હું શા માટે વાંચું છું? કારણ હું વાંચ્યા વગર જીવી શકતો નથી. હું નવું જાણવા માટે, મારી જાતને ઓળખવા માટે મારા પોતાના વિકાસ માટે અને આનંદ મેળવવા માટે વાંચતો રહું છું. જે વાતોને હું સમજી શકતો નથી એ જાણવા માટે હું વાંચું છું.
પ્રતીકાત્મક તસવીર
હું શા માટે વાંચું છું? કારણ હું વાંચ્યા વગર જીવી શકતો નથી. હું નવું જાણવા માટે, મારી જાતને ઓળખવા માટે મારા પોતાના વિકાસ માટે અને આનંદ મેળવવા માટે વાંચતો રહું છું. જે વાતોને હું સમજી શકતો નથી એ જાણવા માટે હું વાંચું છું. હું જ્યારે નિરાશ થઈ ગયો હોઉં, હિંમત હારી ગયો હોઉં, જ્યારે જગત આખા પર ગુસ્સો આવી રહ્યો હોય ત્યારે હું આશાનું નવું કિરણ મળે એ માટે વાંચું છું. હું વાંચું છું, કારણ હું માત્ર મારું શરીર નથી કે લાગણીઓથી ભરેલું મન પણ નથી. મારા વિચારોને વાચા આપી શકું એ માટે વાંચું છું. શબ્દોમાં શક્તિ છુપાયેલી હોય છે. જેમ આપણે કોઈ ગમતું ગીત વારંવાર સાંભળીએ એમ પુસ્તક વાંચનના સમય દરમ્યાન હું જાણે મારા અંગત મિત્ર સાથે આનંદનો આવિષ્કાર કરી રહ્યો હોઉં એવી અનુભૂતિ થાય છે. પુસ્તકો આપણાં સાચાં મિત્ર છે જે મૌન રહીને પણ આપણને આનંદ, જ્ઞાન આપતાં જ રહે છે. પુસ્તકો વિશે લખે છે, ‘હજી કેટલું બધું વાંચવાનું, કેટલું બધું જાણવાનું બાકી છે.’
હસમુખ ગાંધી (‘સમકાલીન’ના ભૂતપૂર્વ તંત્રી) લખે છે, ‘પુસ્તકોનો શોખ કોપરું ચાવવા જેવો છે, જેમ ચાવો એમ વધુ મીઠાશ સાંપડે છે.’ નાની પાલખીવાળાએ પુસ્તકોને રોકાણ માટેની શ્રેષ્ઠ વસ્તુ (જણસ) ગણાવીને લખ્યું છે ‘જ્ઞાન મેળવવા માટે કરેલું રોકાણ એ શ્રેષ્ઠ રોકાણ છે.’
ADVERTISEMENT
એવું કહેવાય છે કે જે વાંચે છે તે એક હજાર જીવન જીવે છે, જે નથી વાંચતો તે એક જ જીવન જીવે છે. માર્ક એઇનનું એક વાક્ય છે, ‘જે વાંચતા નથી તે નહીં વાંચી શકનારથી જુદા નથી.’ લોકમાન્ય ટિળકે લખ્યું છે, ‘હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે એ જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.’ પુસ્તકો શા માટે વાંચવાં જોઈએ તો એનો જવાબ છે, ‘વાંચનથી વિચારવાનું મળે, સાચું સમજાય, હસવાનું પણ મળે, સંવેદના જાગે, જિજ્ઞાસા જાગે, કલ્પનાશક્તિ ખીલે, જ્ઞાન મળે વગેરે.’ કહેવાય છે કે કવિ કે લેખકનું કામ મનુષ્યનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે. સારું પુસ્તક તમને એક જુદી જ દુનિયામાં લઈ જવાની શક્તિ ધરાવે છે. રવીન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય ખૂબ વિચારવા જેવું છે, ‘નવું જન્મતું દરેક બાળક એ વાતનો પુરાવો છે કે ઈશ્વરે માનવજાતમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી.’ એ જ રીતે નવું પ્રકાશિત થતું પુસ્તક એ વાતનો પુરાવો છે કે લેખકો અને પ્રકાશકોએ વાચકોમાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. તો ચાલો પુસ્તકો વાંચવાનું-ખરીદવાનું શરૂ કરીએ, કારણ પુસ્તકોનો કોઈ વિકલ્પ નથી. ચૉકલેટને બદલે ચોપડી ભેટ આપશો તો લોકો જિંદગીભર તમને યાદ કરતા રહેશે.
-હેમંત ઠક્કર

