Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારી પાસે ઑપ્શન છે યોગાભ્યાસમાં, પણ તમે તમારી પર્સનાલિટી પ્રમાણે આગળ વધો

તમારી પાસે ઑપ્શન છે યોગાભ્યાસમાં, પણ તમે તમારી પર્સનાલિટી પ્રમાણે આગળ વધો

21 December, 2022 04:27 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

દરેકની જુદી-જુદી જરૂરિયાત પ્રમાણે યોગ શિક્ષકોએ અભ્યાસમાં વેરિએશન ઉમેર્યાં અને આજે એ જુદી સ્વતંત્ર સ્કૂલ તરીકે જાણીતા બન્યા છે. એમાંથી કેટલાક ખાસ યોગના પ્રકાર વિશે જાણી લો આજે

ઍક્રોયોગ

રોજેરોજ યોગ

ઍક્રોયોગ


કોઈકનું વ્યક્તિત્વ સ્લો પ્રૅક્ટિસમાં વધુ ખીલતું હોય તો કોઈકને ઝડપથી થતા અભ્યાસોમાં જલસો પડે. દરેકની જુદી-જુદી જરૂરિયાત પ્રમાણે યોગ શિક્ષકોએ અભ્યાસમાં વેરિએશન ઉમેર્યાં અને આજે એ જુદી સ્વતંત્ર સ્કૂલ તરીકે જાણીતા બન્યા છે. એમાંથી કેટલાક ખાસ યોગના પ્રકાર વિશે જાણી લો આજે

ઓવરઑલ કહેવું હોય તો કહી શકાય કે યોગની વ્યાખ્યા ખૂબ જ વિશાળ છે. આપણા સુધી યોગને પહોંચાડનારા આદિયોગી મહાદેવજીએ પોતાનાં પ્રથમ શિષ્યા પાર્વતીજીને યોગવિદ્યાથી માહિતગાર કર્યાં. લાખો વર્ષો પછી પહેલી વાર યોગસૂત્રના માધ્યમે પદ્ધતિસર યોગની સમજ આપનારા મહાન ઋષિ પતંજલિએ યોગને માત્ર શરીર કે શ્વાસની એક્સરસાઇઝ રૂપે નહોતા જોયા. તેમની દૃષ્ટિએ યોગ આધ્યાત્મિક દિશામાં આગળ વધવાની યાત્રા છે, જેનું અંતિમ ધ્યેય વૃત્તિઓનો નિરોધ કરીને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવાનો છે. તેમણે યોગ દ્વારા ‘તદા દૃષ્ટુ સ્વરૂપેઅવસ્થાનમ્’ એટલે કે પોતાના મૂળ સ્વરૂપને સમજીને એમાં સ્થિર થવાની સમજ આપી, જેને આપણે રાજયોગ કહીએ છીએ. જોકે અત્યારે યોગને આસન, પ્રાણાયામ અને એનાથી આગળ વધીને મેડિટેશન સ્તર પર જોવામાં આવે છે. કેટલાકે એને હાર્ડકોર ફિઝિકલ ઍક્ટિવિટી બનાવીને માત્ર સ્વાસ્થ્યકેન્દ્રી બનાવી દીધું છે. એમાંય કશું ખોટું નથી. કોઈ પણ રીતે તમે યોગ કરો, પણ શરૂ કરો એ મહત્ત્વનું છે. બદલાવ સહજ પણ છે. આફ્ટરઑલ પરિવર્તન સંસારનો નિયમ છે અને માનવ સ્વભાવ મુજબ તેને સતત કંઈક નવું જોઈએ. યોગાસનો અને પ્રાણાયામના ક્ષેત્રમાં પણ આ સમથિંગ ન્યુનો પવન ફુંકાયો છે. એકનાં એક મૉનોટોનસ આસનો અને પ્રાણાયામને બદલે વેરિએશન સાથેના યોગની દુનિયામાં સતત કંઈક નવું ઉમેરાઈ રહ્યું છે. એમાં પણ ઘણા લોકોને ફાયદો થયો છે. આજે હઠયોગમાં આવતાં આપણાં પરંપરાગત આસનોમાં ફેરફાર કરીને યોગનો વ્યાસ હવે ખૂબ વધુ મોટો થઈ રહ્યો છે. થોડાક ફેરફારો કરીને લોકો એને એક નવા યોગ ફૉર્મ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે. મોટા ભાગના યોગના પ્રકારોમાં મૂળ ફોકસ ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ છે. આજે યોગનાં વિવિધ ફૉર્મ વિશે ચર્ચા કરીએ. 



આ પણ વાંચો : તમારી એનર્જી વિશે તમે કેટલું જાણો છો?


અષ્ટાંગ યોગ અને વિનયાસા યોગ 


આમ તો આ બન્ને અલગ પ્રકારો છે, પણ બન્નેની રીત ઑલમોસ્ટ સરખી હોવાથી આપણે એને એકસાથે જ ડિસ્કસ કરી રહ્યા છીએ. ફાધર ઑફ મૉડર્ન યોગ ગણાતા પતંજલિ ઋષિએ પણ પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગ યોગની વાત કરીને યોગનાં આઠ અંગ દર્શાવ્યાં છે. જોકે આજકાલ યોગ સ્ટુડિયોમાં પૉપ્યુલર થઈ રહેલા અષ્ટાંગ યોગ જુદા છે. એમાં તેઓ શરીરનાં આઠ અંગોને વિવિધ પોઝમાં એન્ગેજ રાખવાની વાત કરે છે. વિનયાસા અને અષ્ટાંગ યોગની એક ખાસિયત છે કે આ બન્ને યોગમાં બ્રેક નામની કોઈ વસ્તુ જ નથી હોતી. એક પછી એક જુદા-જુદા આસનમાં આવતા રહેવાનું સતત નેવું મિનિટ સુધી. ક્લાસિકલ યોગમાં કેવી રીતે એક આસનમાંથી બીજા આસનમાં જતાં પહેલાં રેસ્ટ કરવાનો, શવાસન કરવાનું હોય છે; અહીં એવો કોઈ કન્સેપ્ટ નથી. રેસ્ટને બદલે બીજા આસનની ઝડપમાં ફેરફાર થઈ જાય, પરંતુ અટકવાનું નહીં. આજકાલ વેઇટલૉસ માટે લોકો આ પ્રકારને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે. પાવર યોગ કે ઍરોબિક્સને બદલે હવે અષ્ટાંગ યોગ અને વિનયાસા યોગ લોકોને વધુ ગમે છે. આફ્ટર ઑલ, યોગની અત્યારે ફૅશન પણ છે.

ઍક્રોયોગ

મલખમ જેવા, પણ કન્સેપ્ટની દૃષ્ટિએ જુદા આ યોગનો પ્રકાર આજકાલ મુંબઈમાં પૉપ્યુલરિટી મેળવી રહ્યો છે. બે કે એથી વધુ લોકો ભેગા થઈને એકબીજાના શરીરના માધ્યમે સંતુલન રાખીને અમુક પૉશ્ચરમાં રહે એ એની ખાસિયત છે. લોકો માટે આ યોગ ઓછો અને સ્ટન્ટ વધુ છે. જોકે લૉન્ગ ટર્મમાં એનાથી શરીરને લાભ તો છે જ. આમાં સિમ્પલ નિયમ છે કે જો પથ્થર પર એક બાલદી પાણી એકસાથે નાખી દેશો તો એ પથ્થર ભીનો થઈ જશે, પણ જો થોડું-થોડું કરીને રોજ એમાં પાણી નાખશો તો પથ્થર લીસો તો થશે જ પણ એમાં કાણું પણ પડી શકે છે. શરીરની સ્ટ્રેંગ્થ, ફ્લેક્સિબિલિટી, બૅલૅન્સ વધારવામાં અદ્ભુત કામ કરી શકે છે.

આ પણ વાંચો : આ એક આસન કરશો તો શરીરના પ્રત્યેક અવયવો તમને થૅન્ક યુ કહેશે

હૉટ યોગ  

બિક્રમ ચૌધરી નામના કલકત્તામાં જન્મેલા યુવાને ૧૯૭૪માં કૅલિફૉર્નિયામાં પોતાની સ્ટાઇલમાં યોગ શીખવવાનું શરૂ કર્યું. તેની મેથડ મુજબ ૩૫થી ૪૨ ડિગ્રી ટેમ્પરેચર પર રૂમને ગરમ કરવામાં આવે અને ૪૦ ટકા ભેજનું પ્રમાણ રાખવામાં આવે અને પછી ૯૦ મિનિટ સુધી ૨૬ સ્ટાન્ડર્ડ પૉશ્ચર કરવાના અને બે પ્રાણાયામ કરાવવામાં આવે. આ બિક્રમ યોગ ભારત કરતાં વિદેશમાં ખૂબ પૉપ્યુલર થયા છે. હવે એની સાથે મેળ ખાતા હૉટ યોગ શરૂ થયા છે. રૂમને ૩૮થી ૪૨ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે રાખીને ૭૫ મિનિટ સુધી એક્સરસાઇઝ કરવાની. અમારાં ૨૮ આસન છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે એમાં ઇન્જરીના ચાન્સ ઘટી જાય છે. બાફ લેવાથી જે ફાયદા થાય એવા ફાયદા આ ટેમ્પરેચર વચ્ચે યોગ કરવાથી થાય છે. પસીના વાટે બૉડીનાં તમામ ટૉક્સિન્સ નીકળી જાય છે. લંગ્સની કૅપેસિટી વધે છે. ઓવરઑલ જેમને પસીનો પાડવો ગમતો હોય એવા લોકો માટે આ યોગ બેસ્ટ ઑપ્શન છે.

યિન યોગ 

યિન અને યાન્ગ ચાઇનીઝ શબ્દ છે. દરેક વસ્તુને તેમણે યિન અથવા યાન્ગમાં વિભાજિત કરી છે. યિન એટલે સિમિલર અને યાન્ગ એટલે વરાઇટી. આ સિમ્પલ ડેફિનિશન મુજબ યિન યોગમાં પ્રત્યેક આસન પર લાંબા સમય સુધી સ્થિર રહેવાનું હોય છે. ૪૫ સેકન્ડથી બે મિનિટ સુધી એક જ પોઝમાં સ્થિર રહેવાથી શરીર આપમેળે ધ્યાન અવસ્થામાં પહોંચી જાય છે. આ પ્રકારમાં આસનો પણ મોટા ભાગે સરળ, સ્ટ્રેચિંગ આપતાં અને ઓછી તકલીફ આપનારાં હોય છે. યિન યોગની જેમ યાંગ યોગ પણ હોય છે, જે એનાથી તદ્દન ઊલટું મસલ્સ ટ્રેઇનિંગ માટે હોય છે. શરીર અને માઇન્ડને બૅલૅન્સ કરવા માટે ઝેન સંપ્રદાય દ્વારા એની શોધ કરવામાં આવી હતી, જેને તાઓઇસ્ટ યોગ પણ કહે છે. સ્ટ્રેચિંગ અને પીસ ઑફ માઇન્ડ માટે બેસ્ટ પ્રૅક્ટિસ છે.

આ પણ વાંચો : મસ્તમજાની ગુલાબી ઠંડી અને સાથે યોગના આવા અભ્યાસો હોય, પછી બીજું જોઈએ શું?

કુંડલિની યોગ

ભારતીય પરંપરા મુજબ સાત ચક્ર શરીરમાં છે, જે એનર્જી સેન્ટર ગણાય છે. એમાં સૌથી નીચેનું ચક્ર મૂલાધાર ચક્ર ઍક્ટિવ કરવાથી કુંડલિની જાગ્રત થાય એવું કહેવાય છે. આ જ ફિલોસૉફીના આધારે કુંડલિની યોગમાં રિગરસ બ્રીધિંગ એટલે કે ઝડપ સાથે પેટના તમામ સ્નાયુઓનો ઉપયોગ કરીને શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા કરાવવામાં આવે છે. શરીરને અંદરથી ક્લીન કરવાની પ્રોસેસ એમાં થાય છે. શ્વાસ અંદર ભરીને પછી એને સંપૂર્ણ બહાર કાઢવાની અલગ-અલગ પદ્ધતિ શીખવવામાં આવે છે. ફેફસાં આખાં ખાલીખમ કરવાની પ્રોસેસમાં ખૂબ એનર્જી લાગે છે. બૉડીનું આંતરિક ક્લીનિંગ કરવા માગતા અને સ્પિરિચ્યુઅલી આગળ વધવા માગતા લોકો કુંડલિની યોગ પ્રિફર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 04:27 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK