Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ દિવસ અને આજની ઘડી, રાગિણીબહેન સાથે કામ કરવા મળ્યું નથી

એ દિવસ અને આજની ઘડી, રાગિણીબહેન સાથે કામ કરવા મળ્યું નથી

25 April, 2022 08:36 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

કેટલાક કલાકારો સાથે કામ કરવા મળે એ પણ લહાવો કહેવાય, પણ આ ચાન્સ મને રાગિણીબહેન સાથે લાઇફમાં એક જ વાર મળ્યો. ‘બુઢ્ઢાએ મારી સિક્સર’ પછી મેં અઢળક વખત તેમને રોલ ઑફર કર્યા, પણ કાં તો રોલ તેમને ગમ્યો ન હોય અને કાં તો તેઓ સિરિયલના શૂટિંગમાં વ્યસ્ત હોય

રાગિણીબહેન સાથે કામ કરવાની મારી બહુ ઇચ્છા હતી, જે છેક મેં બનાવેલા એકતાલીસમા નાટક ‘બુઢ્ઢાએ મારી સિક્સર’માં પૂરી થઈ.

જે જીવ્યું એ લખ્યું

રાગિણીબહેન સાથે કામ કરવાની મારી બહુ ઇચ્છા હતી, જે છેક મેં બનાવેલા એકતાલીસમા નાટક ‘બુઢ્ઢાએ મારી સિક્સર’માં પૂરી થઈ.


ગયા સોમવારે મેં તમને કહ્યું એમ, મારી લાઇફનો સિમ્પલ નિયમ છે, કલાકારોની રાહ જોઈને બેસવાનું નહીં. જે કલાકાર મળે તેની સાથે કામ કરો અને આગળ વધો. જેવી વાર્તા મગજમાં આવી, લેખક નક્કી થયો કે તરત કામે લાગવાનું અને જે અવેલેબલ હોય એ કલાકારનું કાસ્ટિંગ કરી લેવાનું. આ વાત કહેતી વખતે મારે એક નાનકડી સ્પષ્ટતા પણ કરવી છે કે અહીં કોઈ કલાકાર કે કલાકારની કલાનું અપમાન કરવાનો મારો બિલકુલ આશય નથી, પણ નિયમિત પ્રોડ્યુસર બનેલા રહેવું હોય તો તમારે આ જ કરવું પડે, એના વિના છૂટકો જ નથી.
‘છેલ છબીલો ગુજરાતી’ નાટક ચાલતું હતું એ દરમ્યાન જ હવે નવું શું કરવું એની વિચારણા ચાલુ થઈ ગઈ હતી. વિપુલ મહેતા પાસે એક આઇડિયા હતો, જે તેણે ઇમ્તિયાઝ પટેલને સંભળાવ્યો. સ્ટોરી એવી છે કે એક બાપ છે અને બાપનો બંગલો દીકરાઓને વેચી નાખીને રોકડી કરી લેવી છે. આ બંગલો વેચવા માટે બધા કેવા ધમપછાડા કરે છે અને બાપ પૂર્વજોનો બંગલો બચાવવા માટે કેવાં-કેવાં તિકડમ્ કરે છે એની આખી વાત. ઇમ્તિયાઝને આઇડિયા બહુ ગમ્યો. તેને લાગ્યું કે આ વાર્તામાં નાટક બનવાનું પોટેન્શ્યલ છે એટલે તેણે તરત હામી ભણી અને એ નાટક લખવામાં લાગી ગયો. આ નાટક એટલે ‘બુઢ્ઢાએ મારી સિક્સર’. ‘બાએ મારી બાઉન્ડરી’ નાટક અમારું ખૂબ ચાલ્યું હતું એટલે એ ટાઇટલથી પ્રેરાઈને જ અમે આ ટાઇટલ ફાઇનલ કર્યું હતું.
‘બુઢ્ઢાએ મારી સિક્સર’ એ મારા પ્રોડક્શનનું ૪૧મું નાટક, જે અમે ૨૦૦૭ની ૧૪ જુલાઈએ ઓપન કર્યું.
નાટકના કાસ્ટિંગની વાત કરું તો એનો જે લીડ રોલ હતો એ બુઢ્ઢાના કૅરૅક્ટર માટે અમે ઉત્કર્ષ મઝુમદારને કાસ્ટ કર્યા તો તેની સામે જે કૅરૅક્ટર હતું એ નોકરાણીનું કૅરૅક્ટર પણ બહુ મહત્ત્વનું હતું. એ જે બાઈ હતી એ બાઈ બુઢ્ઢાની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ તરીકે કામ કરે છે. મહત્ત્વના એવા આ રોલમાં મેં પહેલી અને છેલ્લી વાર રાગિણીબહેનને લીધાં. છેલ્લી વાર, આજની તારીખે પણ, બાકી મારી તો તેમની સાથે નાટક કરવાની ઇચ્છા તીવ્ર છે. ‘બુઢ્ઢાએ મારી સિક્સર’ પછી પણ મેં રાગિણીબહેનને અનેક રોલ ઑફર કર્યા છે, પણ કોઈ ને કોઈ કારણસર રાગિણીબહેન સાથે કામ નથી થઈ શક્યું એ હકીકત છે. હું આશા રાખું કે આવતા સમયમાં મને તેમની સાથે મિનિમમ એક નાટક કરવા મળે. આજના સમયનાં અદ્ભુત ઍક્ટ્રેસ અને તેમનો ઓરા એવો કે સ્ટેજ પર આવે એટલે આખું સ્ટેજ તેમના પ્રેમમાં પડી જાય.
ઉત્કર્ષભાઈ અને રાગિણીબહેન કાસ્ટ થયા પછી બુઢ્ઢાના દીકરાઓના કૅરૅક્ટરમાં અમે આનંદ ગોરડિયા અને જગેશ મુકાતીને ફાઇનલ કર્યા તો દીકરીના રોલમાં વૈશાખી શુક્લને લીધી અને જમાઈના રોલમાં અમિષ તન્નાને લીધો. અમિષ વિશે મેં તમને અગાઉ કહ્યું જ છે કે આજે તે ટીવીમાં ખૂબ સારું કામ કરે છે. ‘લાઇફ પાર્ટનર’ નાટકમાં એ બૅકસ્ટેજ વર્કર તરીકે જોડાયો અને ટૅલન્ટના જોરે આગળ વધતો રહ્યો. અમિષનું કામ મને ગમે અને એટલે દરેક વખતે અમે અમારા નાટકમાં તેને માટે રોલ કાઢતા રહ્યા. આજે તો હવે તેની પાસે ટીવીમાં જ એટલું કામ છે કે તે ઇચ્છે તો પણ નાટક માટે ટાઇમ કાઢી ન શકે.
‘બુઢ્ઢાએ મારી સિક્સર’ નાટક અમે સોલ્ડઆઉટ શોથી ઓપન કર્યું અને ૧પ જુલાઈએ તેજપાલ ઑડિટોરિયમમાં પબ્લિક શો કર્યો. નાટક ઍવરેજ રહ્યું અને અમે અમારા પૈસા રિકવર કરી લીધા. બસ, આ નાટકની આથી વિશેષ કોઈ ખાસ યાદગીરી નથી. હા, મારા પ્રોડક્શનના આ ૪૧મા નાટકમાં પહેલી વાર મને રાગિણીબહેન સાથે પ્રોડ્યુસર તરીકે કામ કરવા મળ્યું એ દૃષ્ટિએ આ નાટક મારા માટે મહત્ત્વનું છે. 
‘છેલ છબીલો ગુજરાતી’ અને ‘બુઢ્ઢાએ મારી સિક્સર’ પછી ૨૦૦૭માં અમે કર્યું નાટક ‘જંતરમંતર’. વિષય નવો, વાત નવી અને ચાલતાં નાટકો વચ્ચે સામા પ્રવાહે તરવા જેવું નાટક. 
બન્યું એમાં એવું કે ૨૦૦પમાં રિલીઝ થયેલી ઇંગ્લિશ ફિલ્મ ‘એક્સોર્સિઝમ ઑફ એમિલી રોઝ’ વિપુલે જોઈ અને વિપુલે મને કહ્યું કે ગુજરાતી રંગભૂમિ પર કોઈ હૉરર નાટક નથી આવ્યું તો મારે હૉરર નાટક બનાવવું છે. તેણે મને ફિલ્મ સજેસ્ટ કરી અને કહ્યું કે આ એક આઇડિયા છે, આપણે એના પર કામ કરીએ. વાત મેં સાંભળી અને મને લાગ્યું કે વિચાર નવો છે અને મિત્રો, તમને ખબર છે કે સાહસ કરવામાં તો આ ગોરડિયા ક્યાંય પાછો પડે નહીં. 
‘વધો આગળ...’
મેં વિપુલને ગ્રીન સિગ્નલ આપ્યું એટલે વાત આવી રાઇટરની. આ પિરિયડ સુધી ઇમ્તિયાઝ પટેલ અમારો હોમ-રાઇટર જેવો થઈ ગયો હતો એટલે અમે આઇડિયા લઈને તેની પાસે પહોંચ્યા અને કહ્યું કે આપણે આ ફિલ્મનો માત્ર વિચાર લઈને આપણી વાર્તા બનાવીએ.
‘એક્સોર્સિઝમ ઑફ એમિલી રોઝ’ની વાત કહું તો આ હકીકતમાં એક બુક હતી, જે સત્યઘટનાના આધારે લખાઈ હતી. એ બુક પરથી એ જ નામની ફિલ્મ બની અને એ ફિલ્મ હૉલીવુડની ક્લાસિક ફિલ્મોમાં ગણાઈ. વાર્તા એવી કે એમિલી રોઝ નામની એક છોકરી છે, જેના શરીરમાં ભૂત આવે છે. એક, બે કે ત્રણ નહીં, પણ અઢળક આત્માઓ એમિલીના શરીરને હૉસ્ટેલ બનાવીને રહેવા માંડે છે. મેડિકલની સ્ટુડન્ટ એવી આ છોકરીના ફાધર પોતે ડૉક્ટર છે એટલે નૅચરલી શરૂઆતમાં તે ભૂત-બૂતવાળી વાત વિચારતો પણ નથી અને દવા આપીને દીકરીની ટ્રીટમેન્ટ શરૂ કરે છે, પણ દવાની કોઈ અસર થતી નથી અને એમિલીની તબિયત દિવસે-દિવસે બગડતી જાય છે. આડોશીપાડોશી અને ઓળખીતા-પાળખીતાને ખબર પડે છે એટલે કોઈ સજેસ્ટ કરે છે કે એમિલીના શરીરમાં ભૂત છે, તમે ભૂત કાઢનારને બોલાવો. સાયન્સમાં ભણતી દીકરી અને પોતે પણ ડૉક્ટર એટલે બાપ શરૂઆતમાં તો માનતો નથી, પણ દીકરીની બગડતી જતી તબિયત વચ્ચે તે ક્રિશ્ચિયન ફાધરને બોલાવે છે અને ફાધર આવીને ટ્રીટમેન્ટ શરૂ કરે છે. જોકે એક તબક્કે ખબર પડી જાય છે કે એમિલીને બચાવવાનું શક્ય નથી. રિયલમાં પણ એવું જ બન્યું છે. સત્યઘટના મુજબ પણ એમિલીને બચાવવાને બદલે એક તબક્કે એમિલી જલદી આ બધામાંથી છૂટે એના પ્રયાસરૂપે પ્રેયર શરૂ થાય છે અને છેલ્લે તે મરી જાય છે. એમિલી રોઝનું આ કૅરૅક્ટર રિયલમાં જે છોકરી પરથી બનાવવામાં આવ્યું હતું તેનું નામ ‘ઍના મિશેલ’. આજે પણ ઍનાની કબર અમેરિકામાં છે અને એ ઘર પણ અકબંધ છે, જ્યાં ઍનાને છેલ્લાં વર્ષોમાં રાખવામાં આવી હતી.
મને આ વાર્તાના અંત સામે વાંધો હતો. નાટકના હૅપી એન્ડિંગ માટે અમે છેલ્લે એ છોકરીના શરીરમાંથી ભૂત નીકળે છે એ લાઇન લીધી અને બીજી ઇન્ટરેસ્ટિંગ લાઇન એ લીધી કે એ ભૂત કાઢવા આવનારા વારાણસીના પંડિત પર કોર્ટકેસ થાય છે અને નાટકના સેકન્ડ હાફમાં કોર્ટ-ડ્રામા પર અમે ભાર આપ્યો. આ આખો આઇડિયા મારો હતો. કહેવાનો ભાવાર્થ એટલો જ કે ક્રીએટિવ કામ હંમેશાં સહિયારા સર્જનથી જ ઊભું થાય અને એ કામ હંમેશાં દીપી ઊઠે. ‘જંતરમંતર’ના કાસ્ટિંગ અને એ જ નાટકની બીજી વાતો કરીશું હવે આપણે આવતા સોમવારે.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2022 08:36 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK