્રહ થઈ ગયો. અમારા ઘરમાં વરસાદી પાણીનો રસોઈમાં અને પીવાના પાણી તરીકે ઉપયોગ થાય છે. વરસાદના પાણીમાં જેટલી મીઠાશ છે એટલી આરોના ફિલ્ટર કરેલા પાણીમાં નથી હોતી. અમારો પરિવાર મોટો છે. ત્રણ ઘર છે અને ૨૦ સભ્યોનો પરિવાર છે. દરેકના ઘરમાં વરસાદી પાણીનું ટાંકું બનાવ્યું છે અને એ આજકાલના નથી, ૬૦–૭૦ વર્ષ પહેલાં મારા દાદાના સમયથી વરસાદી પાણીનો સંગ્રહ અમારે ત્યાં થતો આવ્યો છે. પહેલાંના જમાનામાં મારા દાદા મકાનના નળિયા પરથી વરસાદી પાણી સીધું જમીન પર મૂકેલા ટાંકામાં જાય એ રીતે પાણીનો સંગ્રહ કરતા. પહેલાંના જમાનામાં પાઇપલાઇન ગોઠવીને એમાંથી પાણી પસાર કરીને ટાંકામાં નાખીએ એવી ગોઠવણ નહોતી, પણ નળિયામાંથી પતરાની નાળ બનાવીને વરસાદી પાણીને એમાં વાળીને નીચે જમીન પર મૂકેલા લોખંડના ડ્રમમાં પાણી પડે એવું આયોજન કરતા હતા. આ લોખંડના ડ્રમ પર કપડું ઢાંકી દેતા જેથી એમાં કચરો ન જાય. એ સમયે કદાચ ઓછું પાણી સંગ્રહ થતું હતું, પણ કરકસરથી પાણી વાપરતા હતા. એ સમયે તળાવ ભરેલાં રહેતાં, નદીઓ વહેતી રહેતી હતી. આ બધું મેં જોયેલું છે.’
સુખપર ગામમાં વરસાદી પાણીના થતા સંગ્રહની વાત કરતાં રામજી વેલાણી કહે છે, ‘અમારા ગામમાં અંદાજે ૫૦થી ૬૦ ટકા ઘરોમાં લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. ભૂકંપ આવ્યો એ પછી લોકો પાછા ભૂગર્ભ ટાંકાં બનાવવા લાગ્યા છે. ગામમાં બે સ્કૂલ છે એમાં પણ વરસાદી પાણીના સંગ્રહનાં ટાંકાં છે. આ ઉપરાંત સમાજની વાડી છે એમાં વરસાદી પાણીના સંગ્રહ માટે એક લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો છે. આ ઉપરાંત ગામના મંદિરમાં પણ વરસાદી પાણીના સંગ્રહની સગવડ કરી છે. અમારે ત્યાં બે-ત્રણ વર્ષે સારો વરસાદ થાય એટલે કદાચ આવતા વર્ષે વરસાદ ન પડે તો અમને પીવા માટે અને રસોઈ માટેના પાણીની ચિંતા રહેતી નથી.’
કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા કુનારિયા ગામમાં ૧૧ સભ્યોનો સંયુક્ત પરિવાર ધરાવતા ગામના ઉપસરપંચ સુરેશ ચાંગાના ઘરે પણ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકો છે અને ઘરના તમામ સભ્યો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે એની વાત કરતાં તેઓ કહે છે કે ‘ભૂકંપ બાદ મારા ઘરે ૨૦૦૨થી વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાનો ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે જેની કૅપેસિટી ૭૦૦૦ લિટરની છે. બીજો ટાંકો છે એની કૅપેસિટી ૨૦,૦૦૦ લિટરની છે. અમારા વિસ્તારમાં ઉનાળામાં પાણી ઓછું થાય છે અને લગભગ દર ત્રીજા વર્ષે ઓછો વરસાદ પડે છે એટલે પાણીની ખેંચ વર્તાય જ છે, પણ અમે વરસાદી પાણીનો સંગ્રહ કરતા હોવાથી અમને કોઈ ચિંતા રહેતી નથી, કેમ કે અમને રસોઈ અને પીવા માટે પાણી મળી રહે છે. વરસાદી પાણીના સંગ્રહને કારણે ફાયદો એ થયો છે કે બહેનોને બેડાં લઈને પાણી ભરવા જવું પડતું નથી. સમય બચે છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ વરસાદી પાણી સારું છે. કચ્છનાં ઘણાં બધાં ગામમાં લોકો ઘરમાં ભૂગર્ભ ટાંકા બનાવીને વરસાદનાં પાણીનો સંગ્રહ કરે છે.’
કુનારિયા ગામમાં ઘણાબધા લોકો તેમના ઘરમાં તો વરસાદી પાણીનો સંગ્રહ કરે જ છે, પરંતુ ગામના ૧૦૦૦થી વધુ ખેડૂતોએ વહી જતા વરસાદનાં પાણીનો ખેતીકામમાં ઉપયોગ થાય એ માટે વૉટર સિક્યૉરિટી પ્લાન બનાવ્યો છે અને એને અમલમાં મૂકીને એનાં સારાં પરિણામ પણ મેળવી રહ્યા છે. આ વૉટર સિક્યૉરિટી પ્લાનની વાત કરતાં સુરેશ ચાંગા કહે છે, ‘ગામમાં વરસાદી પાણી તેમ જ અન્ય પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકીએ એ માટે ગામમાં આયોજન હાથ ધરાયું છે. ગામમાં પાણીની ડિમાન્ડ શું છે, પશુઓ માટેના પાણીની ડિમાન્ડ શું છે, ઘરવપરાશના પાણીની ડિમાન્ડ શું છે એના આધારે ગામમાં પાણીનો વપરાશ કરવામાં આવે છે અને એ માટે અમે ગામમાં વૉટર સિક્યૉરિટી પ્લાન બનાવ્યો છે અને એનું મૉનિટરિંગ ગામની પાણી સમિતિના સભ્યો કરે છે. ગામ અને એની આસપાસ ૫૦૦ મીટરે રીચાર્જ સ્ટ્રક્ચર ઊભાં કર્યાં છે એટલે વરસાદી પાણી એમાં ઊતરે. પાંચ રીચાર્જ બોરવેલ, ૨૮ ચેકડૅમ છે અને ૯ તળાવ છે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ. પાંચ વર્ષથી આ શરૂ કર્યું છે. અમે પ્રીમૉન્સૂન કામગીરી કરીને કૅચમેન્ટ એરિયાની સફાઈ કરીને એને સુધારીએ છીએ જેથી કોઈ મુશ્કલી ન સર્જાય અને વરસાદનાં પાણી એના ફ્લોમાં આવી શકે. આ કામગીરીને કારણે ગામમાં ભૂગર્ભ જળનાં તળ ઊંચાં આવ્યાં છે અને વરસાદનાં પાણી અમારા ગામ અને એની આસપાસના વિસ્તરોમાં રીચાર્જ સ્ટ્રક્ચરમાં ઊતરે એટલે એના પરથી અમે ગામના ખેડૂતોને ઘઉં, એરંડા સહિતના જે પાક લેવાના હોય એ પાક લેવા જણાવીએ છીએ. અમારી સમિતિ પાણીનું લેવલ ચેક કરે છે અને ઓછા પાણીથી થતા પાકની પણ સૂચના આપે છે. આનાથી ગામના ૧૧૪૪ જેટલા ખેડૂતોને માહિતી મળી રહે છે અને તેઓ સારી રીતે ખેતી કરી શકે છે.’
અમદાવાદનો ઉસ્માનપુરા વિસ્તાર વધુ વરસાદ માટે જાણીતો બન્યો છે ત્યારે આ વિસ્તારને અડીને આવેલી અને મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના તંત્ર દ્વારા વહી જતાં વરસાદનાં પાણીને જમીનમાં ઉતારવાનો પ્રયાસ કરીને વિદ્યાપીઠ પરિસરમાં બે-પાંચ નહીં, અગિયાર ખંભાતી કૂવા બનાવ્યા છે. આ ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહ માટે ત્રણ ટાંકા બનાવ્યા છે એ સંદર્ભે વાત કરતાં ગુજરાત વિદ્યાપીઠમાં ખંભાતી કૂવાનું કામકાજ સંભાળતા અને હેરિટેજ વૉકના સંયોજક પ્રવીણ પરીખ કહે છે, ‘અમદાવાદમાં તાજેતરમાં આટલો બધો વરસાદ પડ્યો અને અમારા વિદ્યાપીઠ કૅમ્પસમાં ભરાયેલાં વરસાદી પાણી એક કલાકમાં ખંભાતી કૂવાઓમાં ઊતરી ગયાં. વરસાદી પાણીનો બે રીતે સંગ્રહ થઈ શકે છે, એક તો ભૂગર્ભ કૂવા-ટાંકા બનાવીને અને બીજું વરસાદી પાણી સીધું જમીનમાં ઉતારીને સંગ્રહ કરી શકાય છે. વિદ્યાપીઠમાં વધુ ને વધુ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે ૧૧ ખંભાતી કૂવા બનાવ્યા છે. આ કૂવા પાણીના સ્ટોરેજ માટે નથી. આ વિદ્યાપીઠ આશ્રમ રોડ પર આવેલી છે. આશ્રમ રોડ વિદ્યાપીઠ કરતાં થોડો હાઇટ પર છે અને વિદ્યાપીઠ થોડા નીચાણમાં છે એટલે વરસાદી પાણી અહીં આવે એ બધું ખંભાતી કૂવામાં ઊતરી જાય છે અને એના દ્વારા આજુબાજુના વિસ્તરોમાં જમીનમાં પાણીના સ્તર ઊંચા આવે છે. વિદ્યાપીઠમાં એને કારણે ગ્રીન સ્પેસ વધી છે અને ઉનાળામાં વિદ્યાપીઠ કૅમ્પસમાં તાપ ઓછો લાગે છે. ખંભાતી કૂવા ઉપરાંત વિદ્યાપીઠમાં અમે વરસાદી પાણીના સંગ્રહ માટે ૧૭ લાખ ક્યુસેકના ત્રણ મોટા ટાંકા બનાવ્યા છે. આ પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે અને ગાર્ડનિંગમાં પણ થાય છે. ગુજરાત વિદ્યાપીઠ ઉપરાંત મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમમાં ગાર્ડન નીચે બે લાખ ક્યુસેકની સંગ્રહક્ષમતા ધરાવતો વરસાદી પાણીનો મોટો ટાંકો બનાવ્યો છે અને એમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરીએ છીએ.’
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા હેરિટેજ વૉક શરૂ કરાયો છે જેમાં જોડાયેલા અમદાવાદના કેટલાક ફ્લૅટના રહેવાસીઓએ વિદ્યાપીઠમાં ખંભાતી કૂવા જોઈને તેમની સોસાયટીમાં પણ ખંભાતી કૂવા બનાવીને વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું આવકારદાયક કાર્ય કર્યું છે એની વાત કરતાં પ્રવીણ પરીખ કહે છે, ‘વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખંભાતી કૂવા બતાવીને એનું મહત્ત્વ સમજાવીએ છીએ. આ ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા હેરિટેજ વૉક શરૂ કર્યો છે, જેમાં અત્યાર સુધી ૫૦ જેટલી કૉલેજો, ૨૦ યુનિવર્સિટીઓ, સોસાયટીઓ, ફ્લૅટના રહેવાસીઓ સહિત આ વૉકમાં ૧૬૦૦ જેટલા લોકો જોડાયા છે. અમે હેરિટેજ વૉકમાં ખંભાતી કૂવો બતાવીને એનું મહત્ત્વ જણાવીએ છીએ ત્યારે અમને આનંદ એ વાતનો થાય છે કે વિદ્યાપીઠના ખંભાતી કૂવા જોઈને ઘણા લોકોએ તેમની સોસાયટીમાં ખંભાતી કૂવા બનાવ્યા છે.’
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગોયલ પ્લાઝાના રહેવાસીઓએ એકઠા થઈને ખંભાતી કૂવો બનાવીને વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતાર્યાં છે. અહીં રહેતા મિતેશ સોલંકી કહે છે, ‘અમે ગુજરાત વિદ્યાપીઠમાં હેરિટેજ વૉકમાં ભાગ લેવા ગયા ત્યારે ખંભાતી કૂવા જોયા અને એના વિશે જાણ્યું હતું. અમારી સોસાયટીમાં ૧૦ માળના ત્રણ ટાવર છે અને એના ટેરેસ પરથી અને પાર્કિંગમાંથી વરસાદનાં પાણી વહીને બહાર રોડ પર જાય છે તો અમને લાગ્યું કે ભૂગર્ભ જળ સંચય માટે ખંભાતી કૂવા સારો વિકલ્પ છે અને પાણી સીધું જમીનમાં ઊતરે છે એટલે અમે સોસાયટીની કમિટીમાં પ્રપોઝલ મૂકીને બધાના સહયોગથી પાર્કિંગમાં ચાર–પાંચ કાર મૂકવાની જગ્યા રિઝર્વ કરીને ત્યાં ખંભાતી કૂવો બનાવ્યો. ટેરેસ પરથી પાઇપ દ્વારા વરસાદી પાણીને સીધું નીચે લાવીને ખંભાતી કૂવામાં ઠાલવીએ છીએ એટલે અમારા ફ્લૅટમાંથી વહી જતા વરસાદી પાણીને અમે જમીનમાં ઉતારવાનું કાર્ય કર્યું છે. પાણી જમીનમાં ઊતરે છે એ અમારા માટે પૈસાથી વધુ મહત્ત્વનું છે. અમારી સોસાયટીને આ કામ કરવાથી આત્મસંતોષ થયો છે કે અમે પણ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે ભાગીદાર બન્યા છીએ.’
વરસાદનાં પાણીના સંચયની પ્રેરણા વર્ષો પહેલાં આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતે પોતાના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકો બનાવીને સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરીને આપી હતી. સૌરાષ્ટ્રના પોરબંદરમાં આજે પણ ગાંધીબાપુના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહનો ટાંકો છે. સૂત્રો કહે છે કે ‘પોરબંદર દરિયાકિનારે હોવાથી દરિયાકિનારાના પટ્ટામાં ક્ષારવાળું ખારું પાણી આવતું, જેથી ગાંધીબાપુએ વરસાદના મીઠા પાણીનો સંગ્રહ તેમના ઘરમાં ટાંકો બનાવીને કર્યો હતો અને તેઓ સંગ્રહ કરેલા વરસાદી પાણીનો ઉપયોગ કરતા હતા. વર્ષો પહેલાં ક્ષારવાળા પાણીને લઈને આવો રસ્તો કાઢ્યો હતો. આજે પણ ઘેડ પંથકનાં ઘણાં ગામમાં વરસાદનાં પાણીના સંગ્રહ માટે ટાંકા છે એની પ્રેરણા ગાંધીબાપુએ આપી હતી.’
અમદાવાદસ્થિત ગાંધીબાપુના સાબરમતી આશ્રમના સેક્રેટરી અમૃતભાઈ મોદી આ વાતમાં સૂર પુરાવતાં કહે છે કે ‘એ જમાનામાં જેમનાં ઘર મોટાં હોય, ચોકવાળાં હોય તેમના ઘરે મોટા ભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકા બનાવતા અને એમાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા. ગાંધીબાપુએ પણ પોરબંદરના તેમના ઘરમાં વરસાદના મીઠા પાણીના સંગ્રહ માટે પાણીનો ટાંકો બનાવ્યો હતો.’
‘જળ છે તો જીવન છે’ એ કહેવત આપણે ઘણી વખત વાંચી છે કે જોઈ છે કે પછી કોઈને કહી હશે, પણ ક્યારેક કોઈ સંજોગોમાં આપણને પાણીની ખેંચ પડે ત્યારે પાણી આપણા જીવનમાં કેટલું મહત્ત્વનું છે એ સમજાય છે. હાલમાં વરસાદની સીઝન પુરબહારમાં ખીલી છે ત્યારે શક્ય હોય તો વહી જતાં વરસાદી પાણીનો સંચય કરવા તરફ આપણે પણ પગલું ઉઠાવીએ.
ADVERTISEMENT
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં આવેલો ખંભાતી કૂવો.
સહઅસ્તિત્વ ધરાવતી પાંચ પ્રકારની જળ સંસ્કૃતિ
શું તમે જાણે છો કે ઉત્તર ગુજરાતમાં આજે લોકો ૧૦,૦૦૦ વર્ષ પહેલાંનું પાણી જમીનમાંથી ખેંચીને પીએ છે!?
ભૂગર્ભ જળ સંચયના કાર્યમાં રુચિ ધરાવતા અને એને માટે જનજાગૃતિનાં કાર્ય કરતા અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર આવેલા કોબા ગામના રાજુભાઈ પુરોહિત ઘરમાં પાણીના ઉપયોગનું કૅલ્ક્યુલેશન સમજાવતાં કહે છે, ‘સામાન્ય રીતે આપણને ત્રણથી પાંચ લિટર પ્રતિદિન પ્રતિવ્યક્તિ પીવા માટે અને રસોઈ માટે પાણી જોઈએ. એટલે જો પાંચ વ્યક્તિનો પરિવાર હોય તો રોજનું પચીસ લિટર એટલે કે બે બેડાં પાણી જોઈએ. પાણિયારા પર બે બેડાં ભરીને પાણી હોય તો રસોઈ માટે અને પીવા માટે આટલું પાણી ૨૪ કલાક ચાલે અને આખા વર્ષમાં ૧૦,૦૦૦ લિટર પાણી જોઈએ. આ માટે ૧૦ ઘન મીટરનો ભૂગર્ભ ટાંકો બનાવો તો વરસાદનાં પાણીનો સંગ્રહ થાય અને બારે મહિના તમને પીવા અને રસોઈ માટે વરસાદી પાણી મળી રહે. વરસાદી પાણીને ટેરેસ પરથી પાઇપ દ્વારા નીચે ઉતારીને એને ફિલ્ટર ટૅન્કમાં ગાળીને ભૂગર્ભ ટાંકામાં ઠાલવી શકાય છે. છેલ્લાં ૧૮ વર્ષથી હું મારા ઘરે આ રીતે સંગ્રહ કરેલા વરસાદી પાણીનો ઉપયોગ કરું છું. પૃથ્વી પરથી વરસાદનું એક પણ ટીપું બહાર નથી જતું કે બહારથી અંદર નથી આવતું. હું સામાન્ય રીતે એમ કહું છું કે આપણે ત્યાં પાંચ પ્રકારની જળ સંસ્કૃતિઓ વિકસી છે.’
સમાજજીવનમાં જરૂરિયાત પ્રમાણે એક પછી એક એમ તબક્કાવાર વિકસેલી પાંચ પ્રકારની જળ સંસ્કૃતિની રોચક વાત માંડતાં રાજુભાઈ પુરોહિત કહે છે, ‘દુનિયાભરમાં સંસ્કૃતિનો વિકાસ નદીકિનારે થયો. નદીકિનારે મોટાં નગર છે અને નદીતટે સંસ્કૃતિનો વિકાસ થયો. એ પછી માણસને નદીથી દૂર રહેવાના સંજોગો ઊભા થયા ત્યારે માણસો ગામ વસાવીને રહેતા થયા ત્યારે તળાવ આધારિત સંસ્કૃતિ ઊભી થઈ. ગામમાં બે-ચાર તળાવ બનતાં એટલે નદીમાંથી તળાવ આધારિત સંસ્કૃતિ તરફ આપણે ગયા. ત્યાર બાદ વરસાદ વહેલો-મોડો આવે, વધારે-ઓછો આવે અને એમાં તળાવનું પાણી પણ ખલાસ થઈ જાય તો પાણી ક્યાંથી લાવવું એ પ્રશ્ન ઊભો થયો એટલે તળાવમાં ખાડો કર્યો તો ખબર પડી કે ભૂગર્ભમાં પાણી છુપાયેલું છે એટલે વાવ–કૂવા શરૂ થયાં. એમાંથી ઇલેક્ટ્રિક મોટર, સબમર્સિબલ મોટર આવી, ટ્યુબવેલ ટેક્નૉલૉજી આવી અને આખી ભૂગર્ભ જળ આધારિત સંસ્કૃતિ શરૂ થઈ. ભૂગર્ભ જળ આધારિત સંસ્કૃતિ શરૂ થઈ એ પછી મારા ગામનું પાણી ખલાસ થઈ ગયું, ખારું થઈ ગયું, ટીડીએસ વધારે આવ્યાં અને મુશ્કેલી ઊભી થઈ એટલે માણસે વિચાર્યું કે મારા ગામનું પાણી ખારું છે એટલે ૧૦-૨૦ કિલોમીટર દૂર નદીકિનારે ગામ છે ત્યાં સારું પાણી છે, ગામથી દૂર સારું પાણી છે તો પાણીને લાવો તાણી. એટલે પાઇપલાઇન અને કનૅલ થ્રૂ પાણી ખેંચી લાવ્યા અને પાણીની આયાત-નિકાસ સંસ્કૃતિ શરૂ થઈ. છતાં પાણીનો પ્રશ્ન તો ઠેરનો ઠેર રહ્યો એટલે પછી જળ સંચયનો વિચાર આવ્યો એટલે જળ સંચય સંસ્કૃતિ માણસ શીખ્યા. આ પાંચ સંસ્કૃતિ આજે સહઅસ્તિત્વ ધરાવે છે.’
ઉત્તર ગુજરાતની જમીનમાંથી ખેંચાતાં પાણી વિશે રાજુભાઈ પુરોહિત દાવો કરતાં કહે છે કે ‘ઉત્તર ગુજરાતમાં ૧૦૦૦ ફુટ ઊંડેથી પાણી કાઢીએ છીએ. એનું કાર્બન ડેટિંગ કરાવો તો એ પાણી ૧૦,૦૦૦ વર્ષ પહેલાંનું જૂનું પાણી છે. એટલે ૧૦,૦૦૦ વર્ષ પહેલાં વરસાદ પડ્યો હતો એ પાણી અત્યારે આપણે ભૂગર્ભમાંથી ઉલેચીને વાપરીએ છીએ. આ વાસ્તવિકતા છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એના દ્વારા જાણી શકાય છે. અત્યારે ઉત્તર ગુજરાતમાં ૧૦,૦૦૦ વર્ષ પહેલાંનું પાણી ખેંચીને પીવાય છે. અહીં પ્રશ્ન પાણી કરતાં વૉટર મૅનેજમેન્ટનો છે. પ્રાકૃતિક સંસાધનોનું વ્યવસ્થાપન જેટલું સારું કરી શકીએ એટલું વધારે સારું જીવન જીવી શકીએ.’
તેઓ દાવો કરતાં કહે છે, ‘પૃથ્વી પર કુલ પાણી છે એ પૈકી ૯૦ ટકા ખારું છે જે દરિયામાં છે. ૧૦ ટકા શુદ્ધ પાણી છે એ પૈકી ૯૦ ટકા પાણી ધ્રુવ પ્રદેશો અને હિમાચ્છાદિત શિખરો પર છે એટલે એક ટકો શુદ્ધ પાણી નદી અને તળાવોમાં છે એથી ભૂગર્ભ જળ પુનઃ સ્થાપન કરવું પડે. પાણી હજારો વર્ષ સુધી બગડતું નથી અને જો તમે એને પ્રકાશ અને ખુલ્લી હવાથી મુક્ત રાખો તો પાણી બગડતું નથી. મારા ઘરના પરિવારના સભ્યો ભૂગર્ભ ટાકામાં ભરેલાં વરસાદનાં પાણીનો ઉપયોગ કરે છે. ઘરમાં એક નાની ડંકી રાખી છે અને એના દ્વારા સરળતાથી પાણી ખેંચીએ છીએ. ભૂગર્ભ જળ વિશે ઘણાં બધાં ગ્રુપમાં અને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપીએ છીએ અને ટાંકા પણ કર્યા છે.’


