Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > રાજ કપૂર જેવા કલાકાર માટે આવી ડ્રામૅટિક એક્ઝિટ જ યોગ્ય કહેવાય

રાજ કપૂર જેવા કલાકાર માટે આવી ડ્રામૅટિક એક્ઝિટ જ યોગ્ય કહેવાય

25 March, 2023 06:44 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

જે દિવસે રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી ઊતરીને રાજ કપૂરનું સન્માન કરવા નીચે આવ્યા એ જ ઘડીએ તેમણે દુનિયામાંથી વિદાય લેવાની હતી

રાજ કપૂર સ્પેશ્યલ વો જબ યાદ આએ

રાજ કપૂર સ્પેશ્યલ


હું ઝંખું એવું મોત 
કે એક પલકમાં અહીંથી ઊડે 
મારું પ્રાણકપોત 
- સુરેશ દલાલ 
એક જ ક્ષણમાં જેમ ‘સ્વિચ ઑફ’ થાય અને અંધકાર છવાઈ જાય એમ મરણ આવે તો કેટલું સારું? મૃત્યુ ગમે કે ન ગમે; એ પ્રશ્ન જ નથી. એ જીવન જેટલી જ વાસ્તવિકતા છે. શરદબાબુનો દેવદાસ કહે છે, ‘મૃત્યુનો વાંધો નથી, પણ મૃત્યુ સમયે પ્રિય વ્યક્તિનો હાથ કપાળ પર ફરતો હોય અને ચાલ્યા જવું પડે તો કંઈક ઠીક વાત બને.’ વિખ્યાત કવિ ઑડેનને ઇચ્છામૃત્યુ મળ્યું. તેમની ઝંખના હતી કે સાંજે કવિતા વિશે વાત કરે, શરાબની પ્યાલીને ભરપૂર માણે, રાતે પથારીમાં સૂઈ જાય અને સવારે જાગે જ નહીં. તેમને એવું જ ઇચ્છામૃત્યુ મળ્યું. 
રાજ કપૂર એટલા નસીબદાર નહોતા. દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ થયા બાદ ચાર દિવસે તેમની હાલતમાં થોડો સુધારો થયો ત્યારે સ્વજનોમાં આશા જાગી કે સૌ સારાં વાનાં થશે. જોકે એ તો બુઝાતા દીવાનો આખરી ચમકારો હતો. બે દિવસ પછી તેમની તબિયત ફરી પાછી બગડવા લાગી. 
ડૉક્ટરોએ તેમને આર્ટિફિશિયલ રેસ્પિરેટર પર રાખ્યા હતા. એ માટે તેમના ગળામાં કાણું કરીને શ્વાસનળીમાં ટ્યુબ નાખવામાં આવી હતી. આ કારણે તેઓ બોલી નહોતા શકતા. કેવળ ગળામાંથી એક કર્કશ, ન સમજી શકાય એવો અવાજ કાઢીને કશુંક કહેવાનો પ્રયત્ન કરતા રાજ કપૂરની હાલત એકદમ દયનીય હતી. તે શું કહેવા માગે છે એ સમજવાનો મિથ્યા પ્રયાસ કરતા સ્વજનોની લાચારીની શું વાત કરવી? પોતાની પીડા સમજાવવાનો પ્રયત્ન કરતા રાજ કપૂરની આંખોમાંથી દડ દડ કરતાં આંસુ નીકળી પડતાં અને એ જોઈને સ્વજનો નિ:સહાય અવસ્થામાં, પોતાનાં આંસુ રોકીને તેમનો હાથ પકડીને સાંત્વન આપવાનો પ્રયત્ન કરતા. 
જેમ-જેમ દિવસો વીતતા હતા તેમ-તેમ રાજ કપૂરની હાલત કથળતી જતી હતી. તેમનું ડાયાબિટીઝ વધતું જતું હતું અને બ્લડ-પ્રેશર ઘટતું જતું હતું. એટલું જ નહીં, તેમને કમળો થયો હતો. રોજેરોજના સમાચાર અને ટેલિવિઝનના કવરેજને કારણે કેવળ કપૂર ખાનદાન જ નહીં, સમગ્ર દેશ રાજ કપૂરની તબિયતની ચિંતા કરતો હતો. ટેલિગ્રામ અને પત્રોના માધ્યમથી હજારો ચાહકો પોતાની ચિંતા વ્યક્ત કરતા હતા. રાજકારણના હોય કે બીજા કોઈ ક્ષેત્રના, દિલ્હીના વીઆઇપીઓની હૉસ્પિટલમાં ભીડ જામતી. જોકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે આ ઘટના ‘ઇમેજ બિલ્ડિંગ’ જેવી હતી. દરેક કલાકારને એમ હતું કે જો હું દિલ્હી જઈને શોમૅનની તબિયતના સમાચાર નહીં પૂછું તો લોકો મારા માટે શું કહેશે? એટલે બધા પોતાનાં શૂટિંગ અને બીજાં કામોને કૅન્સલ કરીને દિલ્હી આવવા લાગ્યા. સૌ એમ બતાવવા આતુર હતા કે રાજ કપૂર માટે તેમના મનમાં કેટલો આદર છે. એમાંથી કોનાં આંસુ સાચાં છે અને કોનાં ઘડિયાળી એ કોઈને ખબર નહોતી. ‘ગ્લૅમર’ અને ‘ગ્લિસરીન’નું આ કૉમ્બિનેશન જોઈને રાજ કપૂરને એમ જ લાગતું હશે કે મારી પીડાને પણ આ લોકો તમાશો બનાવી રહ્યા છે. 
ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના આઇસીયુમાં રાજ કપૂરની સારવાર ચાલતી હતી ત્યારે સત્તાવાળાઓએ કપૂર પરિવારને ઘણી સગવડ આપી હતી. એ દિવસોમાં સમગ્ર કપૂર ખાનદાન દિલ્હીમાં હતું. શમ્મી કપૂર, શશી કપૂર, રણધીર કપૂર અને રિશી કપૂર પત્ની અને પરિવાર સાથે અને બીજા સ્વજનો દિલ્હીમાં હાજર રહીને ૨૪ કલાક રાજ કપૂરની ચાકરી કરવા કૃષ્ણા કપૂરને મદદ કરતા. એ માટે હૉસ્પિટલમાં એક અલાયદો વિશાળ રૂમ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, એક સ્પેશ્યલ ફોનનું કનેક્શન અપાયું હતું જેથી તેઓ બહારની દુનિયા સાથે સંપર્કમાં રહી શકે. 
દુનિયાભરથી ‘ગેટ વેલ સુન’ના સંદેશ આવતા હતા. ‘મિરૅકલ ડ્રગ્સ’ અને આયુર્વેદિક દવાઓનાં પાર્સલ આવતાં હતાં. અમુક શ્રદ્ધાળુઓ દૈવી ભભૂતિ અને મંત્રેલાં તાવીજ મોકલાવીને પ્રાર્થના અને દુઆ કરતા. ‘God fearing’ અને કંઈક અંશે ‘Superstitious’ કપૂર ખાનદાન ડૂબતો માણસ તરણું ઝાલે એમ આ ભભૂતિ અને તાવીજને રાજ કપૂરના બેડ પર રાખીને પ્રાર્થના કરતું કે તે જલદી સાજા થઈ જાય.
દિવસે-દિવસે રાજ કપૂરની હાલત બદથી બદતર થતી જતી હતી. નવાં-નવાં કૉમ્પ્લિકેશન્સ વધતાં જતાં હતાં. ડૉક્ટરો માટે એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી. જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રાજ કપૂર એમ કહેવાનો પ્રયત્ન કરતા...
આંખ તો મારી આથમી રહી 
કાનના કૂવા ખાલી 
એક પછી એક ઇન્દ્રિયો કહે 
હમણાં હું તો ચાલી 
શ્વાસના થાક્યા વણઝારાનો 
નાકથી છૂટે નાતો 
ચીમળાયેલી ચામડીને હવે 
સ્પર્શ નથી વરતા’તો 
સૂકા હોઠની પાસે રાખો 
ગંગાજળને ઝાલી 
એક પછી એક ઇન્દ્રિય કહે 
અબઘડી હું ચાલી 
- સુરેશ દલાલ 
કૃષ્ણા કપૂરને જ્યોતિષીએ કહ્યું હતું કે રાજ કપૂર એક વાર તો આ હાલતમાંથી બહાર નીકળી આવશે, પરંતુ ત્યાર બાદ તેમનું આયુષ્ય લાંબું નથી. જોકે કૃષ્ણા કપૂરને ડર હતો કે રાજ કપૂર ૨૯ મે ૧૯૮૮ના દિવસે જ અલવિદા કહી દેશે, કારણ કે પૃથ્વીરાજ કપૂરનો દેહાંત ૨૯ મેના દિવસે થયો હતો. રાજ કપૂરે તેમને ખોટા પુરવાર કર્યા. આ તરફ મીડિયા ડૉક્ટરોના રિપોર્ટના આધારે રાજ કપૂરની શ્રદ્ધાંજલિના રિપોર્ટ્સ તૈયાર રાખીને બેઠું હતું. એમનું માનવું હતું કે આવા અગત્યના સમાચાર માટેની ‘ડેડલાઇન’ ચૂકી ન જવાય. આ જોઈને કૃષ્ણા કપૂર ઘણા દુખી હતાં. તેમની બેચેની વધતી જતી હતી. તે માનતાં કે આ અપશુકન છે. એટલે પૂરો પરિવાર ગુરુવારે ઉપવાસ કરતો, કારણ કે તેમના મતે કપૂર પરિવાર માટે ગુરુવારનો દિવસ ભારે હતો.
હૉસ્પિટલના આ એક મહિના દરમ્યાન રાજ કપૂરને આઠ વખત લોહી ચડાવવામાં આવ્યું. પૂરા કપૂર ખાનદાન તરફથી આઠ બૉટલનું આ રક્તદાન જાણે ‘ખૂન કા કર્ઝ’ ચૂકવવા જેવી ઘટના હતી. ડૉક્ટરોએ વિદેશથી ‘લાઇફ સેવિંગ ડ્રગ્સ’ મગાવી હતી. વડા પ્રધાન રાજીવ ગાંધીએ તાકીદ કરી હતી કે રાજ કપૂરની સારવારમાં કોઈ પણ કચાશ ન રહેવી જોઈએ. જોકે હુકમનું પાનું તો ઈશ્વર હંમેશાં પોતાના હાથમાં રાખે છે. કેવળ દવા અને દુઆ પર જિંદગી બચતી નથી; ઈશ્વરની દયા પણ જોઈએ. અંતે ‘Multiple Organ Failure’ને કારણે રાજ કપૂર પર હૃદયરોગનો હુમલો થયો અને ૨ જૂન ૧૯૮૮ના દિવસે ૬૪ વર્ષની ઉંમરે તેમણે હંમેશ માટે દુનિયાને અલવિદા કરી. અને હા, કૃષ્ણા કપૂરનો ભય સાચો પડ્યો. એ દિવસે ગુરુવાર હતો. 
૩ જૂન ૧૯૮૮ના રોજ બહેરામ કૉન્ટ્રૅક્ટર ‘બિઝીબી’એ પોતાની કૉલમમાં લખ્યું, ‘રાજ કપૂર માટે મૃત્યુ ચાર અઠવાડિયાં મોડું આવ્યું. જે દિવસે રાષ્ટ્રપતિ સ્ટેજ પરથી ઊતરીને તેમનું સન્માન કરવા નીચે આવ્યા એ ઘડીએ જ તેમણે દુનિયામાંથી વિદાય લેવાની હતી. તેમના જેવા કલાકાર માટે આવી ‘Dramatic Exit’ જ યોગ્ય ગણાય. મૃત્યુની શૈયા પર, લાચાર અવસ્થામાં કૃત્રિમ સાધનોની મદદ સાથે જીવન માટે ઝઝૂમતા રાજ કપૂરની છબિ જોવાનું મને જરા પણ ગમ્યું નથી.’ 
ભારત સરકારે એક મહાન કલાકારની સિદ્ધિ અને યોગદાનનું ઉચિત સન્માન કરતાં એક પ્રશંસનીય કામ કર્યું. ‘મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડ્કાસ્ટિંગ’ અને ‘ડિરેક્ટરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ’ આ બે સંસ્થાને તેમની પૂરી સારવારનો ખર્ચો ઉઠાવી લીધો. એટલું જ નહીં, તેમના પાર્થિવ શરીરને મુંબઈ લઈ જવા માટે એક ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી આપી જ્યાં શોમૅનના અસંખ્ય ચાહકો તેમનાં અંતિમ દર્શન માટે રાહ જોતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 06:44 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK