Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > તલનું તેલ બનાવશે ખડતલ

તલનું તેલ બનાવશે ખડતલ

Published : 22 December, 2020 04:36 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

તલનું તેલ બનાવશે ખડતલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. આયુર્વેદના વિદ્વાન ચરકે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ચરકસંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમ જ માલિશ માટે તલના તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે એવું આપણા વડવાઓ કહેતા. ખરેખર, આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત રીતે એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમ જ અનેક રોગોને દૂર ભગાડી શકાય છે. શરીરના દરેક હિસ્સા માટે ઉપયોગી તલના તેલના હેલ્થ-બેનિફિટ્સ વિશે નિષ્ણાતો સાથે વાત કરીએ...


શરીરનો રખેવાળ



ઋષિમુનિઓએ તલના તેલને આપણા શરીરનો રખેવાળ કહ્યો છે. અનેક રોગોમાં રામબાણ ઇલાજ મનાતા તલના તેલનો ઇન્ટર્નલ અને એક્સટર્નલ એમ બન્ને પ્રકારે ઉપયોગ થાય છે. શિયાળાની ઋતુમાં તલનું તેલ ખાવાથી શરીરમાં ગરમાટો આવે છે. તમામ પ્રકારનાં ખાદ્ય તેલોમાં તલનું તેલ ઉત્તમ છે એમ જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિકાંત શર્મા કહે છે, ‘આયુર્વેદમાં વાત-વ્યાધિમાં તલના તેલનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. વાત-વ્યાધિમાં શરીરમાં ૮૦ પ્રકારની બીમારી થઈ શકે છે. તલના તેલમાં બધા રોગોને દૂર કરવાની ક્ષમતા છે. રસોઈમાં તલનું તેલ વાપરવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતની તકલીફ દૂર થાય છે. આપણી ન્યુરોલૉજિકલ સિસ્ટમને સ્ટ્રૉન્ગ બનાવે છે. એમાં એવા કૉમ્પોનન્ટ છે જે શરીરમાં ચરબીને વધવા દેતાં નથી. આહારમાં તલનું તેલ વાપરવાથી ઍસિડિટી, ગૅસ અને પેટને લગતી સમસ્યાઓમાં રાહત થાય છે.’


શરીરમાં લોહની ઊણપ હોય એવા દરદી તલનું તેલ ખાય તો ફાયદો થાય છે. ડૉ. શર્મા કહે છે, ‘તલના તેલમાં પથ્થરને પણ ચીરી નાખવાની તાકાત હોય છે એવું આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે. આ વાત પથરીના રોગ સંદર્ભે કહેવાઈ છે. તલના તેલમાંથી બનાવેલી રસોઈ આરોગવાથી પથરીનો રોગ થવાની શક્યતા નહીંવત્ છે. કિડની અને પિત્તાશયમાં પથરી થઈ હોય એવા દરદી આહારમાં તલના તેલનો ઉપયોગ કરે તો પથરી તૂટીને નીકળી જાય છે. નિયમિતપણે તલનું તેલ ખાતા હોય તેમને ભવિષ્યમાં બ્લડપ્રેશર કે હૃદયને લગતી બીમારીનું જોખમ ઓછું રહે છે. સાંધાના દુખાવાની ફરિયાદમાં તલના તેલનું સેવન અને માલિશ બન્ને કરવાં જોઈએ.’

પૌષ્ટિકતાથી ભરપૂર


તલના તેલમાં પર્યાપ્ત માત્રામાં મળી આવતું વિટામિન-ઈ, ‘બી’ કૉમ્પ્લેક્સ, કૅલ્શિયમ, મૅગ્નેશ્યમ, ફૉસ્ફરસ, ઝિન્ક, સેલેનિયમ, ફાઇબર અને પ્રોટીન શરીરનાં હાડકાંથી લઈને વાળની સુંદરતા માટે ઉપયોગી છે. એમાં રહેલું ડાયટરી પ્રોટીન અને ઍમિનો ઍસિડ મસલ્સને સ્ટ્રૉન્ગ બનાવે છે. બદામની તુલનામાં ૬ ગણું અને દૂધની તુલનામાં ૩ ગણું વધારે કૅલ્શિયમ તલના તેલમાંથી પ્રાપ્ત થાય છે. ૧૦૦ ગ્રામ તલમાં અંદાજે ૧૮ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. કાળાં તલ અને સફેદ તલ બન્નેની ન્યુટ્રિશનલ વૅલ્યુ લગભગ સરખી જ હોય છે એમ જણાવતાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અમૃતા પીપલિયા કહે છે, ‘તલનું તેલ ખાવાના અઢળક આરોગ્યવર્ધક ફાયદા છે. એમાં મોનોઅનસેચ્યુરેટેડ ફૅટ્સનું પ્રમાણ ઊંચું હોવાથી હૃદય સંબંધિત રોગો ધરાવતા દરદીઓ માટે ફાયદાકારક છે. એ તમારા કૉલેસ્ટરોલને વધવા દેતું નથી એથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તલનું તેલ શરીરમાં ગ્લુકોઝના સ્તરને નીચું લાવવામાં સહાય કરે છે. ડાયાબિટિક પેશન્ટના ડાયટમાં તલનું તેલ ઍડ કર્યા બાદ ૧૫ દિવસમાં બ્લડપ્રેશર અને શુગરનું સ્તર નીચું આવ્યું હોવાના અનેક કેસ છે. એમાં મળી આવતું મૅગ્નેશ્યમ કૅન્સર જેવી ગંભીર બીમરીનું જોખમ ઘટાડે છે. ઑસ્ટિયોપોરોસિસ અને આર્થ્રાઇટિસના રોગમાં પણ તલનું તેલ ફાયદો કરે છે. ઠંડીની ઋતુમાં વાઇરલ અને સીઝનલ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. તલનું તેલ બૉડીમાં મેટાબોલિક રેટને નિયંત્રિત રાખે છે તેમ જ ક્રૅવિંગને કન્ટ્રોલ કરે છે. ઓમેગા-૩ અને ફાઇબરને કારણે પેટ ભરેલું રહે છે. વેઇટ-લૉસમાં પણ તલનું તેલ ઉપયોગી છે. ઍન્ટિ એજિંગનો ગુણધર્મ ધરાવતા તલના તેલમાં વધતી ઉંમરને અટકાવવાની તાકાત છે. એનાથી ત્વચામાં નિખાર આવે છે. તલના તેલથી શરીરના દરેક હિસ્સાને લાભ થાય છે.’

ઍક્સટર્નલ યુઝ

બાળકોના શારીરિક વિકાસમાં તલનું તેલ મહત્ત્વનું છે. તલના તેલના એક્સટર્નલ ફાયદા વિશે વાત કરતાં અમૃતા કહે છે, ‘બોર્ન બેબીને તલના તેલથી માલિશ કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે અને બાળકને ઊંઘ સારી આવે છે. અનિદ્રાનો રોગ સતાવતો હોય તો તલના તેલથી માલિશ કરો. સારી ઊંઘ આવશે. ડેન્ટલ કૅર માટે પણ તલનું તેલ બેસ્ટ મેડિસિન છે. સવારે બ્રશ કરતાં પહેલાં એક મિનિટ તલના તેલના તેલથી દાંત પર મસાજ કરવાથી દાંતના રોગ મટે છે અને દાંત ચમકી ઊઠે છે.’

આ તેલ વડે માલિશ કરવાથી લકવા જેવો રોગ પણ દૂર કરી શકાય છે. મુખના રોગોના ઉપચાર માટે આયુર્વેદમાં જણાવવામાં આવેલી ગંડુષ પદ્ધતિમાં તલનું તેલ વાપરવામાં આવે છે એવી માહિતી આપતાં ડૉ. રમાકાંત કહે છે, ‘ગંડુશમાં એક ચમચી તલનું તેલ લઈ મોઢામાં ભરીને રાખવું. આ પ્રક્રિયામાં મોઢાની અંદર કોઈ હલનચલન ન થવી જોઈએ. પાંચ મિનિટ બાદ તેલને થૂંકી નાખવું. મોઢાની અંદરની સિસ્ટમ ઍક્ટિવેટ થતાં દાંત દુખવા, દાંત હલવા, પેઢામાંથી રક્ત વહેવા જેવા મુખના રોગ મટાડે છે. મુખમાંથી દુર્ગંધ આવતી હોય અથવા મોઢામાં ચાંદાં પડી ગયાં હોય તો આંગળી વડે તલનું તેલ ઘસવાથી રાહત થાય છે. તલનું તેલ વાળ માટે વરદાન છે, એમાં મહાનારાયણ, ધન્વંતરિ જેવાં આયુર્વેદિક તેલ ઉમેરી સ્કૅલ્પમાં મસાજ કરવાથી વાળનાં મૂળ મજબૂત થાય છે.’

શું ધ્યાન રાખશો?

આજકાલ લોકો આયુર્વેદનું આંધળું અનુકરણ કરવા માંડ્યા છે. આયુર્વેદ ઔષધિ લેવાના કેટલાક નિયમો છે. તલના તેલના આટલા બધા ફાયદા જાણી ઘણાને થતું હશે કે અન્ય તેલ અને ઘીની જેમ રોજ સવારે એકાદ ચમચી પી લેવામાં શું વાંધો છે? કેટલાક લોકો ડાયટના નામે વાનગીઓમાં ઉપરથી રેડીને અથવા સૅલડના ડ્રેસિંગ માટે વાપરવા માંડશે. ખાવામાં કાચા તલના તેલનો પ્રયોગ ન કરવાની સલાહ છે. કાચું તેલ માત્ર એક્સટર્નલ યુઝ માટે છે. પેટની અંદર ગરમ થયેલું તેલ જ જવું જોઈએ. કાચું તેલ પીવાથી શ્વસનતંત્રને વિપરીત અસર થઈ શકે છે તેમ જ એકસરખી હેડકી આવે એવું બની શકે.

તલના તેલના અઢળક હેલ્થ-બેનિફિટ્સ છે, પરંતુ અમુક રોગના દરદીના શરીરમાં એની આડસઅસર થવાની સંભાવના છે. બ્રેસ્ટ કૅન્સરની સારવાર દરમ્યાન, ઍલર્જીની સમસ્યા હોય તેમ જ અસ્થમા અને ફીટ આવતી હોય એવા દરદીએ ડૉક્ટરની સલાહ વગર તલનું તેલ અવૉઇડ કરવું. આ બીમારીમાં આપવામાં આવતી દવાઓની પ્રૉપર્ટીમાં તલનું તેલ રીઍક્ટ કરી શકે છે.

શુદ્ધતાની ચકાસણી

તલનું તેલ મોંઘું હોવાથી ભેળસેળની શક્યતા હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે બજારમાં મળતા તલના તેલની ચકાસણી કરવી મુશ્કેલ છે. ૧૦૦ ગ્રામ તેલમાં ઝીરો કૅલરી અને ઝીરો ફૅટ્સ હોવું જોઈએ. ભેળસેળથી બચવા કાચી ઘાણીમાં તમારી સામે કાઢવામાં આવેલા તેલ પર ભરોસો મૂકવો જોઈએ. જોકે મુંબઈગરાઓ તૈયાર તેલ જ વાપરતા હોય છે એથી શુદ્ધતાની ચકાસણી માટે અંગૂઠા અને આંગળી વડે તેલને હાથમાં ઘસી જૂઓ. અતિશય ચીકાશ લાગવી જોઈએ. તલના તેલમાં જુદા જ પ્રકારની વાસ આવે છે એને કારણે ઘણા લોકો ખાતા નથી. વાસ આવે તો સમજવું તેલ શુદ્ધ છે. તલના તેલની એક ખાસિયત છે કે એ સ્વાદમાં કટુ છે, પણ રસોઈ બનાવતી વખતે ગરમ થવાથી એનો સ્વાદ બદલાઈ જાય છે અને ખાવામાં મધુર લાગે છે.

વાત-વ્યાધિમાં શરીરમાં ૮૦ પ્રકારની બીમારી થઈ શકે છે. તલના તેલમાં બધા રોગોને દૂર કરવાની ક્ષમતા છે. તલના તેલમાંથી બનાવેલી રસોઈ આરોગવાથી પથરીનો રોગ થવાની શક્યતા નહીંવત્ છે. કિડની અને પિત્તાશયમાં પથરી થઈ હોય એવા દરદી આહારમાં તલના તેલનો ઉપયોગ કરે તો પથરી તૂટીને નીકળી જાય છે. સાંધાના દુખાવાની ફરિયાદમાં તલના તેલનું સેવન અને માલિશ બન્ને કરવાં જોઈએ.

-ડૉ. રવિકાંત શર્મા, આયુર્વેદ-નિષ્ણાત

તલના તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફૅટ્સનું પ્રમાણ ઊંચું હોવાથી હૃદયના રોગ ધરાવતા દરદીઓ માટે ફાયદાકારક છે. એ તમારા કૉલેસ્ટરોલને વધવા દેતું નથી. ઑસ્ટિયોપોરોસિસ અને આર્થ્રાઇટિસના રોગમાં ફાયદો કરે છે. ઠંડીની ઋતુમાં વાઇરલ અને સીઝનલ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. વેઇટ-લૉસમાં પણ તલનું તેલ ઉપયોગી છે. જોકે બ્રેસ્ટ કૅન્સર, અસ્થમા અને ફીટ આવતી હોય એવા દરદીએ અવૉઇડ કરવું.

-અમૃતા પીપલિયા, ન્યુટ્રિશનિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2020 04:36 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK