Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા’ના એ દિવસો ગયા

‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા’ના એ દિવસો ગયા

Published : 15 June, 2024 01:50 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મુંબઈની કાયાપલટ કરનાર સર બાર્ટલ ફ્રેરે સિંધના કમિશનર હતા ત્યારે તેમણે ટપાલસેવામાં ઘણા ફેરફાર કર્યા

એકદમ ઉપર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી ટિકિટ, ગાંધીજીની સ્મૃતિમાં  બહાર પડેલી પહેલી ટિકિટ, ૧૫ ઑગસ્ટ, ૧૯૪૮ નીચે : સ્વતંત્ર ભારતની પહેલી ટપાલટિકિટ (ડાબે), સૂની પડેલી ટપાલપેટી

ચલ મન મુંબઈનગરી

એકદમ ઉપર : ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી ટિકિટ, ગાંધીજીની સ્મૃતિમાં બહાર પડેલી પહેલી ટિકિટ, ૧૫ ઑગસ્ટ, ૧૯૪૮ નીચે : સ્વતંત્ર ભારતની પહેલી ટપાલટિકિટ (ડાબે), સૂની પડેલી ટપાલપેટી


ડાકિયા ડાક લાયા


ડાકિયા ડાક લાયા



ખુશી કા પયામ કહીં


કહીં દર્દનાક લાયા

૧૯૭૭માં ‘પલકોં કી છાંવ મેં’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હજી ગામડાંમાં જ નહીં, શહેરોમાં પણ ડાક કહેતાં પોસ્ટ કહેતાં ટપાલનો અને ટપાલીનો દબદબો હતો. માત્ર ગામડાંમાં જ નહીં, મુંબઈ જેવાં શહેરોમાં પણ. મિષ્ટાન્ન-ફરસાણ કાંઈ રોજ ન ખવાય, વારતહેવારે ખવાય. એમ તારવાળો પણ કાંઈ રોજ ઘરે ન આવે. પણ એક જમાનામાં ટપાલી તો લગભગ રોજ ઘરે આવે. અને એ પણ દિવસમાં ત્રણ વાર : સવારે નવેક વાગ્યે, બપોરે બારેક વાગ્યે અને સાંજે ચાર-પાંચ વાગ્યે. એ જમાનામાં લિફ્ટ બહુ ઓછાં મકાનોમાં. એટલે લગભગ દરેક મકાનમાં દાદરા ચડી-ઊતરીને કામ કરવું પડે. ખાખી યુનિફૉર્મ, પગમાં તૂટેલાં-જૂનાં સૅન્ડલ. ખભેથી લટકતો ટપાલ ભરેલો થેલો. એ વખતે ટપાલ એટલે કાં પોસ્ટકાર્ડ, કાં કવર. ઇનલૅન્ડ લેટર તો પછીથી આવ્યા.


સાહિત્યકારો માટે અંગ્રેજીમાં ‘મૅન ઑફ લેટર્સ’ શબ્દપ્રયોગ થાય છે, પણ આપણા મોટા ગજાના કેટલાક લેખકો ‘મૅન ઑફ પોસ્ટકાર્ડ’ તરીકે જાણીતા. કોઈ સાવ અજાણ્યાનો, ખાસ કશા કામ વગરનો પણ કાગળ આવે તો ગુલાબદાસ બ્રોકર એનો જવાબ અચૂક આપે, પોસ્ટકાર્ડથી. ઉમાશંકર જોશીને તમે ગમેતેટલા પત્રો લખો, જવાબ તો આપવો હોય તો જ આપે અને એ પણ પોસ્ટકાર્ડથી જ અને ઓછામાં ઓછા શબ્દોમાં. આવો એક અનુભવ કાયમ માટે યાદ રહી ગયો છે. દાયકાઓ પહેલાં ‘માતૃવંદના’નાં પુસ્તકોનું સંપાદન કરતો હતો ત્યારે એના પહેલા જ ભાગ માટે ઉમાશંકરને લખવા માટે આમંત્રણ મોકલેલું. સાથે જવાબી પોસ્ટકાર્ડ પણ મોકલેલું. પણ જવાબ જ નહીં, ત્યાં લેખ તો ક્યાંથી આવે? પછી બીજા ભાગ વખતે ફરી આમંત્રણ મોકલ્યું, ફરી જવાબી પોસ્ટકાર્ડ સાથે. થોડા દિવસ પછી તેમનું પોસ્ટકાર્ડ મળ્યું. મથાળે ડાબી બાજુ તારીખ. પોસ્ટકાર્ડની વચ્ચોવચ જરા મોટા અક્ષરમાં ‘હા.’ એટલું જ લખેલું. નીચે જમણી બાજુ સહી : ‘ઉ.જો.’ ઘણાં વરસ એ પોસ્ટકાર્ડ સાચવી રાખેલું, પણ અત્યારે હાથવગું નથી. તો સુરતમાં રહે આપણા મોટા ગજાના વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. તેઓ પણ જવાબ પોસ્ટકાર્ડથી જ આપે. પણ લાંબા, વિગતવાર જવાબો આપે. એક પોસ્ટકાર્ડમાં ન સમાય એટલે બીજું વાપરે, જરૂર પડે તો ત્રીજું પણ ખરું. પછી દરેકને મથાળે ૧-૨-૩ એમ નંબર નાખીને પોસ્ટ કરે.

જોકે આપણા દેશમાં પોસ્ટકાર્ડ તો પ્રમાણમાં મોડાં આવ્યાં, ૧૮૭૯માં. પણ ટપાલસેવાનો ઇતિહાસ તો એનાથી ઘણો વધુ જૂનો છે. પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને અંગ્રેજો આવ્યા એ પહેલાં મરાઠા શાસનમાં પણ ટપાલની વ્યવસ્થા હતી. એ ઉપરાંત પણ કેટલાંક દેશી રાજ્યો પોતપોતાની ટપાલસેવા ચલાવતાં. પણ આખા દેશમાં ટપાલસેવાની શરૂઆત કરી એ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારે. અને એની શરૂઆત થયેલી મુંબઈથી. ૧૬૮૮માં દેશની પહેલવહેલી પોસ્ટઑફિસ મુંબઈમાં શરૂ કરી. એ ક્યાં આવેલી એ તો જાણી શકાયું નથી, પણ મુંબઈના કોટ વિસ્તારમાં જ ક્યાંક એ હોઈ શકે. એ પછી કલકત્તા અને મદ્રાસમાં પોસ્ટ-ઑફિસ શરૂ થઈ. લૉર્ડ ક્લાઇવના શાસન દરમ્યાન ટપાલસેવાનો વિકાસ થયો, પણ ૧૭૭૪ સુધી ટપાલસેવા માત્ર સરકારી કામકાજ પૂરતી માર્યાદિત હતી. વૉરન હેસ્ટિંગ્ઝે ૧૭૭૪માં આ સેવાને સાર્વજનિક બનાવી. એ વખતે ટપાલનો દર વજનના આધારે નક્કી નહોતો થતો, પણ એ કેટલે દૂર સુધી મોકલવાની છે એના આધારે નક્કી થતો. દર હતો ૧૦૦ માઇલના અંતર માટે બે આના (આજના બાર પૈસા).

વખત જતાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અલગ પોસ્ટ-ઑફિસ વિભાગ શરૂ કર્યો – ૧૭૭૪માં કલકત્તામાં, ૧૭૭૮માં મદ્રાસમાં અને ૧૭૯૨માં મુંબઈમાં.

એ વખતે હજી ટ્રેનની તો શરૂઆત પણ થઈ નહોતી એટલે ટપાલ લઈ જવા માટે Runnersનો ઉપયોગ થતો. ટપાલનો થેલો ઉપાડીને એક

હલકારુ-ખેપિયો અમુક નિશ્ચિત જગ્યા સુધી જઈને ત્યાં થેલો બીજા ખેપિયાને આપી દે. એમ સાંકળ લંબાતી જાય. એમાં વળી ચોમાસામાં નદી-નાળાં ઊભરાતાં હોય, ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે ટૂંકો રસ્તો છોડી લાંબે રસ્તે જવું પડે. દરેક હલકારુ સાથે એક ડુગડુગીવાળો પણ હોય, જે સતત ડુગડુગી વગાડ્યા કરે – જંગલમાં પ્રાણીઓને આઘાં રાખવા અને વસ્તીવાળા વિસ્તારોમાં લોકો હલકારુના રસ્તામાંથી આઘા ખસી જાય એ માટે. સાધારણ રીતે એક હલકારુ એક દિવસમાં એકસો માઇલ કાપે.

૧૮૬૯ની ૧૭ નવેમ્બરે સુએઝ કનૅલ ખુલ્લી મુકાઈ એ પહેલાં હિન્દુસ્તાનથી બ્રિટન ટપાલ મોકલાતી એ કેપ ઑફ ગુડ હોપના દરિયાઈ રસ્તે. એ રસ્તે અહીંથી બ્રિટન ટપાલ પહોંચતાં ૧૬,૦૦૦ માઇલનું અંતર કાપતાં ત્રણ મહિના લાગતા! ૧૮૬૯ પછી સુએઝને રસ્તે ૬૦૦૦ માઇલ કાપતાં ૩૫થી ૪૫ દિવસ લાગતા. કેપ ઑફ ગુડ હોપને રસ્તે ટપાલ બ્રિટન જતી એ કાં મદ્રાસથી, કાં કલકત્તાથી. મુંબઈની ટપાલ મદ્રાસ મોકલાતી. પણ સુએઝ કનૅલ શરૂ થયા પછી મુખ્ય કેન્દ્ર બન્યું મુંબઈ. ગ્રેટ બ્રિટનથી આવતી સ્ટીમરો મુસાફરો સાથે ટપાલ પણ લાવે, લઈ જાય. એ સ્ટીમરો મુંબઈના બેલાર્ડ પિયર પર નાંગરે. ત્યાંથી આખા દેશની ટપાલ લઈ જવા માટે ખાસ ફ્રન્ટિયર મેલ ટ્રેન શરૂ કરેલી. ટપાલના કોથળા સ્ટીમરમાંથી એક બાજુ ઊતરે અને બીજી બાજુ ટ્રેનમાં ચડાવાય. બ્રિટન આવતા-જતા મુસાફરો પણ આ ટ્રેનનો ઉપયોગ કરે. પહેલી ટ્રેન મુંબઈથી ૧૯૨૮ના સપ્ટેમ્બરની પહેલી તારીખે રવાના થયેલી. ૧૯૪૭ પહેલાં આ ટ્રેન છેક હિન્દુસ્તાનની સરહદ પર આવેલા પેશાવર સુધી જતી અને એટલે જ એનું નામ ફ્રન્ટિયર મેલ. ૧૯૩૪માં એમાં એક ‘ઍર કન્ડિશન’ ડબ્બો જોડવામાં આવ્યો. એને ઠંડો કઈ રીતે રાખતા? ડબ્બાની નીચે બરફની પાટો રાખવાની સગવડ હતી. એ ભાગમાં મોટા પંખા જોરથી ફર્યા કરે. ડબ્બાના તળિયામાં રાખેલાં કાણાંમાંથી ઠંડી હવા ડબ્બામાં ફેલાયા કરે. અમુક-અમુક નક્કી કરેલાં સ્ટેશને નવો બરફ મૂકવામાં આવે. આ પ્રકારની સગવડ ધરાવતી આ પહેલી ટ્રેન. એમાં રેડિયો સાંભળવાની સગવડ પણ કરવામાં આવેલી. ૧૯૯૬ના સપ્ટેમ્બરથી એ ટ્રેન ગોલ્ડન ટેમ્પલ મેલ તરીકે ઓળખાય છે અને અમ્રિતસર સુધી જ જાય છે. હવે બેલાર્ડ પિયર સ્ટેશનનું અસ્તિત્વ રહ્યું નથી એટલે એ ટ્રેન બૉમ્બે સેન્ટ્રલથી આવ-જા કરે છે.

મુંબઈની કાયાપલટ કરનાર સર બાર્ટલ ફ્રેરે સિંધના કમિશનર હતા ત્યારે તેમણે ટપાલસેવામાં ઘણા ફેરફાર કર્યા. પગપાળા ટપાલ લઈ જતા ખેપિયાને બદલે તેમણે ઘોડેસવાર ખેપિયાનો ઉપયોગ શરૂ કર્યો, તો રણના રેતાળ પ્રદેશમાં ઊંટનો. ‘સિંધ ડાક’ તરીકે ઓળખાતી અડધા આનાની ટપાલટિકિટનો ઉપયોગ પણ તેમણે પહેલી વાર શરૂ કર્યો. આ ટિકિટ આજે તો અત્યંત દુર્લભ બની ગઈ છે. છેલ્લે એક વપરાયેલી સ્ટૅમ્પ અમેરિકામાં દસ હજાર ડૉલરમાં વેચાઈ હતી. પણ આ ટિકિટનો ઉપયોગ અમુક વિસ્તાર (સિંધ) પૂરતો જ મર્યાદિત હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજમાં સર્વત્ર વાપરી શકાય એવી ટપાલટિકિટ ૧૮૫૪ના ઑક્ટોબરમાં બહાર પાડવામાં આવી. એના પર રાણી વિક્ટોરિયાના યુવાનીના દિવસોનું પોર્ટ્રેટ છાપ્યું હતું. એ ટિકિટ અડધો આનો તથા ૧, ૨ અને ૪ આનાની કિંમતની હતી. એની પાછલી બાજુએ ગુંદર લગાડેલો નહોતો. એમાં ચાર આનાની ટિકિટ બે રંગમાં છપાતી. આખી દુનિયામાં એ પહેલાં બે રંગની બીજી એક જ ટિકિટ છપાઈ હતી, જે ‘બેઝલ ડવ’ તરીકે ઓળખાય છે એ ૧૮૪૫માં સ્વિટ્ઝરલૅન્ડમાં છપાઈ હતી.

૧૮૫૪માં ટપાલસેવાને લોકાભિમુખ કરવામાં આવી. સરકારી ટપાલ મફત લઈ જવાનું બંધ કરાયું. એના પર પણ જરૂરી ટિકિટ લગાડવાનું ફરજિયાત બનાવાયું. ટપાલ કેટલે દૂર લઈ જવાની છે એના આધારે પોસ્ટેજ નક્કી કરવાનું બંધ કરીને વજન પ્રમાણે નક્કી કરવાનું શરૂ થયું. દર પા તોલાદીઠ અડધો આનો લેવાનું નક્કી થયું. આ પ્રકારની પહેલી ટપાલટિકિટ દેશમાં જ છાપવાનો પ્રયત્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો, પણ એ સફળ થયો નહીં. એટલે પહેલી ટિકિટો ઇંગ્લૅન્ડમાં છાપીને અહીં લાવવામાં આવી. ત્યારથી છેક ૧૯૨૫ સુધી હિન્દુસ્તાન માટેની બધી જ ટપાલટિકિટ ઇંન્ગ્લૅન્ડમાં છપાતી. ૧૯૨૫થી નાશિકમાં શરૂ થયેલા ઇન્ડિયા સિક્યૉરિટી પ્રેસમાં ટપાલટિકિટો છાપવાનું શરૂ થયું. ત્યાં સુધી ઘણી વખત હિન્દુસ્તાનમાં ટપાલટિકિટની અછત ઊભી થતી. ૧૮૬૫થી હાથીના મોઢાના ‘વૉટર માર્ક’વાળા કાગળ પર ટપાલટિકિટ છાપવાનું શરૂ થયું. ૧૮૯૫માં પહેલી વાર ૨, ૩ અને ૫ રૂપિયાની ટપાલટિકિટ બહાર પડી.

૧૯૩૧ સુધી હિન્દુસ્તાનની બધી ટપાલટિકિટ પર ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણીનું જ ચિત્ર છપાતું. ૧૯૩૧માં પહેલી વાર દિલ્હીના ‘પુરાના કિલ્લા’ના ચિત્રવાળી છ ટપાલટિકિટ બહાર પડી. ૧૯૪૭ના નવેમ્બરની ૨૧મી તારીખે સ્વતંત્ર ભારતની પહેલી ટપાલટિકિટ બહાર પડી, જેના પર અશોક સ્તંભ અને તિરંગા રાષ્ટ્રધ્વજનું ચિત્ર હતું અને ‘જય હિન્દ’ લખેલું હતું. કોઈ પણ હિન્દી વ્યક્તિના ચિત્રવાળી એક પણ ટપાલટિકિટ ૧૯૪૭ પહેલાં બહાર પડી નહોતી. ૧૯૪૮ની ૧૫ ઑગસ્ટે મહાત્મા ગાંધીના ચિત્રવાળી પહેલી ટિકિટ બહાર પડી, એ આવી પહેલી ટિકિટ.

રસ્તા પર હાલતાં-ચાલતાં ટપાલ ખાતાની એક નિશાની અચૂક જોવા મળે, એ લાલ રંગની ટપાલપેટી. ઉપરના ભાગમાં ટપાલ નાખવા માટેનું છાપરાવાળું બાકોરું. વરસાદનું પાણી અંદર ન જાય એ માટે છાપરું. નીચે નાનકડું બારણું, તાળું મારેલું. ચાવી પોસ્ટમૅન પાસે હોય. પહેલાં તો દિવસમાં ત્રણ વાર આવીને ટપાલપેટી ખાલી કરી બધી પોસ્ટ થેલામાં નાખે. હવે પછી ક્યારે ટપાલ કાઢી જશે એનો સમય બતાવતો કાગળ એને માટેની ‘બારી’માં મૂક્યો હોય. બધી પેટીમાંથી ટપાલ એકઠી થઈ જાય એટલે પોસ્ટઑફિસમાં જઈ કોથળો ઠાલવે. અને પછી શરૂ થાય ટપાલની મુસાફરી.

હજી આજેય ટપાલી ઘરે ક્યારેક-ક્યારેક આવે તો છે. જાહેરખબરનાં ફરફરિયાં લઈને, લવાજમ ભરેલાં મૅગેઝિન લઈને, રડ્યાંખડ્યા બિલ લઈને. અને હા, દિવાળીના દિવસોમાં તો એકસાથે ત્રણ-ચાર ટપાલી આવી પહોંચે – દિવાળીની બક્ષિશ લેવા. પણ હવે વૉટ્સઍપ અને મોબાઇલના જમાનામાં ટપાલીને આવતો જોઈને કોઈ ગાતું નથી :

ડાકિયા ડાક લાયા

ડાકિયા ડાક લાયા

ખુશી કા પયામ કહીં

કહીં દર્દનાક લાયા

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 01:50 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK