બાવીસ વર્ષના દીકરાએ ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં શહીદ થતાં પહેલાં પરિવારને પત્ર લખીને કહેલું કે સૈનિકો ક્યાં લડે છે એ જોવા માટે પણ આ જગ્યાએ લોકો આવે એ જરૂરી છે. દીકરાની આ ઇચ્છાને કર્નલ પિતા આજે પણ દર વર્ષે પૂરી કરે છે
દીકરો જ્યાં શહીદ થયો એ જગ્યાએ દર વર્ષે કૅપ્ટન વિજયંતના પિતા દર વર્ષે મુલાકાત લે છે.
આપણા જેવા હજારો-લાખો જનસામાન્યની જેમ જ ૮૧ વર્ષની જૈફ વયે પહોંચેલા એક વડીલ આ ઉંમરે પણ દરરોજ સવારે ૮ વાગ્યે સફેદ શર્ટ, એના પર ટાઇ પહેરી કામ પર જાય છે. તેમના ઘરની બાજુમાં જ વિજયંત ઍન્ક્લેવ છે. ઘરથી થોડા જ મીટર દૂર વિજયંત થાપર પાર્ક પણ છે. આ ઍન્ક્લેવ અને પાર્ક જે રોડ પર સ્થિત છે એ રોડનું નામ છે કૅપ્ટન વિજયંત થાપર માર્ગ! અને એ માર્ગમાં આગળ જતા-આવતા ચાર રસ્તા જે એક મોટું સર્કલ સર્જે છે એનું નામ છે વિજયંત થાપર ચોક અને આ જૈફ વયના વડીલનું કાર્યસ્થળ એટલે વિજયંત થાપર પેટ્રોલ પમ્પ! આ આખાય વર્ણનમાં સૌથી વધુ આવતું નામ કયું છે એ તમે નોંધ્યું હશે પણ એ નામને અને આપણી વાતને શું લેવાદેવા એ સસ્પેન્સ પરથી પડદો આપણે પછી ઉઠાવીશું.
એ પહેલાં બીજી એક વાત કરીએ. ધારો કે એક અત્યંત તેજીલો, ઉત્સાહી, આનંદી અને સિંહને પણ શરમાવે એવો ગભરુ જવાન છોકરો છે જેણે ૨૨ વર્ષની ઉંમરે મા-બાપને ગૌરવાન્વિત કરે એવા રિઝલ્ટ સાથે ગ્રૅજ્યુએશન પાસ કર્યું. ભણતર દરમિયાન એ છોકરાના પર્ફોર્મન્સ, પર્સનાલિટી, કૉન્ફિડન્સ વગેરે પણ એટલાં જબરદસ્ત હતાં કે તેને તરત તેની ઇચ્છાનુસારની નોકરી પણ મળી ગઈ. હવે કહો કે આટલા વર્ણન પરથી તમને આ છોકરાનું ભવિષ્ય કેવું જણાય છે?
ADVERTISEMENT
બાળક વિજયંત મમ્મી તૃપ્તા સાથે.
હવે ફરી આપણી મૂળ વાત પર આવીએ. ૧૯૭૬ની સાલના આખરના દિવસો, ૨૯ ડિસેમ્બર, જ્યારે પંજાબના નાંગલમાં રહેતા એક પરિવારના ઘરે દીકરાનો જન્મ થયો. મા-બાપે દીકરાનું નામ રાખ્યું રૉબિન! રૉબિનને બાળપણથી જ પરિવાર તરફથી વારસામાં અને સંસ્કાર તરીકે પણ તેના વંશજોની બહાદુરી અને તેમની દેશ પ્રતિ સમર્પણની ભાવના મળી હતી. દીકરો ભણતર યોગ્ય ઉંમરે પહોંચ્યો એટલે મા-બાપે તેનું સ્કૂલમાં ઍડ્મિશન કરાવ્યું. સ્કૂલનું ભણતર પૂર્ણ કરી રૉબિન હવે તેને મળેલા સંસ્કારોને જ અનુસરતાં ‘ઇન્ડિયન મિલિટરી ઍકૅડેમી’માં (IMA) ઍડ્મિશન મેળવી લે છે. ૧૯૯૮ની સાલમાં રૉબિન જબરદસ્ત પર્ફોર્મન્સ અને રિઝલ્ટ સાથે ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવે છે. આ સમયે તે તેજતર્રાર યુવાનની ઉંમર ૨૨ વર્ષ. જે વર્ષમાં ગ્રૅજ્યુએટ થયો એ વર્ષ પૂર્ણ પણ નહોતું થયું અને ત્યાં ડિસેમ્બર આવતાં સુધીમાં તો રૉબિન ઇન્ડિયન આર્મીમાં પોતાનું રિક્રૂટમેન્ટ કબજે કરી લે છે. શા માટે? રૉબિનના પિતા એક આર્મી ઑફિસર છે, રૉબિનના દાદા પણ એક આર્મી ઑફિસર હતા. અને એ જ નકશે કદમ પર હવે દાદાનો પૌત્ર, બાપનો ગૌરવાન્વિત દીકરો પણ આર્મી ઑફિસર બનવા જઈ રહ્યો હતો. કૉલર ચડાવી, ઉન્નત મસ્તકે પિતાએ તેના દીકરાને ઇન્ડિયન આર્મીની જ એક ટૅન્ક પરથી એક નવું નામ આપ્યું, વિજયંત!
હવે આપણે આગળ કહેલી બન્ને વાતનો સંદર્ભ મેળવી શકો છો? પેલા જૈફ વયના વડીલ જ્યાં રહે છે ત્યાંના નોએડામાં ઍન્ક્લેવનું, પાર્કનું, એ રોડનું અને ચોકનું પણ જે નામ છે, કૅપ્ટન વિજયંત થાપર એ બીજું કોઈ નહીં, આર્મી ઑફિસર્સના વંશજ એ જ રૉબિન જેનું બીજું નામ છે વિજયંત. ચાર રસ્તે બનતા સર્કલનું નામ પણ આ વિજયંતના નામ પરથી વિજયંત થાપર ચોક પડ્યું અને પેલા વડીલનું કાર્યસ્થળ એટલે કે વિજયંત થાપર પેટ્રોલ પમ્પ પણ તેમના જ નામ પરથી. હવે આ વડીલ એટલે કોણ જાણો છો? કર્નલ વી. એન. થાપર! અર્થાત્ કૅપ્ટન વિજયંત થાપરના પિતા, જે છેલ્લાં ૨૬ વર્ષોથી ચૂક્યા વિના એક નિયમ પાળી રહ્યા છે. દર વર્ષે ૧૯૯૯ની સાલમાં ભારત અને પાકિસ્તાનનું જ્યાં યુદ્ધ થયું હતું એ કારગિલમાં આવેલા એક મંદિરે જવાનો નિયમ.
૬ વર્ષની રુકસાના સાથે કૅપ્ટન વિજયંત થાપર, કૅપ્ટન વિજયંતના પિતા ૨૦૧૫માં રુકસાનાને મળ્યા ત્યારની તસવીર, શહીદ કૅપ્ટન વિજયંત થાપર ઉર્ફ રૉબિન.
તેજીલા તોખાર સમું જોમ ધરાવતો જોશીલો રૉબિન વિજયંત તરીકે ઇન્ડિયન આર્મી, 2 રાજપૂતાના રાઇફલ્સમાં રિક્રૂટમેન્ટ મેળવે છે. માત્ર ૨૨ વર્ષનો તરવરિયો યુવાન, જે બાળપણથી બાપ અને દાદાના શરીરે ભારતીય ફોજનો યુનિફૉર્મ જોતાં મોટો થયો હતો એ પોતે પણ હવે ઉન્નત મસ્તકે એ જ યુનિફૉર્મ ધારણ કરવાનો હતો. ૧૯૯૮ની સાલનો ડિસેમ્બર મહિનો, વિજયંત થાપર ભારતીય સેનામાં ઑફિસર તરીકે રિક્રૂટ થાય છે. ડ્યુટી જૉઇન કર્યાને હજી પાંચ મહિના પણ પૂર્ણ નહોતા થયા ત્યાં આર્મી હેડક્વૉર્ટરથી એક તાકીદનો મેસેજ આવે છે. કૅપ્ટન વિજયંત થાપરને ઑર્ડર ફરમાવવામાં આવે છે કે ૧૨ જવાનોની એક ટુકડીને લીડ કરી તેમણે જમ્મુ-કાશ્મીરના અત્યંત દુર્ગમ સ્થળે પહોંચવાનું છે. નાલાયક અને હરામખોર પાડોશીના શ્રાપ સાથે જીવતા આપણને એ જ પાડોશી આતંકિસ્તાને ફરી એક વાર એની ફિતરત દેખાડી હતી. જમ્મુ-કાશ્મીરની એ દુર્ગમ ચોટી પર ચોટ્ટા આતંકિસ્તાને ગેરકાયદે કબજો કરી લીધો હતો. ભારતની શિરમોર એ ચોટી એટલે કારગિલ! કૅપ્ટન વિજયંતને કહેવામાં આવ્યું કે તેમણે 2 રાજપૂતાના રાઇફલ્સના ૧૨ જવાનોની એક ટુકડીને લીડ કરવાની છે અને પહોંચી જવાનું છે કારગિલ સેક્ટરમાં.
તારીખ હતી ૨૫ મે, ૧૯૯૯. તેમના યુનિટને કહેવામાં આવ્યું કે દ્રાસના ટૉલોલિંગ, ટાઇગર હિલ અને એની આસપાસના વિસ્તારોમાં આતંકિસ્તાનની આર્મીએ ગેરકાયદે કબજો જમાવી લીધો છે. કૅપ્ટન વિજયન્તે તેમની ટુકડી સાથે મળી ત્યાં એ ઘૂષણખોર સુવ્વરો સામે યુદ્ધ લડવાનું હતું. સિંહણ સમી મા તૃપ્તા થાપરનું દૂધ પીને મોટા થયેલા એ સિંહની નસોમાં તો આમેય બાપ અને દાદાના સંસ્કારનું લોહી દુશ્મનના દાંત ખાટા કરવા માટે ઉછાળા મારી રહ્યું હતું. વિજયંત તેમના ૧૨ સિંહોની ટોળી સાથે પહોંચી ગયા વિશ્વના સૌથી દુર્ગમ એવા રણમેદાનમાં. સિંહની ત્રાડ સમ રણશિંગુ ફૂંક્યું અને કૅપ્ટને તો શરૂ કરી લોખંડી હાથોમાં પકડાયેલી રાઇફલમાંથી ગોળીઓની વર્ષા. ૧૯૯૯ની ૧૨ જૂનના દિવસે વિજયંતને ઑર્ડર મળ્યો કે તેમણે ત્રણ હિલ્સ કે જ્યાં દુશ્મને પોતાનાં બંકર બનાવ્યા છે એ ફરી કબજે કરવા માટે પ્લાટૂનનું નેતૃત્વ કરવાનું છે. થ્રી પિમ્પલ્સ, નોલ અને લોન હિલ. ૨૮ જૂન, ૧૯૯૯નો એ દિવસ જ્યારે કૅપ્ટન વિજયંત નોલ પર વિજય મેળવવામાં સફળ રહે છે. પાકિસ્તાની ઘૂસણખોર સૈનિકોને ભગાડી લોન હિલ્સનો એ વિસ્તાર લશ્કરના એ લોખંડી હાથ ફરી એક વાર ભારત હસ્તક સુરક્ષિત કરી લે છે. પરંતુ અંધાધૂંધ થઈ રહેલી ગોળીબારીમાં ભારતનો એ સપૂત કૅપ્ટન વિજયંત શહીદ થઈ જાય છે.
જુવાનજોધ દીકરો ગુમાવ્યાના રંજ સાથે જિંદગીભર આંખોના ખૂણા ભીના રાખી, નિરાશ થઈ જીવવા કરતાં તેને યાદ કરી ઉન્નત મસ્તકે જીવવા ટેવાયેલાં ગૌરવાન્વિત મા-બાપ કર્નલ વી. એન. થાપર અને તૃપ્તા થાપર કહે છે, ‘મેં તેનું નામ આર્મી બૅટલ ટૅન્ક વિજયંત પરથી રાખ્યું હતું, જેનો અર્થ થાય છે અંતે વિજયી! અને જુઓ મારા દીકરાનું યુનિટ, 2 રાજપૂતાના રાઇફલ્સનું સૂત્ર પણ ‘એવર વિક્ટોરિયસ’ જ હતું.’
બીજાં કોઈ સામાન્ય પિતાની જેમ નિરાશ થઈ રડવાનું પસંદ નહીં કરતા એ પિતા કહે છે કે મારા દીકરાનું મોત આથી વધુ સારું હોઈ ન શકે!
૧૯૯૯ના આતંકિસ્તાન સામેના એ યુદ્ધમાં સામી છાતીએ લાડવા બદલ આપણા એ બહાદુર યોદ્ધા - સ્વર્ગસ્થ કૅપ્ટન વિજયંત થાપરને તેમની સેવા માટે (મરણોત્તર) વીર ચક્ર આપવામાં આવ્યો. દ્રાસની જે પહાડી પર ૪૭૦૦ ફુટ ઊંચે વિજયંત જ્યાં શહીદ થયો હતો એ જગ્યાએ તેના પિતા વીરેન્દ્રએ એક નાનકડી દેરી જેવું બનાવ્યું છે. અહીં દર વર્ષે દીકરાની તિથિએ શહીદ દીકરાને સ્મરણાંજલિ આપવા માટે તેઓ આ મંદિરની યાત્રા કરે છે. હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને આટલું ચડાણ કરવાનું કપરું થઈ રહ્યું છે, પરંતુ પિતાનું કહેવું છે કે દેશ માટે શહીદ દીકરાની અંતિમ ઇચ્છા હું મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી પૂરી કરીશ.
આજે જ્યારે આતંકિસ્તાનની નાલાયકી સામે ભારતે કરેલા રિટૅલિએશનને એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે વીર સપૂત એવા વિજયંતે તેમનાં મા-બાપને લખેલો એ પત્ર યાદ આવે છે, જેને અનુસરતાં આજે પણ એ બાપ ચૂક્યા વિના દર વર્ષે કારગિલ સેક્ટરના એ મંદિરે જાય છે અને પોતાના દીકરાને શ્રદ્ધાંજલિ આપે છે. પિતા વીરેન્દ્રએ દીકરાનો એ પત્ર ખૂબ પ્રેમથી સંજોવીને રાખ્યો છે. દીકરાના એ આખરી શબ્દોને જે માત્ર ૨૨ વર્ષના યુવાન એવા દીકરાને મોઢે બોલાયા તો નહોતા પરંતુ સ્વહસ્તે લખાયા હતા. ‘મને કોઈ અફસોસ નથી, હકીકત તો એ છે કે હું ફરીથી માણસ તરીકે જ જન્મીશ, ફરી સેનામાં જોડાઈશ અને મારા રાષ્ટ્ર માટે લડીશ!’ ખુમારી અને બહાદુરીભર્યા આ શબ્દો એક એવા યુવાનના છે જે માત્ર ૨૨ વર્ષનો હતો. આખાય પત્રમાં ક્યાંય ઉદાસી કે નિરાશાની વાત તો છોડો ઉપરથી સવામણ ગૌરવથી છાતી ગજગજ ફુલે અને પાનો ચડે એવા શબ્દો લખે છે.
દીકરાએ પત્રમાં લખેલી વાતને પિતા રિટાયર્ડ કર્નલ વી. એન. થાપર આજે પણ વિના કોઈ ચૂક પાળે છે. દર વર્ષે તેઓ કારગિલના યુદ્ધ મંદિરે જાય છે અને દીકરાના ફોટાને શ્રદ્ધાંજલિ આપતાં ઉન્નત મસ્તકે એ ચોટી તરફ નજરો ઘુમાવે છે જ્યાં તેમના દીકરાએ જીતીને તિરંગો લહેરાવ્યો હતો.
માત્ર ૨૨ વર્ષના હોવા છતાં માતા-પિતાને લખેલા આ છેલ્લા પત્રમાં મહાન શહીદ વિજયંત થાપર કેટલા મૅચ્યોર્ડ, કેટલા દૂરંદેશી અને કેટલા મહાન બહાદુર જણાઈ આવે છે! આ એવી ઉંમર છે કે જ્યારે બીજા સામાન્ય યુવાનોને તો હજી તેમણે જિંદગીમાં શું કરવું છે અને શું કરવું જોઈએ એ વિશે પણ ઠીકઠાક ક્લૅરિટી નથી હોતી. ત્યારે વિજયંત જેવા પનોતા પુત્રો હસતા મોઢે દેશ પર ફના થઈ જવાનું પસંદ કરતા હોય છે. નતમસ્તક. સૅલ્યુટ. અને જન્મોજન્મના અમે તમારા ઋણી છીએ વીર વિજયંત! વંદે માતરમ!
પત્ર
પ્રિય પપ્પા, મમ્મી અને દાદી,
તમને જ્યારે આ પત્ર મળશે ત્યારે હું તમને બધાને આકાશમાંથી અપ્સરાઓના આતિથ્યનો આનંદ માણતાં-માણતાં જોઈ રહ્યો હોઈશ. મને કોઈ અફસોસ નથી, હકીકતમાં તો હું ફરીથી માણસ તરીકે જ જન્મીશ, હું સેનામાં જોડાઈશ અને ફરી મારા રાષ્ટ્ર માટે લડીશ!
જો તમે કરી શકો તો એટલી કૃપા કરજો કે આવતી કાલે અહીં આવજો અને જોજો કે ભારતીય સેના તમારા માટે ક્યાં લડી હતી.
જ્યાં મારું આખુંય યુનિટ બહાદુરીપૂર્વક લડ્યું છે. આપણા દેશની નવી પેઢીને આ બલિદાન વિશે જણાવવું જોઈએ. મને આશા છે કે મારો ફોટો પણ ‘એ’ વૉર મંદિરમાં રાખવામાં આવશે. મારા દેશની જમીન પાછી મેળવવા માટે મેં અને મારા યુનિટના દરેક જવાને તેના શરીરના એક-એક અંગ દ્વારા જેટલું થઈ શકતું હતું એ બધું જ કર્યું છે.
અનાથાશ્રમમાં થોડા પૈસા દાન કરજો અને દર મહિને રુકસાનાને ૫૦ રૂપિયા આપતા રહેવાનું ભૂલતા નહીં. યોગીaબાબાને મળતા રહેજો. બિન્દિયાને શુભકામનાઓ. આપણા પુરુષોના આ બલિદાનને ક્યારેય ભૂલશો નહીં. પપ્પા તમને ગર્વ થવો જોઈએ, મમ્મી, જો તમે **** (હું તેને પ્રેમ કરતો હતો)ને મળી શકો તો મળજો.
મામાજી, મેં કરેલાં બધાં ખોટાં કાર્યો માટે મને માફ કરજો. ઠીક, તો હવે મારા એ ધમાલિયા બાર સાથીઓના કુળ સાથે જોડાવાનો સમય આવી ગયો છે, મારી હુમલો કરનારી પાર્ટીમાં ૧૨ સભ્યો છે.
બેસ્ટ ઓફ લક ટુ યુ ઑલ,
લિવ લાઇફ કિંગ સાઇઝ!
તમારો રૉબિન.
સૈનિકનું કમિટમેન્ટ
૧૯૯૯માં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રહેતી ૬ વર્ષની રુકસાનાના પિતાને આતંકવાદીઓએ મારી નાખ્યા. આ ઘટના જોઈને ૬ વર્ષની માસૂમ એટલી ડરી ગયેલી કે તે બોલવાની ક્ષમતા જ ગુમાવી બેઠી. એ જ વર્ષે કૅપ્ટન વિજયંત થાપરની કુપવાડામાં પોસ્ટિંગ હતી. તેaમને આ છોકરી વિશે ખબર પડતાં રોજ તેને મળવા સ્કૂલ જવાનું શરૂ કર્યું. મીઠાઈ અને ચૉકલેટ લઈને સ્કૂલનાં બાળકોમાં વહેંચતા કૅપ્ટન વિજયંત સાથે રુકસાનાને સારી દોસ્તી થઈ ગઈ. કૅપ્ટને તેની સારવાર પણ કરાવી અને ધીમે-ધીમે એ ટ્રૉમામાંથી બહાર આવે એ માટેના પ્રયત્ન શરૂ કર્યા. તેણે બોલવાનું પણ શરૂ કર્યું. જોકે એ જ વર્ષે કૅપ્ટન વિજયંતને કારગિલના યુદ્ધમાં જોડાવાનું થયું. આ બાળકી સાથે તેનો એટલો ગાઢ સંબંધ બની ગયેલો કે તેમણે પોતાના પરિવારને લખેલા પત્રમાં પણ એનો ઉલ્લેખ કરેલો અને જો પોતે ન રહે તો આ છોકરીને દર મહિને પૈસા મોકલતા રહેવાની વિનંતી કરેલી. ૮૦ વર્ષના કર્નલ વીરેન્દ્ર થાપરે આજે પણ એ શિરસ્તો જાળવી રાખ્યો છે. ૨૦૧૫માં તેઓ રુકસાનાને મળ્યા પણ હતા.

