જાણીએ આ સોસાયટીઓ વિશે
મુંબઈની સોસાયટીઓમાં થતી નવરાત્રિની ઝલક
દરરોજ કલર થીમ પ્રમાણે આરતી થાય, પ્રસાદ ધરાવાય - કુસુમ ભારતી અપાર્ટમેન્ટ, બોરીવલી
બોરીવલી ઈસ્ટમાં આવેલા કુસુમ ભારતી અપાર્ટમેન્ટમાં ૧૯૯૫થી નવરાત્રિનું ધામધૂમથી આયોજન થાય છે. સોસાયટીમાં નવરાત્રિનું સંપૂર્ણ આયોજન વર્કિંગ વિમેનની કમિટી કરે છે. નવરાત્રિની ઉજવણી વિશે વાત કરતાં ઝંખના ભાનુશાલી કહે છે, ‘અમારે ત્યાં ત્રણ વિન્ગ છે. બધાને નવરાત્રિમાં માતાજીની આરતીનો લાભ મળે એ માટે અમે ફ્લોર-વાઇઝ આરતી રાખીએ. એટલે એ ફ્લોરમાં જેટલાં ઘરો આવતાં હોય એ બધાંએ મળીને નવરાત્રિનો જે કલર હોય એ પ્રમાણે કપડાં પહેરીને આવવાનાં, આરતીની થાળી એ રીતની ડેકોરેટ કરવાની અને પ્રસાદ પણ એ રંગનો જ બનાવવાનો. નવરાત્રિના નવેનવ દિવસ ગરબા તો રમાય જ છે. એમાં પણ સિનિયર સિટિઝન ઘરોની બહાર આવીને નીચે કમ્પાઉન્ડમાં ગરબા રમે એ માટે અમે તેમના માટે પણ ઇનામો રાખીએ જેથી તેમને પ્રોત્સાહન મળે. બાળકો પણ સરસ પારંપરિક કપડાંમાં તૈયાર થઈને ગરબા રમવા માટે આવે એટલે તેમના માટે પણ અમે ઇનામો રાખીએ. એ સિવાય સૌથી સારા ગરબા રમનાર, સારાં પારંપરિક કપડાં પહેરનાર માટે પણ પ્રાઇઝ હોય છે. આઠમના દિવસે મહાઆરતી કૉમ્પિટિશન, મહાપ્રસાદ કૉમ્પિટિશન થાય જેમાં સોસાયટીના જેમને પાર્ટિસિપેટ કરવું હોય એ લોકો ભાગ લઈ શકે. નવરાત્રિના છેલ્લા બે દિવસે સોસાયટીમાં રાત્રે જમણવારનો પ્રોગ્રામ હોય અને દશેરાના દિવસે પણ સવારે નાસ્તો રાખીએ.’
ADVERTISEMENT
દરરોજ DJ પર ગરબા અને લગ્ન જેવો જમણવાર થાય - એકતા ટેરેસ, કાંદિવલી
ગુજરાતીઓને ગરબા રમવાનો અને જમવાનો બન્ને શોખ હોય જેનું ખાસ ધ્યાન રાખીને કાંદિવલીની એકતા ટેરેસ સોસાયટીમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ વિશે માહિતી આપતાં કેતન મહેતા કહે છે, ‘અમારી સોસાયટીમાં દરરોજ માતાજીની આરતી થાય છે અને એ પછી DJ પર ગરબા રમાય છે, જેમાં સોસાયટીના નાનાથી લઈને મોટા બધા જ સભ્યો કલર થીમ પ્રમાણે તૈયાર થઈને નીચે સોસાયટીના કમ્પાઉન્ડમાં ગરબે રમવા માટે આવે છે. અમારે ત્યાં એટલું સારું નવરાત્રિનું આયોજન થાય છે કે બહારના લોકો પણ પાસ લઈને અમારી સોસાયટીમાં DJ પર ગરબા રમવા અને જમણવારનો આનંદ ઉઠાવવા માટે આવે છે. જમણવારમાં દરરોજ અલગ-અલગ મેનુ હોય જેમાં એક દિવસ કાઠિયાવાડી, એક દિવસ પંજાબી, એક દિવસ રાજસ્થાની, એક દિવસ સાઉથ ઇન્ડિયન ક્વિઝીન હોય. દરરોજ એટલીબધી વરાઇટી હોય કે તમે લગ્નસમારોહમાં જમવા ગયા હો એવું જ લાગે. અમારે ત્યાં જૈન અને રેગ્યુલર બન્ને જમણવાર હોય. ચોવિહારની પણ ફૅસિલિટી હોય છે. બધા બેસીને આરામથી જમી શકે એ માટેની પણ વ્યવસ્થા હોય છે.’
નવી પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવતાં આયોજનો થાય - ઑર્ચર્ડ રેસિડન્સી, ઘાટકોપર
ઘાટકોપરમાં આવેલી ઑર્ચર્ડ રેસિડન્સીમાં એકદમ પારંપરિક રીતે નવરાત્રિનું આયોજન થાય છે. એ વિશે માહિતી આપતાં વંદના વૈદ્ય કહે છે, ‘બાળકો આપણી જૂની પરંપરાથી અવગત થાય એ માટે અમે રવિવારે એવું આયોજન રાખ્યું હતું કે સોસાયટીની કન્યાઓ ગરબા લઈને ઘરે-ઘરે જશે અને બદલામાં તેમને એક રૂપિયાનો સિક્કો મળશે. એ જ દિવસે સવારે અમે કન્યાપૂજન રાખ્યું હતું જેમાં અમે સોસાયટીની નાની કન્યાઓની પૂજા કરી, જમાડીને પછી ભેટ આપી હતી. શનિવારે અમે ‘નરસિંહા’ મૂવીનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. એ સિવાય અમારે ત્યાં સોસાયટીના વડીલોએ મળીને ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો. નોમના દિવસે અમે આરતી થાળી ડેકોરેશન કૉમ્પિટિશનનું પણ આયોજન કર્યું છે. સાથે જ નવ દુર્ગા થીમ પર પર્ફોર્મન્સ રાખ્યો છે જેમાં ૨૦ જેટલી કન્યાઓ નવદુર્ગાની સાથે આપણાં ધાર્મિક પુરાણોમાં વર્ણવેલી સ્ત્રીઓ, માતાઓમાં રહેલા ગુણોને જીવનમાં ઉતારવાનો સંદેશો આપશે. અમે મહાઆરતીનું પણ આયોજન કર્યું છે જેમાં બધા સાથે મળીને માતાજીની આરતી કરશે. એ સિવાય ગરબા કૉમ્પિટિશન પણ હોય છે. નવરાત્રિના આ નવ દિવસમાં નવી પેઢીનાં બાળકો તેમની ધર્મ-સંસ્કૃતિ સાથે જોડાય એ ઉદ્દેશ સાથે અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ.’
ઉત્સાહ વધારવા રોજેરોજ ઇનામોની લહાણી થાય - અનંતનગર સોસાયટી, મલાડ
છેલ્લાં ૫૦ વર્ષથી મલાડ વેસ્ટમાં આવેલી અનંતનગર સોસાયટીમાં નવરાત્રિની ઉજવણી થાય છે. આ વખતે કયા પ્રકારનું આયોજન થયું છે એ વિશે માહિતી આપતાં ડિમ્પલ પારેખ કહે છે, ‘અમારે ત્યાં દરરોજ માતાજીની આરતી અને એ પછી ગરબાનું આયોજન થાય છે. નાનાં બાળકોથી લઈને યુવાનો, વડીલો બધા જ ગરબા રમવા માટે પ્રોત્સાહિત થાય એ માટે અમે દરરોજ ઇનામો આપીએ છીએ. એ સિવાય ઘરની સ્ત્રીઓ રસોડાના કામમાંથી રજા લઈને નવરાત્રિ માણી શકે એ માટે નવેનવ દિવસ સોસાયટીમાં જમણવાર હોય છે. એ સિવાય ૧-૧૦ વર્ષનાં બાળકો માટે ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશન રાખી હતી. મોટા લોકો માટે રેટ્રો થીમ રાખી હતી જેમાં સોસાયટીના સભ્યો એ હિસાબે રેડી થઈને આવ્યા હતા અને ગરબા રમ્યા હતા. એ સિવાય આરતી થાળી ડેકોરેશન કૉમ્પિટિશન પણ રાખી હતી. અમારી ૨૨ માળની ૧૦૬ ફ્લૅટની સોસાયટી છે એટલે દરરોજ બે ફ્લોરને મળીને આરતી અને પ્રસાદની વ્યવસ્થા કરવાની હોય. અમારી અરેન્જમેન્ટ્સ એટલી સારી હોય છે કે બહારના લોકો પણ ૧૫૦ રૂપિયાનો પાસ લઈને સોસાયટીમાં રમવા અને જમવા માટે આવે છે.’


