કદી વૃક્ષ તરફ આભારની દૃષ્ટિથી જોયું પણ નહીં. છતાં પણ વૃક્ષ આનંદમાં અને પેલો યુવાન સતત કશુંક ને કશુંક મેળવવાના લોભમાં સ્ટ્રેસ (માનસિક તનાવ) માં જીવતો હતો.
પ્રતીકાત્મક તસવીર
એક નાની વાર્તા. નદીકિનારે એક ઘટાદાર વૃક્ષ હતું. એક બાળક ત્યાં રોજ રમવા આવે. એ વૃક્ષ જાણે બાળકના પ્રેમમાં પડી ગયું. વૃક્ષ કહે, ચાલ મારી સાથે રમ. બાળકે વૃક્ષ તરફ જોયું. પછી કહ્યું, ‘હું તો બહુ નાનો છું. તારી ડાળી સુધી પણ ન પહોંચી શકું.’ વૃક્ષે પોતાની ડાળી ઝુકાવી. ચાલ, આવી જા ડાળી ઉપર અને રમ. પ્રેમ હંમેશાં ઝૂકતો હોય છે અને એ હંમેશાં આપવાનું જ શીખ્યો હોય છે. એ બાળક ડાળી પર ચડ્યું. ખૂબ રમ્યું. એક વખત બાળક કહે, મને બહુ ભૂખ લાગી છે. વૃક્ષે કહ્યું, મારાં ફળો લે અને ખા. બાળકે આનંદપૂર્વક ફળો ખાધાં. થોડા દિવસો એ બાળક વૃક્ષ પાસે આવ્યું નહીં. વૃક્ષને સતત તેની ચિંતા થયા કરે. પ્રેમ હંમેશાં આત્મીય જનોની ફિકર કરતો જ હોય છે. તેનું સુખ ઇચ્છતો હોય છે. વર્ષો બાદ એ બાળક આવ્યો. બાળક યુવાન થઈ ગયો હતો. વૃક્ષે કહ્યું, કેમ ઘણાં વર્ષોથી દેખાયો નહીં? બાળક હવે તો યુવાન થઈ ગયો હતો. તેણે કહ્યું, એમાં તારે શું? માત્ર અહીં ઊભા રહેવાનું છે. મારે ઘણાં કામ છે. મારે હવે પૈસા કમાવા છે. વૃક્ષે કહ્યું, મારાં ફળો લઈ જા અને વેચ. બાળકે વૃક્ષનાં બધાં જ ફળો લઈ લીધાં અને વેચ્યાં. આ રીતે વૃક્ષ એ છોકરાને સતત આપતું રહ્યું. આપવું એ એનો ધર્મ હતો પણ એ યુવાન હંમેશાં લેવાનું જ શીખ્યો હતો. તેણે કદી વૃક્ષ તરફ આભારની દૃષ્ટિથી જોયું પણ નહીં. છતાં પણ વૃક્ષ આનંદમાં અને પેલો યુવાન સતત કશુંક ને કશુંક મેળવવાના લોભમાં સ્ટ્રેસ (માનસિક તનાવ) માં જીવતો હતો.
જે સતત આપતો રહે છે તેની જીવન ઊર્જા અંત સુધી બરકરાર રહે છે. એનાથી તેનામાં એવી સમજ વિકસે છે કે જે કંઈ મળ્યું છે એમાંથી શક્ય એટલું પાછું આપવાનું છે. આપણે સતત લેતા જ રહીએ તો એવું પણ બને કે આપણી જીવનનૌકા વધુપડતી ભારેખમ થઈ જાય અને મધદરિયે કોઈક તોફાનમાં સપડાઈએ ત્યારે ભારેખમ નૌકાને કારણે બચી જ ન શકીએ. ત્યારે નૌકા ખાલી કરવી જ પડે. માત્ર લેવાની જ વૃત્તિ રાખીશું તો જીવન ભારરૂપ બનતું જશે. પણ સાથે-સાથે આનંદપૂર્વક કશુંક આપતા રહીશું તો સુખનો અદ્ભુત અનુભવ થશે. પછી આનંદ શોધવા ભટકવું પણ નહીં પડે.
ADVERTISEMENT
કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો શેર યાદ આવે છે, તારું કશું જ ન હોય તો છોડીને આવ તું... અને તારું જ સઘળું હોય તો છોડી બતાવ તું.
તો ભાવેશ ભટ્ટ લખે છે, હું ઇચ્છું કે કોઈ ઉદાસ ન થાય... અને થાય તો મારી આસપાસ ન થાય... રોજ ઈશ્વરની પરીક્ષા લઉં.... ને હું ઇચ્છું કે એ નાપાસ ન થાય....
પણ માનવીનું મન પ્રાપ્ય વસ્તુઓનું આકર્ષણ નથી અનુભવતું. તેને તો અપ્રાપ્ય વસ્તુઓની અદમ્ય ઝંખના સતત રહ્યા કરતી હોય છે.
-હેમંત ઠક્કર

