માર્કંડેયપુરાણ, વિષ્ણુપુરાણ અને પદ્મપુરાણ જેવાં પુરાણોમાં આવો ઉલ્લેખ છે. પાંચ હજાર વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતા અક્ષયવટને માત્ર સનાતન ધર્મના લોકો જ નહીં
જેનો કદી ક્ષય થાય એમ નથી એવા અક્ષયવટના સાંનિધ્યમાં નરેન્દ્ર મોદી.
માર્કંડેયપુરાણ, વિષ્ણુપુરાણ અને પદ્મપુરાણ જેવાં પુરાણોમાં આવો ઉલ્લેખ છે. પાંચ હજાર વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતા અક્ષયવટને માત્ર સનાતન ધર્મના લોકો જ નહીં, જૈન અને બૌદ્ધપંથીઓ પણ પવિત્ર ગણીને પૂજા કરે છે. અક્ષયવટ વિશે અનેક લોકવાયકાઓ અને પૌરાણિક ઉલ્લેખો મળે છે ત્યારે જાણીએ અનોખી શ્રદ્ધાનો ઇતિહાસ
વાત એક એવા વૃક્ષની છે જેની સાથે વર્ષોનો નહીં પણ પુરાણકાળનો ઇતિહાસ સંકળાયેલો છે. વાત એક એવા વૃક્ષની છે જેનાં દર્શન વર્ષો સુધી જનસામાન્ય માટે શક્ય નહોતાં. વાત એક એવા વૃક્ષની જેનું મહત્ત્વ કુંભમેળા દરમ્યાન તો છે જ, પરંતુ કુંભ બાદ પણ અનન્ય છે. વાત એક એવા વૃક્ષની છે જેના નામ પરથી સરકાર એક આખેઆખો કૉરિડોર પ્રોજેક્ટ કરી રહી છે. હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને આપણામાંના કેટલાય લોકો આ ભવ્ય અને પવિત્ર મેળામાં જઈ પણ આવ્યા હશે અને કંઈકેટલાય આ બાકીના દિવસો દરમ્યાન જવાના હશે. એવામાં આજે આપણે પ્રયાગરાજમાં જ વિદ્યમાન એવા એક વૃક્ષની વાત કરવી છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં આમ પણ વૃક્ષ, ધરા, નદી, સમુદ્રથી લઈને સમગ્ર સૃષ્ટિને ઈશ્વરતુલ્ય ગણવામાં આવે છે. એમાંય વડ, પીપળો, ઔદુમ્બર વગેરે જેવાં વૃક્ષોને તો આપણે અત્યંત પવિત્ર વૃક્ષ તરીકે પૂજતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરવાના છીએ અક્ષયવટની. શરૂઆત ઘટનાઓથી કરીએ.
ADVERTISEMENT
અક્ષયવટ સૌથી પહેલાં ચર્ચામાં આવ્યું ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં, જ્યારે પ્રયાગરાજમાં આ મહાકુંભ પહેલાંના કુંભમેળાનું આયોજન થઈ રહ્યું હતું. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ ગયા હતા ત્યારે તેમણે અક્ષયવટ જઈને એનાં દર્શન કર્યાં હતાં. નરેન્દ્ર મોદી મહાકુંભની તૈયારીઓ જોવા ગયા ડિસેમ્બર મહિનામાં પ્રયાગરાજ ગયા ત્યારે પણ તેમણે અક્ષયવટનાં દર્શન કર્યાં હતા. ત્યાર બાદ હમણાં ગૃહપ્રધાન અમિત શાહ મહાકુંભમાં ગયા ત્યારે તેમણે પણ અક્ષયવટની મુલાકાત લીધી અને નરેન્દ્ર મોદી પણ જ્યારે આ મેળામાં જશે ત્યારે તેઓ પણ કદાચ ફરી આ પવિત્ર વૃક્ષનાં દર્શન કરશે જ. આ ઘટનાઓને કારણે લોકોમાં જિજ્ઞાસા બેવડાઈ ગઈ કે અક્ષયવટ વાસ્તવમાં છે શું અને એનું કેમ એટલું મહત્ત્વ છે કે લોકો એવું કહે છે કે કુંભમેળામાં સ્નાન કરો પછી અક્ષયવટનાં દર્શન જરૂર કરવા જોઈએ? તો આજે નીકળીએ અક્ષયવટની શબ્દસફરે.
દસ કરોડના ખર્ચે તૈયાર થયેલો અક્ષયવટ કૉરિડોર.
અક્ષયવટ ક્યાં છે?
હમણાં પ્રયાગરાજમાં જ્યાં કુંભમેળાનું આયોજન થયું છે ત્યાં સંગમ નજીક જ એક ખૂબ પ્રખ્યાત એવો ઘાટ છે સરસ્વતી ઘાટ. આ સરસ્વતી ઘાટથી ઉપર તરફ જઈએ તો એક મોટો કિલ્લો નજરે ચડે છે, જેને લોકો અકબરના કિલ્લા તરીકે ઓળખે છે. વાસ્તવમાં એ કિલ્લો અકબરનો નહીં પણ ભારતવર્ષના મહાન સમ્રાટ અશોકનો કિલ્લો હતો જે પાછળથી અકબરે પચાવી પાડી પોતાના તાબામાં લઈ લીધો અને એમાં અનેક ફેરફારો કરાવી અકબરના કિલ્લા તરીકે ગણાવવા માંડ્યો. આ કિલ્લામાં આમ તો સામાન્ય જનતાને પ્રવેશ નિષેધ હતો, કારણ કે એ ઇન્ડિયન આર્મીના નેજા હેઠળ છે. આ જ કિલ્લામાં પાતાળપુરી મંદિર આવેલું છે, જ્યાં પુરાણકાળથી વિદ્યમાન છે પવિત્ર અક્ષયવટ.
૨૦૧૮ની સાલ પહેલાં કિલ્લામાં આ વૃક્ષનાં દર્શન સામાન્ય જનતા માટે ખુલ્લાં નહોતાં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ ૨૦૧૮ના કુંભમેળા દરમ્યાન પહેલી વાર આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ત્યારથી સામાન્ય જનતા અક્ષયવટનાં દર્શન માટે જઈ શકે છે.
ત્રેતાયુગ દરમ્યાન સીતા માતાએ અક્ષયવટ પાસેની આ જગ્યાએ યજ્ઞ કર્યો હતો એવી માન્યતા છે.
શા માટે અક્ષયવટ?
માર્કંડેય પુરાણ, વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણ જેવા પુરાણોમાં ઉલ્લેખ છે એ વાતોને સાચી માનીએ તો એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી એના વિનાશ હેતુ પ્રલય થશે ત્યાં સુધી એક વટવૃક્ષ એના સાક્ષી તરીકે વિદ્યમાન હશે અને એ વૃક્ષ એટલે આ જ વડનું ઝાડ, અક્ષયવટ. એવી માન્યતા છે કે કળિયુગના અંતે જ્યારે આ પૃથ્વીનો વિનાશ થશે ત્યારે પણ આ વૃક્ષ જીવંત હશે અને ત્યાર બાદ પણ જીવંત રહેશે. આ વૃક્ષનો કોઈ અંત નથી, એ અમર છે, અનંત છે. આથી જ એને અક્ષયવટ કહેવામાં આવે છે. પ્રયાગરાજનું માહાત્મ્ય દર્શાવતા એક શ્લોકમાં પણ એનો સુંદર ઉલ્લેખ મળે છેઃ “त्रिवेणीं माधवं सोमं भरद्वाजं च वासुकिम्। वन्दे अक्षय-वटं शेषं, प्रयागं तीर्थनायकम्’”
આ સિવાય જૈન અને બૌદ્ધ પંથના લોકો પણ અક્ષયવટને પવિત્ર વૃક્ષ ગણી પૂજે છે. બૌદ્ધ પંથમાં માનનારા કહે છે કે આ જ વૃક્ષનું એક બીજ લઈ બુદ્ધ ભગવાને કૈલાશ નજીક એનું રોપણ કર્યું હતું. તો વળી જૈન પંથના લોકો માને છે કે તીર્થંકર શ્રી ઋષભદેવે આ જ અક્ષયવટ નીચે તપસ્યા કરી હતી. આથી જ એને તપોવન તરીકે પણ ઓળખાવવામાં આવે છે.
શું છે ઇતિહાસ અક્ષયવટનો?
વર્ષોનાં વર્ષોથી આ વૃક્ષ અહીં વિદ્યમાન હોવાને કારણે જ શ્રદ્ધાળુઓ કહે છે કે આ વૃક્ષનાં મૂળ છેક જગન્નાથ પુરી અને બિહારના ગયા સુધી વિસ્તરેલાં છે. ઇતિહાસના પાને વર્ણિત કહાણીઓને સાચી માનીએ તો ક્યારેક આ વૃક્ષ યમુના નદીના કિનારે સ્થિત હતું. અર્થાત યમુનાજીનો પટ આ વૃક્ષ સુધી વિસ્તરેલો હતો. એટલું જ નહીં, માતા સરસ્વતી નદી કે જે ભૂગર્ભમાં વહે છે એમના પાણીથી ભરાયેલો એવો સદાકાળ છલોછલ એવો એક કૂવો પણ આ વૃક્ષની છત્રછાયામાં હતો જેને સરસ્વતી કૂપ કહેવામાં આવતો હતો.
હવે બન્યું કંઈક એવું કે વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે પ્રયાગમાં મૃત્યુ મળે તો મોક્ષની પ્રાપ્તિ થાય. આ માન્યતામાં ધીરે-ધીરે એક અંધશ્રદ્ધા પણ ફેલાવા માંડી, જે અનુસાર અનેક લોકો એવું માનવા માંડ્યા કે આ અક્ષય વૃક્ષ છે એટલે જ જો આ વૃક્ષ પરથી યમુના નદીમાં કે સરસ્વતી કૂપમાં છલાંગ લગાવવામાં આવે, પ્રાણ ત્યાગવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થશે. ધીરે-ધીરે આ અંધશ્રદ્ધા એટલું જોર પકડવા માંડી કે અનેક લોકો આ વૃક્ષ પર ચડી છલાંગ લગાવવા માંડ્યા. એક સમય એવો આવી ગયો હતો કે પ્રતિદિન અનેક લોકોની લાશો યમુનાજીમાં તરતી દેખાવા માંડી.
ગયા અઠવાડિયે હોમ મિનિસ્ટર અમિત શાહે મહાકુંભમાં સંગમસ્નાન કરીને અક્ષયવટ અને સરસ્વતી કૂપની મુલાકાત લીધી હતી.
અકબરનો આતંક
લોકોની આ જ અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવ્યો એક મુગલ શાસકે જેનું નામ હતું અકબર. આજે અક્ષયવટ જ્યાં છે ત્યાંના પાતાળપુરી મંદિરમાં એક સૂળટંકેશ્વર મહાદેવજીનું લિંગ છે. કહેવાય છે કે એ લિંગની નીચે જ માતા સરસ્વતી નદીનો કૂવો હતો. મુગલ શાસક અકબરે ન માત્ર એ કૂવો બંધ કરાવી પોતાના કિલ્લાની હદમાં સમાવી લીધો, સાથે જ અનેક હિન્દુ મંદિરો પણ તેણે આ કિલ્લામાં સમાવી લીધાં અને એ મંદિરમાં સ્થાપિત બધી મૂર્તિઓ પણ કઢાવી નાખી. આજે પણ આપણે પાતાળપુરીના એ મંદિરમાં જઈએ તો ત્યાં અકબરે બંધ કરાવેલા એ કૂવાની પાળી દર્શાવતી રેખાઓ લાલ રંગે અંકિત થયેલી છે.
સનાતન સંસ્કૃતિ અને હિન્દુ વિરુદ્ધનાં તેનાં કાર્યોની યાદીનો હજી અહીં જ અંત નથી આવતો. એ કૂવો બંધ કરાવતી વેળા હિન્દુઓની અંધશ્રદ્ધાને આગળ ધરી અકબરે કહ્યું કે અંધશ્રદ્ધાને કારણે લોકો અહીં આ વડ પર ચડીને સરસ્વતી કૂવામાં કૂદી પડે છે, આથી એ બંધ કરાવી દેવો જ બહેતર છે અને ત્યાર બાદ હિન્દુઓના આ પવિત્ર સ્થળ પ્રયાગરાજને તેણે અલ્લાહનું શહેર ગણાવી એનું નામ બદલી નાખ્યું અને નવું નામ આપ્યું, અલ્લાહબાદ જે કાળાંતરે અપભ્રંશ થતાં-થતાં કહેવાયું અલાહાબાદ. હવે તો જોકે પ્રયાગને ફરી એક વાર એની મૂળ ઓળખ મળી ચૂકી છે અને મૂળ નામ પ્રયાગરાજ પણ પાછું મળી ચૂક્યું છે.
એટલું જ નહીં, બીજા એક મુગલ શાસક જહાંગીરના રાજકાળ દરમ્યાન તો આ વૃક્ષને બાળી નાખી નષ્ટ કરવાનો પણ પ્રયત્ન થયો હતો, પરંતુ અગ્નિને કારણે જેટલી રાખ પડતી હતી એ રાખમાંથી ફરી નવી ડાળ, નવાં મૂળ ઊગી નીકળતાં હતાં અને જહાંગીર પણ આ વૃક્ષને નષ્ટ કરવામાં અસફળ રહ્યો હતો. મહાન કવિ કાલિદાસની રચના રઘુવંશમાં પણ આ અક્ષયવટનો ઉલ્લેખ મળે છે.
ધાર્મિક માન્યતાઓ
આજના આધુનિક યુગમાં શક્ય છે કે ઘણા લોકોને હવે પછીની વાતો માત્ર પરિકલ્પના જેવી લાગે, પરંતુ શાસ્ત્રોમાં અનેક જગ્યાએ પુરાવાઓ મળે છે, ઉલ્લેખ સુધ્ધાં મળે જ છે એમાં કોઈ બેમત નથી. તો સૌથી પહેલાં વાત એ કરીએ કે પુરાણોમાં પણ વડના આ વૃક્ષને અક્ષયવટ શા માટે કહેવામાં આવ્યું હતું. તો કહાની કંઈક એવી છે કે ત્રણ-ત્રણ યુગો (સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ) વીતી ચૂક્યા હોવા છતાં અને આ ચોથો યુગ (કળિયુગ) ચાલી રહ્યો છે ત્યારે પણ આ વૃક્ષ અહીં જ વિદ્યમાન છે. કહેવાય છે કે સતયુગમાં જ્યારે પહેલી વાર માર્કંડેય ઋષિએ આ વૃક્ષનાં પાંદડાં પર શ્રીહરિ વિષ્ણુના બાળ સ્વરૂપનાં દર્શન કર્યાં હતાં ત્યારે બ્રહ્માજીએ માર્કંડેય ઋષિને વરદાન આપ્યું હતું કે દર ૧૨ વર્ષના અંતે તેઓ આ વૃક્ષ સમીપ શ્રીહરિનાં દર્શન કરી શકશે.
ત્યાર બાદ ત્રેતાયુગમાં જ્યારે શ્રીહરિના અવતાર શ્રી રામચંદ્રજીને વનવાસ ભોગવવો પડ્યો હતો ત્યારે રામચંદ્રજીએ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સહિત આ જ અક્ષયવટ સમીપ ત્રણ દિવસ નિવાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે ત્રણ જગ્યાએ તેમના પિતા દશરથના આત્માના મોક્ષ માટે શ્રાદ્ધ અને પિંડદાન કર્યું હતું જેમનું એક સ્થળ એટલે પ્રયાગરાજ.
ત્યાર બાદ, દ્વાપરયુગમાં ફરી એક વાર શ્રીહરિ કૃષ્ણ અવતારે ધરતી પર અવતરિત થયા અને ત્યારે ભગવાન કૃષ્ણએ પણ અહીં આ વૃક્ષ સમીપ નિવાસ કર્યો હતો. કહેવાય છે કે આ વૃક્ષનાં પાંદડે-પાંદડે શ્રીહરિ બાળસ્વરૂપે બિરાજમાન છે અને તેઓ સાક્ષીભાવે આ સૃષ્ટિનું અવલોકન કરતા હોય છે. એટલું જ નહીં, પાંચ પાંડવો પણ તેમના અજ્ઞાતવાસ દરમ્યાન અહીં આવ્યા હતા અને રહ્યા હતા. અર્થાત્ આ વૃક્ષની સાથે સંકળાયેલો ત્રણે યુગોનો ઇતિહાસ આપણી પાસે ઉલ્લેખિત છે અને નવાઈની વાત એ છે કે ત્રણ-ત્રણ યુગોથી અહીં, આ સ્થળે વટવૃક્ષ બિરાજમાન હોવા છતાં એ ક્યારેય સુકાયું નથી કે મરી પરવાર્યું નથી. એ પુરાણકાળથી આજસુધી લીલુંછમ અને ઘટાદાર છે. આ જ કારણથી એને અક્ષયવટ કહેવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે ત્રિવેણી સંગમના આ સ્થાને જ્યાં હમણાં માત્ર યમુનાજી અને ગંગાજી જ દેખાય છે અને સરસ્વતી નદી ભૂગર્ભમાં વહે છે એ નદીના વહેણ આ વૃક્ષની નીચેથી જ વહે છે.
મુખ્યત્વે આ વૃક્ષને ત્રણ અલગ-અલગ સ્વરૂપમાં અથવા ત્રણ અલગ-અલગ ભાગમાં પૂજાય છે એમ કહીએ તો ચાલે. રામચંદ્રજીએ આ વૃક્ષનાં જે મૂળની પૂજા કરી હતી એવા તળેટીના પાતાળપુરી મંદિરમાં એ મૂળ પૂજાય છે ‘મૂળ માધવ’ તરીકે. ત્યાર બાદ આ વટવૃક્ષનું થડ જે ધરાની સપાટી પર વિદ્યમાન છે એની પૂજા થાય છે ‘અક્ષય માધવ’ તરીકે અને ત્યાર બાદ એની ડાળીઓ અને પાંદડાંઓને કહેવામાં આવે છે ‘વટ માધવ.’ એવું કહેવાય છે કે આ વૃક્ષનું માહાત્મ્ય એટલું છે કે સ્વયં દેવો પણ આ વૃક્ષ સામે પોતાની મનોકામના રજૂ કરતા હતા. આથી જ આજે પણ લોકો જ્યારે અહીં દર્શન કરવા આવે છે ત્યારે આ વૃક્ષની કોઈ એક શાખાને ગળે વળગાડતા પોતાની ઈશ્વર સામે મનોકામના કહેતા હોય એમ આ વૃક્ષ સામે રજૂ કરી પ્રાર્થના કરે છે.
ત્યાં શું શું છે?
અક્ષયવટ મંદિરમાં પ્રવેશ બાદ આપણને ભૂગર્ભનો એક રસ્તો દેખાય છે જેને પાતાળપુરી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. દાદર ઊતરી નીચે જતાં જ નજર સામે એક મૂર્તિ દેખાય છે જે ધર્મરાજની મૂર્તિ છે. ત્યાર બાદ એક મોટી લૉબી જેવો પ્રવેશદ્વાર દેખાય છે; જ્યાંથી અંદર તરફ જતાં સૌથી પહેલાં ભગવાન શંકર અને મા પાર્વતીની, ત્યાર બાદ મા લક્ષ્મીની મૂરત નજરે ચડે છે. ગણેશજીની બે મૂર્તિઓનાં દર્શન થાય છે જેમાંના એક અષ્ટભુજા ગણેશજી બિરાજમાન છે. ત્યાર બાદ એક મંદિર સ્થિત મૂરત દેખાય છે મહર્ષિ વેદવ્યાસજીની. એ પછી મહર્ષિ દુર્વાસા અને વાલ્મીકિજી પણ નજરે ચડે છે અને આ મૂરતોનાં દર્શન કર્યા બાદ આપણને જે એક મૂર્તિ દેખાય છે એ તીર્થોના રાજા એવા પ્રયાગરાજની મૂરત છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં કુલ પાંચ પ્રયાગ છે : વિષ્ણુપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ. આ પાંચેય પ્રયાગના રાજવી અથવા તીર્થોના રાજા એવા પ્રયાગ એટલે પ્રયાગરાજ; જ્યાં મા યમુના નદી, મા ગંગા નદી અને સરસ્વતી નદીનું મિલન થાય છે. આખાય ભારતમાં પ્રયાગરાજની મૂરત એકમાત્ર અહીં પ્રયાગમાં જ વિદ્યમાન છે. ત્યાંથી આગળ વધતા દેવોના દેવ મહાદેવજીનું લિંગ વિદ્યમાન છે જેને સૂળકંટેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવે છે અને ત્યાર બાદ નજરે ચડે છે અક્ષયવટનાં એ મૂળ જે મૂળ માધવ તરીકે પૂજાય છે જ્યાં રામચંદ્રજીએ પૂજા કરી હતી. આ સિવાય અહીં શિવપુત્ર કાર્તિકેયજી, શનિ મહારાજ, નદીઓની માતા એવી ગંગા, મા યમુના અને સરસ્વતી દેવીની પણ મૂર્તિઓ સ્થાપિત છે અને ઉપરની તરફ જ્યાં વૃક્ષ છે એની ચારેકોર એક ચબૂતરો બનાવવામાં આવ્યો છે જેની ફરતે ફરતા લોકો આ અક્ષયવટની પ્રદક્ષિણા કરતા હોય છે.
ઐતિહાસિક અને પૌરાણિક લોકવાયકાઓ
એવું મનાય છે કે અક્ષયવટ સમુદ્રમંથનના ૧૪ રત્નોમાંનું એક છે જે કલ્પવૃક્ષના અંશ તરીકે નીકળ્યું હતું.
આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય નિવાસ કરે છે.
ભગવાન રામ લંકા પર વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા એ પહેલાં તેઓ અક્ષયવટ આવ્યા હતા.
કહેવાય છે કે જૈન તીર્થંકર ઋષભદેવે અક્ષયવટની નીચે તપસ્યા કરી હતી.
કૉરિડોર પ્રોજેક્ટ
મહાકુંભનું આયોજન થયું એ પહેલાં જ અક્ષયવટ કૉરિડોર પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવ્યો હતો. ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે એ અકબરના કિલ્લામાં બનાવવામાં આવ્યો છે. પાતાળપુરી મંદિર પ્રાંગણમાં સ્થિત અક્ષયવટથી સંગમ કિનારે સ્થાપિત એવા અક્ષયવટ સુધીના એ કૉરિડોર દ્વારા શ્રદ્ધાળુઓ એ બન્ને વૃક્ષોનાં દર્શન કરી શકે છે. જે ક્યારેક પૂર્ણતઃ ઘટાદાર એવું એક જ વૃક્ષ હતું, પરંતુ, અકબર અને જહાંગીરે આ વૃક્ષને અનેક વાર અનેક રીતે નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં આખરે જ્યારે એ નષ્ટ નહીં થયું ત્યારે કિલ્લાના બાંધકામમાં ફેરફારો કરી એ વૃક્ષને એમનું એમ જ રહેવા દેવામાં આવ્યું હતું. જોકે આ શાસકોએ એ કિલ્લામાં સ્થાપિત એવાં અનેક મંદિરો તોડી પાડ્યાં હતાં અને એમાં સ્થાપિત મૂર્તિઓનો નાશ કર્યો હતો એ અલગ વાત છે.
પણ આજે હવે આખરે એ અક્ષયવટ કૉરિડોર લગભગ-લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યો છે અને આ મહાકુંભ દરમ્યાન શ્રદ્ધાળુઓ એ કૉરિડોર દ્વારા કિલ્લાની આખરી હદમાં આવેલા વટવૃક્ષ અને અંદર પાતાળપુરી મંદિરમાં આવેલા વૃક્ષ બન્નેનાં દર્શન કરી શકે છે.

