મયંક કહે છે, ‘શરીરથી તમે હેલ્ધી હો પણ જો મનથી હેલ્ધી ન હો તો એની અસર તમારા કામથી માંડીને તમારી રિલેશનશિપ સુધ્ધાંમાં દેખાયા વિના રહે નહીં’
ફિટ & ફાઇન
મયંક મિશ્રા
‘મહારાણા પ્રતાપ’, ‘ઉડાન’, ‘રુદ્ર કે રક્ષક’, ‘રણભેરી’, ‘એક લક્ષ્ય’ જેવી અનેક સિરિયલો, વેબ-સિરીઝ અને અત્યારે એન્ડ ટીવીની ‘દૂસરી માં’માં દેખાતો મયંક મિશ્રા હેલ્થને બાબતમાં બેસાડવાની બાબતમાં એક્કો છે. મયંક કહે છે, ‘શરીરથી તમે હેલ્ધી હો પણ જો મનથી હેલ્ધી ન હો તો એની અસર તમારા કામથી માંડીને તમારી રિલેશનશિપ સુધ્ધાંમાં દેખાયા વિના રહે નહીં’
ગોલ્ડન વર્ડ્સ ફિટનેસ માત્ર બૉડી પર જ નહીં પણ કરીઅર ગ્રોથ અને નેટવર્કિંગમાં પણ પૉઝિટિવ રિઝલ્ટ આપવાનું કામ કરે છે.
ADVERTISEMENT
મારા પિતા દરરોજ યોગ કરે છે. મારાં મમ્મી પણ ઑલમોસ્ટ એવરી-ડે કંઈક ને કંઈક હેલ્થ બાબતની ઍક્ટિવિટી કરે, જેમાં વૉકિંગથી લઈ સાવ સિમ્પલ કહેવાય એવી દાદરની ઊતર-ચડ પણ કેમ ન હોય; પણ એ ઍક્ટિવિટી તે કરે જ કરે અને આ તો વર્ષોથી હું જોતો આવ્યો છું. તેમને જોઈને હું હેલ્ધી રહેતાં શીખ્યો અને આજે મને જોઈને મારો નાનો ભાઈ મોટિવેટ થઈ રહ્યો છે.
ફિટનેસ એટલે મારી દૃષ્ટિએ તમે તમારા જીવનનાં બધાં જ કૅરૅક્ટર બરાબર નિભાવો અને એટલે જ હું દૃઢપણે માનું છું કે મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ બન્ને મહત્ત્વનાં છે. તમારી વર્ક, સોશ્યલ અને પર્સનલ એમ ત્રણેય લાઇફમાં તમે મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી રીતે ટાસ્ક પૂરા કરી શકતા હો અને બન્ને બાબતમાં અનુકૂળ જીવન પણ જીવી શકતા હો એ તમારા ફિટ હોવાની નિશાની છે. ધારો કે શરીરથી તમે તંદુરસ્ત છો પણ મનથી દુખી હશો તો તમારી રિલેશનશિપમાં એ ઝળક્યા વિના નહીં રહે, તમારા કામ પર પણ એનું રિફ્લેક્શન પડશે અને તમારા સ્વભાવ પર પણ એની અસર દેખાશે અને એટલે જ તમને કહું છું કે માત્ર ફોર કે સિક્સ-પૅક ઍબ્સને ધ્યાનમાં રાખવાને બદલે ફિઝિકલી ફિટ પણ રહેજો જ.
આ પણ વાંચો : ઊંટનાં અઢારેઅઢાર અંગ વાંકાં
ભૂલો નહીં, નિયમિત રહો
ફિટનેસ એ વન ટાઇમ પ્રોસેસ નથી. એ સતત ચાલતી અને ધીમે-ધીમે પરિણામ આપતી લાઇફસ્ટાઇલ છે, જેને કારણે તમે પંદર દિવસ રોજ એક્સરસાઇઝ કરો અને પછી બધું સાઇડ પર મૂકીને પહેલાં હતું એવું બેઠાડુ જીવન શરૂ કરી દો તો એનાથી લાંબા ગાળે હેરાન થવાનું જ આવશે. ફિટનેસનો પહેલો અને અગત્યનો નિયમ છે, કંટાળ્યા વિના પ્રોસેસમાં લાગેલા રહો.
મારા રૂટીનની વાત કરું તો હું દરરોજ સવારે જિમમાં જાઉં. ધારો કે દિવસ બહુ હેક્ટિક ગયો હોય અને બીજા દિવસે સવારે ઊઠવાનું શક્ય ન બને તો ઘરે રહીને કાર્ડિયો કરું, શૂટિંગ પર જ્યારે પણ ટાઇમ મળે ત્યારે થોડું સ્ટ્રેચિંગ, પુશઅપ્સ કરી લઉં પણ મારી લાઇફસ્ટાઇલમાં ગોઠવાયેલા વર્કઆઉટને હું દૂર તો ન જ કરું એટલે ન જ કરું.
તમે જ્યાં હો, જે અવસ્થામાં હો ત્યાં, જો ઇચ્છા હોય તો તમે ફિટનેસ માટે સમય કાઢી જ શકતા હો છો. એના માટે જિમનું સેટ-અપ જરૂરી નથી. આ જે મેન્ટલ ફ્લેક્સિબિલિટી છે એ પણ હેલ્ધી માઇન્ડ હોય ત્યારે જ આવતી હોય છે. તમે મેન્ટલી જડ થઈ જાઓ કે હું તો આ જ કરું અને પેલું ન જ કરું એ મારી દૃષ્ટિએ અનહેલ્ધી માઇન્ડની નિશાની છે. હું યોગ પણ કરું, જિમ પણ કરું અને ક્યારેક મૂડ આવે તો યુટ્યુબ પર જઈને ઝુમ્બા પણ કરું. ક્યાંય કોઈ બંધિયારપણું નહીં. યાદ રાખજો, જડતા એ ડેડ-બૉડીની નિશાની છે. જો તમે જીવંત છો તો તમને સમયને અનુરૂપ બદલાવ કરતાં આવડવો જોઈએ. રોજ હેલ્થ માટે પિસ્તાલીસ મિનિટ મિનિમમ કાઢવાની એટલું મેં ફિક્સ રાખ્યું છે.
આ પણ વાંચો : મને યાદ નથી કે દસ વર્ષમાં મેં ક્યારે વર્કઆઉટ મિસ કર્યું
જે ખાઓ છો એવા જ બનો છો
તમારી કસરત શરીર પર ત્રીસ ટકા દેખાશે, પણ તમારો ખોરાક ૭૦ ટકા તમારા શરીર પર દેખાય છે. ડાયટિંગ એટલે જ મહત્ત્વની છે. જોકે અહીં પણ એ સમજી લો કે ડાયટિંગ એટલે જડતા નહીં. હું તો કાર્બ્સને અડું જ નહીં અથવા તો હું માત્ર પ્રોટીન જ લઉં એવું બિલકુલ નહીં કરવાનું. સિમ્પલ નિયમ રાખો કે બૅલૅન્સ્ડ ફૂડ પેટમાં જવું જોઈએ. તમારા શરીર અને એનર્જીની જરૂરિયાત મુજબ આહાર લો એ જરૂરી છે.
હું જનરલી બ્રેકફાસ્ટ હેવી કરું, લંચમાં પચાસ ટકા સૅલડ અને પચાસ ટકા અન્ય ફૂડ લઉં અને સાંજે પાછો નાસ્તો કરું. ડિનર મારું લાઇટ હોય અને કાં તો હું સ્કિપ કરું, પણ જો શૂટ હોય અને હું લો ફીલ કરતો હોઉં તો ક્યારેક જંક અથવા તો ઑઇલી ફૂડ પણ ખાઉં, પણ આ ક્યારેકની વાત છે અને આવું ક્યારેક માંડ બેત્રણ મહિને એકાદ વાર બનતું હશે અને એ પણ ફૂડ કન્ટ્રોલ સાથે. ડાયટમાં બૅલૅન્સ એ દરેક વ્યક્તિનો લાઇફ-મંત્ર હોવો જોઈએ.
આટલું માનજો તમે
ભલે તમે કોઈ પણ ફીલ્ડમાં હો, રોજ થોડો સમય તમારી જાત માટે કાઢો અને હેલ્થની દિશામાં ઍક્ટિવ રહો. યાદ રાખજો, ફિઝિકલી અને મેન્ટલી તમે હેલ્ધી હશો તો સમાજમાં તમારો જુદો જ પ્રભાવ પડશે. તમારો પોતાનો આત્મવિશ્વાસ તો સ્ટ્રૉન્ગ હશે જ પણ તમારા ચહેરાની ચમક અને કામને જોવાની તમારી દૃષ્ટિ પણ લોકોને ઇમ્પ્રેસ કરશે. જે પોતાની ફિટનેસ અને હેલ્થનું ધ્યાન રાખે એ બધી બાજુએ પોતાનું દાયિત્વ નિભાવવામાં સફળ થાય.