મુંબઈના ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. મનોજ સિંગરખિયાની અંદરનો કલાકાર સળવળ્યો. બે વર્ષ દાક્તરીની સાથે-સાથે સમય કાઢીને પેઇન્ટિંગનું બેઝિક નૉલેજ મેળવ્યું
ડૉ. મનોજ સિંગરખિયા
૪૫ વર્ષની ઉંમરે સફળ પ્રૅક્ટિસ વચ્ચે મુંબઈના ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. મનોજ સિંગરખિયાની અંદરનો કલાકાર સળવળ્યો. બે વર્ષ દાક્તરીની સાથે-સાથે સમય કાઢીને પેઇન્ટિંગનું બેઝિક નૉલેજ મેળવ્યું એનાં બે વર્ષ પછી તેમને એમાં એટલી મજા આવવા લાગી કે ફૉર્મલ ટ્રેઇનિંગ માટે તેઓ લંડનની આર્ટ સ્કૂલમાં એક વર્ષ શીખવા માટે ગયા. ત્યાર પછી દાક્તરી છોડી દીધી અને આટલાં વર્ષોનું જીવનનું અને દરદીઓ સાથેના અનુભવોનું ભાથું જે તેમણે ભેગું કરેલું એને કૅન્વસ પર ઉતારીને ફુલટાઇમ આર્ટિસ્ટ બની ગયા. જાણીએ કઈ રીતે આ શક્ય બન્યું
૪૫ વર્ષની ઉંમરે એક ગોલ્ડ મેડલિસ્ટ ઑર્થોપેડિક સર્જ્યન પોતાની ધીકતી પ્રૅક્ટિસ છોડીને લંડનમાં પેઇન્ટિંગ શીખવા જાય એને સામાન્ય જનતા નર્યું ગાંડપણ માને છે તો બુદ્ધિવાદી લોકો એને પૅશનમાં ખપાવશે, પરંતુ અહીં પ્રશ્ન એ આવે છે કે તો શું દાક્તરી તેમનું પૅશન નહોતું? ચોક્કસ હતું. પૅશન ન હોત તો તે મુંબઈ જ નહીં, મધ્ય ભારતના પણ નામી સર્જ્યન ન બન્યા હોત. જોકે કેટલાક સદ્ભાગી લોકોના જીવનમાં એક પડાવ એવો આવે છે કે જીવન ખુદ તેમને એક નવી દિશા બતાવે છે. જે અનુભવોનું ભાથું તમે ભેગું કર્યું છે એને એક જુદા માધ્યમ દ્વારા સાર્થક કરવાની તક આપે છે ત્યારે એ તકને ઝડપવાનું કૅલ્ક્યુલેટિવ રિસ્ક લે એ સવાયો બુદ્ધિશાળી. આ જિનીયસ વ્યક્તિ છે અંધેરીમાં રહેતા ૫૦ વર્ષના ડૉ. મનોજ સિંગરખિયા. હાલમાં તેમણે નેહરુ સેન્ટરમાં આર્ટિસ્ટ તરીકે પોતાનું પહેલું સોલો એક્ઝિબિશન યોજ્યું હતું જેમાં ૭ દિવસમાં લગભગ ૧૫૦૦ લોકોએ તેમનું કામ જોયું અને બિરદાવ્યું અને તેમના ૧૫ પેઇન્ટિંગ્સ વેચાયાં પણ હતાં. આજે જાણીએ કે સર્જરી માટે સ્કૅલ્પલ પકડનારા હાથે કઈ રીતે પેઇન્ટિંગ બ્રશ પકડ્યું અને ૪૫ વર્ષે પોતાની કરીઅરને સ્વિચ કરી.
ADVERTISEMENT
મેડિકલનું મહત્ત્વ
ડૉ. મનોજ સિંગરખિયા વિદ્યાવિહારની રાજાવાડી ચાલમાં જન્મ્યા અને મોટા થયા. પપ્પા ડાહ્યાલાલભાઈ એ સમયે બૉમ્બે ઍરપોર્ટ પર ક્લૅરિકલ જૉબ કરતા હતા અને મમ્મી હાઉસવાઇફ હતાં. એક અત્યંત બેઝિક સ્કૂલમાં તેઓ ભણ્યા. તેઓ ખૂબ જ હોશિયાર હતા ભણવામાં. જે પરિવારમાં દૂર-દૂર સુધી કોઈ ડૉક્ટર હતું જ નહીં એવા પરિવારમાં તેઓ આપબળે ભણ્યા અને ૧૯૯૨માં તેમને મુંબઈની પ્રખ્યાત KEM મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન પણ મળી ગયું. એ સમયને યાદ કરતાં ડૉ. મનોજ સિંગરખિયા કહે છે, ‘મારી અને મારા ઘરના લોકોની ખુશીનો પાર નહોતો. ફક્ત મેડિકલમાં ઍડ્મિશન મળ્યું છે એનો જ નહીં, KEM જેવી કૉલેજમાં ઍડ્મિશન મળ્યું છે એ વાતની મને ભયંકર ખુશી હતી. આજે હું જે કંઈ છું એ આ કૉલેજ અને એનાં લર્નિંગ્સને કારણે જ છું. મેં અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી હતી. અમે ઘરમાં હસતા હોઈએ છીએ આ વાત પર કે મારાં ભાઈ-બહેને મારી સ્ટ્રગલ જોઈને નક્કી કરી લીધેલું કે આપણે ડૉક્ટર નથી બનવું. એક જ ધ્યેય, અઢળક મહેનત, ભણવામાં ખૂંપી જ રહેવાનું અને ડૉક્ટર બન્યા પછી પણ રાત-દિવસની મહેનત; આ બધું એટલે શક્ય બન્યું કારણ કે મને દિલથી એ કરવું હતું. મારાં મા શાંતાનાં લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ ગયેલાં એટલે તે ખાસ ભણી શક્યાં નહોતાં. આજે પણ તે ઑર્થોપેડિક સર્જ્યન બોલી શકતી નથી, તે મને હાડકાંનો ડૉક્ટર જ કહે છે. હું ખુદ માટે અને મારા પરિવાર માટે કંઈ કરી શક્યો એ વાતનો મને અને મારા પરિવારને હંમેશાંથી ગર્વ રહ્યો છે.’
ડૉક્ટર તરીકેનું જીવન
અહીંથી MBBS કર્યા પછી તેઓ ફેલોશિપ મેળવીને આગળ ભણવા કૅનેડા ગયા. ત્યાં જનારા પછી પાછા ક્યાં આવે છે? એ માન્યતાને તોડી તેઓ ભારત પાછા ફર્યા. અહીં આવીને બૉમ્બે હૉસ્પિટલ અને સૈફી હૉસ્પિટલમાં તેમણે તેમની પ્રૅક્ટિસ શરૂ કરી. એ વાતને યાદ કરતાં ડૉ. મનોજ સિંગરખિયા કહે છે, ‘એ સમયે ઘણા લોકોએ મને કહ્યું કે કૅનેડા છોડીને પાછું અવાય? આવું તો કોઈ મૂર્ખ માણસ જ કરે એટલું જ નહીં, એ પછી મેં મારી પ્રૅક્ટિસ નાગપુરમાં શરૂ કરી. ત્યાં મેં જોયું કે મધ્ય ભારતના આખા પ્રદેશમાં સ્પાઇન સર્જ્યનની ભારે કમી છે. એટલે મેં ૨૦૦૬માં વિચાર્યું કે અહીં જ એક મોટી હૉસ્પિટલ શરૂ કરીએ. ૨૦૧૦માં ત્યાં મેં માના નામે શાંતા હૉસ્પિટલ શરૂ કરી. ત્યારે પણ લોકોએ મને મૂર્ખ જ માન્યો. તેમનું કહેવાનું હતું કે મેં બૉમ્બે છોડીને નાગપુરમાં હૉસ્પિટલ ખોલી એ કેટલું વાજબી ગણાય? કોણ કરે આવું? પણ સાચું કહું તો જેટલી વાર લોકોએ મારા નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવ્યા છે એટલી વાર એ નિર્ણયો સાચા પુરવાર થયા છે. મધ્ય ભારતમાં અઢળક દરદીઓને એક સારું જીવન આપવામાં હું સક્ષમ રહ્યો. એ દરમિયાન નાગપુર અને મુંબઈ સિવાય હું અમદાવાદ, પુણે, સુરત, બૅન્ગલોર, કલકત્તા પણ સર્જરી માટે જતો હતો. મારું કામ ઘણું વિસ્તરેલું હતું.’
શરૂઆત
એ દરમિયાન ૨૦૧૯માં ડૉ. મનોજ સિંગરખિયાના જીવનમાં એક વ્યક્તિ આવી જેમણે તેમની અંદર છુપાયેલા કલાકારને જગાડ્યા. તેમનું નામ હતું બિજય બિસ્વાલ. એ સમયે તે એક ટિકિટ-ચેકર હતા જે રેલવે-પ્લૅટફૉર્મને પોતાના શોખથી રંગીને એને વધુ સુંદર દર્શાવતા હતા. તેમના વિશે વાત કરતાં ડૉ. મનોજ સિંગરખિયા કહે છે, ‘આર્ટિસ્ટ બિજય બિસ્વાલનાં પત્નીના કોઈ રિલેટિવ બીમાર હતા એટલે તે મારી પાસે ઇલાજ માટે આવેલા. તેમને મળ્યો ત્યારે તેમના કાર્યક્ષેત્ર વિશેની જાણ થઈ. હું સ્કૂલમાં હતો ત્યારે પેઇન્ટિંગ કે સ્કેચિંગ કરતો હતો. જ્યારે મેડિકલ કૉલેજમાં ગયો ત્યારે પણ આર્ટ ફેસ્ટિવલ જીતતો. એટલે રસ તો હતો પણ દાક્તરીની વ્યસ્તતાએ મારી અંદરના આર્ટિસ્ટને બહાર લાવવાનો કોઈ મોકો આપ્યો નહોતો. બિજય બિસ્વાલને મળીને એ અંદરનો આર્ટિસ્ટ જાગ્રત થયો. મેં તેમની પાસે બેઝિક્સ ક્લિયર કર્યા. તેઓ મારા મેન્ટોર બન્યા. એ સમયે મુંબઈ-નાગપુરના અપ-ડાઉન વચ્ચે પ્રૅક્ટિસ ચાલુ રાખીને જ આ વર્કશૉપ માટે મેં સમય કાઢ્યો કારણ કે મને એ કરવું જ હતું. ૨૦૨૧ સુધી મેં મારું કામ ચાલુ રાખ્યું અને પેઇન્ટિંગ કરવાની મજા એટલી આવી કે પછી લાગ્યું કે કોઈ ફૉર્મલ કોર્સ કરવો જોઈએ.’
પેઇન્ટિંગ શીખવાનો નિર્ણય
ડૉ. મનોજ સિંગરખિયાએ જીવનમાં દરેક જગ્યાએ ઉચ્ચતમ એજ્યુકેશનને ખૂબ પ્રાધાન્ય આપ્યું હતું. એટલે પેઇન્ટિંગ શીખવા માટે પણ તેમણે લંડનની રૉયલ કૉલેજ ઑફ આર્ટ્સમાં ફૉર્મ ભર્યું અને તેમનું ત્યાં સિલેક્શન થઈ ગયું. એ વિશે જણાવતાં ડૉ. મનોજ સિંગરખિયા કહે છે, ‘જેટલો આનંદ KEMમાં ઍડ્મિશન વખતે થયેલો એટલો જ આનંદ મને રૉયલ કૉલેજ ઑફ આર્ટ્સમાં ઍડ્મિશન મળ્યું ત્યારે થયો હતો. મેં ત્યાં એક વર્ષનો ગ્રૅજ્યુએટ ડિપ્લોમા કોર્સ કર્યો હતો. ૨૦૨૨માં મેં નિર્ણય કર્યો કે હવે હું સર્જ્યન તરીકેનું કામ છોડી રહ્યો છું અને પેઇન્ટિંગમાં આગળ વધવા માગું છું. મારા બીજા નિર્ણયોની જેમ આમાં પણ અમુક લોકો હતા જેમણે મને મૂર્ખ જ તારવ્યો હતો, પરંતુ એ લોકો જ્યારે મારા એક્ઝિબિશનમાં આવ્યા અને લગભગ અઢી વર્ષની મહેનત પછી તૈયાર કરેલાં મારાં પેઇન્ટિંગ્સનું સોલો એક્ઝિબિશન તેમણે જોયું ત્યારે તેમની આંખોમાં શંકાની જગ્યાએ ગર્વ હું જોઈ શક્યો, જેનો મને આનંદ છે.’
રિસ્ક ખરું, પણ ગણતરી સાથેનું
પૅશન ફૉલો કરો એવી સલાહ તો ઘણા લોકો આપતા હોય છે, પણ ૪૫ વર્ષની ઉંમરે ધીકતી પ્રૅક્ટિસ છોડીને નવા જ ફીલ્ડમાં ઝીરોથી શરૂઆત કરવી હોય તો કયા પ્રકારે સજ્જતા જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મનોજ સિંગરખિયા કહે છે, ‘જીવનમાં આર્થિક સધ્ધરતા જરૂરી છે એમ આપણને લાગે, પણ કેટલું જોઈએ જીવવા માટે? મારી પત્ની પણ ડૉક્ટર છે. ૧૦ વર્ષની એક દીકરી છે. દર વર્ષે લંડન કે પૅરિસનાં વેકેશન અમારી જરૂરિયાત નથી. અમને કેરલા કે રાજસ્થાનમાં પણ એટલી જ મજા આવે છે. અમે બધા સંતોષી જીવ છીએ. અમે અત્યારે સરસ જીવન જીવીએ છીએ. છતાં કૅલ્ક્યુલેટિવ રિસ્ક એ હતું કે નાગપુરની મારી હૉસ્પિટલ મેં હમણાં રેન્ટ પર આપી છે. ફરીથી મેડિસિન પ્રૅક્ટિસ કરવાની ઇચ્છા પણ થઈ આવે તો ખુદને રોકીશ નહીં, કારણ કે એવું તો છે નહીં કે પેઇન્ટિંગ જ મારું પૅશન છે. મેડિસિન પણ મારું પૅશન જ છે.’
બદલાવ
મેડિસિનમાં સર્જરીને આર્ટ જ ગણવામાં આવે છે. એક ડૉક્ટરના જીવન વિશે વાત કરતાં ડૉ. મનોજ સિંગરખિયા કહે છે, ‘ઘણા ડૉક્ટર્સને એક ઉંમર પછી થોડા ક્રીએટિવ શોખ જાગે છે. પ્રૅક્ટિકલી ૧૩ વર્ષની ઉંમરથી ૨૬-૨૮ વર્ષની ઉંમર સુધી અમે ભણ્યું જ હોય છે. અમારું ભણતર અને ટ્રેઇનિંગ ઘણો ભોગ માગી લે છે. એટલે બીજું કશું વિચારવાનો મોકો જ મળ્યો નથી હોતો. અંદર મનના કોઈ ખૂણે કલાકાર બેઠો હોય તો એ એક સમય પછી સળવળે અને બેઠો થાય. મારો પ્રયત્ન એવો હતો કે એ કલાકારને ન્યાય આપું. બાકી ફરક વિશે વાત કરું તો એક ડૉક્ટર તરીકે મારી આજુબાજુ ૧૦ જણનો સ્ટાફ રહેતો. એક આર્ટિસ્ટ તરીકે હું સ્ટાફ વગર બધાં કામ જાતે મૅનેજ કરું છું. એમાં પણ મને ખૂબ મજા આવે છે. મને લાગે છે કે મારી યુવાની પાછી ફૂટી છે.’
કયા પ્રકારનાં પેઇન્ટિંગ?
લંડનમાં રૉયલ સ્કૂલ ઑફ આર્ટમાં તેમણે શીખ્યું કે પેઇન્ટિંગની ટેક્નિકલ બાબતો કરતાં કન્સેપ્ટ વધુ મહત્ત્વના છે. એટલે કે તમે એ ચિત્ર દ્વારા શું કહેવા માગો છો એના પર કામ કરવું જરૂરી છે. ડૉ. મનોજ સિંગરખિયા પાસે તેમના મેડિકલ ફીલ્ડનો અને દરદીઓની વ્યથાકથાનો બહોળો અનુભવ હતો. એટલે તેમણે તેમના કૅન્વસ પર એ ઉતાર્યું છે. તેમનાં ચિત્રોમાં ફેસ એટલે કે મોઢું હોતું નથી. બૉડી-લૅન્ગ્વેજનો ઉપયોગ કરીને વાતને ચિત્ર જોનાર સુધી પહોંચાડવામાં આવે છે એ તેમનાં ચિત્રોની ખાસિયત છે. આજ સુધી તેમણે ૫૦૦-૬૦૦ ચિત્રો બનાવ્યાં છે. ઇન્ક અને વૉટર કલર તથા ઑઇલ પેઇન્ટિંગ તેમનાં ગમતાં માધ્યમો છે જેના વડે તેઓ કામ કરે છે.
વેઇટિંગ
એક વખત એક વૃદ્ધ વ્યક્તિની સર્જરી હતી અને તેમના પુત્રનો અમેરિકાથી ફોન આવ્યો; ડૉક્ટર, સર્જરી મોટી છે કે નાની? ડૉ. મનોજ સિંગરખિયાએ પૂછ્યું કે કેમ આવું પૂછો છો? તો તેમણે કહ્યું કે જો મોટી સર્જરી હોય તો હું આવું, નહીંતર છેક અમેરિકાથી લાંબો ન થાઉં. હું આ વાત પર ગુસ્સે થઈ ગયેલો. મેં તેમને કહેલું કે સર્જરી ક્યારેય નાની નથી હોતી, તમારે આવવું જોઈએ. આ આખા બનાવમાં મને લાગ્યું કે કેવી હાલત થતી હશે આ માતા-પિતાની? તેમણે તો બસ, રાહ જ જોવાની છે. આ બનાવને લગતાં જે સંવેદનો હતાં તેમની અંદર એને લઈને તેમણે આ ચિત્ર બનાવ્યું જેનું નામ છે વેઇટિંગ.
કમ્પૅટિબિલિટી
ટ્રેન અને પ્લૅટફૉર્મ બન્ને યોગ્ય રીતે અલાઇન્ડ હોય એ એક સરળ જર્ની માટે અત્યંત જરૂરી છે. એવું જ કંઈક સંબંધોનું છે. બે જણ વચ્ચે યોગ્ય સાયુજ્ય હોય તો જીવનની ટ્રેન જલદી દોડતી હોય કે એકદમ ધીમી, પણ એ સાચા પ્લૅટફૉર્મ સુધી પહોંચી શકે. આ આર્ટવર્કમાં સંબંધો વચ્ચેનું રિસ્ક અને ફાયદો બન્ને વ્યવસ્થિત તારવવામાં આવ્યા છે.
વેલ્ડિંગ
ભારતમાં નાની ઉંમરથી મજૂરી કામ કરતાં બાળકો ઘણી મોટી સંખ્યામાં છે. ૨૨ વર્ષનો એક યુવાન છોકરો ફક્ત ૧૨ વર્ષનો હતો ત્યારથી ગૅરેજ પર કામે લાગી ગયેલો. ત્યાં વજન ઉપાડવાને લીધે તેની કરોડરજ્જુની એક ગાદી ખસકી ગઈ હતી. તે ભણેલો નહોતો. સાઇટિકાની તકલીફ સાથે તે કામ ચાલુ રાખી શકે એમ નહોતો. સર્જરી દ્વારા તે જીવનને વેલ્ડિંગ કરાવવા ડૉક્ટર પાસે પહોંચ્યો હતો કારણ કે તેના મનમાં એ જ હતું કે આ કામ સિવાય મને બીજું કશું આવડતું નથી તો હું કરીશ શું? સર્જરીના ૩ મહિના પછી તે ફરીથી કામે લાગી ગયો. તેનું વેલ્ડિંગ એટલું પર્ફેક્ટ હતું કે છેલ્લાં ૯ વર્ષથી તે નૉર્મલ જીવન જીવી રહ્યો છે.
લિવિંગ ઇન અ બૉક્સ
ઍરફોર્સના સાર્જન્ટ હતા જેમને ગળાની એક નસ દબાતી હતી. તેમની સાથે અંતરંગ વાત કરતા હતા ત્યારે તેમણે આ શબ્દો કીધેલા કે વર્ષોથી હું એક બૉક્સમાં જ જીવું છું. ઍરફોર્સમાં હોવાને કારણે તેમની જૉબ સતત ટ્રાન્સફર થતી રહેતી. એટલે તેમણે પરિવારથી દૂર જ રહેવું પડતું. એવું લાગતું કે તેઓ ઘરમાં નહીં, સૂટકેસમાં જ જીવી રહ્યા છે. આ ચિત્ર સૈનિકો, કૉર્પોરેટ જૉબ કરનારા લોકો, સ્પોર્ટ્સપર્સન કે એવા બધા જ લોકો જે કામને કારણે પોતાના ઘરથી દૂર રહે છે તેમની વ્યથાને તાદૃશ કરે છે.
પાયલ
૧૩-૧૪ વર્ષની એક છોકરીને સ્કૉલીઓસિસ એટલે કે જેમાં કરોડરજ્જુ ‘S’ આકારની થઈ જાય એ રોગ થયો હતો. એ છોકરીને ૨૦ સ્ક્રૂ નાખીને તેની સ્પાઇન ઠીક કરી દીધા પછી જ્યારે તે ફૉલો-અપ માટે મળવા આવી ત્યારે તે કહેતી હતી કે તેની તબિયત સારી છે, તેના ગામના પાદરેથી તે દરરોજ પાણીનાં બેડાં સારી લાવે છે, ઘરનાં બધાં જ કામ કરી શકે છે, તે વાત કરીને ગઈ ત્યારે તેની પાયલનો ઝણકાર જણાવતો હતો કે આપણી દીકરીઓને આપણે દેવીનું રૂપ ગણીએ છીએ એટલે પાયલ પહેરાવીએ છીએ, પરંતુ નાની ઉંમરથી તેની પાસેથી વયસ્કોથી પણ વધુ અઘરાં કામ કરાવતા હોઈએ છીએ. સમાજમાં રહેલાં દીકરા-દીકરીના ભેદની ચાડી ફૂંકતું આ ચિત્ર.

