Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > ચાલીસ વરસ ચીનમાં રહેનાર રતનજી વાછાએ લખ્યો મુંબઈ વિશે ૮૦૦ પાનાંનો ગ્રંથ

ચાલીસ વરસ ચીનમાં રહેનાર રતનજી વાછાએ લખ્યો મુંબઈ વિશે ૮૦૦ પાનાંનો ગ્રંથ

16 September, 2023 02:06 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ઈ. સ. ૧૭૦૯ના ડિસેમ્બરની ૧૫મી તારીખે બનાજી શેઠે પોતે બંધાવેલી આ અગિયારી પોતે જ પરઠાવી હતી. એની બાજુમાં ૮૪ ઝાડવાળી એક વાડી હુતી. એની માલેકી કૅપ્ટન જૉન ટેલરની હુતી

બે અફીણી ચીનાઓ ચલ મન મુંબઈનગરી

બે અફીણી ચીનાઓ


સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.
પાત્રો : રતનજી ફરામજી વાછા 
(૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઑગસ્ટ, ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ. 
દી.મ. : પધારો વાછાશેઠ. બનાજી લીમજી અગિયારીના ઓટલે આપને આવકારું છું પણ મને એક સવાલ થાય છે, મળવા માટે આપે આ જગ્યા કેમ પસંદ કરી?
વાછા શેઠ : કારણ એ કે આય બનાજી લીમજી અગિયારી તે મુંબઈ શહેરની જૂનામાં જૂની અગિયારી છે. છેક ઈ. સ. ૧૭૦૯ના ડિસેમ્બરની ૧૫મી તારીખે બનાજી શેઠે પોતે બંધાવેલી આ અગિયારી પોતે જ પરઠાવી હતી. એની બાજુમાં ૮૪ ઝાડવાળી એક વાડી હુતી. એની માલેકી કૅપ્ટન જૉન ટેલરની હુતી. પણ ૧૭૧૦ના ઑક્ટોબરની ૨૪મી તારીખે સરકારે એ જાગો લીલામમાં વેચવા કાઢી હુતી. પોતાના ભાઈ નવરોજજીના નામ પર બનાજીશેઠે ૩૨૮ રૂપિયા, આઠ આના અને આઠ પૈની ગંજાવર રકમ આપી તે ખરીદી લીધી હુતી. પછી તો ધીમે-ધીમે એ વાડીની જગોએ પારસીઓનાં મકાન બંધાયાં. રસ્તો બનિયો. આજે બી એ રસ્તો બનાજી સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. 
દી.મ. : એટલે આપણે જેની બહાર બેઠા છીએ તે ઇમારત ૩૦૦ વરસ કરતાં વધુ જૂની છે? 
વાછ શેઠ : હા જી, ૩૧૪ વરસ જૂની. આજે મુંબઈમાં આટલી જૂની ઇમારત બીજી કોઈ ભાગ્યે જ હશે.
દી. મ. : પણ એક વાત નથી સમજાતી. આ અગિયારી બહારથી જોતાં એની બાંધણી કિલ્લા જેવી કેમ લાગે છે?
વાછા શેઠ : અંગ્રેજોની પહેલાં અહીં કોનું રાજ હુતું? પોર્તુગીઝોનું. અને એ લોક બીજા ધરમનાં થાનકો તોડવા માટે નામીચા હુતા. એટલે કદાચ આવી બાંધણી કરી હોસે. 
દી.મ. : વાછા શેઠ! હવે થોડી વાત તમારે વિશે કરીએ. ગુજરાતથી આવીને જે પારસી ખાનદાનો મુંબઈમાં વસ્યાં એમાંનાં જૂનામાં જૂનાં ખાનદાનોમાંનું એક તે આપનું વાછા ખાનદાન.
વાછા શેઠ : તમારી વાત સાચી છે મહેતા. અમે મૂળે નવસારીના. અમારા વડવાઓના વંશમાં ત્રીજા તે વાછા શેઠ. એવનના નામ પરથી જ અમારું ખાનદાન પછીથી ઓળખાયું. અમારો બાપીકો ધંધો થેપાડું વણવાનો.
દી.મ. : થેપાડું એટલે? 
વાછા શેઠ : એટલે જાડું કાપડ. મરદો અને ઓરતો, બંને એ કમરની નીચે પહેરે. એટલે કે ધંધે અમે મૂળ વણકર. વાછા શેઠના બેટા મેહેરજીનો જનમ ઈ. સ. ૧૬૫૧માં, બેહસ્તનશીન થયા ૧૭૧૦માં. તેમનો બી ધંધો તો વણકરનો અને રહેણાક નવસારી, પણ વણેલું કાપડ લઈને એવન એ વેચવા ઈ. સ. ૧૬૭૬માં પહેલી વાર મુંબઈ આવિયા અને એ પછી બી નવસારીથી મુંબઈના આંટાફેરા કરતા. એટલે કે ૧૬૭૬થી અમારું ખાનદાન આય શહેર સાથે જોડાયું. મેહેરજી શેઠના બેટા માણેકજી, તેમના બેટા જમશેદજી અને તેમના બેટા જીજીભાઈએ પણ આય રીતે મુંબઈના આંટાફેરા કરવાનું ચાલુ રાખ્યું હુતું. પણ જીજીભાઈના બેટા એદલજી શેઠ જરા જુદી માટીના નીકળ્યા. ના એવનને ખાનદાની વણકરનો ધંધો કબૂલ હુતો, ના નવસારીમાં રહેવાનું પસંદ હુતું. એટલે જીજીભાઈ અને એદલજી વચ્ચે મોટો ટંટો થિયો. જીજીભાઈએ ઘર છોડ્યું, નવસારી છોડ્યું અને આવી વસ્યા મુંબઈ. એ વરસ હુતું ઈ. સ. ૧૭૬૩નું. ત્યારથી અમારું ખાનદાન મુંબઈનું બનિયું.
દી.મ. : પણ આપ તો ઘણાં બધાં વરસ મુંબઈથી જ નહીં, હિન્દુસ્તાનથી પણ દૂર રહ્યા.
વાછા શેઠ : હા જી. વેપાર માટે મેં પૂરાં ચાલીસ વરસ ચીનમાં ગુજાર્યાં.
દી.મ. : શાનો વેપાર?
વાછા શેઠ : જુઓ મહેતા! ૧૯મી સદીમાં ચીન સાથેના પારસીઓના વેપારની વાત આવે એટલે સમજવાનું કે અફીણનો વેપાર. ચીન મોકલવા માટે પૂર્વ હિન્દુસ્તાનમાં ખાસ અફીણ ઉગાડવા માટે એ વખતની અંગ્રેજ સરકાર મદદ કરતી. અહીંથી અફીણ ચીન જાય અને ત્યાંથી રેશમી કાપડ, ચા, તેજાના વગેરે હિન્દુસ્તાન આવે. કારણ ચીનના બાદશાહે એવો હુકુમ કરેલો કે જેટલું અફીણ ચીનમાં આવે એટલી રકમનો ચીની માલસામાન ચીનથી પરદેશ જવો જોઈએ. જોકે એમાં બી વેપારીઓ ઘણી વાર દોંગાઈ કરતા. અફીણ ચીન જાય ખરેખર, પણ ચીની માલસામાન આવે ફક્ત કાગળ પર.
દી.મ. ઃ અને સાંભળ્યું છે કે ચીન અને બ્રિટન વચ્ચે ‘ઓપિયમ વૉર’ પણ થયેલી.
વાછા શેઠ : સાવ સાચું. અને એ ઓપિયમ વૉર મેં નજરોનજર જોયેલી.
દી.મ. : એટલે એ વખતે આપ 
ચીનમાં હતા?
વાછા શેઠ : હા, બાવા!  અને એક નહીં, બે ઓપિયમ વૉર થયેલી.
દી.મ. : પણ કારણ? 
વાછા શેઠ : કારણ ચીની બાદશાના ધ્યાનમાં એ વાત વસી ગઈ કે પરદેશથી આવેલું આ ઓપિયમ દેશના લોકોની પાયમાલી કરે છે. એટલે ગોદામો પર છાપા મારી જેટલું અફીણ જ્યાંથી બી મલિયું એ જપ્ત કરી એનો જાહેરમાં નાશ કીધો. પછી જાહેરાત કીધી કે હવે પછી કોઈની બી પાસેથી અફીણ મલી આવસે તો તેને સજા એ મૌત ફરમાવવામાં આવસે. આથી બ્રિટિશ અરકાર ચોંકી ઊઠી અને કહ્યું કે બ્રિટન અને ચીન વચ્ચે ‘મુક્ત વેપાર’ અંગેનો કરાર છે એનો ભંગ થાય છે. પણ ચીની બાદશાહ માનિયા નહીં, એટલે પહેલી ઓપિયમ વૉર ૧૮૩૯માં શુરુ થઈ અને ૧૮૪૨ સુધી ચાલી. ગ્રેટ બ્રિટને ૧૯ હજાર સૈનિકોની ફોજ ચીન સામે ઉતારી. એમાં પાંચ હજાર સૈનિકો હિન્દુસ્તાની લશ્કરના બી હુતા અને સિલોનના બે હજાર સૈનિક હુતા. ૩૭ વહાણોમાં આ બધો કાફલો પહોંચ્યો ચીન. બ્રિટનની આ જંગી સેના સામે ચીન ટકી શકે એમ હુતું જ નહીં. હાર્યું. બ્રિટિશ સરકારે હારેલા ચીન સાથે ‘ટ્રીટી ઑફ નાનકિંગ’ કરી. એની જોગવાઈ પ્રમાણે ચીન-બ્રિટન વચ્ચેના ‘મુક્ત વેપાર’ને ચીને બહાલી આપી. જેમનાં ગોદામોમાંથી અફીણ જપ્ત કરેલું તેમને મોં-બદલો આપવાનું કબૂલ્યું અને આ બધું ઓછું હોય એમ હૉન્ગકૉન્ગનો ટાપુ અંગ્રેજોને સુપુર્દ કીધો. 
દી.મ. : ઓહોહો! એટલે કે હૉન્ગકૉન્ગ બ્રિટિશરોના હાથમાં આવ્યું તે આ ઓપિયમ વૉરને કારણે!
વાછા શેઠ : હા. અને બીજી એક વાત કેહું. પહેલી ઓપિયમ વૉર પછી ચીનના બાદશાહ અને બ્રિટિશ સરકાર વચ્ચેના કરાર પર જે સહી-સિક્કા થિયા તે ૧૮૪૨ના ઑગસ્ટની ૨૯મી તારીખે એચએમએસ કૉર્નવોલિસ નામના જહાજ પર. અને આ જહાજ બંધાયું હુતું આપણી આ મુંબઈમાં! સુરતથી આવીને મુંબઈમાં વહાણ બાંધકામનો પાયો નાખનાર લવજીભાઈ વાડિયાની કંપનીએ આ જહાજ મુંબઈમાં બાંધ્યું હુતું અને ૧૮૧૩ના મે મહિનાની ૧૨મી તારીખે તેને તરતું મેલ્યું હુતું. સાગના લાકડાના બનેલા આ જહાજ પર ૭૪ તોપ ગોઠવેલી હુતી. વખત જતાં આ જહાજને લડાઈમાંથી બાકાત કરવામાં આવેલું. પણ બીજી જુદી-જુદી રીતે એનો ઉપયોગ થતો હુતો. છેક ૧૯૫૭માં એને ભંગારવાડે મોકલવામાં આવ્યું. 
દી.મ. : ચાલીસ વરસ ચીનમાં રહ્યા પછી આપ માદરે વતન પાછા આવ્યા? કારણ?
વાછા શેઠ : ચીન જવાનું કારણ વેપાર અને પાછા આવવાનું કારણ બી વેપાર. બલકે વેપારમાં ગયેલી ખોટ. 
દી.મ. : વાછા શેઠ! આપ પોતે તો આ વાત નહીં કહો, પણ સાંભળ્યું છે કે ચીન હતા ત્યારે એક નેક અને પાક ઇન્સાન તરીકે આપની ઘણી આબરૂ હતી. હિસાબ-કિતાબમાં અને વેપારી આંટીઘૂંટીમાં પણ આપ માહેર હતા અને એટલે ઘણી વાર દેશી અને ચીની વેપારીઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે એમાં લવાદ તરીકે કામ કરતા. આથી ચીની વેપારીઓ આપને મૅન્ડેરિન એટલે કે ન્યાયાધીશ તરીકે ઓળખતા.  
વાછા શેઠ : જુઓ મહેતા. પેલા નરસી મહેતાએ ગાયું છેને કે : 
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે. 
ખોદાયજીએ જે વખતે જે કામ કરાવિયું એ વખતે તે કામ કીધું. 
દી.મ. : પણ મુંબઈ આવ્યા પછી પણ આપે એક મોટું કામ કર્યું.
વાછા શેઠ : હું ભલે લાંબો વખટ ચીન રહ્યો, પણ મારી આ મુંબઈને હું ચાહતો હુતો. કેટકેટલાં ખાનદાનના કેટલા બધા નબીરાઓએ પસીનો પાડીને આય મુંબઈ શહેરનું ઘડતર કરેલું છે. એવાં કેટલાંક ખાનદાનોની વાતો, જેટલી મળી, જ્યાંથી બી મળી એ બધી ભેગી કરીને મેં બનાવી ‘મુંબઈનો બહાર’ નામની ચોપડી. નાનાભાઈ રુસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈને એ ૧૮૭૪માં બહાર પડી.
દી.મ. : વાછા શેઠ! નમનતાઈને સબબ તમે તેને ચોપડી કહો છો, પણ હકીકતમાં તો એ છે મોટા કદનાં ૮૦૦ જેટલાં પાનાંનો મોટો ગ્રંથ. અને એ પાછો પહેલો ભાગ. પણ મેં જેમને બી પૂછ્યું કે આ ગ્રંથનો બીજો ભાગ ક્યાં? તો કહે છે કે એ છપાયો જ નહોતો! એમ કેમ? 
વાછા શેઠ : એક ભાગ લખાયો અને છપાયો એ ખોદાયજીની મરજીથી. અને બીજો ભાગ લખાયો અને છપાયો નહીં એ બી ખોદાયજીની મરજીથી. તમે પેલો દુહો તો સમજ્યો હોસે :
સાઇઆ સે સબ કુછ હોત હૈ, બંદે સે કછુ નાહી
રાઈ કો પરબત કરે, પરબત બાગે જ માહી
દી.મ. ઃ હાજી, સાંભળ્યો છે. અને આ દુહાને આધારે તો રમણભાઈ નીલકંઠે ‘રાઈનો પર્વત’ નામનું નાટક છેક ૧૯૧૩માં લખેલું. પણ આપે પંચાંગ પોથી નામનું એક પુસ્તક ૧૮૭૪માં છપાવેલું તે શું હતું?
વાછા શેઠ : એમાં ૧૨૫ વરસનું પંચાંગ કહેતાં કૅલેન્ડર હુતું. સંવત ૧૮૦૧થી સંવત ૧૯૨૭ સુધીના વરસની હિંદુ, ઈસાઈ, પારસી, ઇસ્લામી તથા ચિનાઈ તારીખો અને મહિનાઓના જુદા- જુદા કોઠા એકબીજાને મુકાબલે મેળવીને મૂક્યા હતા. તથા આ બધી કાળગણનાની કેટલીક ખાસ બાબતો બી જણાવી હુતી. આય પુસ્તક છપાયું એ આગમ આપણા બીજા કોઈ પંચાંગમાં ચિનાઈ તારીખો આપેલ હુતી નૈ. 
દી.મ. : તમે તો નહીં બોલો પણ સાંભળ્યું છે કે આ પંચાંગ પોથીના હાથે લખેલાં લગભગ એક હજાર પાનાં તમે જાતે, પંડે, પોતે લખ્યાં હતાં. અને કહે છે કે આ આખી હસ્તપ્રતમાં ક્યાંય એક પણ સુધારો કરેલો નહોતો. કે ક્યાંય નહોતો એક પણ ડાઘ. આ હસ્તપ્રત ૧૯૩૨માં બૉમ્બે બ્રાન્ચ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી (આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ)ને આપના વારસોએ ભેટ આપી હતી. 
વાછા શેઠ : ફરી મારે તો એ જ કહેવાનું, ખોદાયજીની મહેરબાની.
દી.મ. : વાછા શેઠ. આપના ‘મુંબઈનો બહાર’ ગ્રંથ વિશે ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ છે. પણ એ હવે આવતા શનિવારે. 

 


16 September, 2023 02:06 PM IST | Mumbai | Deepak Mehta

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK