દસ-વીસ વર્ષ પહેલાં સીન એવો હતો કે માતાપિતા ઇચ્છતાં કે તેમનો દીકરો કે દીકરી ડૉક્ટર, એન્જિનિયર, સી.એ. બને અથવા સરકારી નોકરીમાં લાગી જાય કે નાનોમોટો વ્યવસાય કરે તો તેનું ફ્યુચર સેટ થઈ જાય. પરંતુ હવે કરીઅર ઑપ્શનમાં ઘણીબધી જુદી-જુદી દિશાઓ ખૂલી ગઈ છે

બોરીવલીમાં રહેતી શ્રુતિ દોશીએ તદ્દન નવી જર્નીનો આરંભ અનાયાસ જ કરી લીધો
દસ-વીસ વર્ષ પહેલાં સીન એવો હતો કે માતાપિતા ઇચ્છતાં કે તેમનો દીકરો કે દીકરી ડૉક્ટર, એન્જિનિયર, સી.એ. બને અથવા સરકારી નોકરીમાં લાગી જાય કે નાનોમોટો વ્યવસાય કરે તો તેનું ફ્યુચર સેટ થઈ જાય. પરંતુ હવે કરીઅર ઑપ્શનમાં ઘણીબધી જુદી-જુદી દિશાઓ ખૂલી ગઈ છે. બોરીવલીમાં રહેતી શ્રુતિ દોશીએ આવા જ એક અલગ ફીલ્ડમાં કરીઅર બનાવી છે. તે ફોટોગ્રાફર છે. વેઇટ, શ્રુતિ માત્ર ફોટોગ્રાફર નથી, તે ‘બેબી-મૅટરનિટી ફોટોગ્રાફર’ છે. શ્રુતિ કહે છે કે, ‘હું બહુ ક્રીએટિવ પર્સન છું. મારે કશુંક કળાને રિલેટેડ જ કરવું હતું પણ કયા મીડિયમમાં કરવું છે એ નહોતી ખબર. એટલે જે નહોતું કરવું એ પણ કરી જોયું અને એ રીતે વસ્તુઓ એક્સક્લુડ કરતી ગઈ. મેં ડિજિટલ માર્કેટિંગ, ફાઇનૅન્સ અને એનજીઓ સેક્ટર શીખ્યાં છે અને મને સમજાયું કે મારે આ તો નથી જ કરવું. મને લાઇફમાં ઘણી ઑપોર્ચ્યુનિટી મળી છે અને મેં લીધી છે. એ બધામાંથી નીકળીને એક દિવસ મેં નક્કી કર્યું કે મારે ફોટોગ્રાફી જ કરવી છે. પપ્પા ફોટોગ્રાફર છે એટલે થોડુંક સરળ પડ્યું, પણ પપ્પાનું શરૂઆતથી કહેવું હતું કે શીખવું તો જાતે જ પડશે. તેમણે કાયમ માત્ર રિવ્યુ આપ્યા કે કામ સારું છે કે નહીં, બાકી બધું મેં મારી મહેનતથી કર્યું.’
બેબી-મૅટરનિટી ફોટોગ્રાફરની દિશા કેવી રીતે ઊઘડી એની વાત કરતાં શ્રુતિ કહે છે, ‘એક દિવસ હું અને મારી ફ્રેન્ડ કાલાઘોડા ફેસ્ટિવલ ગયાં હતાં, કંઈક એક્સપરિમેન્ટ કરીશું એવું વિચારીને. ત્યાં અમને એ ફ્રેન્ડની કઝિન મળી. તેણે પોતાની નાનકડી દીકરીના ફોટો પાડી આપવા કહ્યું. એ ફોટો તેને બહુ જ ગમ્યા અને મને વધુ ફોટો પાડવા પેઇડ અસાઇનમેન્ટ આપ્યું. ત્યાર બાદ સર્કલમાંથી બેચાર વધુ અસાઇનમેન્ટ મળ્યાં. ત્યાં સુધી હું ફૅશન ફોટોગ્રાફી તરફ ઢળેલી હતી. આ રીતે અલગ અને ઇન્ટરેસ્ટિંગ જોનર આવ્યું. થોડીક અવઢવ હતી, કારણ કે આપણે ત્યાં આ કન્સેપ્ટ હજી આવ્યો નહોતો. એ જ અરસામાં કઝિન્સને ત્યાં બેબીઝ આવ્યાં. તેમના ફોટો પાડ્યા. વધુ અનુભવ મળ્યો. પછી નક્કી કર્યું કે મારે આ જ કરવું છે અને ‘ટર્ક સ્ટુડિયો’નો જન્મ થયો. ‘ટર્ક’ નામ ટર્કોઇઝ કલર પરથી લીધું છે. ટર્કોઇઝ બ્રાઇટ કલર છે, એનર્જેટિક છે, ક્રીએટિવ છે. મારો ફેવરિટ છે.’
ADVERTISEMENT
૨૦૧૮માં બેત્રણ ઇન્ટરનૅશનલ બેબી ફોટોગ્રાફર્સ ઇન્ડિયા આવ્યા. શ્રુતિએ એ વર્કશૉપમાં ભાગ લીધો અને બેબી ફોટોગ્રાફીના વિધિવત્ પાઠ શીખ્યા. તે કહે છે, ‘આ જોનરમાં કામ કરતા ફોટોગ્રાફર હજીયે ઓછા જ છે. લોકોને કામ કરાવવું છે પણ કોની પાસે કરાવવું એ નથી ખબર. અમુક ઓળખીતાની માગ હતી કે હું વર્કશૉપ લઉં, શીખવાડું. મેં એ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. ત્રણ-ચાર મહિનામાં મારી વર્કશૉપ ચાલુ થઈ જશે.’
આજનું યુથ અલગ-અલગ ફીલ્ડમાં કરીઅર બનાવી રહ્યું છે, પોતાની આવડત યુટિલાઇઝ કરી રહ્યું છે. શ્રુતિ કૅમેરાની ભાષા સાથે રંગ અને પીંછીની ભાષા પણ જાણે છે. તે ખૂબ સરસ ઑઇલ પેઇન્ટિંગ્સ પણ બનાવે છે.

