Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્વાએટ ક્વિટિંગ : કામ અને જીવન વચ્ચે સંતુલન

ક્વાએટ ક્વિટિંગ : કામ અને જીવન વચ્ચે સંતુલન

28 August, 2022 01:23 PM IST | Mumbai
Kana Bantwa

વૈતરું કરવું કે જેટલું વળતર મળે એટલું જ, જવાબદારી હોય એટલું જ કામ કરવું?

ક્વાએટ ક્વિટિંગ : કામ અને જીવન વચ્ચે સંતુલન

કમ ઑન જિંદગી

ક્વાએટ ક્વિટિંગ : કામ અને જીવન વચ્ચે સંતુલન


હમણાં દુનિયાભરના કર્મચારીઓમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે, ક્વાએટ ક્વિટિંગ. ટ્રેન્ડનું નામ મિસલીડિંગ છે, ગેરમાર્ગે દોરે એવું છે. એમાં નામ પ્રમાણે નોકરી છોડી દેવાની વાત નથી, જેટલું વળતર મળતું હોય એટલું જ કામ કરવું, સોંપાયેલું કામ જ કરવું, પોતાની જવાબદારી હોય એનાથી જરાય વધુ કે ઓછું કામ ન કરવું. જેટલો સમય નોકરી હોય એનાથી એક મિનિટ પણ વધુ કામ ન કરવું, પ્રમોશન મેળવવા માટે એક્સ્ટ્રા કામ ન કરવું, બૉસને ખુશ કરવા માટે વધારાનું વૈતરું ન કરવું એને ક્વાએટ ક્વિટિંગ કહેવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર વિશ્વભરના કર્મચારીઓમાં આ ટ્રેન્ડ એટલો વાઇરલ થઈ રહ્યો છે કે કંપનીઓ ચિંતામાં પડી ગઈ છે. નોકરી ટકાવી રાખવા માટે જરૂરી હોય એટલું જ કામ કરવું, બાકીનો સમય પોતાના અંગત જીવન માટે આપવો એવો કન્સેપ્ટ ક્વાએટ ક્વિટિંગ ટ્રેન્ડનો છે. નોકરીમાં વધારાનું કામ કરીને, ટાર્ગેટ પૂરા કરવા માટે સતત ભાગંભાગ કરીને, પ્રમોશન માટે ઘડિયાળ સામે જોયા વગર તનતોડ મહેનત કરીને બર્ન્ટ આઉટ થઈ જવાને છોડી દેવું એ ક્વાએટ ક્વિટિંગ છે. નોકરીમાં તૂટી મરીને એ સિવાયની જિંદગીને બદતર બનાવી નાખવાને બદલે નોકરી અને જિંદગી વચ્ચે સંતુલન સાધવાને નવી પેઢી ક્વાએટ ક્વિટિંગ કહી રહી છે. કોરોનાની શઆત થઈ પછીના વર્ષે ૨૦૨૧માં દુનિયાભરમાં ગ્રેટ રેઝિગ્નેશન ટ્રેન્ડ ચાલ્યો હતો. કોરોનાની ભયાનકતાથી જે સ્મશાનવૈરાગ્ય આવ્યો હતો, જિંદગી ગમે ત્યારે પૂરી થઈ જઈ શકે, જીવી લેવું મહત્ત્વનું છે એવો ભાવ જાગ્યો હતો એને કારણે આ ટ્રેન્ડ વહેતો થયો હતો. આવા કોઈ પણ ટ્રેન્ડ શરૂ થાય એટલે માણસો ગાડરિયા પ્રવાહની જેમ એમાં જોડાવા માંડે. ગ્રેટ રેઝિગ્નેશન ટ્રેન્ડ વખતે વિશ્વના ૩૦૦ કરોડ નોકરિયાતોમાંથી ૪૦ ટકા જેટલા કર્મચારીઓ પોતાની નોકરી છોડી દેવા ઇચ્છતા હતા એવાં સર્વેક્ષણ ત્યારે થયાં હતાં. ભારતમાં ૮૬ ટકા કર્મચારીઓ ૬ મહિનામાં નોકરી છોડી દેવાનું આયોજન કરી રહ્યા છે એવો સર્વે પણ થયો હતો. ગ્રેટ રેઝિગ્નેશન ટ્રેન્ડમાં તણાઈને થયેલાં આ સર્વેક્ષણો પ્રમાણે કશું થયું નહીં. હા, નોકરી છોડનારાઓની ટકાવારી ખાસ્સી વધી ગઈ હતી ખરી. પણ સર્વે પ્રમાણે લોકોએ જૉબ છોડી નહીં. કર્મચારીઓ નોકરીમાં તૂટી મરવાથી થાકી ગયા છે, વૈતરું કરવાથી કંટાળી ગયા છે, જેમને લાગે છે કે નોકરીને કારણે તેઓ જીવનને માણી શકતા નથી, પણ આર્થિક મજબૂરીને કારણે નોકરી છોડી શકે એમ નથી તેઓને ક્વાએટ ક્વિટિંગ, ચૂપચાપ સોંપેલું કામ જ કરવું એ વલણ ગમી ગયું છે. એક ચીની કર્મચારીએ બનાવેલા ટિકટૉક વિડિયોથી આ ટ્રેન્ડ શરૂ થયો હોવાનું માનવામાં આવે છે, હવે તો આ ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર ટૉપ ટ્રેન્ડિંગ છે.

નોકરીમાં નિયત કામ જ કરવું. પ્રમોશન, ઇન્સેન્ટિવ, પ્રગતિના ચક્કરમાં જીવનના અન્ય રસને ન ગુમાવવા, કામ અને જિંદગી બન્નેને સરખું મહત્ત્વ આપવું એમ કહેતા આ ટ્રેન્ડના સારા અને નરસા બન્ને પાસાંને કાળજીપૂર્વક સમજવા જેવાં છે. પહેલી વાત તો એ કે જીવન જીવવા માટે કામ કરવામાં આવે છે, કામ કરવા માટે જીવવામાં નથી આવતું. કામ મહત્ત્વનું છે, પણ જિંદગી કરતાં મહત્ત્વનું નથી. અત્યારે જમાનો સ્પર્ધાનો છે, ઉત્પાદકતાનો છે. કર્મચારીઓ વધુમાં વધુ કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે અને એ માટે જાતજાતના ઉપાયો કરવામાં આવે છે. માર્કેટિંગના ફીલ્ડમાં તો કર્મચારીઓને સાવ નિચોવી લેવામાં આવે છે. કર્મચારીઓના પર્ફોર્મન્સ માટે સામ, દામ, દંડ, ભેદ બધી જ યુક્તિઓ અજમાવી લેવાય છે. જિંદગીમાં થોડી નિરાંત પણ હોવી જોઈએ. પોતાના માટે, પોતાનાઓ માટે માત્ર સમય જ નહીં, પોતાના સોએ સો ટકા અસ્તિત્વ સાથેનો સંગાથ આપવો જોઈએ. સફળ થવા માટે સંઘર્ષ કરતા રહેવું એ જ માત્ર જીવન નથી. જીવનમાં થોડો અવકાશ પણ હોવો જોઈએ. આરામની પળો પણ હોવી જોઈએ. પોતાને ગમતી પ્રવૃત્તિ કરવા માટેની મોકળાશ હોવી જોઈએ. પોતાને માટે વિચારવાની તક મળવી જોઈએ. આખો દિવસ કામ કરીને ચિચોડામાં પિલાયેલા શેરડીના સાઠા જેવા રસકસ વગરના બની જઈને, બર્ન્ટ આઉટ થઈ જઈને, નિચોવાઈને ઘરે પહોંચવું એ જિંદગી નથી. પોતાને માટે પણ થોડો ઉત્સાહ, થોડી ઊર્જા બચી હોવી જોઈએ. આઠ-દસ કલાકના કામ પછી બાકી બચતા થોડા કલાકો જીવી શકાય, માણી શકાય એટલી જીવંતતા તો બચવી જોઈએ. જીવનને એની અખિલાઈમાં, ફુલેસ્ટ જીવી લેવું એ જ સાચી જિંદગી છે એ વાતને નકારી શકાય નહીં. કર્મચારીઓ વેતનના બદલામાં કૌશલ્ય આપે છે. તેમને માટે વળતર મહત્ત્વનું છે. જે લોકો ક્વાએટ ક્વિટિંગમાં જોડાઈ રહ્યા છે તેઓ કહે છે કે વધુ કામ કરીશું તો કંપની સફળ થશે, કર્મચારીઓ નહીં. કર્મચારીને તો થોડું વધુ વળતર મળશે એટલું જ.પણ, આ ટ્રેન્ડ જેટલો દેખાય છે એટલો પૉઝિટિવ નથી. એનાં નુકસાન અને જોખમો લાંબા ગાળાનાં છે અને અત્યારે કર્મચારીઓને એ દેખાતાં નથી. સોંપેલું કામ જ થતું હોત તો આ જગત આટલું વિકસિત ન જ હોત. ક્વાએટ ક્વિટિંગ અપનાવી રહેલા કર્મચારીઓનું કંપની સાથેનું જોડાણ, અનુબંધ ઢીલાં પડી જાય. એમ્પ્લૉઈ એન્ગેજમેન્ટ રહે નહીં. કર્મચારી કંપનીના વિકાસ કે સફળતા માટે વિચારવાનું બંધ કરી દે. ઉત્પાદકતા ઘટે, નફો ઘટે. આ બધું જ થાય. તમે કહેશો કે ભલે થાય, એમાં કર્મચારીઓને શું લેવાદેવા? કર્મચારીઓને જ લાગેવળગે છે. પાઘડીનો વળ છેડે આવે. કંપનીની ઉત્પાદકતા ઘટે, પેઢીનો નફો ઘટે એટલે પહેલો માર પગાર પર પડે. પછી વાર્ષિક પગારવધારો આવે ત્યારે અપેક્ષાઓ પણ ક્વાએટ ક્વિટિંગ જેટલી જ રાખવી. આ ટ્રેન્ડ ચાલુ રહે તો અંતે નુકસાન કર્મચારીઓને જ જશે.


વાસ્તવમાં, આ એક આત્યંતિક ટ્રેન્ડ છે. અતિની ગતિ નહીં. અતિ સર્વત્ર વર્જયેત. માણસને કામ સિવાય પોતાને આનંદ આપનાર, શુકૂન આપનાર, ખુશી આપનાર, સંતોષ આપનાર, અન્ય કામ કરવાથી મોકળાશ હોવી જોઈએ, પણ એને માટે કામનો ભોગ આપવામાં આવે, પોતાના કર્તવ્યમાંથી ચૂકી જવામાં આવે એ યોગ્ય નથી. આ ટ્રેન્ડ અકર્મણતા પેદા કરે છે, અકરમીઓ પેદા કરનાર છે. ભગવદ્ગીતામાં કૃષ્ણએ ત્રણ પ્રકારનાં કર્મ ગણાવ્યાં છે; કર્મ, અકર્મ અને વિકર્મ. એમાંનું અકર્મ અકરમીઓ પેદા કરે છે. કામથી, કર્તવ્યથી ભાગવાનો મનુષ્યનો સ્વભાવ છે. આળસ માણસના દિલમાં ટૂંટિયું વાળીને પડી જ હોય છે. જરાક મોકો મળે કે તરત જ ઊભી થઈને નાગણની જેમ ફૂંફાડો મારે જ. જરૂર કામ અને જિંદગી બન્નેને પૂરી નિષ્ઠાથી જીવવાની છે. કામ કરો ત્યારે પૂરા કૌશલ્યને એમાં લગાડી દો અને જ્યારે કામ પરથી ઘરે આવો ત્યારે કામને ઑફિસમાં, પેઢીમાં, ધંધાના સ્થળે છોડીને જ આવો. એનું પોટલું માથા પર લઈને ઘરમાં ન પ્રવેશો.
પોતાનું નિયત કર્મ કરવાથી વધુ પવિત્ર આ જગતમાં કશું જ નથી. આ જ કર્મયોગ છે. એ કર્મ તમને જિંદગી જીવવામાં નડતરરૂપ ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. બૅલૅન્સ કરવાની ફરજ તમારી છે. અકર્મણ્યતાની પ્રતિષ્ઠા કરીને આ જગતને નુકસાન કરવાનું યોગ્ય નથી. ભારત ભૂતકાળમાં આનો શિકાર બની ચૂક્યું છે. એક મહાન સંસ્કૃતિ અકર્મણ્યતાની પ્રધાનતાને કારણે જ પતનની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. ભારતીયો વિશ્વમાં સૌથી મહેનતુ કર્મચારીઓ ગણાય છે એટલે અહીં કૉર્પોરેટમાં હજી આ ટ્રેન્ડ આવ્યો નથી, સરકારી ઑફિસોમાં તો દાયકાઓથી આ જ ટ્રેન્ડ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2022 01:23 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK