ઍક્ટિંગ એ અવિરત યાત્રા છે જેમાં તમારે સતત આગળ વધતા રહેવાનું છે. એ યાત્રામાં થાકવાનું નથી અને હારવાનું પણ નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઘણાને મારી વાત જ્ઞાન જેવી લાગી શકે, પરંતુ હું તો કહીશ કે જ્ઞાન તો જ્ઞાન, પણ મારા મનમાં અત્યારે આ જ વાત ચાલે છે અને મારે આ જ વાત શૅર કરવી છે.
હું ભાવનગરનો. લગભગ દસ-બાર વર્ષ પહેલાં ઍક્ટિંગ-ફીલ્ડમાં આગળ વધવા માટે હું મુંબઈ આવ્યો અને મારી સ્ટ્રગલ શરૂ થઈ. આ સ્ટ્રગલ દરમ્યાન મેં અનેક નાટકો કર્યાં, ‘હમારી દેવરાની’થી લઈને ‘અનુપમા’ સુધીની અનેક ટીવી-સિરિયલો કરી તો ફિલ્મો કરી, પણ એ બધું કરતાં-કરતાં મને જે અનુભવ થયો છે એના આધારે હું કહીશ કે ગુજરાતથી મુબંઈમાં ઍક્ટર બનવા આવતા યંગસ્ટર્સ પોતાની જાત સાથે અન્યાય કરે છે. એ એવું નક્કી કરીને મુંબઈ આવે છે કે ચાલો આપણે મુંબઈ જઈને એકાદ વર્ષ ટ્રાય કરીએ, જો નસીબમાં હશે તો કામ મળશે અને આપણે મુંબઈમાં ઍક્ટર બનીશું, બાકી પછી ગુજરાત પાછા આવી જઈશું. હું નથી માનતો કે ઍક્ટિંગ એ કાંઈ નસીબની લાઇન હોય. આ ટૅલન્ટની લાઇન છે અને ટૅલન્ટને તક ક્યારે મળે એ કોઈ કહી ન શકે. ઍક્ટિંગ એ કંઈ દુકાન નથી કે તમે મન પડે ત્યારે ખોલી શકો અને મન પડે ત્યારે એનાં શટર પાડીને એ દુકાન વેચી નાખવા વિશે વિચારી શકો.
ADVERTISEMENT
ઍક્ટિંગ એ અવિરત યાત્રા છે જેમાં તમારે સતત આગળ વધતા રહેવાનું છે. એ યાત્રામાં થાકવાનું નથી અને હારવાનું પણ નથી. હું મુંબઈ આવ્યો ત્યારે ઘણા મહિના એવા રહ્યા છે જેમાં મારી પાસે પેઇંગગેસ્ટ (PG)ની ફી આપવાના પૈસા પણ ન હોય અને મેં રિક્વેસ્ટ કરી હોય કે નેક્સ્ટ મન્થ સાથે આપી દઈશ. કોઈ વખત એવું પણ બન્યું છે કે તમારા લૅન્ડલૉર્ડ માને, કોઈ વખત ન પણ માને, પણ તમારે માટે એ ગોલ છે જ નહીં. તમારો ગોલ એક જ છે, તમારે ઍક્ટિંગ કરવી છે અને તમે એમાં આગળ વધી રહ્યા છો.
મને કોઈ કહે કે એકાદ વર્ષ ટ્રાય કરવા હું મુંબઈ આવ્યો છું ત્યારે મને મનમાં સહેજ હસવું આવે કે આ કંઈ T20 થોડી છે કે તમે ઇચ્છો એ રીતે સમયમર્યાદા નક્કી કરીને આગળ વધી શકો? ના, એવું નથી અને એટલે જ હું એ તમામ ગુજરાતીઓને કહીશ જેઓ આજે મુંબઈ આવીને આ લાઇનમાં સ્ટ્રગલ કરે છે અને ઍક્ટર બનવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફર-ફર કરે છે. જો તમે કે તમારી ફૅમિલીએ એવી કોઈ ટાઇમલાઇન આપી હોય તો બહેતર છે કે તમે તમારા એ ઍક્ટર બનવાના સપનાને અત્યારે જ અટકાવીને આ એક વર્ષનો સમય બચાવી લો. આ ફીલ્ડમાં એ રીતે કામ નથી મળતું, નથી મળતું અને નથી જ મળતું. કોઈ એકાદને એવી રીતે કામ મળી ગયું હોય એ એક્સપેશનલ કેસ કહેવાય અને એ દૃષ્ટાંત છે એટલે જ આપણે એની વાતો કરીએ છીએ. બાકી, મારું માનવું છે કે રોજબરોજના સ્ટ્રગલની અને અવિરત યાત્રાની તૈયારી હોય તો જ આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલની શરૂઆત કરવી જોઈએ. તો જ જોઈતું પરિણામ મળશે.
- પરેશ ભટ્ટ (પરેશ ભટ્ટ ગુજરાતી નાટક અને ટીવી-સિરિયલ તેમ જ હિન્દી ટીવી-સિરિયલના જાણીતા ઍક્ટર છે.)

