૨૦૨૪માં સફળતા તમારો પડછાયો બને એવું ઇચ્છતા હો તો ડાયરી લખવાની એક શ્રેષ્ઠ આદત કેળવો, પરંતુ એ હોવી જોઈએ બહુ પદ્ધતિસર અને વૈજ્ઞાનિક. આજે વર્ષના પહેલા દિવસે જાણીતા મોટિવેશનલ સ્પીકર, ઑન્ટ્રપ્રનર અને બિઝનેસ-કોચ સંતોષ નાયર શૅર કરે છે દિવસની પૂર્ણાહુતિ
પ્રતીકાત્મક તસવીર
ડાયરી લખવાનો પ્રયોગ તમારામાંથી ઘણાએ ક્યારેક ને ક્યારેક કર્યો હશે અને પછી એ અધવચ્ચે છોડી પણ દીધો હશે. ક્યારેક એમાં એવી નકારાત્મકતા આવી હશે કે તમે લખેલાં પાનાં તમે જ ફાડી નાખ્યાં હશે. નવા વર્ષે નવી શરૂઆતના ભાગરૂપે ઘણા લોકો રોજનીશી લખતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ દાયકાથી લોકોને પોતાની વાણીથી, સ્ટ્રૅટેજીથી, સફળતાના પદ્ધતિસર ફન્ડાથી પ્રભાવિત કરનારા ઇન્ટરનૅશનલ સ્તરે સક્રિય બિઝનેસ-કોચ તથા સફળ બિઝનેસમૅન સંતોષ નાયર પાસેથી એ ફન્ડા જાણવા જેવા છે. તમારી રોજનીશી કઈ રીતે લખાવી જોઈએ, જે તમારા જીવનમાં સફળતા લઈને આવે. સંતોષ નાયર કહે છે, ‘છેલ્લાં ૩૯ વર્ષથી દરરોજ રાતે કેટલાક મહત્ત્વના મુદ્દા લખવાની ટેવ મેં પાડી છે. ચાર પ્રકારની કન્ટેન્ટ હું રાતે સૂતાં પહેલાં લખું છું. કામ પતાવીને હું રાતે બે વાગ્યે ઘરે આવ્યો હોઉં તો પણ બેથી ચાર પહેલાં આ લખાણ પૂરુ કરું એ પછી જ ઊંઘવાનું. આ નિત્યક્રમ મારા વિચારોમાં સ્પષ્ટતા લાવ્યો, મારા ગોલ્સને લઈને હું વધુ સ્પષ્ટ થયો, મેં શું કર્યું એ સારું હતું, કેટલું સારું હતું, વધુ સારું બનાવવા શું કરવું, શું ભૂલો કરી, ભૂલ કેમ થઈ, કોઈક સમસ્યા કેમ ઊભી થઈ જેવા સેંકડો પ્રશ્નોના જવાબ સાથે દરરોજ સૂવાની આદત કેળવાય ત્યારે માનજો કે જીવનમાં તમને આગળ વધવાના રસ્તા સાથે સૉલ્યુશન જ દેખાડશે; કારણ કે લખાણ દ્વારા, ચિંતન સાથે કરેલા લખાણ દ્વારા તમે એ આવડત કેળવી છે. મારી એ જર્ની પછી ટ્રેઇનિંગ પ્રોગ્રામના માધ્યમથી લોકો સાથે શૅર કરી અને હવે તો એનાં પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં છે, જેમાં તમારી ડાયરીમાં શું લખવું એનાં બૉક્સ બનાવીને દરરોજ એ બૉક્સ ભરવાનાં અને જાતને ટટોળવાની, જગાડવાની અને સાચી દિશામાં વાળવાની.’
હવે સંતોષ નાયર પાસેથી તેમણે ડિઝાઇન કરેલી વિક્ટરી બુકના આધારે દિવસ પૂરો કરતી વખતે કઈ વસ્તુઓને કાગળ પર દરરોજ લેખિતમાં મૂકવી જોઈએ એની મજેદાર અને જીવનમાં ઉતારવાલાયક બાબતો તેમના પોતાના જ શબ્દોમાં...
ADVERTISEMENT
My Daily
Result Maximiser
હું માનું છું કે માણસ કોઈક કામમાં સમય કેટલો આપે છે કે મહેનત કેટલી કરે છે એ મહત્ત્વનું નથી, પણ પરિણામ શું લાવે છે એ મહત્ત્વનું છે. સફળતાની કેડી પર તમારા પરિણામથી અને માત્ર પરિણામથી જ ફરક પડે છે. ટાઇમ ઍન્ડ એફર્ટ ઇકૉનૉમી અને રિઝલ્ટ ઇકૉનૉમી. બોલો, આ બેમાંથી વળતર શેમાંથી મળશે? સ્વાભાવિક રીતે પરિણામથી. લાઉડેસ્ટ વે ટુ વર્લ્ડ શટઅપ ઇઝ ટુ પ્રોડ્યુસ રિઝલ્ટ. તમે પરિણામ આપીને દુનિયાની બોલતી બંધ કરી શકો છો. આ જ ફન્ડાને ફૉલો કરીને મેં પહેલું પુસ્તક બનાવ્યું છે ‘માય ડેઇલી રિઝલ્ટ મૅક્સિમાઇઝર’ એટલે કે રોજેરોજનાં મારા થકી થયેલાં કામોનું પરિણામ વધુ સ્ટ્રૉન્ગ બનતું જાય. ડૉક્ટરે ૧૫ કલાક સર્જરી કરી અને પાણી પીવાનો બ્રેક પણ ન લીધો, છતાં પેશન્ટ ન બચ્યો તો તમે એ બાબતને કઈ રીતે જોશો? દુનિયાને રિઝલ્ટથી જ મતલબ છે. જોકે ૮૦ ટકા લોકો ટાઇમ ઍન્ડ એફર્ટ ઇકૉનૉમી મુજબ જીવતા હોય છે અને પછીયે ડિમાન્ડ રિઝલ્ટ ઇકૉનૉમી જેવી કરતા હોય છે. મેં તો મારી રીતે ખૂબ સમય આપીને કામ કર્યું, પણ પરિણામ નહીં આવ્યું તો શું કરું? મારી મહેનતના પૈસા તો મને મળવા જ જોઈએ. મારું ઇન્ક્રીમેન્ટ તો થવું જ જોઈએ. તમે જોજો, આ પ્રકારના લોકો ગ્રોથ નહીં કરી શકે.
ગ્રોથ એ લોકો કરશે જે રિઝલ્ટની દિશામાં આગળ વધશે. એ લોકો પરિણામ મેળવવા માટે નવા પ્રયોગ કરશે, જોખમ લેશે, બીજા કરતાં વધુ કષ્ટ લઈને પણ પરિણામ માટે આગળ વધશે. તેમની પાસે ક્યારેય આર્ગ્યુમેન્ટ કે પરિણામ કેમ ન આવ્યું એનું જસ્ટિફિકેશન નહીં હોય. દિવસ પૂરો થાય એટલે સૌથી પહેલાં હું આ પુસ્તક હાથમાં લઉં. ‘રિઝલ્ટ મૅક્સિમાઇઝર.’ એને એક ચાર્ટ જેવું બનાવીને મેં એમાં પ્રશ્ન મૂક્યા છે અને એના જવાબ પણ આપ્યા છે. એમાં બે બૉક્સ છે અને બન્નેમાં તમારે ચિંતન કરીને વિચારવાનું છે અને આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલા બૉક્સનો ટૉપિક છે - ૧. આજે કયું મોટું પરિણામ મને મારા કામમાંથી મળ્યું? ૨. શું કામ મને મળેલું આ પરિણામ મહત્ત્વનું છે? ૩. મને મળેલા આ મહત્ત્વના પરિણામ માટે હવે આગળનું પગલુ શું હોવું જોઈએ? અને છેલ્લો પ્રશ્ન ૪. પરિણામના લક્ષ્યમાં પહેલું પગલું શું લઈશ અને છેલ્લું કયું પગલું ભરીશ?
આ જ સેગમેન્ટમાં બીજા બૉક્સમાં બીજી એક્સરસાઇઝ છે જેમાં પણ કેટલાક પ્રશ્નો છે, જેના જવાબ જ્યારે તમે લેખિતમાં આપો તો તમે તમારા કામમાં વધુ સ્પષ્ટ થઈ શકો. એનું ટાઇટલ છે, ‘જે રિઝલ્ટ મેં પ્રોડ્યુસ કર્યું છે એમાંથી હું શું શીખ્યો?’ હવે એના પેટા-પ્રશ્નો છે,
૧. આજના અનુભવ પછી આવતી કાલે કઈ બાબતમાં પરિણામ લાવવાનું હું ઇચ્છું છું?
૨. રિઝલ્ટ આવે એ પહેલાં મારે શું-શું કરવું પડશે?
૩. એ કાર્ય કરતી વખતે હું શું શીખ્યો?
૪. રિઝલ્ટ માટે અત્યારની પરિસ્થિતિને બહેતર બનાવવા માટે હું શું કરી શકું?
૫. આ આખી પ્રોસેસ દરમ્યાન જીવન માટે મહત્ત્વપૂર્ણ કહેવાય એવું હું શું શીખ્યો?
મારા અનુભવ પરથી કહું છું કે આ બન્ને એક્સરસાઇઝના જવાબ જ્યારે ચોકઠામાં ભરશો ત્યારે તમે ઉપર ઊઠવાના શરૂ થઈ જશો. જેઓ રિઝલ્ટ આપવા માગે છે, પણ રીઝન નથી આપી શકતા. તમારે કામ કરવું જ પડશે અને પરિણામ લાવવું જ પડશે એ માટે મગજ શાર્પ થઈ જશે. પરિણામ લાવવા માટે મેં CDSIEનો ફન્ડા આપ્યો, જેમાં ‘સી’ એટલે કૉન્ફિડન્સ, ‘ડી’ એટલે ડાયરેક્ટેડ, ‘એસ’ એટલે સેલ્ફ-મોટિવેટેડ, ‘આઇ’ એટલે ઇન્ટેલિજન્ટ અને ‘ઈ’ એટલે એફર્ટ્સ. જીવનનું કોઈ પણ કામ કરતા હો ત્યારે આ પાંચ ક્વૉલિટી એમાં હશે ત્યારે જ તમને રિઝલ્ટ-ઓરિયેન્ટેડ સફળતા મળશે. આત્મવિશ્વાસ સાથે પ્રૉપર ડાયરેક્શનમાં કોઈના મોહતાજ થયા વિના બુદ્ધિપૂર્વક પ્રયાસ કરશો તો જીવનમાં સફળતા મળશે અને તો એ ટકશે. રિઝલ્ટ માટે જાતને આ પ્રશ્ન પૂછો.
Result Multiplier Pareto Book
તમે પણ કદાચ પરેટો પ્રિન્સિપલ સ્કૂલમાં શીખ્યા હશો, જેમાં આ નામના એક વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે ૨૦ ટકા પ્રયાસથી ૮૦ ટકા પરિણામ મળે અને ૮૦ ટકા પ્રયાસથી ૨૦ ટકા પરિણામ મળે. આ નિયમ લગભગ દરેક જગ્યાએ લાગુ પડે. ઘરમાં, કંપનીમાં, ફૅક્ટરીમાં, કૉર્પોરેટમાં. ૨૦ ટકા લોકો ૮૦ ટકા કામ કરે અને ૮૦ ટકા લોકો મળીને ૨૦ ટકા કામ કરે. સારા બિઝનેસમૅન તરીકે અથવા તો સફળ થવા માગતી વ્યક્તિ તરીકે તમારે આ ફન્ડાને તમારા રૂટીનમાં ફૉલો કરવો જરૂરી છે. આ ડાયરીમાં ત્રણ બાબતો પર ફોકસ કરવાનું; ઍક્ટિવિટી, પીપલ
અને રિસોર્સિસ. સૌથી પહેલાં ઍક્ટિવિટીમાં જાતને ચાર સવાલ પૂછવાના, જે અનુક્રમે જાણીએ...
૧. એવી કઈ પ્રવૃત્તિ છે જે મારા જીવનનો ૮૦ ટકા સમય લે છે, પણ ૨૦ ટકા જ પરિણામ આપે છે?
૨. હું એ પ્રવૃત્તિ શું કામ હજીયે કર્યે રાખું છું?
૩. ફરીથી એ પ્રવૃત્તિ કરવાની રીતમાં મારે શું બદલાવ લાવવો, જેથી વધુ બહેતર પરિણામ આવે?
૪. એ બદલાવ હું ક્યાં સુધી લાવીશ?
આવા સવાલો તમારે માટે કામ કરતી ટીમના લોકો માટે અને તમારી પાસે રહેલી સાધનસામગ્રી માટે પણ પૂછીને એમાં સ્પષ્ટતા લાવતા જવાનું આ એક્સરસાઇઝથી બહુ સરળ થઈ જશે.
5 Why Book
કોઈ પણ પ્રૉબ્લેમ લો અને એ પ્રૉબ્લેમ શું કામ ઉદ્ભવ્યો એના જવાબમાંથી સવાલ કાઢીને એમાં ઊંડા ઊતરો તો તમે મૂળ સમસ્યા સુધી આસાનીથી પહોંચી શકો છો. ધારો કે તમારો પ્રૉબ્લેમ છે કે ધંધામાં નુકસાન ગયું. સવાલ ઃ શું કામ નુકસાન ગયું, કારણ? કારણ કે માર્કેટ પડી ગયું. સવાલ ઃ માર્કેટ કેમ પડ્યું? કારણ કે માર્કેટ વૉલેટાઇલ જ હોય. સવાલ ઃ એની મને ખબર હતી છતાં મેં જોખમ કેમ લીધું? જવાબ ઃ કારણ કે નફો થાય એવી ટિપ મળેલી એટલે લાલચ આવી ગઈ. મૂળ પ્રૉબ્લેમ એ હતો કે લાલચમાં વગરવિચાર્યે પૈસા રોક્યા એટલે ધંધામાં નુકસાન ગયું. આમ દરેક સમસ્યાના મૂળ સુધી જવાનું કામ આ મેથડથી થઈ શકે છે.
Gratitude Book
હું છેલ્લાં ૩૯ વર્ષથી ગ્રેટિટ્યુડ બુક અને નો યૉરસેલ્ફ નામની બુકમાં પણ દરરોજ નિયમિત વિગત ભરું છું. એમાં પણ મેં કેટલાક સવાલ મૂકીને ‘હું શું કામ કૃતજ્ઞતા અનુભવું છું’ એને એલાબરેટ કર્યું છે જેથી બ્રેઇનમાં એ કૃતજ્ઞતાનો ભાવ વધુ સઘન બને.
૧. હું કોને માટે કૃતજ્ઞ છું?
૨. હું એ વ્યક્તિ કે ઘટના માટે શું કામ કૃતજ્ઞતા અનુભવું છું?
૩. હું મારા કૃતજ્ઞ ભાવને કઈ રીતે અભિવ્યક્ત કરી શકું?
૪. મારી કૃતજ્ઞતાને અભિવ્યક્ત કરવા માટે હું કઈ ઍક્શન લઈશ? આ ચાર પ્રશ્નોના જવાબ જ્યારે તમે બુકમાં ભરો ત્યારે નૅચરલી તમારી અંદર જે-તે વાત કે વ્યક્તિ માટેનો અહોભાવ વધી જાય અને વધુ નક્કરપણે તમારા માઇન્ડમાં સેટ થઈ જાય.

