આપણી પ્રાચીન પરંપરાનાં આ ત્રણ બહુ જ મહત્ત્વપૂર્ણ વિજ્ઞાનો વિશે આજેય ઘણા ભ્રમ પ્રવર્તી રહ્યા છે. આ ત્રણેયમાં પણ યોગ છે જ. આપણા રૂટીનમાં આ ત્રણ વિજ્ઞાન કઈ રીતે કામ કરી રહ્યાં છે એ વિષય પર આજે વાત કરીએ
રોજેરોજ યોગ
તંત્ર, મંત્ર અને યંત્ર યોગ
યોગ વ્યાપક છે. એની વ્યાપકતાનો સાર એના અર્થમાં જ છુપાયેલો છે. સંસ્કૃતમાં ‘યુજ’ ધાતુમાંથી બનેલા યોગનો શબ્દનો સર્વસામાન્ય અર્થ થાય છે જોડાણ. આધ્યાત્મિક વિશ્વમાં આત્માનું પરમાત્મા સાથે જોડાણ એટલે યોગ. જોકે આ લેખના માધ્યમે લેખક અને વાચકનું જોડાણ એ પણ એક યોગ જ છે. બે વ્યક્તિઓ જોડાય એ પણ એક યોગ ગણાય. આપણી રોજબરોજની બોલચાલની ભાષામાં પણ આપણે યોગ શબ્દનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. આસનોની દૃષ્ટિએ યોગના ઘણા મૉડર્ન પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. યીન યોગ, વિનયાસા યોગ, બિક્રમ યોગ,
હૉટયોગ, કુંડલિની યોગ, હઠયોગ વગેરે-વગેરે. આ સિવાય પણ મંત્ર યોગ, નાદ યોગ, સ્વર યોગ, તંત્ર અને યંત્ર યોગ જેવા પ્રકારો પણ એક્ઝિસ્ટ કરે છે. એમાંથી આપણી પ્રાચીન પરંપરામાં બહુ જ સૂક્ષ્મ વૈજ્ઞાનિક ટૂલ તરીકે જેનો આપણા પૂર્વજો બહુ જ પદ્ધતિસર ઉપયોગ કરતા રહ્યા છે એ તંત્ર, મંત્ર અને યંત્ર યોગ શું છે એ જાણવું પણ રસપ્રદ
ADVERTISEMENT
રહેશે. આ દિશામાં ભરપૂર સાધના કરનારા બંધુ ત્રિપુટી જૈન મુનિશ્રી પૂજ્ય જિનચંદ્રજી મહારાજસાહેબ કહે છે, ‘ભારતની સંસ્કૃતિનું એક મહત્ત્વનું પાસું રહ્યું છે કે યુગે-યુગેથી આ ધરતી પર અનેક સંત, મહંત, અરિહંતો થતા રહ્યા છે. તેમણે પોતે સાધના દ્વારા પોતાનું આત્મકલ્યાણ કર્યું પણ સાથે તેમણે જગતના સર્વ જીવોને સુખી કરવામાં સાધનાના અનેક પ્રયોગો અંતરની લૅબોરેટરીમાં કર્યા અને કંઈક એવાં તત્ત્વોનો નિષ્કર્ષ શોધ્યા જેમાં જીવનનું કલ્યાણ થયા વિના ન રહે. યંત્ર, મંત્ર અને તંત્રની સાધના એવા અંતરની લૅબોરેટરીના નિષ્કર્ષો છે. જૈન, બૌદ્ધ અને હિન્દુ પરંપરામાં ઋષિમુનિઓ દ્વારા યંત્ર અને મંત્રને સાધનામાં મહત્ત્વપૂર્ણ સ્થાન અપાયું છે. અનેક યંત્રો, અનેક મંત્રો અને એની ઉપાસનાની વિધિ એટલે કે તંત્રના ઉલ્લેખો આપણને આ પરંપરાના પ્રાચીન ગ્રંથોમાંથી મળે છે.’
તંત્રયોગ શું છે?
સાદી ભાષામાં કહીએ તો તંત્ર એટલે ટેક્નિક. પૂજ્ય જિનચંદ્રજી કહે છે, ‘કોઈ પણ કાર્ય કરવાનું વિધાન ગ્રંથમાં હોય ત્યારે એને કેમ કરવું એની મેથડ પણ હોય. એ વિધિ, એ ટેક્નૉલૉજી એટલે તંત્ર. ધારો કે મંત્રનું આલેખન કરવાનું કે યંત્ર એટલે કે કોઈક આકૃતિ બનાવવાની હોય તો એ સાદા કાગળ પર કરવી, ભોજપત્ર પર બનાવવી, તાંબા, ચાંદી કે સુવર્ણના પત્ર પર બનાવવી, કંકુથી બનાવવી, સુખડથી બનાવવી, કઈ દિશામાં બેસીને કરવી, એ સ્થાન કેવું હોવું જોઈએ જેવી ઝીણી-ઝીણી બાબતોનો સમન્વય આ વિધિમાં કરવામાં આવ્યો હોય એને તંત્ર કહેવાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર બાબતોનો સમન્વય તંત્રમાં થતો હોય.’
કોઈક લક્ષ્યને સાધીને એને પામવા માટેની વિધિ કરવી, મેથડ ફૉલો કરવી એ તંત્ર ગણાય. તંત્ર એટલે ટેક્નૉલૉજી છે. આપણે ત્યાં કોઈકની નજર લાગી હોય ત્યારે મીઠું ફેરવીને નાખવાની પરંપરા એ તંત્ર વિદ્યાનું જ એક સ્વરૂપ છે. યોગની દૃષ્ટિએ વ્યક્તિને સાજી કરવા માટે ઘણા પ્રકારની હીલિંગ ટેક્નિક વપરાય છે જેમાં ધ્યાન, પ્રાણાયામ, આસન, પ્રાર્થના, ભજન, કીર્તન વગેરે તંત્રનો જ ભાગ ગણાય. તંત્રની સંધિ છૂટી પાડીએ તો તન્ એટલે કે શરીરને માધ્યમ બનાવીને જે પણ ક્રિયાઓ કરાય એ તંત્રયોગ કહેવાય. શરીર પર નિયંત્રણ સાધીને
સિદ્ધિઓ પામવામાં આવે એ પણ તંત્રનો ભાગ મનાય છે. કોઈ પણ જાતના મશીન વિના આપણા પૂર્વાચાર્ય અને ઋષિમુનિએ બ્રહ્માંડનું, આટલા ગ્રહો, તારા-નક્ષત્રોનું જ્ઞાન કેવી રીતે મેળવ્યું? આનો જવાબ તંત્રમાં મળી શકે. સ્થૂળ શરીરમાંથી બહાર નીકળીને સૂક્ષ્મ શરીર સાથે આખા બ્રહ્માંડમાં પોતાની ચેતના સાથે ભ્રમણ કરવાની એ ક્ષમતા પણ ક્યાંક તંત્રના જ કેટલાક પ્રયોગોનું પરિણામ હોઈ શકે.
મંત્રયોગ શું છે?
ભૂતકાળમાં આપણે મંત્રો પર વાત કરી ચૂક્યા છીએ. વિશિષ્ટ ધ્વનિની શક્તિનું વિજ્ઞાન મંત્ર સાથે સંકળાયેલું છે. મંત્રશક્તિનો બાળવયે પરચો મેળવનારા મુનિ જિનચંદ્રજી કહે છે, ‘આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને ૧૧ વર્ષની ઉંમરે મારા ગુરુજીએ મને મંત્રદીક્ષા આપી અને સરસ્વતી મંત્રની સાધના કરાવડાવી. સ્કૂલમાં હું માત્ર દોઢ ચોપડી ભણેલો છું અને છતાં આજે વિશ્વભરમાં અઢળક વિષય પર બોલવાનું થયું છે અને ઘણી વાર તો સાવ નવા વિષય પર પણ બોલતી વખતે ક્યારેય ન વાંચેલી કે ન સાંભળેલી વાતો પણ પ્રવચન દરમ્યાન બોલાઈ જાય ત્યારે મને તાજ્જુબ થતું પણ પછી ગુરુકૃપાથી સમજાયું કે આ જે કંઈ થતું હોય છે એ મંત્રશક્તિનો જ પ્રભાવ છે. વિશિષ્ટ પ્રકારના ધ્વનિના તરંગો જ્યારે તમે મંત્રને એના સાચા ઉચ્ચારણ સાથે બોલો ત્યારે ઉત્પન્ન થાય છે અને બહુ જ પાવરફુલ હોય છે. એના અઢળક દાખલાઓ મેં જોયા છે. માત્ર બીજ મંત્ર જ્યાં કોઈ ભગવાનનું નામ નથી પરંતુ તેના ધ્વનિ તરંગોનો પાવર એવો હોય કે સાવ નિસ્તેજ માણસને ઊર્જાવાન બનાવી દે. આવા પ્રયોગો અમે કર્યા છે. ‘હ્રી’ આ મંત્ર શક્તિ મંત્ર છે. કોઈ નિસ્તેજ, ઉદાસ, થાકેલી વ્યક્તિને જો સાચા ઉચ્ચારણ સાથે ‘હ્રી’ પાંચેક મિનિટ બોલાવડાવો તો સોએ સો ટકા એ વ્યક્તિ પાંચ મિનિટમાં ઊર્જાથી તરબતર દેખાશે. સંસ્કૃતમાં હ શબ્દ મહાપ્રાણ છે જે ઊર્જાનો અને શક્તિનો વાહક છે. એટલે શક્તિ પ્રદર્શનમાં એનો ઉપયોગ થાય પરંતુ શરત એટલી કે સાચી રીતે બોલાયેલો હોવો જોઈએ. આપણે ત્યાં માર્શલ આર્ટ અને કરાટેમાં ‘હ’નો ફોર્સ સાથે પ્રયોગ થાય છે એ સાંભળ્યું હશે તમે. અરે એ જવા દો. ક્યારેક તમે ક્યાંક બહાર બેઠા હો અને તમારી નજીક ગલીનો કૂતરો કે બીજું કોઈ પશુ આવે તો એકઝાટકે તમારાથી શું બોલાય છે? અરે ‘હટ્’. અહીં ‘હટ્’ શબ્દ બહુ જોરથી અને જુસ્સાથી બોલાય છેને. બસ, એ જ રીતે ‘હ્રી’નો પ્રયોગ પણ જુસ્સાથી થાય તો પરિણામ આપે. મંત્રના પ્રયોગથી કડકડતી ઠંડીમાં લોકોએ જૅકેટ કાઢી નાખ્યાં હોય એવી ઊર્જા ઉત્પન્ન થયાના અનુભવો અમારી પાસે છે.’
યંત્રયોગ શું છે?
યંત્ર એટલે મશીન એ આપણે જાણીએ છીએ. અહીં યંત્ર યોગ એટલે રેખા વિજ્ઞાનની ભાષા. આકૃતિ. પૂજ્યશ્રી જિનચંદ્રજી કહે છે, ‘અમુક પ્રકારના આકાર, અંક, રંગથી પણ ઊર્જાનું આહ્વાન કરવાનું, કાર્યસિદ્ધિ કરવાનું, ભૌતિક અને આધ્યાત્મિક રીતે વિકસિત થવાનું પોટેન્શિયલ બહાર લાવવા માટે આપણા પૂર્વજોએ યંત્રસાધનાનું મહત્ત્વ દર્શાવ્યું જેમાં શ્રી યંત્રની સાધના અમે છેલ્લાં ચાલીસેક વર્ષથી કરીએ છીએ. અમુક વિશિષ્ટ આકૃતિઓ પર મંત્ર અને તંત્રના પ્રયોગ સાથે બ્રહ્માંડની અમાપ શક્તિઓ સાથે કનેક્ટ થવાનું કામ થઈ શકતું હોય છે. તમારી આકૃતિ, આંકડા, કે રેખાઓ ઍન્ટેનાની જેમ કામ કરી શકે છે. જેમ કે શ્રીયંત્રનું જ્ઞાન આદિશંકરાચાર્યએ ૪૧ શ્લોકોના આનંદ લહેરી ગ્રંથમાં વિગતવાર આપ્યું છે, જેના બીજા ભાગ સૌંદર્યલહરીમાં ચેતનાને ઉર્ધ્વતા તરફ લઈ જવા માટે અને આંતરિક ઉન્નતિ માટે તમારી અંદર જ શ્રીયંત્રનું આહ્વાન કેમ કરાય એની વાતો છે. દરેક યંત્ર એક વિશેષ આભામંડળ ક્રીએટ કરે છે અને એની આપણા ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ પર ઊંડી અસર પડતી હોય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે જેમ શુભતાના પ્રતીક રૂપે આપણે સ્વસ્તિક દોરીએ છીએ એ પણ યંત્રયોગનો જ એક પ્રકાર છે. યંત્ર સાથે મંત્રશક્તિ અને આપણા ભાવ ભળે ત્યારે વૈચારિક રીતે આપણને વધુ પાવરફુલ બનાવે છે. જેમ કે ઉપર તરફ જતા ૧૦૮ ત્રિકોણોની આકૃતિવાળા શ્રીયંત્ર સાથે ગ્રોસ અને પ્રોસ્પેરિટીના ભાવને જોડી દેવાય ત્યારે એ વધુ પાવરફુલ બની જાય છે જેમાં મેરુ પર્વતની જેમ પ્રત્યેક પગથિયે તમારી ઉન્નતિનો ભાવ સમાયેલો છે.
વાણીશુદ્ધિ
નાનાં બાળકોથી લઈને દરેક ઉંમરના લોકો જો પોતાની બુદ્ધિને કુશાગ્ર બનાવવા ઇચ્છતા હોય અને વાણી શુદ્ધ બોલવા માગતા હોય તેમને માટે સરસ્વતી માતાનો બીજ મંત્ર ‘અૈં’ બહુ જ પાવરફુલ છે. જોકે તાળવાથી શુદ્ધ ઉચ્ચારણ સાથે એ બોલાય એ જરૂરી છે એટલે એનો સાચો ઉચ્ચાર કોઈ જાણકાર વ્યક્તિ પાસેથી શીખી લેવો.

આપણા સંત-મહંતો-અરિહંતોએ સાધનાના અનેક પ્રયોગો અંતરની લૅબોરેટરીમાં કર્યા અને કંઈક એવા નિષ્કર્ષો તેમણે શોધ્યા જેમાં જીવનનું કલ્યાણ થયા વિના ન રહે. યંત્ર, મંત્ર અને તંત્રની સાધના એવા અંતરની લૅબોરેટરીના નિષ્કર્ષો છે.
મુનિશ્રી જિનચંદ્રજી મહારાજસાહેબ
કોઈક લક્ષ્યને પામવા માટેની વિધિ કરવી, મેથડ ફૉલો કરવી એ તંત્ર ગણાય. યોગની દૃષ્ટિએ વ્યક્તિને સાજી કરવા માટે ઘણા પ્રકારની હીલિંગ ટેક્નિક વપરાય છે જેમાં ધ્યાન, પ્રાણાયામ, આસન, પ્રાર્થના, ભજન, કીર્તન વગેરે તંત્રનો જ ભાગ ગણાય.