‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ, સિવિલાઇઝેશન ટુ નેશન’ શોની સૌથી મોટી ખૂબી જો કોઈ હોય તો એ કે એ શોને બધેબધું જ બેસ્ટ મળ્યું.
જો અવ્વલ દરજ્જાનું કામ કરવું હોય તો ટીમ પણ એવી જોઈએ
આપણે છેલ્લાં થોડાં અઠવાડિયાંથી ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’માં જે ગરબો અમે તૈયાર કર્યો હતો એની બૅકસ્ટોરી કરીએ છીએ અને લોકોને એમાં બહુ મજા આવે છે. જેમણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ શો જોયો હતો તેઓ તો આ આખી સિરીઝ સાથે કનેક્ટ પણ બહુ સરસ રીતે થઈ શકે છે, તો ઘણા વાચકો મેઇલ કે મેસેજ કરીને કહે પણ છે કે આંખ સામે દેખાતા સરસ એવા ગરબાની પાછળ કેટલી મહેનત હોય છે એની અમને ખબર પડી રહી છે.
‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ શોની સૌથી મોટી ખૂબી જો કોઈ હોય તો એ કે એ શોને બધેબધું જ બેસ્ટ મળ્યું. આ પ્રકારના શો માટે બેસ્ટ પુરવાર થઈ ચૂકેલા ફિરોઝ અબ્બાસ ખાન જેવા દિગ્ગજ ડિરેક્ટરની બધાને આગેવાની મળી હતી તો ફિરોઝભાઈએ પોતાની ટીમ પણ અવ્વલ દરજ્જાની કહેવાય એ પ્રકારના ટેક્નિશ્યન સાથે બનાવી હતી. મ્યુઝિક માટે તે અજય-અતુલને લાવ્યા તો કૉસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે ઇન્ડસ્ટ્રીનું જે બેસ્ટ નામ કહેવાય એ મનીષ મલ્હોત્રા શો સાથે જોડાયા. શોમાં એક કોરિયોગ્રાફર અમે હતા તો સાથે વૈભવી મર્ચન્ટ અને મયૂરી ઉપાધ્યાય જેવાં સક્ષમ અને લેજન્ડ કોરિયોગ્રાફર પણ હતાં. અગત્યની વાત કહીએ તો ત્રણ કોરિયોગ્રાફરમાંથી એક પણ કોરિયોગ્રાફરના મનમાં એવું નહોતું કે પોતાનું કામ બેસ્ટ બની રહે. દરેક એવું ઇચ્છતું હતું કે આખો શો બેસ્ટ બને અને એને માટે બધા મહેનત કરતા હતા અને એ મહેનત ખરા અર્થમાં તનતોડ હતી.
ADVERTISEMENT
શરૂઆતમાં ૮થી ૧૨ કલાક અને શોનો દિવસ નજીક આવવા માંડ્યો એમ દિવસમાં ૧૬થી ૧૮ કલાક અમારાં રિહર્સલ્સ ચાલતાં. રિહર્સલ્સ દરમ્યાન પણ અનેક ડાન્સરોને લાગ્યું, અનેક પડ્યા તો કોઈના પગ મચકોડાયા અને કોઈની નસ ખેંચાઈ ગઈ, પણ તમે માનશો નહીં, કોઈના મોઢે ચૂં કે ચાં થતું નહીં. દર્દ થતું હોય તો પણ એ દર્દને બરદાસ્ત કરીને રિહર્સલ્સ ચાલુ રાખે. જેનું કોઈ મુખ્ય કારણ હોય તો એ કે દરેક માટે આ શો મહત્ત્વનો હતો. બધા આ શો સાથે જોડાયેલા રહેવા માગતા હતા અને જોડાયેલા રહેવા માટે કોઈ એ દિશામાં વિચારતું સુધ્ધાં નહોતું કે તેમને ઘૂંટણમાં કે પેનીના ભાગમાં હજી હમણાં જ વાગ્યું છે. આ જે માનસિકતા હતી એ માનસિકતાએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ને એક નવા લેવલ પર લઈ જવાનું કામ કર્યું.
લાઇટ ડિઝાઇન ડોનલ્ડ હોલ્ડરનાં હતાં, જે એ સ્તરે અદ્ભુત હતાં કે જોનારાની આંખ અડધી સેકન્ડ માટે પણ સ્ટેજથી બીજી દિશામાં જાય નહીં. સાઉન્ડ ડિઝાઇનની જવાબદારી ગેરથ ઓવેનની હતી, પ્રોજેક્શન ડિઝાઇન જૉન નારુનની અને સિનિક ડિઝાઇન નીલ પટેલની હતી. આ બધાં એવાં ઇન્ટરનૅશનલ નામ છે કે તમે એક વખત ગૂગલ કરશો તો ખબર પડશે કે અગાઉ આ સૌ મહાનુભાવો કેવું એક્સ્ટ્રા-ઑર્ડિનરી કામ આપી ચૂક્યા છે. શો સાથે ૩પ૦થી પણ વધારે આર્ટિસ્ટ જોડાયેલા હતા, જેમાં લાઇવ ઑર્કેસ્ટ્રાના પંચાવનથી વધારે એવા મ્યુઝિશ્યનનો સમાવેશ થાય.
આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે શોને એ લેવલ પર લઈ જવાની ખ્વાહિશ તમારા મનમાં હોય. ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’થી જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઓપન થવાનું હતું એ વાતનું પણ ટેન્શન સૌકોઈના મનમાં હતું, પણ હું એક વાત કહીશ કે ગ્રૅન્ડ રિહર્સલ્સમાં શો જ્યારે નીતાબહેન અને મુકેશભાઈએ જોયો ત્યારે તેમના ચહેરા પર સંતોષની ફીલિંગ્સ ક્લિયરલી અમે જોઈ શકતાં હતાં. તેમણે જે વિશ્વાસ અમારા ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન પર મૂક્યો હતો એ વિશ્વાસ ફિરોઝભાઈએ સાર્થક કર્યો હતો.
બહુ ઓછા લોકોને એક વાતની ખબર હશે. નીતાબહેન પણ નરસી મોનજીનાં સ્ટુડન્ટ રહી ચૂક્યાં છે અને તેઓ બહુ સરસ ક્લાસિકલ ડાન્સર છે. ભણતાં હતાં ત્યારે તેઓ એન. એમ. કૉલેજના ફોક ડાન્સ ગ્રુપનાં મેમ્બર પણ રહી ચૂક્યાં છે. આજે પણ ડાન્સ પ્રત્યેનો તેમનો લગાવ એટલો જ સ્ટ્રૉન્ગ છે જેટલો તેમનો કૉલેજ સમયે હતો.

