આંખના પલકારામાં સમાપ્ત થઈ જનારા આ જીવનને પૂરી સમગ્રતાથી એ જ સજીવો માણી શકે છે જેમની પાસે ‘શોઑફ’ કરવા જેવું કશું જ નથી
પ્રતીકાત્મક તસવીર
એક વાર એવું બન્યું કે રામકૃષ્ણ પરમહંસને મળવા માટે હિમાલયમાંથી એક યોગી પધાર્યા. તે યોગીએ વર્ષો સુધી હિમાલયમાં સાધના કરેલી. તેમણે રામકૃષ્ણ વિશે ઘણુંબધું સાંભળ્યું હતું એટલે તેઓ રામકૃષ્ણની મુલાકાતે પહોંચી ગયા. યોગી પધાર્યા ત્યારે રામકૃષ્ણ આરામથી એક વૃક્ષ નીચે બેઠા હતા. કલકત્તામાં જ્યાં તેમનું ઘર હતું એની બાજુમાંથી ગંગા નદી વહી રહી હતી. રામકૃષ્ણને જોઈને યોગીને આશ્ચર્ય થયું. તેમણે તો એવું સાંભળેલું કે રામકૃષ્ણ બહુ મહાન માણસ છે, પણ આ શું? તેમની સામે બેઠેલો માણસ તો સાવ સામાન્ય, અભણ અને ગામડિયો લાગતો હતો.
હિમાલયમાં રહીને વર્ષોથી યોગસાધના કરી રહેલા પેલા યોગીએ કહ્યું, ‘હું ખૂબ દૂરથી તમને મળવા આવ્યો છું, પણ તમને મળ્યા પછી થોડો નિરાશ થયો છું. તમે તો સાવ સાધારણ લાગો છો.’
ADVERTISEMENT
રામકૃષ્ણએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. હું સાવ સાધારણ માણસ છું. બોલો, હું તમારી શું સેવા કરી શકું?’
યોગીએ કહ્યું, ‘મારે કોઈ સેવા નથી જોઈતી. મને એક સવાલનો જવાબ આપો. તમારા આટલા બધા અનુયાયીઓ શું કામ છે? તમારામાં એવું ખાસ તો કશું જ નથી. બોલો, તમે પાણી પર ચાલી શકો છો? હું ચાલી શકું છું.’
રામકૃષ્ણએ કહ્યું, ‘તમે થાકેલા છો. થોડી વાર આરામ કરી લો. પછી તમારે પાણી પર ચાલવું હોય તો ચાલજો. જોકે મને એ કહો કે પાણી પર ચાલવાનું શીખવામાં તમને કેટલાં વર્ષ લાગ્યાં?’
યોગીએ કહ્યું, ‘વીસ વર્ષ.’
રામકૃષ્ણએ કહ્યું, ‘તમે એ વીસ વર્ષ અકારણ બરબાદ કરી નાખ્યાં. સૌથી પહેલાં તો પાણી પર ચાલવાની જરૂર શું છે? મારે અહીંથી નદીના સામા કાંઠે જવું હોય તો બે પૈસામાં હોડી મને સામે કાંઠે ઉતારી જાય. જોકે મારે તો બે પૈસા પણ ખર્ચવા નથી પડતા. અહીં લોકો મને એટલો પ્રેમ અને આદર આપે છે કે મને પોતાની હોડીમાં બેસાડવા માટે તેઓ અંદરોઅંદર લડી પડે છે. તેઓ મને કહે છે કે અમારી હોડીમાં બેઠા પછી પૈસાની વાત નહીં કરવાની. ગંગા પાર કરતી વખતે તમારો સાથ મળ્યો એ જ અમારા માટે સૌથી મોટા આશીર્વાદ છે.’ પછી રામકૃષ્ણએ કહ્યું, ‘તો જે નદી પાર કરવામાં ફક્ત બે પૈસા લાગે છે એમાં તમે જીવનનાં વીસ વર્ષ ગુમાવી દીધાં. આવું શું કામ કર્યું?’
આ સાંભળીને યોગી સ્તબ્ધ થઈ ગયા. તેમને ખૂબ મોટો આઘાત લાગ્યો, સાથે રિયલાઇઝ પણ થયું કે રામકૃષ્ણની વાત સાચી હતી. તેઓ વિચારવા લાગ્યા, ‘પાણી પર ચાલવાનો ફાયદો શું? મેં શું કામ આટલી સાધના કરી? ફક્ત એક શોમૅન બનવા માટે? લોકોને એ બતાવવા માટે કે હું કેટલો મહાન છું? વાહવાહી મેળવવા માટે મેં જીવનનાં વીસ વર્ષ વેડફી નાંખ્યાં?’
એ જ સવાલ હવે આપણે જાતને પૂછવાનો છે. આપણી પાસે એવી કઈ ઉપલબ્ધિ છે જે ફક્ત અન્યને બતાવવા માટે આપણે મેળવી છે? સોશ્યલ મીડિયા પર રીલ બનાવવા કે પોસ્ટ મૂકવા માટે ક્યાંક આપણે પાણી પર ચાલવાનું તો શીખી નથી ગયાને? આપણા જીવનમાં એવી કઈ પ્રવૃત્તિ છે જે ફક્ત આપણે વાહવાહી કે ઓળખ મેળવવા માટે કરીએ છીએ? આ સવાલના જવાબ જાણવા જરૂરી છે કારણ કે ‘શોમૅનશિપ’ આપણને અંતઃકરણ, પ્રકૃતિ અને આપણા મૂળ સ્વભાવથી દૂર લઈ જાય છે.
કોઈને ઇમ્પ્રેસ કરી દેવાના પ્રયત્નો કરવા માટે આ જિંદગી બહુ ટૂંકી છે. ગૌતમ બુદ્ધે કહેલું એમ ‘Be - Don’t try to become.’
આપણું આખું જીવન આ ‘હોવા’ અને ‘બનવા’ નામની બે ડાળીઓ વચ્ચે ઝૂલતું રહે છે. આપણી ઉપલબ્ધિઓ પ્રસારિત અને મહાનતા પ્રસ્થાપિત કરવાના પ્રયત્નોમાં જીવનનાં કેટલાંય વર્ષો પસાર થઈ જાય છે. કશુંક બનવા કે દેખાડવાની મથામણમાં જે સૌથી મહત્ત્વની ઘટના આપણે ચૂકી જઈએ છીએ એ છે ‘આપણું હોવું’. આ વર્તમાન ક્ષણમાં રહેલું જીવન ફક્ત એ જ સજીવો માટે ઉપલબ્ધ રહે છે જેમની પાસે કોઈ જ ઉપલબ્ધિ નથી. એવા સજીવો જેઓ ‘કશું જ નથી’; જગતને બતાવવા જેમની પાસે કોઈ પદવી, પુરસ્કાર કે પ્રમાણપત્ર નથી; પોતે ‘કશુંક’ છે એવું જતાવવા માટે જેમની પાસે કોઈ પુરાવા નથી. રામદાસે કહ્યું છે એમ ‘The game is not about becoming somebody, it’s about becoming nobody.’
આંખના પલકારામાં સમાપ્ત થઈ જનારા આ જીવનને પૂરી સમગ્રતાથી એ જ સજીવો માણી શકે છે જેમની પાસે ‘શોઑફ’ કરવા જેવું કશું જ નથી. ધૂળમાં રમતું બાળક, અડાબીડ ઊગેલું ઘાસ, કોઈ જંગલી ફૂલ, માલિકને જોઈને પૂંછડી હલાવતો કૂતરો, પશુ, પક્ષી, વૃક્ષ, પર્વતો અને નદીઓ. આ સમગ્ર અસ્તિત્વની સૌથી સુંદર અને પ્રાકૃતિક કહી શકાય એવી દરેક ઘટના સ્વપ્રશસ્તિની ઘેલછા વગર જ આકાર લેતી હોય છે. ધારો કે પાણી પર ચાલતાં શીખીયે લીધું તો પણ આ ભવસાગર પાર કરવા માટે તો હોડીમાં જ બેસવું પડે છે. એવી હોડી જે ઘમંડ કે આત્મશ્લાઘાના ભારથી ડૂબી જતી. હોય છે. એ હોડીમાં ફક્ત ‘નો-બડી’ને જ પ્રવેશ હોય છે, એમાં ‘સમબડી’ માટે જગ્યા નથી હોતી.


