Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્રેઇન સ્ટ્રોકને કારણે જેમને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી એ કાકા અત્યારે દિવસના બાર કલાક ખડેપગે કામ કરે છે

બ્રેઇન સ્ટ્રોકને કારણે જેમને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી એ કાકા અત્યારે દિવસના બાર કલાક ખડેપગે કામ કરે છે

29 March, 2023 05:50 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

૮૩ વર્ષના અશોક શાહ લોકોની તકલીફો નિવારવાના કામમાં આગળ વધ્યા ત્યારથી તેમની બધી જ તકલીફો જાણે ઈશ્વરે દૂર કરી દીધી. સમાજ કલ્યાણનાં અઢળક કામોમાં રાત-દિવસ જોયા વિના મંડી પડેલા આ વડીલની ડિક્શનરીમાં ‘થાક ’ એ શબ્દ જ નથી

અશોક શાહ

વાહ વડીલ

અશોક શાહ


‘અંકલ તમને કેટલાં, ૭૦ થયાં?’ આવો સવાલ ૮૩ વર્ષના અશોક રતિલાલ શાહ સામે ઘણી વાર આવે અને દરેક વખતે તેઓ હસતાં-હસતાં હામી ભરીને જવાબ આપી દે. તેમને જોઈને તમે તેમને ૭૦ના ગણી શકો પણ જે લેવલની સક્રિયતા સાથે તેઓ કામ કરે છે એ જોતાં તમને તેઓ ૩૫-૪૦ વર્ષના યુવાન જેવા જ લાગશે. દરરોજ સવારે પોણાસાતના ટકોરે નાયર હૉસ્પિટલ પહોંચી જવાનું અને ત્યાં દાખલ થયેલા દરદીઓના લગભગ અઢીસો જેટલા પરિજનોને નાસ્તો કરાવવાનો. તાતા, જી. ટી., કેઈએમ, વાડિયા જેવી ઘણી સરકારી હૉસ્પિટલોમાં દાખલ દરદીઓને આર્થિક મદદ કરવાની, દવા, ભોજન, વસ્ત્રો, ધાબળા જેવી બાબતમાં નિયમિત મદદ પહોંચાડવાની અને એ માટે ફન્ડ તેમને પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને તેમની નિષ્ઠા અને ટ્રાન્સપરન્સી પણ એવાં જ છે કે ભવિષ્યમાં પણ એ બાબતમાં તકલીફ પડવાની નથી. લોકોના ચહેરા પર શાતા આવે અને મારા શ્વાસ વધે છે એવું દૃઢતા સાથે માનતા આ કાકાની ચપળતા અને સમાજસેવાની પાછળ રહસ્ય શું છે એ જાણીએ. 

શિસ્તબદ્ધ જીવન



દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠવાનું. ઊઠીને કસરત કરવાની. તૈયાર થઈને નાયર હૉસ્પિટલ જવાનું, પાછા આવીને નવકારશી કરવાની. રૂટીનમાં એકદમ નિયમિત અને ખાવાપીવાની બાબતમાં સાદો આહાર લેવાનું પસંદ કરતા અશોકભાઈ કહે છે, ‘સાદગીમાં સુખ છે એ નિયમ નાનપણથી પાળું છું. દરરોજની ત્રણ રોટલી, શાક, દાળ અને ભાત આ ખાવાનું ફિક્સ છે. સાંજે મોટા ભાગે સાદો ખોરાક જ હોય, ક્યારેક તો માત્ર દૂધ અને ખાખરા જ હોય. વચ્ચે કંઈ ચટકાળી આઇટમો ખાતા રહેવાની ટેવ નથી. મારી દવાની એજન્સી હતી. મને યાદ છે કે ૧૯૯૩માં બૉમ્બબ્લાસ્ટ પછી વિવિધ હૉસ્પિટલોમાં ઘાયલ લોકોને ભોજન, દવા અને કપડાંનું વિતરણ કરવા માટે હું જતો. એ સમયે જ લોકોની પીડાનો પ્રત્યક્ષ અનુભવ થયો.’


ટર્નિંગ પૉઇન્ટ

સમાજ માટે ઉપરછલ્લું કામ કરવું અને સમાજકાર્યમાં જાતને સમર્પિત જ કરી દેવી એ બન્ને જુદી બાબત છે. આ પરિવર્તન કેવી રીતે થયું એ પ્રસંગ વર્ણવતાં અશોકભાઈ કહે છે, ‘૨૦૦૭માં મને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. ડૉક્ટરોએ મારી હાલત જોતાં એકલા ક્યાંય બહાર જવું નહીં એવું કહી દીધેલું. હું હતાશ થઈ ગયો. 


જીવનની નાશવંતતા સમજાઈ ગઈ. એ સમયે અમારે ત્યાં આચાર્ય શ્રી નંદીઘોષસૂરિ મહારાજનો ચાતુર્માસ થયો. તેમને આચાર્યની પદવી મળવાની હતી. આચાર્યના ૩૬ ગુણો હોય એટલે તેમની પ્રેરણા મળી અને મેં સંકલ્પ કર્યો કે હું ૩૬,૦૦૦ જીવોને કતલખાનેથી બચાવીશ. કામકાજમાંથી નિવૃત્ત થઈને સંપૂર્ણ જીવન સામાજિક કાર્ય માટે સમર્પિત કરી દીધું. ત્યારથી કામ અટક્યું નથી. જે પણ સાધુ મહાત્માને મેડિકલ ટ્રીટમેન્ટ, ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ કે અન્ય કોઈ પણ કાર્યમાં જરૂર પડે તો હું પહોંચી જતો હોઉં છું.’

આ પણ વાંચો: આવતા જનમમાં જૈન સાધુ બનવા મળે તો બસ

સુખ આપો

અશોકભાઈ દરરોજનાં ત્રણ સામાયિક (જૈનોની એક જ જગ્યાએ સ્થિરતા સાથે બેસીને ભગવાનનું નામ લેવાની ક્રિયા) કરે છે. દર વર્ષે પાંચેક હજાર ધાબળાનું વિતરણ તેઓ કરે છે. છેલ્લાં પંદર વર્ષમાં તેઓ ૬૦ હજાર જેટલા જીવોને તેઓ કતલખાને જતાં બચાવી ચૂક્યા છે. 

જીવદયાથી જ મારું સ્વાસ્થ્ય સુધર્યું અને હવે કલાકો કામ કર્યા પછી પણ થાક કેમ નથી લાગતો એમ જણાવીને તેઓ કહે છે, ‘મને એનર્જી મારા કામમાંથી જ મળે છે. હું એકસરખા ત્રણ કલાક ઊભો રહ્યો હોઉં અને પછી જો ક્યાંક દોડીને જવાનું હોય તો હું પહોંચી શકું છું. કુદરતનો નિયમ છે કે જે ભાવ રાખીએ અને જે આપીએ આ પાછું જ આવે. શાતા આપીએ તો શાતા મળે. અત્યારે દેવ-ગુરુની કૃપાથી હું આ કાર્યો કરી રહ્યો છું. ઘણા દયાળુ અને સેવાભાવી કાર્યકર્તાઓ અને સમાજસેવકો મળીને પણ કાર્ય કરીએ છીએ. હું તો દરેકને કહીશ કે કામ કરતા રહો. કામ કરવાનો નહીં પણ કંઈ જ નહીં કરવાનો થાક વધુ લાગતો હોય છે. સતત સક્રિય રહેશો અને કોઈકને ઉપયોગી થતા રહેશો તો જે આત્મસંતોષ થશે એને દુનિયામાં કરોડો રૂપિયા આપીને પણ ખરીદી ન શકાય.’

 મને એનર્જી મારા કામમાંથી જ મળે છે. હું એકસરખા ત્રણ કલાક ઊભો રહ્યો હોઉં અને પછી જો ક્યાંક દોડીને જવાનું હોય તો હું પહોંચી શકું છું. કુદરતનો નિયમ છે કે જે ભાવ રાખીએ અને જે આપીએ આ પાછું જ આવે. શાતા આપીએ તો શાતા મળે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 05:50 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK