Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > ભાદરવી પૂનમના મેળામાં જવાના છો? તો આટલું જરૂર વાંચી લેજો

ભાદરવી પૂનમના મેળામાં જવાના છો? તો આટલું જરૂર વાંચી લેજો

24 September, 2023 11:30 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આવતા શુક્રવાર સુધી ચાલનારા અંબાજીના મેળાના આયોજનમાં હવે ટેક્નૉલૉજીનો બહુ સરસ ઉપયોગ થયો છે. મંદિરનું શેડ્યુલ, પાર્કિંગ, ભોજનાલય, પ્રસાદ, કલ્ચરલ પ્રોગ્રામ, કંઈક તકલીફ થઈ તો કન્ટ્રોલ રૂમનો કૉન્ટૅક્ટ કઈ રીતે કરવો એ બધું જ એક ક્યુઆર કોડ જેટલું છેટું છે

અંબાજી મંદિર

અંબાજી મંદિર


આધ્યાત્મિકતા સાથે આસ્થાની અલખ જગાવતો ભાદરવી પૂનમનો મહામેળો હર્ષોલ્લાસ સાથે શરૂ થયો છે ત્યારે આદ્યશક્તિ જગદજનની અંબેમાતાનાં ચરણે શ્રદ્ધાથી શિશ નમાવવા પદયાત્રા કરીને ઉત્તર ગુજરાતના વિશ્વવિખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી તરફ જતા માર્ગો પર આજકાલ માઈભક્તો નજરે પડી રહ્યા છે. તેઓ આદ્યશક્તિનાં ગુણગાન ગાતા, સત્સંગ કરતા, ‘બોલ મારી અંબે, જય જય અંબે’નો જયઘોષ કરતા આગળ વધી રહ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે એટલે આ દિવસો દરમ્યાન લાખ્ખો ભાવિકો પગપાળા માતાજીનાં દર્શન કરવા અંબાજીના મંદિરે જાય છે.




મેળાના પ્રથમ દિવસે માઈભક્તોએ એક જ સ્થળે ઊભા રહીને વર્ચ્યુઅલ રિયલિટીની મદદથી અંબાજી મંદિર, ગબ્બર, ૫૧ શક્તિપીઠ સહિતનાં મંદિરોનાં દર્શન કરીને દિવ્ય અનુભૂતિ કરી હતી


ખેરાલુ–વિસનગર રોડ, હિંમતનગર–ઇડર રોડ, પાલનપુર–દાંતા રોડ, ગબ્બર પાછળ વિરમપુરવાળો રોડ તેમ જ આબુ બાજુથી છાપરી રોડ થઈને અંબાજી તરફ પદયાત્રીઓ જઈ શકે છે. પદયાત્રીઓ માટે આ તમામ માર્ગો પર કંઈકેટલાય સેવા કૅમ્પો ગરમ પાણીથી લઈને રાતવાસા માટે, ચા-નાસ્તો અને જમવાની તેમ જ આરોગ્યની પણ સેવા કરતા જોવા મળે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમ જ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એમાં અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ક્યાં શું અને કેવી સુવિધા છે એ જાણવા માટે ક્યુઆર કોડ રખાયો છે. મેળાની વ્યવસ્થાને લગતાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને સંકલિત કરાયાં છે અને એક ક્યુઆર કોડ જનરેટ કરાયો છે. ગૂગલ મૅપ દ્વારા ભાવિકો તેમના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે આ કોડને સ્કૅન કરીને એનો ઉપયોગ કરી શકે છે. આ ક્યુઆર કોડ પદયાત્રીઓને મદદરૂપ બની શકશે જેના દ્વારા તેઓ અંબાજી મંદિર, પાર્કિંગ, ભોજનાલય, પ્રસાદ, કલ્ચરલ પ્રોગ્રામ, પોલીસ કન્ટ્રોલ-રૂમ વિશે જાણી શકાશે. જો તમે અંબાજી તરફ આવતા હો તો હડાદ રોડ, દાંતા રોડ સહિત પાંચ જગ્યાએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ વૉટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે જ્યાં ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરાઈ છે. એટલે રાતવાસા માટે મુશ્કેલી નહીં પડે. મેળામાં ચાલતાં-ચાલતાં આવતા હો ત્યારે સંભવ છે કે પગમાં દુખાવો થાય, ઘણી વાર ફોલ્લા પણ પડી જાય, શરીરમાં પેઇન થાય, તાવ કે ઉધરસ જેવી ક્યાંક તકલીફ ઊભી થાય તો ચિંતા કરવા જેવું નથી, કેમ કે અંબાજી જતા માર્ગો પર ૨૫ જેટલાં આરોગ્યકેન્દ્રો કાર્યરત છે. અહીં ડૉક્ટર સહિતનો આરોગ્ય-સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. ગબ્બર પર તેમ જ ગબ્બરની તળેટીમાં પણ આરોગ્યકેન્દ્ર ખોલવામાં આવ્યું છે. આ ઉપરાંત અંબાજી તરફના માર્ગો પર આવતાં નાનાં-મોટાં ગામો અને નગરોમાં પ્રાથમિક તેમ જ સામૂહિક આરોગ્યકેન્દ્રોમાં પણ સારવાર મળી રહે છે.


મોહનથાળના પ્રસાદનાં ૪૦ લાખ પૅકેટ

મોહનથાળનો પ્રસાદ બનાવી રહેલા કર્મચારીઓ

શક્તિપીઠ અંબાજીમાં કોઈ પણ ભાવિક જાય ત્યારે અચૂક મોહનથાળનો પ્રસાદ સાથે લેતો જાય છે ત્યારે ભાદરવી પૂનમના મહામેળામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની તૈયારી ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શરૂ કરી દેવાઈ હતી અને પ્રસાદનાં રોજનાં ત્રણ લાખ પૅકેટ બનાવવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષે આવેલા યાત્રાળુઓ અને આ વર્ષે આવનારા ભાવિકોના અંદાજને ધ્યાનમાં લઈને પ્રસાદનાં ૪૦ લાખ પૅકેટ તૈયાર કરવામાં આવશે. મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે કુલ ૩,૫૯,૮૩૫ કિલો સીધું-સામાનનો ઉપયોગ થશે. એમાં ૧,૦૫,૦૦૦ કિલો બેસન, ૭૮,૭૫૦ કિલો ઘી, ૧,૫૭,૫૦૦ કિલો ખાંડ અને ૨૧૦ કિલો ઇલાયચીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. માઈભક્તોને અંબાજી મંદિર ઉપરાંત યજ્ઞશાળાની બાજુમાંથી, ગણપતિ મંદિર પાસે, સાત નંબરના ગેટ, શક્તિદ્વાર સહિત ૧૧ કેન્દ્રો પરથી પ્રસાદ મળી રહેશે. પ્રસાદ સમિતિ દ્વારા મેળા દરમ્યાન રાઉન્ડ ધ ક્લૉક પ્રસાદ બનાવવાની કામગીરી પર દેખરેખ રખાઈ રહી છે.

લાંબું ચાલવાનું હોય ત્યારે...

પચાસ-સો કે બસો કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી જવું એમ કંઈ સહેલુ નથી, પણ હૈયામાં હામ હોય અને મુખે મા અંબેનું નામ હોય તો ભક્તોમાં એક પ્રકારની એનર્જી આવી જાય છે. આપણે કોઈ જગ્યાએ જઈએ ત્યારે એના માટે થોડીઘણી તૈયારીઓ કરતા હોઈએ છીએ એમ જો પદયાત્રા કરીને અંબાજી જવાનું વિચારતા હો તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. અંબાજી જતા હોઈએ ત્યારે પગપાળા જવાનું હોવાથી રોજ કેટલા કિલોમીટર ચાલવું જોઈએ, જમવામાં શું લેવું જોઈએ, આરોગ્યની કાળજી કેમ રાખવી એ સહિતની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તબિયત બગડે નહીં. અંબાજી પગપાળા જતા હો ત્યારે રોજ કેટલું અને ક્યારે ચાલવું, કેવો ખોરાક લેવો એ સહિતના મુદ્દે વાત કરતાં વર્ષોથી અમદાવાદથી અંબાજી પગપાળા સંઘ લઈને જતા આનંદી ઇન્દ્રરમણ ટ્રસ્ટ જે લાલ ડંડાવાળા સંઘ તરીકે જાણીતો છે એના શૈલેષ ત્રિવેદી કહે છે, ‘રોજની સરેરાશ ૧૫ કિલોમીટર પદયાત્રા કરવી જોઈએ. જોકે કોઈ દિવસ ૧૨ કે ૨૦ કિલોમીટર થાય તો વાંધો નહીં. પદયાત્રા દરમ્યાન આટલું ચાલશો તો થાકી નહીં જવાય અને શક્ય છે કે બીજી કોઈ મુશ્કેલી નહીં થાય. અમારો સંઘ વહેલી સવારે પાંચ વાગ્યે આરતી કરીને પદયાત્રા કરે છે. વહેલી સવારે પદયાત્રા કરવી સારી રહે છે. રાતે પણ પદયાત્રા કરી શકાય છે. ગરમી ઓછી લાગે અને કંટાળી ન જવાય. બપોરે ચાલવામાં ગરમી થાય અને તકલીફ પડે એવું બને. તમે પગપાળા જતા હો ત્યારે ખોરાકમાં કાળજી લેવી જરૂરી બને છે. ચાલતા જતા હોઈએ ત્યારે એનર્જી માટે ઘી-ગોળવાળો ખોરાક લેવો સારો ગણી શકાય. ફાસ્ટ ફૂડ ટાઇપનું ફૂડ ટાળવું જોઈએ. એ ટેસ્ટ માટે સારું લાગે, પણ સાદો ખોરાક લેવો જોઈએ. ખીચડી, દાળઢોકળી, પૂરી-શાક, લાડુ, લાપસી કે સુખડી લઈ શકાય. આમ તો જય અંબેનું રટણ કરતાં-કરતાં જાવ એટલે એનર્જી આવે, પણ પાણી વધુ પીવું જોઈએ.’

અંબેમાતાનો રથ ખેંચીને, શ્રીફળ વધેરીને થયો પ્રારંભ

‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો હતો. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે શ્રીફળ વધેરીને અને અંબેમાતાનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. માતાજીના મેળાનો આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવભર્યા માહોલમાં શુભારંભ થયો હતો અને ઉપસ્થિત માઈભક્તોએ જય અંબેનો જયઘોષ કર્યો હતો. મેળાના પહેલા દિવસે લગભગ પોણા ત્રણ લાખ ભાવિકોએ અંબેમાનાં દર્શન કર્યાં હતાં.

પોણાબે સદી પહેલાં નીકળેલા સંઘના પરંપરાગત માર્ગ પર આજે પણ નીકળે છે લાલ ડંડાવાળો સંઘ

અંબાજીના માર્ગ પર આગળ વધી રહેલો લાલ ડંડાવાળો સંઘ

અમદાવાદમાંથી પોણાબે સદી પહેલાં નીકળેલો સંઘ જે માર્ગ પરથી પસાર થઈને અંબાજી પહોંચ્યો હતો એ પરંપરા આજે પણ લાલ ડંડાવાળા સંઘે જાળવી રાખી છે એની વાત કરતાં આનંદી ઇન્દ્રરમણ ટ્રસ્ટ ઉર્ફે લાલ ડંડાવાળા સંઘના શૈલેષ ત્રિવેદી કહે છે, ‘આ પગપાળા સંઘનું આ વર્ષે ૧૮૯મું વર્ષ છે. ૧૮૩૫માં અમદાવાદમાં પ્લેગનો રોગચાળો થયો હતો ત્યારે શહેરના શ્રેષ્ઠી હઠીસિંહ શાહે બાધા રાખી હતી કે જગદંબાની કૃપાથી આ રોગ સમી જાય તો માતાજીનાં દર્શન કરવા અમદાવાદથી પગપાળા અંબાજી આવીશ. બન્યું એવું કે પ્લેગનો રોગચાળો મટી ગયો હતો. એ પછી અમદાવાદથી શ્રેષ્ઠી માથે ચૂંદડી બાંધીને અંબાજી બાધા પૂરી કરવા ગયા હતા. ત્યારથી આ સંઘ વર્ષોથી અંબાજી પગપાળા જાય છે. ત્રિશૂળ, ધૂપિયું અને કમંડળ સાથે ૫૧ બ્રાહ્મણો તેમ જ અન્ય માઈભક્તો પદયાત્રામાં જોડાય છે. વર્ષો પહેલાં સંઘ જે માર્ગ પરથી પ્રસ્થાન થયો હતો એ માર્ગ પરથી આજે પણ અમારો સંઘ પરંપરા નિભાવતો પસાર થાય છે. અમારો સંઘ જે ગામોમાં પહોંચવાનો હોય ત્યાં ગામવાળા સામૈયું કરે છે. ગામના પાદરે ગામના લોકો આવે છે. ગામોએ સામૈયાની આ પરંપરા પણ જાળવી રાખી છે.’ 

બ્રેઇલ લિપિમાં ૩૧ લાખ મંત્રજાપ લખ્યા છે આ દિવ્યાંગ દીકરીઓએ

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનું ભાવિકોના હૃદયમાં આગવું સ્થાન રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાના હાજીપુરા ગામે આવેલી મંથન અપંગ કન્યા સેવા સંકુલની દિવ્યાંગ દીકરીઓએ પદયાત્રીઓ માટે થઈને ‘જય અંબે’ના ૩૧ લાખ મંત્ર લખ્યા છે એની વાત કરતાં જય ભોલે ગ્રુપના દીપેશ પટેલ કહે છે, ‘આ સંસ્થાની દીકરીઓને ચામર યાત્રા વખતે અંબાજી લઈ ગયા હતા. ત્યારે દીકરીઓએ નક્કી કર્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં જે ભાવિકો આવે છે તેમની મનોકામના પૂરી થાય અને માતાજીના આશીર્વાદ સૌને મળે એ માટે અમે ‘જય અંબે’ મંત્ર લખીશું. છેલ્લા એક મહિનામાં ૨૦૦ જેટલી દિવ્યાંગ દીકરીઓએ ૩૧ લાખ ‘જય અંબે’ના જાપ લખ્યા છે. આ સંસ્થામાં પાંચ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પણ રહે છે. તેમણે બ્રેઇલ લિપિમાં જાપ લખ્યા છે. આ દીકરીઓનું કહેવું છે કે અમે ભાદરવી પૂનમના આ મેળામાં જઈ શકી નથી, પણ મંત્રજાપ લખીને અમને દિવ્ય અહેસાસ થયો છે અને જાણે કે અંબેમાતાના આશીર્વાદ મળ્યા છે. આ તમામ મંત્રજાપ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણ બરનવાલને આપવામાં આવશે.’

ભાદરવી પૂનમના મેળાને લઈને માતાજીનો ગરબો લખાયો છે એની વાત કરતાં દીપેશ પટેલ કહે છે, ‘આ મેળાને લઈને માતાજીનો ગરબો લખાયો છે. ‘અવસર અંબે માનો આયો, આનંદ-ઉલ્લાસ અનેરો છાયો...’ પાલનપુરના જિજ્ઞેશ નાયકે લખેલા આ ગરબા પર મંથન સંસ્થાની ૪૧ દિવ્યાંગ દીકરીઓ ૨૪ સપ્ટેમ્બરે અંબાજીના ચાચર ચોકમાં ગરબે ઘૂમશે. આ દીકરીઓનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં તેઓ પર્ફોર્મ કરશે અને જે મંત્રજાપ લખ્યા છે એ અર્પણ કરવામાં આવશે.’ 

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2023 11:30 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK