સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી શું લોકોનો ગૃહિણી પ્રત્યે જોવાનો નજરિયો બદલાશે? ચાલો, અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પાસેથી ગ્રાઉન્ડ રિયલિટી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
ઘરની ચાર દીવાલો વચ્ચે સવારથી રાત સુધી પરસેવો પાડતી સ્ત્રીના કામની કિંમત શું? અત્યાર સુધી સમાજ આ કામને મફતની સેવા ગણતો આવ્યો છે, પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે જો રોડ-ઍક્સિડન્ટમાં કોઈ ગૃહિણીનું મોત થાય તો તેના ઘરકામની કિંમત દર મહિને ઓછામાં ઓછી ૩૦,૦૦૦ રૂપિયા ગણીને વળતર ચૂકવવું પડશે. જોકે અહીં સવાલ એ છે કે જીવતેજીવ સ્ત્રીઓને ઘરમાં કે સમાજમાં એ આર્થિક આઝાદી કે તેના કામનું સન્માન મળે છે? સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી શું લોકોનો ગૃહિણી પ્રત્યે જોવાનો નજરિયો બદલાશે? ચાલો, અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પાસેથી ગ્રાઉન્ડ રિયલિટી જાણીએ
સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલાં એક મહત્ત્વનું અવલોકન કરતાં જણાવ્યું હતું કે હોમમેકર્સ નેશન બિલ્ડર્સ તરીકે ઓળખાવાને પાત્ર છે. આ સાથે કોર્ટે ચુકાદો આપ્યો છે કે રોડ-અકસ્માતમાં ગૃહિણીઓનાં મૃત્યુના કિસ્સામાં વળતરની ગણતરી કરતી વખતે તેમના દ્વારા કરવામાં આવતા ઘરકામનું આર્થિક મૂલ્ય દર મહિને ઓછામાં ઓછું ૩૦,૦૦૦ રૂપિયા આંકવું અનિવાર્ય છે. આ ઉપરાંત કોર્ટે હાઉસવાઇફના સ્થાને હોમમેકર શબ્દનો ઉપયોગ કરવા તરફ બદલાવ લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કોર્ટે મરણોત્તર વળતર તો નક્કી કરી લીધું, પણ સવાલ એ થાય કે જીવતેજીવ જે સ્ત્રી આખું ઘર સંભાળે છે તેને રોજબરોજની જિંદગીમાં શું મળે છે? શું પરિવારમાં તેને આર્થિક આઝાદી અને સન્માન મળે છે ખરું? સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સમાજ ગૃહિણીઓના કામની કદર કરતો થશે? આ સીમાચિહ્ન રૂપ નિર્ણય અને ગ્રાઉન્ડ રિયલિટી વચ્ચેના આ જ અંતરને સમજવા માટે અમે ચાર અલગ-અલગ ક્ષેત્રની મહિલાઓ સાથે મુક્તમને કરેલી ચર્ચાનો નિષ્કર્ષ શું છે એ જાણીએ.
ADVERTISEMENT
આખરે ગૃહિણીઓના કામની કિંમત તો અંકાઈ : મિતાલી વાઘેલા, ગૃહિણી
આપણે જૉબ પર જતા હોઈએ તો ફિક્સ ૮ કે ૯ કલાકની ડ્યુટી અને ઉપરથી વીક-એન્ડમાં રજા પણ મળે, પરંતુ હોમમેકરે અઠવાડિયાના સાતેસાત દિવસ અને દિવસના ૨૪ કલાક કામ કરવું પડે છે એમ જણાવતાં વસઈમાં રહેતાં ૨૭ વર્ષનાં મિતાલી વાઘેલા પોતાનો પર્સનલ એક્સ્પીરિયન્સ શૅર કરે છે અને કહે છે, ‘મારે બે નાના દીકરા છે. નાનો દીકરો કિયાંશ હજી ૯ મહિનાનો છે અને મોટો દીકરો દક્ષિત બે વર્ષ આઠ મહિનાનો છે. બન્ને બાળકોની સંભાળ રાખવાની સાથે ઘરનું કામ કરવું એક મોટો ટાસ્ક છે. એકસાથે આટલાં બધાં કામ કરવા માટે પણ મલ્ટિ ટાસ્કિંગ અને ટાઇમ મૅનેજમેન્ટની ટૅલન્ટ જોઈએ. મારે સવારે ૬ વાગ્યે ઊઠવું પડે છે અને રાતે દસ વાગ્યે સૂવું પડે છે. મારા ઘરમાં મેઇડ નથી એટલે રસોઇ, વાસણ, કપડાં, ઝાડુ-પોતાં જેવાં બધાં કામ કરવાનાં અને એ સિવાય પણ નાનાં-મોટાં ઘણાં કામ આખા દિવસમાં પૂરાં કરવાનાં હોય. મોટો દીકરો પ્લે-ગ્રૂપમાં છે તો તેને મૂકવા-લાવવા જવાનું હોય, બહાર રમવા માટે લઈ જવાનો હોય. મારો નાનો દીકરો વધારે સૂતો નથી. અડધી રાત્રે ત્રણ-ચાર વાગ્યે ઊઠી જાય. એટલે દિવસ તો ઠીક રાત્રે પણ શાંતિ ન મળે. એટલું સારું છે કે મારાં સાસુ છે. એટલે સવારનું મારા હસબન્ડનું ટિફિન રેડી કરવાનું કામ તેઓ કરી લે છે. ઘરનાં બીજાં કામમાં પણ મદદ કરાવે છે છતાં હું કહીશ કે હોમમેકરના કામને લોકો એટલું મહત્ત્વ નથી આપતા. કોઈ વર્કિંગ વુમન હોય તો તે પ્રાઉડલી કહી શકે છે કે હું આ પ્રોફેશનમાં છું કે મારો આ બિઝનેસ છે, કારણ કે લોકો પણ તેમને માનની દૃષ્ટિએ જુએ છે. બીજી બાજુ હોમમેકર આટલું બધું કામ કરતી હોવા છતાં તેના કામની કોઈ ગણતરી જ થતી નથી. લોકો બહુ સહજતાથી એમ બોલી દે છે કે એ બીજું કાંઈ નથી કરતી. ફક્ત ઘર જ સંભાળે છે. આમ કહીને લોકો ગૃહિણીના કામને ઓછું આંકવાનો પ્રયત્ન કરતા હોય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયે ઍટ લીસ્ટ ગૃહિણીઓના કામની એક કિંમત આંકી છે, જેની અત્યાર સુધી લોકોની નજરમાં કોઈ કિંમત નહોતી. આ એક સકારાત્મક પહેલ છે.’
કમાનાર જેટલું જ મહત્ત્વ ઘર સંભાળનારનું : નેહલ ગાલા, બિઝનેસવુમન
હોમમેડ ચૉકલેટ, મુખવાસ અને કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ હૅમ્પર્સનો ઘરેથી બિઝનેસ કરતાં લોઅર પરેલમાં રહેતાં ૪૩ વર્ષનાં નેહલ ગાલા કહે છે, ‘વાર-તહેવારે મારે બહુ બધા ઑર્ડર હોય છે. એટલે એકલીએ પહોંચી ન વળાય. એ સમયે મારે બહારથી કોઈની હેલ્પ લેવી પડે છે. તો એ વખતે તમે જે પણ નાનું-મોટું કામ કરાવો એની કિંમત ચૂકવવી પડે છે. એવી જ રીતે એક ગૃહિણી ઘરકામ, બાળકોનો ઉછેર, હોમ-બજેટ બધું જ સંભાળતી હોય છે છતાં આ બધાં કામને તેની ફરજ ગણાવી દેવામાં આવે છે. ફરજની આડમાં તેની મહેનતની આર્થિક કિંમત અંકાતી નથી. એટલે જ એક ગૃહિણી જીવનભર આર્થિક રીતે નિર્ભર રહે છે. આજે તમે બહારથી ઝાડુ-પોતાં, વાસણ, રસોઈ માટે હેલ્પર કે બાળકોની સંભાળ માટે નેની રાખો તો ખબર પડશે કે તેની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા કરતાં કેટલી વધારે છે. જો ગૃહિણી આ બધાં કામ ન કરે તો ઘણાના ઘરનું આખું આર્થિક બજેટ હલી જાય. સમાજમાં એવી માનસિકતા છે કે જે ઘરમાં કમાણી કરીને લાવે છે તેનું યોગદાન વધુ મહત્ત્વનું હોય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આ માનસિકતા પર પ્રહાર કરે છે. ઘરમાં પૈસા કમાવીને લાવનાર વ્યક્તિ ઘરના રથનું એક પૈડું છે, જ્યારે અનપેઇડ વર્ક કરનાર ગૃહિણી એ રથનું બીજું પૈડું છે. ગૃહિણીઓ ન હોય તો ઘરની આર્થિક વ્યવસ્થા ડામાડોળ થઈ જાય. ગૃહિણીઓ ઘર સંભાળે છે એટલે જ પુરુષો બહાર જઈને શાંતિથી કમાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ગૃહિણીઓના કામનું મૂલ્યાંકન કરીને એ લોકોને અરીસો દેખાડ્યો છે જેમને એમ લાગે છે કે તમે આખો દિવસ ઘરમાં કરો છો શું? ઘણી વાર ગૃહિણીઓ એટલા માટે પોતાની અલગથી ઓળખ બનાવવા માટે મથતી હોય છે, કારણ કે તેને ખબર છે કે ઘરમાં કે સમાજમાં ગૃહિણીઓને કોઈ એ સન્માન નથી આપતું જેની તે હકદાર છે. ગૃહિણીના કામને એટલું મહત્ત્વ નથી અપાતું જેટલું જૉબ કે બિઝનેસ કરતા લોકોને અપાય છે. આવા ચુકાદા પછી આશા છે કે ગૃહિણી પ્રત્યે જોવાનો સમાજનો નજરિયો બદલાશે અને સાથે જ ગૃહિણી પર પોતાની જાતને માનની નજરથી જોવાનું શરૂ કરશે.’
ગૃહિણીઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી જોઈએ : હિના કૉન્ટ્રૅક્ટર, ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર
ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર અને ઇન્વેસ્ટશ્યૉર ફાઇનૅન્શિયલ સર્વિસિસનાં ફાઉન્ડર ૪૯ વર્ષનાં પરેલમાં રહેતાં હિના કૉન્ટ્રૅક્ટર કહે છે, ‘મોટર ઍક્સિડન્ટના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ગૃહણીના ઘરકામનું મૂલ્ય ૩૦,૦૦૦ રૂપિયા આંક્યું છે અને તેમને રાષ્ટ્રનિર્માતા ગણાવ્યાં છે એ સાંભળીને આજે દેશભરમાં આ વાતની ચર્ચા થઈ રહી છે. મારા માટે આ ચુકાદાનું મહત્ત્વ એ આંકડામાં નથી, પણ એ વાતમાં છે કે પેઢીઓથી જે સ્ત્રીઓનું કામ દેખાતું નહોતું એને આખરે એક માન્યતા મળી છે. એક ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર તરીકે હું રોજ એવી ઘણી સ્ત્રીઓને મળું છું જેમાં કોઈ હાઉસવાઇફ છે, કોઈ બિઝનેસ કરે છે, તો કોઈ જૉબ પર જાય છે. જોકે મેં એક વાત નોંધી છે કે સ્ત્રીના કામને હંમેશાં તેની કમાણીના આધારે માપવામાં આવે છે, નહીં કે તે ઘર માટે જે મૂલ્યનું સર્જન કરે છે એના આધારે. એક વર્કિંગ વુમન હોવાના નાતે હું આ વાસ્તવિકતાને બન્ને બાજુથી સમજું છું. બહાર કામ કરવાનું હોય છતાં ઘરે આવીને રસોઈ કરવી, ઘર સંભાળવું અને ફૅમિલીનું ધ્યાન રાખવું એ બધું હું પણ કરું છું અને એટલે જ જે સ્ત્રીઓ પોતાનો આખો દિવસ ઘર સંભાળવા પાછળ પૂરો કરે છે તેમને માટે મારા મનમાં માન ઘણું વધી જાય છે. સવાલ એ નથી કે એક ગૃહિણીના કામની કિંમત ૩૦,૦૦૦ કે ૫૦,૦૦૦ છે. સાચો સવાલ એ છે કે તે જ્યારે જીવતી હોય ત્યારે આપણે તેને આર્થિક રીતે કેવી રીતે સ્વતંત્ર બનાવી શકીએ? દરેક ગૃહિણીનું પોતાનું બૅન્ક-અકાઉન્ટ હોવું જોઈએ, પોતાની બચત, રોકાણ અને હેલ્થ-ઇન્શ્યૉરન્સ હોવાં જોઈએ અને પરિવારના આર્થિક નિર્ણયોમાં તેમનો પણ મત લેવાવો જોઈએ. નાણાકીય સુરક્ષા એ કોઈ ઉપકાર નથી, પણ પરિવારની પ્રગતિમાં તેમનો હક છે. એ સિવાય પરિવારમાં તેમના યોગદાનને સન્માનથી જોવું જોઈએ. બીજું એ કે ઘરકામ એ ફક્ત સ્ત્રીઓની જવાબદારી નથી, એ આપણે સૌએ વહેંચી લેવું જોઈએ. બાળકોને પણ ઘરના કામમાં મદદ કરતાં શીખવવું જોઈએ અને પતિએ પણ જવાબદારી ઉપાડવી જોઈએ. ગૃહિણીઓને પણ એ હક છે કે તે કોઈ પણ જાતના ગિલ્ટ વગર પોતાના શોખ પૂરા કરે, મિત્રોને મળે અને કંઈક નવું શીખે. એક ગૃહિણી ભલે પગાર ન લાવતી હોય, પણ તે આખા ઘરને સ્થિર અને સુરક્ષિત રાખે છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એક સારું પગલું છે, પણ સાચું સન્માન કાગળ પરની ફૉર્મ્યુલાથી નહીં, પણ એવાં ઘરોમાંથી આવશે જ્યાં સ્ત્રીઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે અને તેમની રોજિંદી મહેનતની કદર થાય. એક ગૃહિણીને આદર આપવા માટે કોર્ટના ચુકાદાની રાહ ન જોવી જોઈએ. આ આદરની શરૂઆત તો આપણા ઘરના ઉંબરેથી જ થવી જોઈએ.’
ગૃહિણીઓના કામનું સન્માન ઘરેથી જ શરૂ કરો : પ્રીતિ પારેખ, એજ્યુકેટર
સ્પેશ્યલ કિડ્સ માટે રેમેડિયલ એજ્યુકેટર તરીકે કામ કરતાં બાવન વર્ષનાં પ્રીતિ પારેખ કહે છે, ‘હાઉસવાઇફને બદલે હોમમેકર શબ્દ વાપરવો એ કાનને ચોક્કસપણે વધુ સારું લાગે છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે માત્ર લેબલ બદલવાથી પરિસ્થિતિ નથી બદલાતી. જો આપણે ઇચ્છીએ છીએ કે આવનારી પેઢી સ્ત્રીઓના કામને ખરેખર માન આપે તો બદલાવની શરૂઆત શબ્દોથી નહીં, પણ આપણા વર્તનથી કરવી પડશે. બાળકો ખૂબ જ સારાં ઑબ્ઝર્વર હોય છે. તેઓ આપણે શું કહીએ છીએ એના કરતાં આપણે શું કરીએ છીએ એને વધુ ધ્યાનથી જુએ છે. એક રીતે કહીએ તો તેઓ આપણા વર્તનના અરીસા છે. જો ઘરમાં મમ્મીની દિવસભરની દોડધામને સામાન્ય ગણીને અવગણવામાં આવતી હોય કે પછી તેમના કામને કોઈ આર્થિક મૂલ્ય નથી એટલે એ ઓછું મહત્ત્વનું છે એવો સંદેશ જાય તો બાળક પણ મોટું થઈને એવું જ શીખશે. તે પોતાની કે પોતાના જીવનસાથીની મહેનતને ક્યારેય સ્વીકારી શકશે નહીં. આપણે સમજવું પડશે કે સન્માન કોઈને આપવાની વસ્તુ નથી, એ દેખાડવાની વસ્તુ છે. જ્યારે બાળક જુએ છે કે તેના પપ્પા રસોડામાં કે ઘરની સાફસફાઈમાં સક્રિયપણે મદદ કરે છે ત્યારે તેને લાગે છે કે આ કામ સ્ત્રી કે પુરુષનું નથી, પણ આ એક સહિયારી જવાબદારી છે. આપણે જ્યારે બાળકને એવું કહીએ કે ચાલ, આપણે સાથે મળીને રસોડાનું કામ પતાવીએ ત્યારે આપણે તેને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવી રહ્યા છીએ. આ માત્ર મદદ નથી, પણ સમાનતાનું શિક્ષણ છે. સાચો બદલાવ ત્યારે આવશે જ્યારે આપણે ઘરના નિર્ણયોમાં ગૃહિણીનો અવાજ સાંભળતા થઈશું. બાળકોએ એ જોવું જરૂરી છે કે તેમની મમ્મીનાં મંતવ્યોને પરિવારમાં મહત્ત્વ મળે છે. જ્યારે તેઓ પોતાની મમ્મીને એક આત્મવિશ્વાસુ વ્યક્તિ તરીકે જુએ છે જે પોતાના શોખ અને કૌશલ્યને પણ સમય આપે છે ત્યારે તેઓ સ્ત્રીને માત્ર એક ઘર સંભાળનાર તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોતાં શીખે છે. સંસ્કારો ચોપડીઓમાંથી નહીં, પણ ઘરના વાતાવરણમાંથી શિખાય છે. જો આપણે સ્ત્રીઓ માટે એક સુરક્ષિત અને સન્માનજનક ભવિષ્ય ઇચ્છીએ છીએ તો આપણે આપણા ઘરમાં જ સમાનતાનું એક નવું માળખું ઊભું કરવું પડશે. આપણે જેવી દુનિયા આપણાં બાળકો માટે ઇચ્છીએ છીએ એવી દુનિયા આપણે પોતે જ આપણા ઘરની અંદર જીવીને બતાવવી પડશે.’
