વિશ્વવિખ્યાત અમેરિકન મૅગેઝિન ફૉર્બ્સ દ્વારા હમણાં ૨૦૨૫ના બિલ્યનેર્સની યાદી બહાર પાડવામાં આવી એમાં ફિલ્મ-પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાનું નામ છે
રૉની સ્ક્રૂવાલા
વિશ્વવિખ્યાત અમેરિકન મૅગેઝિન ફૉર્બ્સ દ્વારા હમણાં ૨૦૨૫ના બિલ્યનેર્સની યાદી બહાર પાડવામાં આવી એમાં ફિલ્મ-પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાનું નામ છે. શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની કમ્બાઇન્ડ સંપત્તિ કરતાંય વધુ સંપત્તિ ધરાવતા પારસીભાઈ રૉનીની એક સમયે ટૂથબ્રશ બનાવવાની ફૅક્ટરી હતી
તે જબરદસ્ત ઇન્ટ્રોવર્ટ છે. જો કોઈની સાથે ટ્યુનિંગ આવે તો કલાકો સુધી એકધારું બોલ્યા કરે પણ જો ટ્યુનિંગ ન આવે તો તે દિવસોના દિવસો સુધી ચૂપ રહી શકે. કામ કરવું તેમને ખૂબ ગમે છે અને એટલે તે ત્યાં સુધી મચ્યા રહે છે જ્યાં સુધી સક્સેસ ન મળે અને સક્સેસ મળ્યા પછી તે તરત નવા કામની શોધમાં નીકળી જાય. અત્યારે તેમની ઉંમર ૬૮ વર્ષની છે અને બૉલીવુડના મોટા ભાગના લોકો એવું માને છે કે તે ઓછામાં ઓછું કામ કરે છે, પણ વાત ખોટી છે. તેમને નજીકથી ઓળખનારાઓ કહે છે કે તે દિવસમાં ૧૮ કલાક કામ કરે છે અને જ્યારે કામ નથી હોતું ત્યારે તે દિવસના ૧૮ કલાક નવું કામ શોધવામાં પસાર કરે છે. મોટા ભાગના એવું માને કે એકલતા બહુ ખરાબ, પણ તે એકલતાને આશીર્વાદ ગણે છે અને હમણાં જ એક પૉડકાસ્ટમાં તેમણે કહ્યું કે એકલતાનો જો તમે ઉપયોગ ન કરી શકો તો જ એ ખરાબ છે, બાકી લોનલીનેસ જેવી લક્ઝરી બીજી કોઈ નથી. ફિલ્મ-પ્રોડક્શન ઉપરાંત અત્યારે તે એક ઑનલાઇન એજ્યુકેશન કંપની ચલાવે છે તો સાથોસાથ તેમની એક કંપની માત્ર ઑન્ટ્રપ્રનરને ફન્ડ આપવાનું કામ કરે છે અને ચોથી કંપની સ્પોર્ટ્સ ફીલ્ડમાં કામ કરે છે. આ ચાર કંપનીઓ ઉપરાંત અત્યારે તે બીજા ૧૮ પ્રોજેક્ટ પર કામ કરે છે અને એ પછી પણ તેમને નવા-નવા પ્રોજેક્ટ અને ફીલ્ડમાં આગળ વધવું બહુ ગમે છે એટલે તેમણે નક્કી કર્યું છે કે દિવસમાં મિનિમમ એક મીટિંગ સાવ અજાણી પણ એવી વ્યક્તિ સાથે કરવી જેની પાસે આઇડિયા હોય. હા, તે આઇડિયાનો માણસ છે.
ADVERTISEMENT
૨૦૨પના વિશ્વના બિલ્યેનર્સનું લિસ્ટ ‘ફૉર્બ્સ’ મૅગેઝિને જાહેર કર્યું, જેમાં રૉની સ્ક્રૂવાલાનું નામ સામેલ થયું છે. ૧.પ બિલ્યન ડૉલરની સંપત્તિ ધરાવતા રૉની સ્ક્રૂવાલા બૉલીવુડના સ્ટાર્સ અને પ્રોડ્યુસરોમાં એકમાત્ર એવી વ્યક્તિ છે જેમનું નામ ફૉર્બ્સની આ યાદીમાં આવ્યું હોય. મજાની વાત જુઓ. સલમાન, શાહરુખ અને આમિર ખાનના નામે આપણે ટિકિટો ખરીદી લઈએ પણ આ ત્રણેય ખાનની કુલ સંપત્તિનો સરવાળો કરો તો પણ એ આંકડો રૉનીની સંપત્તિ કરતાં ઓછો, ૧.૩૮ બિલ્યન ડૉલર છે. સ્ટાર-મેકર્સ તરીકે યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડાની સંપત્તિ ૮૦૦ મિલ્યન ડૉલર છે. આદિત્ય ચોપડા અને કરણ જોહર બન્ને મામા-ફઈના દીકરાઓની સંપત્તિનો કુલ સરવાળો પણ રૉની સ્ક્રૂવાલાની કુલ સંપત્તિએ પહોંચતો નથી. આ હદની આર્થિક સફળતાનું કારણ શું એવો સવાલ થોડા મહિના પહેલાં જ રૉનીને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું, ‘હું પૈસા ગણતો નથી એ એક કારણ હોઈ શકે અને બીજું કારણ એ હોઈ શકે કે હું પૈસા પાછળ ભાગતો નથી. હું કામ પાછળ ભાગું છું અને મને મારા કામથી બધાને ઇમ્પ્રેસ કરવા બહુ ગમે છે એટલે કામની સફળતા માટે બધી મહેનત કરી લઉં છું. બને કે મારી સક્સેસનું આ કારણ હોઈ શકે.’
પોતાના સ્વદેશ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં રૉની સ્ક્રૂવાલા અને ઝરીન મહેતા.
ફ્લૅશબૅક સ્ટાર્ટ્સ
પારસી ફૅમિલીમાંથી આવતા રૉની સ્ક્રૂવાલાનો જન્મ ૧૯પ૬માં સાઉથ મુંબઈમાં થયો. રૉનીના પપ્પા સોલી સ્ક્રૂવાલા એ સમયે બ્રિટિશ કંપની જે. એલ. મૉરિસન અને સ્મિથ ઍન્ડ નેફ્યુમાં એક્ઝિક્યુટિવ એટલે ઘરમાં પગાર પર જીવવાની આદત. મિડલ ક્લાસ ફૅમિલીના રૉનીએ ફોર્ટમાં આવેલી ધ કૅથીડ્રલ ઍન્ડ જૉન કૉનોન સ્કૂલમાં એજ્યુકેશન લીધું અને એ પછી તેમણે સિડનહૅમ કૉલેજમાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે રૉનીને પોતાનું ઓરિજિનલ નામ ગમતું નહોતું, તેમને લાગતું કે તેમનું નામ બહુ લાંબું છે. રૉનીનું રિયલ નામ રોહિન્ટન હતું પણ ઘરમાં તેમને રૉની કહેતા એટલે બહાર જ્યાં પણ તેમને નામ પૂછવામાં આવે ત્યાં તે પોતાનું નામ રૉની જ કહેતા અને એ જ નામ તેમની ઓળખ બન્યું.
સ્કૂલના દિવસોમાં રૉનીને ઍક્ટિંગનો જબરદસ્ત શોખ હતો. હા, આજે બૉલીવુડમાં સૌથી શ્રીમંત એવા રૉનીને ઍક્ટર બનવું હતું અને તેણે સ્કૂલ-હાઈ સ્કૂલના દિવસોમાં સ્કૂલનાં નાટકોમાં કામ પણ કર્યું અને કૉલેજના દિવસોમાં શેક્સપિયરના ‘ઑથેલો’થી લઈને ‘ડેથ ઑફ અ સેલ્સમૅન’ જેવા બ્રિટિશ કલ્ટ-પ્લેમાં પણ ઍક્ટિંગ કરી.
હવે તો ભાગ્યે જ કોઈને યાદ હશે કે એક સમય હતો કે રૉની સ્ક્રૂવાલાએ ગુજરાતી નાટકોમાં પણ ઍક્ટિંગ માટે પ્રયાસો કર્યા હતા, પણ એ સમયના પ્રોડ્યુસરો-ડિરેક્ટરોએ રૉનીને કોઈ મહત્ત્વનો રોલ આપ્યો નહીં અને રૉનીએ પોતાના એ પ્રયાસો છોડી દીધા. હા, એક સમય સુધી રૉનીએ ગુજરાતી નાટકો જોવા જવાનું ચાલુ રાખ્યું અને ટાઉનમાં થતાં અનેક ગુજરાતી નાટકો તે જોવા માટે ગયા. નાટકોના આ જ શોખના કારણે ગુજરાતી નાટકોના ઘણા ઍક્ટરો સાથે તેમને દોસ્તી થઈ, પણ સમય જતાં રૉનીએ બીજી દિશા પકડી લીધી એટલે એમાં ઓટ આવવા માંડી.
પત્ની ઝરીન મહેતા સાથે રૉની સ્ક્રૂવાલા.
બિઝનેસમૅન બનવાનું સપનું
ઍક્ટર બનવા માગતા રૉનીના મનમાં બીજું પણ એક સપનું હતું, બિઝનેસમૅન બનવાનું સપનું. પપ્પા જૉબ કરતા હતા એટલે ઘરમાં અનેક બાબતોમાં પહેલી તારીખનું મહત્ત્વ વધારે રહેતું અને રૉનીને મનમાં હતું કે ખર્ચ કરવા માટે ચોક્કસ તારીખની રાહ શું કામ જોવાની? રૉની સ્ક્રૂવાલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘પૈસા કમાવા માટે ક્યારેય સમયનો ઉપયોગ નહીં કરવાનો અને પૈસા ખર્ચ કરવા માટે ક્યારેય બૅન્ક-બૅલૅન્સ ચેક નહીં કરવાનું. આવું ટીનેજ અને યંગ એજ દરમ્યાન મને સતત મનમાં હતું એટલે ખૂબ પૈસા કમાવાની બાબતમાં હું સતત અલર્ટ રહેતો.’
આ જ અલર્ટનેસ વચ્ચે કૉલેજના દિવસો શરૂ થતાં જ રૉનીને ટૂથબ્રશ બનાવવા માટે જૉબવર્ક મળ્યું અને રૉનીની લાઇફના પહેલા બિઝનેસની શરૂઆત થઈ. રૉની કહે છે, ‘કોઈ કામ નાનું નથી અને કામને ક્યારેય નાનું ગણવું ન જોઈએ. જ્યારે કામને નાનું ગણવામાં આવે ત્યારે પ્રોગ્રેસ અટકી જાય.’
સોની ટીવીના શાર્ક ટૅન્ક નામના ઑન્ટ્રપ્રનર ડેવલપ કરતા રિયલિટી શોની જજ-પૅનલમાં આવેલા રૉનીએ કહ્યું હતું, ‘આઇડિયા એવો હોવો જોઈએ જે સાંભળતાં તમારા કાન ઊભા થવા જોઈએ. આઇડિયા આપતા અને આઇડિયાને નર્ચર કરતા લોકોને સાથે રાખનારાને હંમેશાં સક્સેસ મળે જ મળે. સમયની રાહ જોવી પડે, બીજું કંઈ નહીં.’
રૉની પોતે કહે છે કે તેમણે કેટલા અને કેવા-કેવા બિઝનેસ કર્યા હશે એ તેને પોતાને યાદ નથી. રૉનીએ હજી હમણાં જ એક પૉડકાસ્ટમાં કહ્યું, ‘સક્સેસની વાત કરનારાઓ એ ભૂલી જતા હોય છે કે કેટલી ઠોકર ખાઈને વ્યક્તિ ઉપર આવી છે. મારે મારા ફ્લૉપ બિઝનેસ માટે તો પ્રાર્થનાસભા ગોઠવવી પડે.’
વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું, રૉની ગુજરાતી બહુ સરસ બોલે છે અને સમજે પણ છે. પારસી તરીકે ગુજરાતીઓ પ્રત્યે તેમને જબરદસ્ત માન પણ છે. યુટીવી મોશન પિક્ચર્સના તે જ્યારે માલિક હતા ત્યારે તેમણે તમામ ગુજરાતી ડિરેક્ટરોની ફિલ્મો પ્રોડ્યુસ કરી તો સાથોસાથ અનેક ગુજરાતી ડિરેક્ટરને બ્રેક પણ આપ્યો હતો. બાય ધ વે, રૉની સ્ક્રૂવાલાએ ઍક્ટિંગ લાઇન ન છોડવી જોઈએ એવું તેમને અંગ્રેજી થિયેટરના ભીષ્મ પિતામહ એવા અલિક પદમસીએ કહ્યું હતું. રૉનીએ એ સમયે તેમને કહ્યું હતું, ‘હું બ્રેક લઉં છું, ફરી આવીશ અને એ સમયે હું મારા પ્રોડક્શન સાથે આવીશ.’
રૉનીના એ શબ્દો પર ત્યારે તો અલિકને વિશ્વાસ નહીં આવ્યો હોય પણ રૉનીને પોતાના પર ભરપૂર ભરોસો હતો.
ઇટ વૉઝ અ બિગ ટર્ન
કૉલેજના દિવસો દરમ્યાન જ રૉનીએ ટીવી ઍડ્વર્ટાઇઝમેન્ટ માટે વૉઇસ-ઓવર આપવાનું પણ શરૂ કર્યું હતું. પોતાના વૉઇસ-ઓવરવાળી પહેલી ઍડ આજે પણ રૉનીને યાદ છે, એ હતી કૅડબરીઝ ફાઇવ સ્ટાર. રૉની કહે છે, ‘બહુ સરસ બધું ગોઠવાયેલું હતું. એક વૉઇસ-ઓવર માટે પાંચસો રૂપિયા મળતા અને મહિનામાં ચાર-પાંચ આ પ્રકારનાં કામ મળી જતાં, પણ મેં એક રિસ્ક લીધું અને એણે બધી વાત બગાડી.’
રૉની સ્ક્રૂવાલાએ પોતાના ફ્રેન્ડ્સ સાથે મળીને એક રૉક-બૅન્ડનો શો ષણ્મુખાનંદ હૉલમાં રાખ્યો. બધું મળીને ૧૮૦૦ ટિકિટો વેચાઈ પણ ગઈ પણ સરવાળે એ શોમાં રૉનીને પચાસ હજાર રૂપિયાની નુકસાની થઈ, જે પૈસા રૉનીએ તેમની ફ્રેન્ડ અને એ સમયની ગર્લફ્રેન્ડ પાસેથી લેવા પડ્યા. એ ગર્લફ્રેન્ડ એટલે રૉનીની પહેલી વાઇફ મંજુલા નાણાવટી. મંજુલા નાણાવટી એટલે નાણાવટી હૉસ્પિટલના ચૅરમૅનની દીકરી. સમય જતાં રૉનીએ તેમની સાથે મૅરેજ પણ કર્યાં અને પછી બન્નેને એક દીકરી ત્રિશ્યા પણ થઈ. જોકે સમય અને સંજોગોને માન આપીને પર્સનલ લાઇફના સંઘર્ષને રૉની-મંજુલાએ અટકાવ્યો અને બન્નેએ ડિવૉર્સ લીધા. ત્યાર પછી રૉનીએ અમેરિકન-પારસી એવી ઝરીન મહેતા સાથે મૅરેજ કર્યાં.
ષણ્મુખાનંદ હૉલના શોમાં પચાસ હજાર રૂપિયા ગુમાવ્યા પછી રૉની માટે પૈસા કમાવા બહુ મહત્ત્વના બની ગયા હતા એટલે તેમણે નાટકોને પણ પડતાં મૂક્યાં અને નવી દિશામાં કામ શરૂ કર્યું. આ દરમ્યાન જ એંસીના દશકમાં રૉનીના ધ્યાનમાં કેબલ ટીવીનું માર્કેટ આવ્યું અને રૉનીએ કેબલ દ્વારા ઘરે-ઘરે ટીવી પહોંચાડવાની શરૂઆત કરી. એ દિવસોમાં દૂરદર્શન એક જ હતું અને લોકોને એનો ઑપ્શન જોઈતો હતો. કેબલ ટીવી શરૂ કરનારા રૉની માટે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં દાખલ થવાનો એ પહેલો અનુભવ. કેબલ ટીવી શરૂ કરનારા રૉની રીતસર પોતાના નેટવર્ક પર કઈ ફિલ્મો ક્યારે દેખાડવી એનો પ્લાન પણ બનાવતા. રવિવાર કે પછી રજાનો દિવસ હોય તો બાળકો ઘરે હોય એટલે એવા સમયે એવી જ ફિલ્મ દેખાડવી. રાતના સમયે કેબલ નેટવર્ક પર ઍક્શન ફિલ્મ દેખાડી શકાય. આ અને આ પ્રકારની સ્ટ્રૅટેજી રૉનીને આજે પણ કામ લાગે છે તો યુટીવી મોશન પિક્ચર્સમાં પણ તેમને ખૂબ કામ લાગી હતી.
વાત છે એંસીના દશકની અને રૉની માટે એ તબક્કો બરાબરની ભાગદોડનો હતો. જોકે અહીં એક નવો ટર્ન આવવાનો હતો, જે ટર્નથી રૉનીની લાઇફમાં ટૂથબ્રશ આવ્યાં.
ટાઇમ ઑફ ટ્વિસ્ટ
રૉની સ્ક્રૂવાલાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના કેબલ-બિઝનેસ માટે કહ્યું હતું, ‘આજે લોકો એક કે બે મહિનામાં કસ્ટમર ન મળે તો થાકી જાય છે પણ અમને અમારા એ બિઝનેસમાં પહેલો કસ્ટમર દોઢ વર્ષે મળ્યો હતો અને એ પછી બીજો કસ્ટમર બીજા ચાર મહિને મળ્યો. એ લાઇને મારામાં પેશન્સ જબરદસ્ત ભરી.’
કેબલ નેટવર્કના બિઝનેસ માટે રૉની પોતે સોસાયટીઓની પરમિશન લેવા જતા. ટેરેસ પર ચડી એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગ સુધી કેબલ ખેંચાવતા. આ જ પિરિયડમાં તેમને પપ્પા સાથે લંડન જવાનું થયું અને લંડનમાં અનાયાસ તેમની ઓળખાણ ટૂથબ્રશ માટેનાં મશીન બનાવતી કંપનીના સિનિયર ઑફિસર સાથે થઈ. વાત-વાતમાં તેમને ખબર પડી કે ઇન્ડિયામાં કોલગેટ-પામોલિવને બ્રશ-સપ્લાયર જોઈએ છે. ઇન્ડિયા આવીને રૉનીએ પહેલું કામ જૉબવર્ક કરતા બ્રશ-સપ્લાયરોને મળવાનું કર્યું અને પછી એ બ્રશનાં સૅમ્પલ કોલગેટ-પામોલિવને મોકલ્યાં. સાદા મશીનમાં પણ જોઈતી ક્વૉલિટીની પોતે નજીક પહોંચ્યા છે એવી ખબર પડતાં રૉનીએ એક મોટો નિર્ણય લીધો. રૉનીએ કહ્યું હતું, ‘બિઝનેસના પ્રેમમાં નહીં પડવાનું. જો તમે એના પ્રેમમાં પડો તો ક્યારેય તમે ગ્રો ન થાઓ. હું એવા અનેક લોકોને જોઉં છું જે પચીસ વર્ષ પહેલાં જે કામ કરતા એ જ કામ કરે છે. તેનામાં ટૅલન્ટ છે પણ તે પ્રોડક્ટ કે સર્વિસના પ્રેમમાં છે અને એટલે પોતાનો ગ્રોથ મેળવી નથી શક્યા.’
રૉનીએ કેબલ બિઝનેસમાંથી અમુક પર્સન્ટેજ વેચી નાખ્યા અને જે રકમ આવી એમાંથી ટૂથબ્રશ બનાવવાનાં બે મશીન ખરીદ્યાં અને કલ્યાણમાં યુનિટ શરૂ કર્યું. ત્રણેક વર્ષ બધું સરસ ચાલ્યું, પણ આ ત્રણ વર્ષમાં રૉનીને સમજાઈ ગયું કે એ કામમાં તેમણે કંઈ નથી કરવાનું, જે કરે છે એ તો મશીન કરે છે. રૉનીએ કહ્યું હતું, ‘હું એક દિવસ પણ ફૅક્ટરી પર ન જાઉં તો ચાલે અને કામ એમ જ થયા કરે એટલે મને વિચાર આવ્યો કે મારે એવું કામ કરવું જોઈએ જે મને સતત જીવંત રાખે અને મેં નક્કી કર્યું કે હું મારું એ યુનિટ વેચી દઈશ. મને એમાં સારો પ્રૉફિટ મળ્યો એટલે મેં એ યુનિટ વેચી નાખ્યું.’
રૉની જ્યારે પણ ફ્રી પડે ત્યારે પૃથ્વી થિયેટર પર બેસવા જતા. આ જ નવરાશ વચ્ચે તે ફ્રી પડ્યા અને પૃથ્વી પર ગયા. પૃથ્વી પર તેમને અલિક પદમસી મળ્યા અને તેમણે રૉનીને પૂછ્યું કે હવે શું કરવું છે. રૉની સ્ક્રૂવાલાનો જે જવાબ હતો એ સૌ કોઈને હેબતાવી દે એવો હતો. રૉનીએ કહ્યું હતું, ‘હું મારું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું વિચારું છું જે ટીવી માટે કન્ટેન્ટ બનાવે.’
પદમસીએ થોડી વધારે વાત કરી પણ રૉની પાસે એનો કોઈ જવાબ નહોતો. રૉનીએ સ્પષ્ટતા સાથે અલિક પદમસીને કહ્યું હતું, ‘તમને મળ્યા પછી જ મને આ વિચાર આવ્યો છે. ક્યારે, કેમ અને કેવી રીતે એ શરૂ થશે એ હું હવે ઘરે જઈને વિચારીશ.’
ઢેન્ટેણેન...
યુનાઇટેડ સૉફ્ટવેર કમ્યુનિકેશન્સ. નેવુંના દશકની શરૂઆત થઈ ગઈ હતી અને દૂરદર્શન સાથે થોડી ઓળખાણ પણ હતી. રૉનીએ દૂરદર્શનમાં મીટિંગ કરી અને એ મીટિંગ પછી એક શોનું પ્લાનિંગ થયું, જે શોનું નામ હતું ‘મશહૂર મહલ’. આ શો રૉનીએ પોતે જ હોસ્ટ કર્યો. આ એ દિવસો જે દિવસોમાં ટીનેજ બાળકોના મનોરજંન કે તેમના માટે જ્ઞાનવર્ધક કહેવાય એવું કશું બનતું નહોતું. ‘મશહૂર મહલ’ પૉપ્યુલર થયો અને રૉનીને સમજાયું કે એન્ટરટેઇનમેન્ટ માત્ર ઊભું કરવું જ નહીં, કયા સમયે એને લોકોની સામે લાવવું એ પણ બહુ મહત્ત્વનું છે. રૉનીને આજે પણ યાદ છે કે એ શોનું શૂટિંગ સોફિયા કૉલેજના ઑડિટોરિયમમાં થયું હતું. પહેલી વખત ચાર કૅમેરા સાથે શો શૂટ કરવામાં આવ્યો અને લાઇવ ઑડિયન્સ બેસાડવામાં આવ્યું હતું. ભારતીય ટીવી-ઇતિહાસની આ એક નવી જ શરૂઆત હતી. ‘મશહૂર મહલ’ પછી રૉનીએ આવા જ બીજા શો ‘ધ મૅથેમૅજિક શો’નું પ્લાનિંગ કર્યું અને એ શોમાં તેમની સાથે ઝરીન મહેતા જૉઇન થયાં, એ જ ઝરીન મહેતા જે આજે રૉનીનાં વાઇફ છે.
દૂરદર્શન સાથે કામ શરૂ કર્યાનો અનુભવ રૉનીને ઝી ટીવીમાં ખૂબ કામ લાગ્યો. વાત ૧૯૯૨ની છે. દેશની પહેલી પ્રાઇવેટ ચૅનલ ઝી ટીવી શરૂ થવાની હતી ત્યારે રૉનીએ ત્યાં જઈને ૧૦ શોની માગ કરી. નૅચરલી ઝીના માલિક સુભાષચંદ્ર રૉનીની ઑફરથી હેબતાઈ ગયા પણ રૉનીએ ચોખવટ કરી હતી. રૉનીએ તર્ક વાપરીને કહ્યું હતું કે તમારી પાસે તમારી પોતાની કોઈ સિરિયલ-બૅન્ક નથી. તમારે બધા નવા જ શો લઈ આવવાના છે, જેના માટે તમારે અમુક શો ઓછા બજેટમાં બનાવવા પડશે; એ તો જ શક્ય બનશે જો તમે કોઈ એક જ કંપનીની સાથે મોટું કામ કરો.
સુભાષચંદ્રએ રૉની સાથે ડીલ કરી અને એકસાથે ૧૦ શો માટે યુનાઇટેડ સૉફ્ટવેર કમ્યુનિકેશન્સને અપૉઇન્ટ કરી. અફકોર્સ, આ ૧૦ શો રૉનીએ ત્રણ વર્ષમાં આપવાના હતા અને બસ, એ પછી રૉનીની દુનિયા દોડતી રહી. રૉની કહે છે, ‘અમારી પાસે જ્યારે એક્સક્લુઝિવિટી સાઇન કરાવવામાં આવતી ત્યારે હું એ કૉન્ટ્રૅક્ટથી દૂર હટી જતો. તમે ક્યારેય કોઈને બાંધી ન શકો. યુટીવી મોશન પિક્ચર્સ સમયે મને અમારી કંપનીના સિનિયર ઑફિસર કહેતા કે આપણે ટૅલન્ટ મૅનેજમેન્ટ શરૂ કરીને ઍક્ટર-ડિરેક્ટરને કૉન્ટ્રૅક્ટથી બાંધીએ, પણ મેં એ ક્યારેય કર્યું નથી. તમે ટૅલન્ટને તો જ બાંધો જો તમને તમારા પર વિશ્વાસ ન હોય.’
યુનાઇટેડ બની યુટીવી
રૉનીની કંપનીનું નેટવર્ક મોટું થતું ગયું અને એ પછી કંપનીમાં બીજા પાર્ટનર લાવીને રૉનીએ યુનાઇટેડ સૉફ્ટવેરને યુટીવી મોશન પિક્ચર્સ તરીકે ફિલ્મ-પ્રોડક્શનની લાઇનમાં પણ ડાઇવર્ટ કરી. આ જ જર્નીમાં રૉનીએ સાઉથની વિજયા ટીવી પણ ટેકઓવર કરી. રૉની કહે છે, ‘એ કંપની ટેકઓવર કરવામાં હું માત્ર ફેસ હતો. ડીલ થઈ ગઈ અને એ પછી અમારું જે બૅકબોન હતું એ હટી ગયું અને એ ચૅનલ અમારી જવાબદારી બની ગઈ, પણ અમે એ સંભાળી લીધી અને સક્સેસફુલ ચૅનલ બનાવી, જે ત્યાર પછી સ્ટાર ટીવીને અમે વેચી.’
વેચવું, ખરીદવું અને ફરીથી ઊભું કરવું એ રૉનીના લોહીમાં છે. યુટીવીને મોટી બનાવવા માટે રૉનીએ ડિઝની સાથે ટાઇઅપ કર્યું અને પછી તેમણે ૨૦૧૨માં કંપની ડિઝનીને જ વેચી દીધી. મજાની વાત એ છે કે જ્યારે ડિઝનીએ કંપની ટેકઓવર કરી ત્યારે ઑલરેડી રૉનીની યુટીવી વાર્ષિક ૨૨ ટકાના ગ્રોથ સાથે આગળ વધતી હતી. યુટીવીએ ‘સ્વદેસ’, ‘રંગ દે બસંતી’, ‘જોધા અકબર’, ‘બર્ફી’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી લીધી હતી અને યશરાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન્સ કે ટી-સિરીઝ જેવી મોટા ગજાની પ્રોડક્શન કંપનીઓને પણ વિચારતી કરી મૂકી હતી તો ટીવી-સિરિયલના પ્રોડક્શનમાં પણ ‘શાંતિ’, ‘શાકાલાકા બૂમ બૂમ’, ‘ખિચડી’ જેવી અનેક સુપરહિટ સિરિયલો પ્રોડ્યુસ કરી હતી. રૉની કહે છે, ‘છોડતાં આવડવું જોઈએ. જો તમે છોડતાં ન શીખી શકો તો તમે મન્કી-ટ્રૅપમાં આવી જાઓ. હાથમાં રહેલા બનાના છૂટે નહીં અને સામે પડેલી બદામ તમે લઈ શકો નહીં.’
ઍન્ડ ન્યુ બિગિનિંગ
યુટીવી વેચ્યા પછી બધાને એમ હતું કે રૉની હવે શાંતિથી પગ વાળીને બેસશે અને આજ સુધી કમાયેલા નફાની મજા માણશે. ઘણા તો એવું પણ માનવા માંડ્યા હતા કે રૉની હવે ફૉરેન સેટલ થઈ જશે, પણ ના, સિંહ ક્યારેય થાકતો નથી એવી જ રીતે સિંહ ક્યારેય રિટાયર થતો નથી. રૉનીએ પોતાની નવી ઇનિંગ્સ વધારે નવા કલેવર અને ફ્લેવર સાથે શરૂ કરી. નવી ઇનિંગ્સમાં તેમણે રૉની સ્ક્રૂવાલા વેન્ચર પ્રોડક્શન્સ (RSVP)ના નામે ફિલ્મ-કંપની શરૂ કરી જેમાં તેમણે ‘ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘કેદારનાથ’, ‘ધ સ્કાય ઇઝ પિન્ક’, ‘સૅમ બહાદુર’ જેવી અનેક ફિલ્મો બનાવી. આ સેકન્ડ ઇનિંગ્સ દરમ્યાન રૉનીએ ઓટીટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ પ્લૅટફૉર્મ પર પણ ઘણું કામ કર્યું તો સાથોસાથ રૉનીએ અપગ્રેડ નામનું ઑનલાઇન પ્લૅટફૉર્મ પણ શરૂ કર્યું, જેમાં ઑનલાઇન ગ્રૅજ્યુએશનના પ્રોગ્રામ ડેવલપ કરી એક આખી એવી યુનિવર્સિટી ઊભી કરી જે જરૂરિયાતના કારણે ભણવાનું છોડીને નોકરી પર લાગી ગયેલાને ગ્રૅજ્યુએશન અને માસ્ટર્સ ડિગ્રી આપે છે. આ ઉપરાંત સ્વદેસ નામની સંસ્થા પણ રૉનીએ શરૂ કરી તો લેખની શરૂઆતમાં કહ્યું એમ બીજી પણ બે કંપની શરૂ કરી અને અન્ય સાહસો પર તેમનું રિસર્ચ ચાલે છે.
રૉની લો-પ્રોફાઇલ છે, તેમને બોલવા કરતાં સાંભળવું વધારે ગમે છે અને એટલે જ તે કહેવા કરતાં કરી દેખાડવામાં વધારે માને છે. રૉનીએ પ્રૂવ કર્યું છે કે સુપરસ્ટારો સાથે રહીને પણ મેગા સ્ટાર બનવું સહેજ પણ અઘરું નથી.

