બૉક્સ ક્રિકેટ લીગની ત્રણેય સીઝન રમી ચૂકેલો ગુલશન માને છે કે તમે હેલ્ધી હો તો આપોઆપ જ તમારો કૉન્ફિડન્સ અલગ લેવલ પર પહોંચી જાય
ગુલશન નૈન
‘ઓન્લી ફૉર સિંગલ્સ’, ‘ફિક્સર્સ’, ‘ઑલ અબાઉટ સેક્શન ૩૭૭’ જેવી વેબસિરીઝ અને ‘ફ્રેન્ડ્સ ઇન લૉ’ અને ‘લોન્લી ગર્લ્સ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો મૉડલ-કમ-ઍક્ટર ગુલશન નૈન ક્રિકેટનો જબરો શોખીન છે. બૉક્સ ક્રિકેટ લીગની ત્રણેય સીઝન રમી ચૂકેલો ગુલશન માને છે કે તમે હેલ્ધી હો તો આપોઆપ જ તમારો કૉન્ફિડન્સ અલગ લેવલ પર પહોંચી જાય
ફિટનેસ વિશે આજના સમયમાં પ્રેરિત કરી શકે એવું દુનિયામાં જુદા-જુદા પ્લૅટફૉર્મ પર ઘણું મળી જશે, પરંતુ એની સાચી વ્યાખ્યા અને સાચી રીત તમારે જાતે જ તમારી અંદર શોધવી પડશે. જે તમને તંદુરસ્ત રાખે એ તમારી ફિટનેસની વ્યાખ્યા હોવી જોઈએ એ બહુ જ સરળ વાત છે. બીજું એ પણ સમજવું જોઈએ કે ફિટ એટલે માત્ર શરીરથી જ નહીં, પણ મનથીયે અને ઇમોશન્સથી પણ. તમારી ફિટનેસની રીત મારી ફિટનેસની રીત કરતાં જુદી હોઈ જ શકે અને પોતે કઈ રીતે હેલ્થ મેળવે છે એની શોધ વ્યકિતએ જાતે કરવી પડે. જિમ અને ક્રિકેટ આ બે શબ્દમાં મારી તંદુરસ્તી આવી ગઈ. ફિઝિકલ અને મેન્ટલ બન્ને હેલ્થમાં તો એ ઉપયોગી છે જ; પણ ઇમોશનલ, સોશ્યલ, પ્રોફેશનલ અને ઇકૉનૉમિકલ હેલ્થ પણ મારી એના દ્વારા જળવાયેલી છે.
ADVERTISEMENT
લકીલી મારા દાદાજીના ટાઇમથી અમારા ઘરમાં વર્કઆઉટનું કલ્ચર છે. હું થર્ડ જનરેશન છું. કદાચ તેમના કારણે જ આ ઇન્ડસ્ટ્રીમાં નહોતો ત્યારે પણ વર્કઆઉટ વિનાનો મારો દિવસ નહોતો.
કામ લાગે છે પ્રોફેશન
મારાં નસીબ એટલાં સારાં છે કે હું જે પ્રોફેશન સાથે જોડાયેલો છું ત્યાં ફિટનેસ અને હેલ્થ તમારું ક્વૉલિફિકેશન ગણાય છે. હેલ્ધી બૉડી, માઇન્ડ અને લુક ત્રણ ન હોય તો મને કામ મળવામાં મુશ્કેલી પડે. ઍક્ટર માટે એ બ્લેસિંગ્સ જેવી બાબત છે મારી દૃષ્ટિએ. તમારું કામ તમને તમારી હેલ્થ જાળવવામાં કામ લાગતું હોય એનાથી બેસ્ટ શું હોઈ શકે? તમે માનશો નહીં પણ મારા પિતાજી અત્યારે ૬૦ વર્ષના છે અને તેમનું ફિઝિક કદાચ મારા કરતાં બહેતર છે. આજ સુધી મેં ગમે એવી ઇવેન્ટમાં પણ તેમને વર્કઆઉટ મિસ કરતા નથી જોયા. મારા તે હીરો છે. આવું ડેડિકેશન મને વારસામાં મળ્યું છે અને સાથે મારો પ્રોફેશન પણ ક્યાંક આજ પ્રકારનું કમિટમેન્ટને માગે છે. સાચું કહું તો મારા પણ ઉપરવાળાએ જબરી મહેરબાની કરી છે એવું હું માનું છું અને સતત એ વાત ફીલ પણ કરું છું.
ખાવાનું મહત્ત્વનું છે ભાઈ
ડાયટ આજકાલ લોકો માટે બહુ જ નેગેટિવ શબ્દ બની ગયો છે. ડાયટિંગ કરતા હશો એટલે તમે કેવી તકલીફો સહન કરતા હશો અને કેટલું જીવનમાં સૅક્રિફાઇસ કરતા હશો એવું મનાય છે. જોકે આ હકીકત નથી. ડાયટ એ શું ખાવું એનું મૅન્યુઅલ છે. પેઇન કે સૅડનેસ કચરો ખાવા બદલ હોવી જોઈએ, નહીં કે હેલ્ધી ખાવા બદલ. અનહેલ્ધી ખાઈને તમે હેલ્થને સૅક્રિફાઇસ કરો એ ક્યાંનો નિયમ છે? મારી દૃષ્ટિએ હેલ્થ ઇઝ ઑલ અબાઉટ ડાયટિંગ. શરીરને પૂરતાં પોષક તત્ત્વો મળે એવો આહાર ન લેતા હો તો તમારે આહાર જ છોડી દેવો જોઈએ. તમારું ડાયટ સંપૂર્ણ હોવું જોઈએ, જેમાં બધાં પોષક તત્ત્વોનું સંતુલન હોય અને તમારા બૉડીની તમામ રિક્વાયરમેન્ટ પૂરી થતી હોય.
વર્કઆઉટ કરો કે ન કરો, ડાયટનું ધ્યાન રાખવાનું એ નિયમ આજની દરેક વ્યક્તિએ આંખ મીંચીને લેવો જોઈએ. હું કૅલરી કાઉન્ટ સાથે નથી જમતો, પણ ઘરનું હેલ્ધી ખાવાનું ખાઉં છું એ જ મારો ડાયટ-ફન્ડા છે. મોટા ભાગે હું હેલ્ધી ફૂડનો શોખીન છું. પીટન બટર, દૂધ જેવું મારા ફેવરિટ લિસ્ટમાં છે જે ઇન્સિડન્ટ્લી હેલ્ધી પણ છે. જોકે એ સિવાય જન્કમાં ક્યારેક બર્ગર, આઇસક્રીમ અને સ્વીટ પણ ચાખી લઉં છું. પનીરની સબ્ઝી, છોલે મારી મમ્મીના હાથનું ભાવે અને એ પણ હેલ્ધી છે.
ગોલ્ડન વર્ડ્ઝ
ચાલો, ફરો, દોડો, કૂદકા મારો, ઊભા રહો, ઊઠક-બેઠક કરો. તમને જે ગમે એ કરો, પણ બસ શરીરને એક્સરસાઇઝ આપો. તમારી હેલ્થ માટેની અવેરનેસ તમને દરેક ક્ષેત્રમાં શાર્પ, કૉન્ફિડન્ટ અને ફોકસ્ડ રાખશે.

