Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૪)

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૪)

Published : 15 December, 2024 09:02 AM | Modified : 15 December, 2024 09:14 AM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

જુહાપુરા વિસ્તારમાં પોતાની બહેનના ઘેર બેઠેલો રઝાક અબ્દુલ્લા ગુસ્સામાં બાબાસાહેબને ગાળો દઈ રહ્યો હતો, ‘કમીના હૈ સાલા. મેરા બચ્ચા, મેરા ભાઈ સબ બંદ હૈ... નહીં તો હું કોઈ દિવસ ન આવત.’

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


જુહાપુરા વિસ્તારમાં પોતાની બહેનના ઘેર બેઠેલો રઝાક અબ્દુલ્લા ગુસ્સામાં બાબાસાહેબને ગાળો દઈ રહ્યો હતો, ‘કમીના હૈ સાલા. મેરા બચ્ચા, મેરા ભાઈ સબ બંદ હૈ... નહીં તો હું કોઈ દિવસ ન આવત.’

‘પણ, તેને આટલા વર્ષે અચાનક તેના ભાઈને શોધવાની ધૂનકી કેમ ભરાઈ?’ માથે દુપટ્ટો નાખીને બેઠેલી તેની બહેને ચાની સાથે તાજા કબાબ તળ્યા હતા.



‘એ જ નથી સમજાતું.’ રઝાકે કહ્યું, ‘અત્યાર સુધી તે વારે-વારે ઝિક્ર કરતો હતો, શોધતો હતો તેના ભાઈને, પણ આવી રીતે મારું નાક બંધ કરીને, મોઢું ખોલાવવાની કોશિશ નથી કરી તેણે. કંઈ તો છે જેના માટે તે બેતાબ છે.’ રઝાક વિચારમાં પડી ગયો. તેણે કબાબનો ટુકડો મોઢામાં મૂક્યો અને ચા પીવા લાગ્યો.


‘તું કેવી રીતે શોધીશ?’ તેની બહેને ચિંતાથી પૂછ્યું. હમીદા છેલ્લાં ૪૦ વર્ષથી અમદાવાદમાં રહેતી હતી. બાબાસાહેબના હવાલાના પૈસા લેવા અને આપવા રઝાક પણ અવારનવાર અમદાવાદ આવતો. ક્યારેક મોટી રકમ હોય તો બાબાસાહેબનો કોઈ માણસ પણ સાથે આવતો. એ વખતે-ઠંડીના દિવસો હતા. રઝાકથી ભૂલમાં અમદાવાદની સ્વાદિષ્ટ વાનગીઓ વિશે કહેવાઈ ગયું. બાબાસાહેબનો નાનો ભાઈ ચિત્તુ પાછળ પડી ગયો. બાબાસાહેબે, રઝાકે બહુ સમજાવ્યો, પણ ચિત્તુ અમદાવાદ જવા કટિબધ્ધ હતો. નાછુટકે રઝાક તેને લઈને અમદાવાદ આવ્યો.

અમદાવાદ આવ્યા પછી ચિત્તુએ ઘટસ્ફોટ કર્યો. ઇન્ટરનેટ પર તેને એક છોકરીની ઓળખાણ થઈ હતી. બને જણ ચૅટ કરતાં હતાં-ફોન પર વાતો કરતાં હતાં. ચિત્તુએ પોતાના ફોનમાં એ છોકરીએ મોકલેલી તસવીરો રઝાકને બતાવી. બ્લાઉઝનાં ચાર બટન ખોલીને ક્લિવેજ બતાવતા, માત્ર હોઠના, નાભિના અને સેક્સી નાઇટી પહેરેલા એ છોકરીના ફોટોમાં ક્યાંય ચહેરો નહોતો... રઝાક આમ પણ શક્કી મિજાજનો, સાવધાન રહેનારો માણસ હતો. ફોટા જોઈને તેણે ચિત્તુને કહ્યું હતું, ‘લફડેવાલા કેસ હૈ, મત પડના.’ પરંતુ ચિત્તુ મોહાંધ હતો. તે કોઈ પણ સંજોગોમાં ફોટોમાં દેખાતી હસીનાને મળવા માગતો હતો. તેની સાથે શરીરસંબંધ બાંધવા બેતાબ હતો.


અમદાવાદ આવીને તેણે ફોન કર્યો ત્યારે એ છોકરીએ તેને પોતાના ઘેર બોલાવ્યો. રઝાકને વધુ વહેમ પડ્યો. તેણે ચિત્તુને ફરી સાવધાન કર્યો, ‘નહીં જતો. ઐસે કોઈ ઔરત અપને ઘર બુલાએ, મતલબ મામલા ગરબડ હૈ.’ ચિત્તુએ ન સાંભળ્યું, તે ધરાહાર સાંજે પેલી છોકરીએ આપેલા સરનામા પર જવા તૈયાર થયો. ટી-શર્ટ, જીન્સ અને સ્નીકર્સની સાથે જીન્સનું જૅકેટ પહેરીને કોઈ હીરો જેવો લાગતો હતો ચિત્તુ. તેણે ખૂબ બધું પરફ્યુમ છાંટ્યું. ખિસ્સામાં મિન્ટની ગોળીઓ અને કૉન્ડોમ લીધું ત્યાં સુધી રઝાક તેને રોકતો રહ્યો; પણ ચિત્તુ તો એ છોકરીના આકર્ષણમાં એવો ડૂબ્યો હતો કે ‘ગર્લફ્રેન્ડને મળીને આવું છું’ કહીને નીકળી ગયો.

એ પછી રઝાક પોતાની બહેનને ત્યાં ગયો. સૌ સાથે જમ્યાં. વાતો કરતાં રહ્યાં. રઝાક રાતે મોડો હોટેલ પર પાછો પહોંચ્યો ત્યાં સુધી ચિત્તુ નહોતો આવ્યો. છેક સવાર સુધી ચિત્તુ ન આવ્યો ત્યારે રઝાકે ફોન કર્યો, પણ ચિત્તુનો સેલફોન સ્વિચ્ડ ઑફ હતો! હવે તેના મોટા ભાઈને જણાવ્યા વગર છૂટકો નહોતો. રઝાકે બાબાસાહેબને ખબર આપ્યા. ચિત્તુની શોધખોળ શરૂ થઈ, પરંતુ ચિત્તુને અમદાવાદની જમીન ગળી ગઈ કે આકાશ ખાઈ ગયું... કંઈ ખબર ન પડી! હોટલનાં CCTV ફુટેજમાં બહાર નીકળતો દેખાયેલો ચિત્તુ એ પછી ક્યાં ગયો એ શોધવામાં બાબાસાહેબે કોઈ કસર ન છોડી, પરંતુ ચિત્તુનો પત્તો લાગ્યો નહીં. એ વખતે બાબાસાહેબ પક્ષના MP હતા. તેમની સામે આખી રાજકીય કારકિર્દી પડી હતી. હોમ મિનિસ્ટરની સીટ પર તેમની નજર હતી. પોતાનો જ ભાઈ ખોવાઈ ગયો એવી ફરિયાદ લખાવે તો શોધખોળ શરૂ થાય, હવાલાકાંડ ખૂલે અને સાથે-સાથે ભાઈ કદાચ મળી આવે તો તેનું સ્કૅન્ડલ પણ ચગ્યા વગર રહે નહીં. મજબૂરીમાં તે પોલીસ-ફરિયાદ કરી શક્યા નહીં. બાબાસાહેબની ઓળખાણો અને પહોંચ હતી ત્યાં સુધી તેમણે ચિત્તરંજનની પૂરી તપાસ કરાવી, પરંતુ કોઈ રીતે કોઈ સગડ તેમના વહાલા ચિત્તુ સુધી પહોંચ્યા નહીં. લગભગ એક વર્ષ સુધી ચિત્તુની શોધખોળ કરીને થાકેલા બાબાસાહેબે મન વાળી લીધું.  બાબાસાહેબ નિરાશ થયા, દુખી થયા ને પછી રાજકારણમાં એવા તો પરોવાયા કે પછીનાં પાંચ વર્ષમાં તેમણે હોમ મિનિસ્ટરની ખુરશી પર પોતાની બેઠક જમાવી દીધી.

હવે મહારાષ્ટ્રમાં તેમની બોલબાલા હતી. પક્ષ અને અન્ડરવર્લ્ડ બન્ને પર તેમનો બરાબર કાબૂ હતો. રઝાક તેમનું મહત્ત્વનું પ્યાદું હતો. હવાલા, બૅન્ક-રૉબરીથી શરૂ કરીને અપહરણ અને ખૂન સુધીના ગુનામાં રઝાક તેમનો સૂત્રધાર હતો. સાચું પૂછો તો બાબાસાહેબને આ ખુરશી સુધી પહોંચાડવા માટે રઝાક સીડીની જેમ ઊભો રહ્યો હતો. બાબાસાહેબને રઝાક સાથે બગાડવું પોસાય એમ નહોતું એટલે ચિત્તુવાળો કિસ્સો તેમણે જરા વિસારે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાનો ભાઈ તેમને જીવથીયે વહાલો હતો. તે કોઈ રીતે ચિત્તુને ભૂલી શકતા નહોતા. જ્યારે તક મળે ત્યારે તે રઝાકને સંભળાવવાનું છોડતા નહીં, પરંતુ હોમ મિનિસ્ટરની સીટ પર બેઠા પછી તેમણે તેમની રીતે શોધખોળ કરી, પરંતુ કોઈ પરિણામ ન મળ્યું ત્યારે રઝાકને લાગ્યું કે બાબાસાહેબ ધીરે-ધીરે ચિત્તુને ભૂલી ગયા છે, પરંતુ તેર વર્ષે અચાનક બાબાસાહેબે ફરી રઝાકનો હાથ આમળ્યો હતો. તેના ભાઈ અને દીકરાને જેલમાં પૂરીને સાતારાની બૅન્ક રોબરીના આરોપી તરીકે સપડાવ્યા હતા. રઝાકને કોઈ પણ રીતે ચિત્તુને શોધી લાવવાની તાકીદ કરી હતી...

આ આખી વાતમાં રઝાકને એક જ પ્રશ્ન મૂંઝવ્યા કરતો  હતો, તેર વર્ષે એવું શું થયું કે બાબાસાહેબ અચાનક ચિત્તરંજન શંકરરાવ મોહિતેને શોધવા આટલા બેબાકળા થઈ ગયા છે.

‘અચાનક તેર વર્ષે ચિત્તુને શોધવો પડે એવું શું થયું?’ દત્તાત્રેય શંકરરાવ મોહિતેની ધર્મપત્ની મંજરીએ પણ એ જ સવાલ પૂછ્યો.

‘છે... એક સમસ્યા ઊભી થઈ છે. ચિત્તુ નહીં જડે તો મિલકત અને ગામની જમીનમાંથી અડધો ભાગ આપવો પડશે.’ બાબાસાહેબ તેમની પત્નીથી ભાગ્યે જ કશું છુપાવતા. મંજરી પણ જમાનાની ખાધેલ અને પહોંચી વળે એવી મજબૂત બાઈ હતી. બાબાસાહેબની રાજકીય કારકિર્દીમાં તેનો પૂરેપૂરો ફાળો હતો. એક રીતે જોવા જાઓ તો મંજરી તેમની રહસ્યમંત્રી હતી. મંજરીના પિતા આર્મીમાં મરાઠા રેજિમેન્ટમાં અફસર હતા. ૧૯૭૧ની લડાઈમાં શહીદ થઈ ગયેલા ત્યારે મંજરી પાંચ વર્ષની હતી. મંજરીની માને પિતાના મૃત્યુ પછી ટીબી થઈ ગયો હતો. તેણે પથારી પકડી લીધી. પોતાનાથી નાનાં ચાર ભાઈ-બહેનોને મંજરીએ મા અને પિતા બન્નેનો પ્રેમ આપીને ઉછેર્યાં હતાં. આ સંઘર્ષમાં મંજરી મજબૂત થઈ ગઈ. બાબાસાહેબ-દત્તાત્રેય-દત્તુ તેને પહેલી વાર મળ્યો ત્યારે મંજરી ૧૯ વર્ષની હતી. માંજરી આંખો, લાંબા વાળ અને કોંકણસ્થ બ્રાહ્મણ જેવી ગોરી ત્વચા, પુષ્ટ અને કમનીય દેહવળાંકો જોઈને દત્તુ પહેલી નજરે પ્રેમમાં પડી ગયેલો; પણ મંજરી એમ હાથમાં આવે એમ નહોતી. દત્તુ પાસે ખૂબ જમીનો હતી. પિતાને બે જ દીકરા, બહેન નહોતી. દત્તુના પિતા શંકરરાવે તેમના એક કૉમન ઓળખીતા સાથે મંજરીને ત્યાં ઑફિશ્યલ માગું મોકલ્યું ત્યારે મંજરીએ શરત કરેલી કે ચારેચાર નાના ભાઈ-બહેનોને ભણાવવા અને પરણાવવાની જવાબદારી જો દત્તુ લે તો જ તેની સાથે લગ્ન કરશે. દત્તુએ જવાબદારી લીધી અને પૂરેપૂરી નિભાવી. સામે મંજરીએ પણ બાબાસાહેબની રાજકીય કારકિર્દી બનાવવા માટે જાન લગાવી દીધો. તેમનાં બધાં સપનાં પૂરાં કરવામાં તેમને સાથ આપ્યો એટલું જ નહીં, જરૂર પડી ત્યારે તેમના ખોટા ધંધામાં પણ મંજરી અડીખમ ઊભી રહી. પતિ-પત્ની બન્ને એકબીજાને બરાબર સમજતાં, સાચું પૂછો તો બન્ને એકબીજાનાં પૂરક હતાં. તેમને સંતાન નહોતું. હવે મંજરીની ઉંમર ૫૮ વર્ષની થવા આવી હતી, બાબાસાહેબ ૫૯ના... સંતાન થવાની આશા બન્નેએ છોડી દીધી હતી.

ચિત્તરંજન તેના મોટા ભાઈ દત્તાત્રેયથી દસ વર્ષ નાનો હતો. ૧૯ વર્ષની મંજરી પરણીને આવી ત્યારે ચિત્તરંજન દસ વર્ષનો હતો. મંજરી અને ચિત્તુ વચ્ચે દિયર-ભાભી કરતાં વધારે દોસ્ત અને મા-દીકરાના સંબંધ હતા. ચિત્તુ ખોવાઈ ગયો ત્યારે મંજરીએ ખૂબ ધમપછાડા કર્યા હતા. થોડો વખત ડિપ્રેશનમાં રહી, પણ પછી ધીમે-ધીમે તેણે જાતને સંભાળી લીધી. પતિ-પત્ની બન્ને માટે ચિત્તરંજન જ તેમનો વારસ હતો. તેના ખોવાઈ ગયા પછી હવે આ લખલૂટ સંપત્તિ અને કાળા-ધોળા કરોડો રૂપિયા બિનવારસી અટવાઈ જશે એ વિચારે બન્ને અવારનવાર બેચેન થઈ જતાં હતાં.

ચિત્તુ નહીં મળે એવું બન્નેએ લગભગ સ્વીકારી લીધું હતું ત્યારે બાબાસાહેબને એક એવા સમાચાર મળ્યા જેનાથી તેમને જીવન જીવવાની આશા જાગી ઊઠી. ચિત્તુને શોધવાનું મજબૂત કારણ તેમને જડી આવ્યું. જોકે એ સમાચાર સાચા હતા કે નહીં એની ખાતરી કરવા માટે પણ હવે બાબાસાહેબે તેમના ભાઈને શોધવો પડે એમ હતું.

તેમણે ઘરે આવીને રઝાકને કામે લગાડ્યાની માહિતી જ્યારે મંજરીને આપી ત્યારે મંજરીને પણ એ જ સવાલ થયો જે રઝાકને થયો હતો, ‘તેર વર્ષે અચાનક... તેને શોધવો પડે એવું શું થયું છે?’

‘ચિત્તુની મિલકતનો વારસદાર ઊભો થયો છે.’ બાબાસાહેબે પત્નીને માહિતી આપી, ‘એક છોકરી આવી છે, વાઈ ગામથી.’ મંજરી રસોડામાં કંઈ કામ કરતી હતી, તેના હાથ અટકી ગયા. બાબાસાહેબ કહેતા રહ્યા, ‘કહે છે કે તેનું અને ચિત્તુનું ચક્કર ચાલતું હતું. એમાં પ્રેગ્નન્ટ થઈ ગઈ. આ છોકરી ચિત્તુની છે.’

‘તેને તેર વર્ષે યાદ આવ્યું? ચિત્તુ ખોવાઈ ગયો ત્યારે તો આવી નહીં... હવે આટલાં વર્ષે...’ મંજરીને ભરોસો નહોતો.

‘છોકરી બાર વર્ષની છે.’ બાબાસાહેબ સહેજ ઇમોશનલ થઈ ગયા, ‘ચહેરેમહોરે ચિત્તુ જેવી છે.’ તેમણે સહેજ અટકીને ઉમેર્યું, ‘એ છોકરી ગાંડી છે.’

‘કોણ? ચિત્તુની છોકરી?’ મંજરી ભડકી, ‘કોક આમચાવર વેડ્યા મૂલી લા મારુન પળુન જાશિલ... જોજો!’

‘અરે છોકરી નહીં, તેની મા ગાંડી છે.’ બાબાસાહેબે કહ્યું, ‘છોકરીની નાની મરવાની છે એટલે હવે પોતાની ગાંડી દીકરી અને જુવાન થતી દોહિત્રીને સંભાળી શકે એમ નથી.’

‘પણ...’ મંજરી પણ વિચારમાં પડી.

‘DNA ટેસ્ટ કરાવીએ, ખાતરી કર્યા વગર હું એ છોકરીને ઘરમાં નહીં લઉં.’ બાબાસાહેબે સધિયારો આપ્યો, ‘પણ DNA ટેસ્ટ કરાવવા માટે ચિત્તુ તો જોઈએને?’ તેમણે કહ્યું. પતિ-પત્ની બન્ને ગહન વિચારમાં પડી ગયાં. પછી બાબાસાહેબે જરા ઇમોશનલ થઈને કહ્યું, ‘જો ખરેખર આપણા ચિત્તુની છોકરી હોય તો તેને રખડતી કેમ મુકાય? આપણી સંપત્તિનો કોઈ વારસ નથી. ભગવાને મોકલી હોય એવુંય બનેને?’ મંજરી પોતાની બિલાડી જેવી ચકળવકળ થતી રાખોડી આંખોથી તેની સામે જોતી રહી. બન્ને આ ૫૦-૫૦ ટકા શક્યતાની વચ્ચે બરાબરનાં ફસાયાં હતાં. હવે જ્યાં સુધી ચિત્તુ ન જડે ત્યાં સુધી આ છોકરીને સ્વીકારવી કે નકારવી એનો નિર્ણય થઈ શકે એમ નહોતો.

lll

છેલ્લા દોઢ દિવસમાં બની ગયેલી ઘટનાઓ પછી શામ્ભવી શિવને મળવા બેચેન થઈ ગઈ હતી. જે કંઈ થયું એ બધું જ તે શિવને કહેવા માગતી હતી. રાધા સાથેની મુલાકાત, રીતુનો અનંત માટેનો પ્રેમ અને એ પછીની સિલસિલાબંધ ઘટનાઓ સાથે તેની પાસે અનંતનું આપેલું એન્વેલપ હતું. એમાં રહેલા ફોટો અને વિગતો પણ શિવને દેખાડવાની શામ્ભવીને ઉતાવળ હતી.

અમદાવાદ શહેરની અલસ બપોર ને એમાંય આ ફાર્મહાઉસની બપોર શામ્ભવીને ખૂબ અકળાવતી. એક વિચિત્ર પ્રકારનો સન્નાટો ઘેરી વળતો આખાય વાતાવરણને. હવામાં હલતાં પાંદડાંની સરસરાહટ અને પંખીઓના કલરવ સિવાય ભાગ્યે જ કોઈ અવાજ સાંભળવા મળતો. માણસો પણ આરામ કરવા પોતાના કૉટેજમાં ચાલ્યા જતા એટલે ઘરમાં પણ કોઈ ચહલપહલ રહેતી નહીં. આ સમય પસાર કરવો શામ્ભવી માટે બહુ જ અઘરો થઈ જતો. ગઈ કાલથી તેના મગજમાં તેને મળેલા ફોટો, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ્સ અને બીજી વિગતો ચકરાવે ચડી હતી. શિવ સાથે વાત કરવી જરૂરી હતી.

તે બહાર નીકળી, ગાડીમાં બેઠી અને સીધી શિવની ઑફિસ પહોંચી ગઈ. રિસેપ્શનિસ્ટ સાથે પણ વાત કર્યા વગર દરવાજો ખોલીને શામ્ભવી મુખ્ય ઑફિસમાં દાખલ થઈ ગઈ. શિવ તેના ટેબલ પર બેસીને લૅપટૉપ પર કામ કરી રહ્યો હતો. ઑફવાઇટ કલરના કાલા કૉટનનો કુરતો અને બ્લુ જીન્સમાં શિવ હૅન્ડસમ દેખાતો હતો. તેણે તેના લાંબા વાળને બાંધીને એક રબરબૅન્ડ ભરાવ્યું હતું. તેના ગળામાં એમ્પ્લૉઈનું કાર્ડ હતું અને ચશ્માં સાથે તે ઉંમર કરતાં મોટો, મૅચ્યોર દેખાતો હતો. શામ્ભવીએ તેના કુરતાના કૉલર પકડી લીધા, ‘ચાલ, મારે તારી સાથે વાત કરવી છે.’

શિવ સહેજ ઝંખવાઈ ગયો. શામ્ભવીના હાથ છોડાવતાં તેણે ધીમેથી કહ્યું, ‘બિહેવ, શૅમ! ઑફિસ છે મારી...’

શામ્ભવીએ હાથ છોડી દીધા, ‘ચાલ, મારી સાથે.’ તેણે કહ્યું. શિવ તરત જ ઊભો થઈ ગયો. બન્ને જણ ઑફિસની બહાર નીકળી ગયાં. પ્રહલાદનગર પર આવેલા બિલ્ડિંગની નજીકની કૅફેમાં જેવાં ટેબલ પર ગોઠવાયાં કે તરત જ શામ્ભવીએ પર્સમાંથી પેલું બ્રાઉન એન્વેલપ કાઢીને ટેબલ પર મૂક્યું. શિવે આશ્ચર્યથી તેની સામે જોયું, ‘શું છે?’ તેણે પૂછ્યું.

‘ખોલીને જોઈશ તો બેભાન થઈ જઈશ.’ શામ્ભવીએ કહ્યું, ‘આના આધારે આપણે મૉમનો કેસ...’

‘કેસ? કયો કેસ?’ શિવે પૂછ્યું. શામ્ભવીનાં ભવાં ચડી ગયાં, ‘ગુસ્સે ન થા, પહેલાં મારી વાત સમજવાનો પ્રયત્ન કર. તને જે કોઈ આ બધું સમજાવે છે...’ શિવનો સીધો ઇશારો અનંત તરફ હતો, ‘તેને કોઈ સમજણ નથી.’

‘કોણ?’

શામ્ભવી ચિડાઈ ગઈ, ‘તું અનંતની વાત કરે છે રાઇટ? તે મારી મદદ કરે છે એનાથી તને જેલસી થાય છે...’ તેણે કહ્યું.

‘જેલસી? સિરિયસલી?’ શિવ હસી પડ્યો. એકસરખા ગોઠવાયેલા ચોખ્ખા દાંત, આછી દાઢી અને રબરબૅન્ડ બાંધેલા વાળ સાથે તે ખૂબ સોહામણો લાગી રહ્યો હતો, ‘શૅમ! તું સમજતી નથી. તારી મમ્મી જેલમાં છે એનો કોઈ પુરાવો જ નથી આપણી પાસે. આ જે કોઈ કાગળિયા તું લાવી છે, મેં જોયાં નથી, પણ હું તને સમજાવવા માગું છું કે કેસ ત્યારે બને જ્યારે વ્યક્તિ જીવતી હોય... તારી મમ્મી મરી ચૂકી છે. પોલીસના ચોપડે, મ્યુનિસિપલ કૉર્પોરેશનના રજિસ્ટરમાં...’ તેણે શામ્ભવીનો હાથ પોતાના હાથમાં લીધો, ‘હું તારી મદદ કરવા માગું છું, શૅમ! મુદ્દો એ છે કે આપણે ક્યાંથી શરૂ કરીએ...’

‘એટલે તો આ બધાં પેપર્સ લાવી છું. તું એક વાર જોઈ લે.’ શિવ નજર ભરીને પોતાની સામે બેઠેલી શામ્ભવીને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં દેખાતું ભોળપણ, આ જગત અને સિસ્ટમ વિશેની અણસમજ અને માને છોડાવવાનું પૅશન... શિવને ખૂબ વહાલ આવી રહ્યું હતું શામ્ભવી પર.તેએણે કશું જ બોલ્યા વગર એન્વેલપ ખોલ્યું. એમાંના કાગળો, ફોટો જેમ-જેમ તે જોતો ગયો તેમ-તેમ તેના ચહેરા પરના ભાવ બદલાતા ગયા. છેલ્લું પેપર જોયું ત્યારે તેના ચહેરા પર ગંભીરતા હતી, ‘આ બધું ક્યાંથી લાવી તું?’ તેણે પૂછ્યું.

‘અનંતે મેળવી આપ્યું.’ શામ્ભવીના અવાજમાં થોડું ગૌરવ અને ક્યાંક પહોંચ્યાનો આનંદ છાનો ન રહી શક્યો.

‘મને વિચારવા દે...’ શિવે કહ્યું, ‘આ લઈને આપણે કોની પાસે જઈએ? કોઈ રાજકારણી આપણી મદદ નહીં કરે, પોલીસ તો નહીં જ કરે...’ શિવ વિચારવા લાગ્યો, ‘તારા બાપુ પણ આમાં મદદ નહીં કરે.’

તેણે ધીમેથી કહ્યું, ‘આ લઈને તું મોહિની પાસે જા.’

‘વૉટ?’ શામ્ભવીનો અવાજ ઊંચો થઈ ગયો, ‘મગજ ઠેકાણે નથી તારું. તે આપણી મદદ કરશે?’

‘છૂટકો નથી તેનો!’ શિવના સોહામણા ચહેરા પર સ્મિત આવી ગયું, ‘ફોટો અને આ કાગળો જોયા પછી જો તે આપણી મદદ ન કરે તો આપણે શું કરી શકીએ એ વાત મોહિની સમજી જશે.’ શિવે આનંદથી શામ્ભવીનો હાથ પકડ્યો, ‘તું તો ખજાનો શોધી લાવી, યાર!’

શામ્ભવીએ કહ્યું, ‘તો હવે આપણે માને બહાર કાઢી શકીશુંને?’

શિવે સહેજ ફીકું, ઉદાસ સ્મિત કર્યું, ‘જરૂર!’ તેણે પોતાના હાથમાં પકડેલો શામ્ભવીનો હાથ થપથપાવ્યો, ‘રાધા આન્ટીને બહાર નીકળવું હશે તો આપણે તેમને જરૂર બહાર કાઢી શકીશું...’ પછી તેણે મનોમન કહ્યું, ‘કોણ જાણે કેમ મને એવું લાગે છે કે રાધા આન્ટી અંદર વધુ સલામત છે. કમલ અંકલે પણ તેમને એટલા માટે જ અંદર રાખ્યાં છે.’

શિવ આ વાત શામ્ભવીને કહી શક્યો નહીં, પરંતુ તેની ભીતર વસતા પત્રકારને સમજાતું હતું કે પરિસ્થિતિ જેટલી દેખાય છે એટલી સરળ અને સાદી નથી. ‘તું આ ફોટોઝ લઈને મોહિની પાસે જા. તેને સીધું જ પૂછ, જો તે કો-ઑપરેટ કરવા તૈયાર હોય તો બરાબર છે અને જો કો-ઑપરેટ કરવા તૈયાર ન હોય તો આપણે તેનું નાક દબાવીને મોઢું ખોલાવવું પડશે.’

શામ્ભવીએ બધું પાછું બ્રાઉન પેપરના કવરમાં ભર્યું. કવર પર્સમાં મૂક્યું, તે અને શિવ કૅફેમાંથી બહાર નીકળ્યાં, પરંતુ એ જ કૅફેમાં થોડે દૂર બેઠેલો એક માણસ ત્યાં જ બેસી રહ્યો. તેણે એક ફોન જોડ્યો, ‘લડકી વો હી હૈ... કન્ફર્મ!’ પછી ટેબલ પર ૫૦૦ની નોટ મૂકીને તે બેફિકરાઈથી બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2024 09:14 AM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK