આખી જિંદગી સફળતાને માણ્યા પછી જીવનના અંતિમ તબક્કામાં નાસીપાસ થવાના રસ્તે આવી ગયેલા રાહુલ દેવ બર્મન સામે એ સફળતા ઊભી હતી જે સફળતાએ ફરી એક વાર દુનિયા હચમાચાવી નાખી હતી. કાશ, બર્મનદા એ જોઈ અને માણી શક્યા હોત.
ઔર ઇસ પલ મેં, કોઈ નહીં હૈ
બર્મનદા સાથે એવું જ થયું હતું. અઢળક ફિલ્મોને પોતાના મ્યુઝિકથી સુપરહિટ બનાવનારા રાહુલ દેવ બર્મન પાસે એ તબક્કામાં કોઈ ઊભું નહોતું અને તેઓ ઑલમોસ્ટ ડિપ્રેશનના રસ્તે હતા, તો જ્યારે ‘૧૯૪૨ઃ અ લવસ્ટોરી’નું મ્યુઝિક સાંભળીને જગતઆખું એ રસ્તે હતું, કારણ કે મૅજિક સર્જી દેનારા બર્મનદા એ સમયે તેમની વચ્ચે નહોતા
‘ખોઈ સબ પહચાને,
ખોએ સારે અપને
સમય કી છલની સે ગિર-ગિર કે,
ખોએ સારે સપને
ઔર ઇસ પલ મેં,
કોઈ નહીં હૈ
બસ એક મૈં હૂં,
બસ એક તુમ હો
ADVERTISEMENT
આપણે વાત કરીએ છીએ રાહુલ દેવ બર્મનના મ્યુઝિક અને તેમના છેલ્લા કમ્પોઝિશન એવી ફિલ્મ ‘૧૯૪૨ઃ અ લવ સ્ટોરી’ના મ્યુઝિકની. આ જે લાઇન્સ છે એ હૅપી-મૂડના લિરિક્સમાં નથી, પણ ‘કુછ ના કહો...’ સૉન્ગના સેડ વર્ઝનમાં છે અને આ લાઇન લખવાનું રાહુલ દેવ બર્મને જ જાવેદ અખ્તરને કહ્યું હતું! હા, આ સાવ સાચું છે અને જાવેદસાહેબ પણ અગાઉ અનેક ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે. જાવેદ અખ્તરે કહ્યું હતું કે પોતાના મનની વાત કરતા હોય એમ મને બર્મનદાએ વાત કરી અને કહ્યું કે તમારાં દરેક સપનાં તૂટી ચૂક્યાં હોય એવા સમયે જો તમને કોઈ પોતાની વ્યક્તિનો સાથ પણ ન મળે તો કેવી લાગણી મનમાં જન્મે? બસ, મને એવી જ વાત એ લાઇનમાં જોઈએ છે.
વાત આગળ વધારતાં પહેલાં તમને કહી દઉં કે લતા મંગેશકરના એ વર્ઝન માટે ફિલ્મમાં જગ્યા નહોતી, પણ વિધુ વિનોદ ચોપડાએ જ્યારે લતાદીદીના અવાજમાં એ લાઇનો સાંભળી ત્યારે તેણે તરત જ કહ્યું કે આ વર્ઝન આપણે ફિલ્મમાં રાખવું જ છે. બીજી એક વાત, લતાદીદીએ જ્યારે આ વર્ઝન ગાયું ત્યારે તેમને ખબર હતી કે તેઓ એ વર્ઝન ગાઈ રહ્યાં છે જે ફિલ્મમાં હશે કે નહીં એની કોઈને ખબર નથી અને એ પછી પણ લતાદીદીએ એ વર્ઝન ગાઈ આપ્યું. કારણ હતા રાહુલ દેવ બર્મન. રાહુલ દેવ બર્મન ફરીથી ઊભા થાય એ ખુદ લતાદીદી ઇચ્છતાં હતાં અને એટલે જ તેઓ સતત બર્મનદાના સંપર્કમાં હતાં. બર્મનદાનો એ તબક્કો જીવનનો એટલો ખરાબ તબક્કો હતો જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. એક સમયે જે માણસના ઘરની બહાર પ્રોડ્યુસર-ડિરેક્ટરની લાંબી લાઇન હોય અને એ માણસને એક પણ પ્રીમિયરનું ઇન્વિટેશન સુધ્ધાં ન મળતું હોય એ કેવું કહેવાય? એવા જ દિવસો એ હતા અને એ દિવસો વચ્ચે વિધુ વિનોદ ચોપડાએ જઈને રાહુલ દેવ બર્મનને ફિલ્મ ઑફર કરી.
જેનું પહેલું વર્ઝન સાંભળીને વિધુ વિનોદ ચોપડાએ પણ એ મ્યુઝિક નકારી દીધું અને સ્ટુડિયોમાંથી નીકળતી વખતે રાહુલ દેવ બર્મનની પાછળની દીવાલ પર રહેલા ફોટો તરફ હાથ કરીને બર્મનદાને કહ્યું કે મને આમના જેવું મ્યુઝિક જોઈએ છે, જે તમારા સિવાય બીજું કોઈ આપી ન શકે પંચમ. એક વખત તેમની સામે જુઓ અને પછી કામ શરૂ કરો.
બર્મનદાએ એક વીકનો સમય માગ્યો અને એક વીક પછી વિધુ વિનોદ ચોપડા બર્મનદાને ત્યાં આવ્યા. બર્મનદાએ મ્યુઝિક પર કોઈ કામ કર્યું જ નહોતું અને એ પછી પણ તેમણે ચોપડાને મળવા માટે બોલાવી લીધા હતા. વિધુ વિનોદ ચોપડા આવ્યા એટલે બર્મનદાએ તેમને જૂના સમયની કૅસેટ આપી અને કહ્યું કે આ બધી તમે સાંભળી લો અને આપણે નેક્સ્ટ વીક મળીએ. વિધુ વિનોદ ચોપડા કોઈ જાતની આર્ગ્યુમેન્ટ વિના નીકળી ગયા અને રાહુલ દેવ બર્મન કામ પર લાગ્યા. કામ પર ન કહેવાય, કહેવું જોઈએ કે તેઓ પોતાના મૅજિક પર લાગ્યા. તેમણે એ તબક્કો ફરી લઈ આવવાનો હતો જેને તેમના પપ્પાએ ઊભો કર્યો હતો, જેને તેમણે આગળ વધાર્યો હતો. જોકે વચ્ચે એવો એક સમય પણ તેમણે જોઈ લીધો હતો જેમાં તેમણે સમય અનુસાર કામ કર્યું હતું. બર્મનદાએ એમાંથી બહાર આવવાનું હતું અને બહાર આવવા માટે જ તેમણે એસ. ડી. બર્મનના મ્યુઝિકનો સપોર્ટ લીધો હતો. તમે માનશો નહીં, એ એક વીક દરમ્યાન બર્મનદાએ એકમાત્ર ગીત એવા ‘કુછ ના કહો...’ માટે ૧૪ ટ્યુન તૈયાર કરી!
એક વીક પસાર થયું અને બર્મનદાએ સામેથી જ વિધુ વિનોદ ચોપડાને ફોન કર્યો કે તમે એક વખત ફરી આવી જાઓ એટલે આપણે મ્યુઝિક સાંભળીએ. ચોપડાના મનમાં હતું કે બર્મનદા હાર્મોનિયમ પર ટ્યુન સંભળાવશે, પણ ના, એવું નહોતું. સ્ટુડિયોમાં વિધુ વિનોદ ચોપડા પહોંચ્યા ત્યારે ત્યાં સાજિંદાઓ સાથે પંચમદા બેઠા હતા.
મ્યુઝિક નેરેશન શરૂ થયું અને સાજિંદાએ ‘કુછ ના કહો...’ ગીત સાથે ટ્યુન શરૂ કરી.
પહેલી ટ્યુન...
બીજી ટ્યુન...
અને વિધુ વિનોદ ચોપડા રીતસર ઊછળી પડ્યા.
‘વાહ, પંચમદા...’ વિધુ વિનોદ ચોપડાએ કહી દીધું, ‘આ જ જોઈએ છે મને. કમાલ કરી છે તમે, યાર. મજા પડી ગઈ.’
એ જે હાશકારો આર. ડી. બર્મનના મનમાં થયો હતો એવો હાશકારો તેમને અગાઉ ક્યારેય નહોતો થયો. આ તેમના કમબૅકનો ઉદ્ગાર હતો, આ તેમના કમબૅકની ડોરબેલ હતી. એ દિવસ પછી આર. ડી. બર્મને ખરા અર્થમાં એવી-એવી ટ્યુન બનાવી જેની ધારણા પણ કોઈ કરી શકે એમ નહોતું. તમે જુઓ, ‘૧૯૪૨ઃ અ લવસ્ટોરી’નાં એકેએક ગીત સાંભળો. તમને રીતસર ખબર પડશે કે પંચમદાએ આખો યુગ બદલાઈ જાય એ સ્તરનું મ્યુઝિક આપ્યું હતું. એકેએક ગીત, એકેએક ગીતના શબ્દો અને એ ગીતોની સિચુએશન. તમે માનશો નહીં, પણ ફૅક્ટ છે કે આર. ડી. બર્મન જ એ વ્યક્તિ હતા, જેમણે ફિલ્મની હિરોઇન મનીષા કોઇરાલાને જ્યારે અનિલ કપૂર પહેલી વાર જુએ છે એ સમયે એક ગીત મૂકવું જોઈએ એવું સજેશન વિધુ વિનોદ ચોપડાને આપ્યું અને એ પછી જાવેદ અખ્તરે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા...’ લખ્યું.
‘એક લડકી કો દેખા તો ઐસા લગા...’ ગીતની ટ્યુન સંભળાવવામાં આવી ત્યારે તો એ સૉન્ગના લિરિક્સ પણ લખાયા નહોતા. વિધુ વિનોદ ચોપડાએ પણ બર્મનદાના કામને ધ્યાનમાં રાખીને તરત જ હા પાડી દીધી અને બધી ટ્યુન પાસ કરી દીધી હતી.
ગીતો લખાયાં અને એ ગીતોએ તરખાટ મચાવી દીધો, પણ કમનસીબે એ દિવસો જોવાનું બર્મનદાના નસીબમાં નહોતું. ૧૯૯૪ની ૧પ એપ્રિલે ફિલ્મ રિલીઝ થઈ, પણ એના ૪ મહિના પહેલાં ૪ જાન્યુઆરીએ બર્મનદાએ પોતાની પૃથ્વીની વિઝિટ પૂરી કરી, સ્વર્ગામન કર્યું. ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મના એકેએક ગીતે દેકારો બોલાવી દીધો.
એકેએક ગીતે, અને એમાં કોઈ ના ન પાડી શકે.
કુમાર શાનુએ પણ પોતાનું સર્વસ્વ આપી દીધું હતું તો લતા મંગેશકર પણ વર્ષો પછી સોળે કળાએ ખીલ્યાં હતાં. તમે સાંભળો સૉન્ગ, ‘પ્યાર ચૂપકે સે...’ તમને એ સાંભળતી વખતે ‘અભિમાન’ યાદ આવ્યા વિના રહે નહીં. પિતા એસ. ડી. બર્મનના એકેએક રાગ અને તેમની એકેએક ટ્યુનને બર્મનદાએ પોતાનામાં ભરી અને એ પછી તેમણે ‘૧૯૪૨ઃ અ લવસ્ટોરી’ના મ્યુઝિકનું સર્જન કર્યું, પણ અફસોસ, બર્મનદા એ સક્સેસ જોઈ ન શક્યા.
આખી જિંદગી સફળતાને માણ્યા પછી એક તબક્કે નાસીપાસ થવાના રસ્તે આવી ગયેલા બર્મનદા સામે એ સફળતા ઊભી હતી જે સફળતાએ ફરી એક વાર દુનિયા હચમાચાવી દીધી હતી.
કાશ, બર્મનદા એ જોઈ શક્યા હોત.
કાશ, બર્મનદા એ માણી શક્યા હોત.
ફરી એક વખત, જાવેદસાહેબના શબ્દોનો જ સહારો લેવો પડે, ‘કુછ ના કહો, કુછ ભી ના કહો...’
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


