બોરીવલીની ૨૧ વર્ષની પુષ્ટિ શાહે કસ્ટમાઇઝ્ડ જન્ક જર્નલિંગ સ્ટાર્ટ કર્યું. આ યંગ ગર્લના સુપર-ઇનોવેટિવ આઇડિયાઝ તમને પણ જન્ક સંઘરી રાખવા પ્રેરિત કરી શકે છે
જન્કને જાળવવાના જબરદસ્ત કીમિયા
મૂવીની ટિકિટ, હોટેલનાં બિલ, ચૉકલેટ્સનાં રૅપર જેવી અઢળક નકામી વસ્તુને સાચવી રાખવા તેમ જ બુકલવર્સને અટ્રૅક્ટ કરવા માટે બોરીવલીની ૨૧ વર્ષની પુષ્ટિ શાહે કસ્ટમાઇઝ્ડ જન્ક જર્નલિંગ સ્ટાર્ટ કર્યું. આ યંગ ગર્લના સુપર-ઇનોવેટિવ આઇડિયાઝ તમને પણ જન્ક સંઘરી રાખવા પ્રેરિત કરી શકે છે
ઘણા લોકો ફરવા જાય ત્યારે યાદગીરીરૂપે ટ્રેન કે ફ્લાઇટની ટિકિટ, હોટેલના બિલ, શૉપિંગ બૅગ વગેરે સાચવીને રાખે છે. કોઈકને વળી સ્ટૅમ્પ, મૂવીની ટિકિટ ભેગી કરવાનો શોખ હોય છે. અનેક હરખપદૂડાઓ ફૉરેનની ચૉકલેટ્સનાં રૅપર્સ વળી ન જાય એ રીતે વૉર્ડરોબમાં કપડાંની નીચે દબાવીને મૂકી દે છે. અને પછી દિવાળી આવે એટલે ઘરની સાફસફાઈની સાથે આ બધી વસ્તુને નકામો કચરો સમજીને એનો નિકાલ કરી દેવામાં આવે. સંઘરી રાખેલી વસ્તુ ફેંકવાનો જીવ ન ચાલે, પરંતુ ક્યાં સુધી સાચવી રાખવી? આ સવાલનો જવાબ ન મળતો હોય તો બોરીવલીમાં રહેતી ૨૧ વર્ષની પુષ્ટિ શાહનો સંપર્ક કરવો. મૅક્ડોનલ્ડ્સની શૅક શૅક બૅગ અને ફ્રેન્ચ ફ્રાઇસની પેપર બૅગને સાચવી રાખનારી પુષ્ટિને તેની મમ્મીએ કચરો ફેંકવાનું કહ્યું એમાંથી શરૂ થયું કૅફિનેટેડ ન્યૂરોન નામનું અનોખું સ્ટાર્ટઅપ. વિદેશમાં જન્ક જર્નલિંગના નામથી ઓળખાતા આ બિઝનેસની ખાસિયત જાણવા મળીએ યંગ ગર્લને.
ADVERTISEMENT
આર્ટમાં રુચિ
પૅન્ડેમિક દરમ્યાન અનેક લોકોની લાઇફમાં પૉઝિટિવ બદલાવ આવ્યો છે. એ સમયે મોટા ભાગના લોકો ફરીથી પોતાના પૅશન તરફ વળ્યા હતા. હું પણ એમાંની એક છું. ઘણાં બાળકો સિલ્વર સ્પૂન સાથે જન્મે છે; જ્યારે મારો જન્મ ક્રેયોન્સ સાથે થયો હતો એવું ઉત્સાહ સાથે જણાવતાં પુષ્ટિ કહે છે, ‘આર્ટમાં વિશેષ રુચિ હોવાથી સ્કૂલલાઇફમાં અનેક સ્પર્ધાઓ જીતી હતી. વૅક્સ ક્રેયોન્સ, ઑઇલ પેસ્ટલ્સ, પોસ્ટર પેઇન્ટ્સ, વૉટર કલર્સ, ઍક્રિલિક જેવી વિવિધ શૈલીઓનો ઉપયોગ કર્યો છે. ક્રાફ્ટ, બુકરીડિંગ અને રાઇટિંગ તેમ જ કૅલિગ્રાફીમાં પણ દિલચસ્પી રહી છે. જેમ-જેમ મોટાં થઈએ ફોકસ ચેન્જ થઈ જાય અને તમે કરીઅર સેટ કરવામાં લાગી જાઓ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિજ્ઞાનના વિષયોએ મારો બધો જ આનંદ છીનવી લીધો. શોખ અધૂરો રહી જતાં ક્યારેક વિચાર આવતો કે મારી પાસે પ્રતિભા છે, પરંતુ દિશા નથી. કોવિડે આપણને ઘણી સોનેરી તકો આપી હતી. સમય જ સમય હોવાથી સ્ટોરેજમાં રાખેલો ખજાનો બહાર કાઢ્યો. ઑનલાઇન ફ્રી આર્ટ વર્કશોપ અટેન્ડ કરવા લાગી. અહીંથી સર્જનાત્મક પ્રવૃત્તિની નવી શરૂઆત થઈ.’
બુક્સ પ્રત્યે લગાવ હોવાથી એમાં વપરાતા કાગળો અને બુક બાઇન્ડિંગની પદ્ધતિ વિશે થોડી ઘણી જાણકારી હતી. કૅલિગ્રાફીમાં પેપરની ગુણવત્તા બરાબર ન હોય તો ઇન્ક સ્પ્રેડ થઈ જાય. વધુ માહિતી માટે ઇન્ટરનેટ પર ખણખોદ કરી એવી વાત કરતાં તે કહે છે, ‘રેગ્યુલર નોટબુક્સમાં સિંગલ સ્ટિચ્ડ બાઇન્ડિંગ એટલે કે બધા પેજ એકસાથે બાંધેલાં હોય છે. આવી બુક પર જરાક અમથું પાણી પડે તોય તમારું આર્ટ ફેડ-આઉટ થઈ જાય. મારે એવી પ્રોડક્ટ બનાવવી હતી, જેનાથી આર્ટની જાળવણી થાય. એક જ બુકમાં વિવિધ પ્રકારના પેપરને ઇન્કૉર્પોરેટ કરી કસ્ટમાઇઝ્ડ બુક બનાવી.’
ટર્નિંગ પૉઇન્ટ
બુક બાઇન્ડિંગમાં ક્રીએટિવિટી ઍડ કર્યા બાદ નવો વળાંક આવ્યો. વસ્તુઓ સંઘરી રાખવાની ટેવના કારણે ફ્રેન્ચ ફ્રાઇસની બૅગ, વેફર્સનું રૅપર, મૂવીની ટિકિટ જેવો કચરો મારા ડ્રૉઅરમાં પડ્યો રહેતો. દિવાળીની સફાઈમાં મમ્મીએ એને ફેંકવાની સૂચના આપી એમાંથી કૅફિનેટેડ ન્યૂરોન સ્ટાર્ટ થયું એવી માહિતી શૅર કરતાં પુષ્ટિ કહે છે, ‘નકામી વસ્તુને બુક બાઇન્ડિંગના રૂપમાં જાળવી રાખવા એક સાઇડના પેજ પર શૅક શૅક બૅગ અને સામેના પેજ પર ફ્રેન્ચ ફ્રાઇસની બૅગ ચીપકાવી પોતાના માટે બુક બનાવી. વિદેશમાં આ પ્રકારની પ્રોડક્ટ્સ લોકપ્રિય છે. એને જન્ક જર્નલિંગ કહે છે. જન્ક એટલે નકામી વસ્તુઓ અને જર્નલિંગ એટલે એને ક્રીએટિવ રીતે સાચવીને રાખવી. ઇન્ડિયામાં જન્ક જર્નલિંગનું લોકોને ખાસ નૉલેજ નથી. બીજા માટે નકામો કચરો પણ પોતાના માટે કીમતી હોય એવો સામાન સાચવી રાખનારા મારા જેવા ઘણા હશે. તેમના માટે કંઈક કરવું જોઈએ. ત્યાર બાદ એક જર્નલ બનાવી મારા આન્ટીને ગિફ્ટ કરી. થયું એવું કે તેઓ આ જર્નલને ઑફિસમાં લઈ ગયાં. તેમના ઉપરી અધિકારીનું ધ્યાન જતાં તેમણે ખરીદવાની ઑફર કરી. આમ હું ક્રીએટિવ ઑન્ટ્રપ્રનર બની ગઈ.’
ઇનોવેટિવ આઇડિયાઝ
આઇડિયાઝ વિશે વાત કરતાં પુષ્ટિ કહે છે, ‘જાતજાતની વસ્તુઓ લાવીને લોકો કહેવા લાગ્યા કે જન્ક જર્નલિંગ કરી આપ. એમાં કૉલાજ થઈ શકે અને ડાયરી એન્ટ્રી માટે જગ્યા પણ રાખી શકાય. ડાયરી લખવાના શોખીનો માટે અફલાતૂન પ્રોડક્ટ છે. રોજબરોજનો હિસાબ લખવામાં ગૃહિણીઓને બોરિંગ ફીલ ન થાય એવી બુક બનાવી આપું છું. તમે ક્યાંક ટ્રાવેલ કર્યું હોય ત્યાંની ટિકિટ સ્ટિક કરી બાજુમાં પ્રવાસનું વર્ણન લખી મેમરી તરીકે સાચવી શકાય. તમારી પાસે કંઈ ન હોય તો મારી પાસે અઢળક આઇડિયા છે. ટિકિટ, પોસ્ટકાર્ડ, સ્ટૅમ્પ્સ જેવી વસ્તુઓ ખરીદીને પણ આર્ટવર્ક તૈયાર થાય. એમબીબીએસ કમ્પલીટ કરનારા સ્ટુડન્ટ માટે લૅબ કોટ શૅપ કાર્ડમાં જર્નલ બનાવી હતી તો બેકરને રેસિપી નોટડાઉન કરવા બુક બનાવી આપી. ગયા વર્ષે એક ક્લાયન્ટે લક્ષ્મીપૂજન માટે ડાયરી બનાવડાવી હતી. જર્નલનાં પેજીસ અને આઉટર કવર બન્ને અટ્રૅક્ટિવ હોવાં જોઈએ. પ્રોડક્ટ પ્રમાણે પેપરની થિકનેસ અને કલર જોઈએ. એક જ જર્નલમાં હું ત્રણથી ચાર પ્રકારના પેપરની વરાઇટી આપું છું. ઘણા ક્લાયન્ટ્ એક થિક પેજ ફૉર પેઇન્ટિંગ અને એક થિન પેજ ફૉર રાઇટિંગ એમ ઑલ્ટરનેટ પેજીસ બાઇન્ડિંગ કરાવે છે. જન્ક જર્નલિંગની વિશિષ્ટતા એ છે કે એમાં વધુ સમય નથી આપવો પડતો. જોકે, કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ હોવાથી ક્લાયન્ટ સાથે ડિસ્કશન કરવું પડે. પેઇન્ટિંગ, ક્રાફ્ટ, બાઇન્ડિંગ અને જન્ક જર્નલિંગના કૉમ્બિનેશનથી ફાઇનલ ક્રીએટીવ પ્રોડક્ટ બને.’
ઇન્ડિયામાં જન્ક જર્નલિંગનું ખાસ નૉલેજ નથી. બીજા માટે નકામો કચરો પણ પોતાના માટે કીમતી હોય એવો સામાન સાચવી રાખનારા મારા જેવા ઘણા હશે.
પ્રોડક્ટ્સની ખાસિયત
આર્ટિસ્ટિક વસ્તુઓ બનાવવા માટે ક્વૉલિટી પર ખાસ ધ્યાન આપવું પડે. ક્લાયન્ટની જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ જર્નલ્સ બનાવવા વપરાતા કાગળો કેળાનાં પાન, શેતૂર વગેરે સ્વદેશી સામગ્રીમાંથી બનાવાય છેે. જર્નલ્સ હાર્ડબાઉન્ડ છે અને કાપડ તથા હૅન્ડ પેઇન્ટેડ બન્ને વરાઇટીમાં ઉપલબ્ધ છે. સ્ટૅમ્પ, જૂની ટિકિટો, પોસ્ટર જેવી જર્નલિંગ સપ્લાય વસ્તુઓ ચીન, મલેશિયા, લંડન, તુર્કી અને થાઇલૅન્ડમાંથી મગાવાય છે.

