અધિવેશન માટે ૧૬૮૦ ડેલિગેટ્સને તેમની માતૃભાષામાં અપાયાં હરખનાં તેડાં : અમદાવાદની જુદી-જુદી હોટેલોની ૨૦૦૦ રૂમો બુક થઈ : મહેમાનોની ડિમાન્ડ પર ગુજરાતી ભોજન પીરસાશે
૧૯૨૧માં અમદાવાદમાં યોજાયેલા કૉન્ગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો.
ગાંધીજીના સાબર તટે અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકમાં ૧૦૪ વર્ષ પછી અમદાવાદમાં ત્રીજી વાર આજથી કૉન્ગ્રેસનું અધિવેશન યોજાશે. ૧૯૨૧ પછી અમદાવાદમાં ફરી વાર યોજાઈ રહેલું આ અધિવેશન ન્યાયપથની થીમ સાથે યોજાશે. આવું પહેલી વાર બન્યું છે કે આજથી અમદાવાદમાં શરૂ થઈ રહેલા કૉન્ગ્રેસના અધિવેશનમાં ૧૬૮૦ ડેલિગેટ્સને તેમની માતૃભાષામાં હરખનાં તેડાં અપાયાં હતાં. ભારતની જુદી-જુદી ૧૮ ભાષાઓમાં આગેવાનોને ફોન કરીને નિમંત્રણ અપાયું છે.
આજે સરદાર પટેલ સ્મારકમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે જેમાં દેશના અનેક નેતાઓ હાજર રહેશે. સાંજે મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજાશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. નવમીએ સાબરમતીના તટે અધિવેશન યોજાશે જેમાં ઠરાવો થશે અને એના પર ચર્ચા થશે. ન્યાયપથની થીમ સાથે આ અધિવેશન યોજાશે જેમાં કૉન્ગ્રેસના ૨૦૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાગ લેવા આવશે.
ADVERTISEMENT
અમદાવાદ શહેર કૉન્ગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશભરમાંથી કૉન્ગ્રેસના ડેલિગેટ્સ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમની લાગણી હતી કે ગુજરાતી ફૂડ ખવડાવજો એટલે મહેમાનો માટે ઊંધિયું, જલેબી, ફાફડા, દાળ-ભાત, રોટલી-શાક, ભજિયાં સહિતનું જમણ જમાડીશું. મહેમાનો માટે અમદાવાદની જુદી-જુદી હોટેલોમાં ૨૦૦૦થી વધુ રૂમો બુક કરાઈ છે.’
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ વખત કૉન્ગ્રેસનાં અધિવેશન યોજાયાં છે જેમાં પહેલું અધિવેશન અમદાવાદમાં ૧૯૦૨માં, બીજું અધિવેશન સુરતમાં ૧૯૦૭માં, ત્રીજું અધિવેશન ૧૯૨૧માં અમદાવાદમાં, ચોથું અધિવેશન હરિપુરા, સુરત ખાતે ૧૯૩૮માં અને પાંચમું અધિવેશન ભાવનગરમાં ૧૯૬૧માં યોજાયું હતું.

